ડોડા : કાશ્મીરના જમ્મુ પ્રદેશમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 33° 08´ ઉ. અ. અને 75° 34´ પૂ. રે.. આ જિલ્લાના કીશ્તવાર, રામબન અને ભદ્રવાર એમ ત્રણ તાલુકા છે. જિલ્લાનું ક્ષેત્રફળ 5170 ચોકિમી. છે અને તેની કુલ વસ્તી 4,09,576 (2011) છે.

હિમાલયનો દક્ષિણ-પશ્ચિમ ભાગ આ જિલ્લામાં આવેલો છે. આ જિલ્લો ડુંગરાળ અને જંગલવાળો છે. તેમાં દેવદાર, ઓક, પાઇન વગેરે વૃક્ષો મળે છે. ચિનાબ નદી આ જિલ્લામાંથી પસાર થાય છે. અહીં જુલાઈથી ઑક્ટોબર સુધીમાં 600થી 800 મિમી. વરસાદ પડે છે. થોડો વરસાદ શિયાળામાં પણ પડે છે. ડુંગરાળ પ્રદેશને કારણે ઉનાળામાં ખુશનુમા વાતાવરણ રહે છે. શિયાળો સખત હોય છે. ઘઉં, જવ, તેલીબિયાં ત્યાંના મુખ્ય પાક છે. લોકોની આજીવિકાનો આધાર ખેતી, પશુપાલન અને ખાણઉદ્યોગ ઉપર છે. જિલ્લામાં કીશ્તવાર, ડોડા અને ભદ્રવાર ત્રણ શહેરો છે. બાકીનો ગ્રામ વિસ્તાર છે.

આ પ્રદેશ ડુંગરાળ અને જંગલવાળો  હોઈને તે ત્રાસવાદીઓ માટે છૂપું આશ્રયસ્થાન બને છે.

શિવપ્રસાદ રાજગોર