તક્રારિષ્ટ : ‘તક્ર’ એટલે કે છાશને મુખ્ય દ્રવ્ય તરીકે લઈ બનાવેલ અરિષ્ટ પ્રકારનું ઔષધ. ‘ચરકસંહિતા’કારે ચિકિત્સાસ્થાનના આ ઔષધનો ગ્રહણીરોગની ચિકિત્સા રૂપે ઉલ્લેખ કર્યો છે.

તક્રારિષ્ટ આ રીતે બને છે : અજમો, આમળાં, હરડે અને કાળાં મરી આ દરેક 3 પલ (1 પલ = 40 ગ્રામ); પાંચેય નમક (સિંધવ, સંચળ, બીડલૂણ, સામુદ્રિક લવણ, ઔદિભદ-વરાગડું મીઠું) એ દરેક 1 પલ. એ બધાંનું ચૂર્ણ મિશ્ર કરી બે કંસ (બે આઢક = 5 લિટર, 120 મિલિ.) પ્રમાણમાં તાજી છાશ નાંખી તેને થોડા દિવસ પડ્યું રહેવા દે છે. જ્યારે તેમાં ખટાશ અને ઔષધોનો રસ વ્યક્ત થઈ જાય ત્યારે તેને ગાળીને બાટલા ભરી લેવામાં આવે છે.

આ તક્રારિષ્ટ જઠરાગ્નિવર્ધક તથા સોજા, ગુલ્મ, હરસ, કૃમિ, પ્રમેહ, સંગ્રહણી અને ઉદરરોગોનો નાશ કરનાર છે.

આ ઔષધની માત્રા 20થી 25 ગ્રામ કે રોગીની સ્થિતિ મુજબ અપાય છે. તક્રારિષ્ટનો એક બીજો પાઠ ચરકે ‘અર્શરોગાધિકાર’માં આપેલ છે. આ સિવાય ‘અષ્ટાંગસંગ્રહ’ના ચિકિત્સાસ્થાનમાં પણ ચરકે ગ્રહણીરોગમાં કહેલ તક્રારિષ્ટનો પાઠ આપેલ છે. અત્યારની કોઈ ફાર્મસી આ ઔષધ બનાવીને વેચતી નથી.

બળદેવપ્રસાદ પનારા