ડોડી : દ્વિદળી વર્ગના એસ્કેલપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leptadenia reticulata Wight & Arn. (સં. જ્હ્રઝ, હિં. ઝહ્રજ્રહ્મ; મ. અને ગુ. ડોડી, નાની ડોડી, ખીર ખોડી, રાઈ ડોડી, વર્ષા ડોડી, શિંગુટી; તે. કલાસા; તા. પલાઈકકોડી) છે.

બહુશાખિત આધારની ફરતે વીંટળાઈને આરોહણ કરતી ક્ષુપ-સ્વરૂપ વેલ. હિમાલયના તળેટી વિસ્તાર, પંજાબ, ઉત્તરપ્રદેશ તેમજ દક્ષિણ ભારતમાં ખાસ કરીને વાડમાં થાય છે. છાલ પીળાશ પડતી તપખીરિયા રંગની, બૂચના વૃક્ષની છાલ જેવી, ઊંડી તિરાડોવાળી હોય છે. પર્ણો નીચેથી પહોળાં  હૃદયાકાર અથવા  લંબગોળાકાર, ચર્મિલ અને સમ્મુખ ગોઠવાયેલાં હોય છે. તેની ઉપરની સપાટી સુંવાળી અને નીચેની સપાટી અંશત: રોમિલ હોય છે. પુષ્પવિન્યાસ બહુશાખી પરિમિત પ્રકારનો હોય છે. પુષ્પ લીલાશ પડતાં પીળાં, ફળો  એકસ્ફોટી (follicle) પ્રકારનાં  6.0થી 9.0 સેમી. લાંબાં હોય છે.

ડોડીનાં કંદ જેવાં મૂળ, કુમળા પ્રરોહો અને કાચાં ફળો અછતની પરિસ્થિતિમાં ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. કુમળી ડોડીના ફળનું શાક પણ થાય છે. વનસ્પતિ ઉદ્દીપક (stimulant) અને  પુન: સ્થાપક (restorative) છે. ઘણી વખત નાક અને કાનનાં દર્દોમાં વપરાય છે. પાન અને મૂળ ચામડીના રોગો અને ઘા ઉપર અસરકારક છે. મૂળ અને પાનનો આલ્કોહૉલમાં બનાવેલો અર્ક ચેપનાશક પુરવાર થયેલ છે. તે ગ્રામ ધન(+ve)ના ઋણ (-ve) જીવાણુઓ જેવા કે Micrococcus pyogens, Bacillus megatherium, Escherichia coli, Salmonella typhi અને Proteus vulgaris તથા Trycophyton rubrum પર પણ અસરકારક છે. આ વનસ્પતિ વારંવાર થતા ગર્ભપાતમાં પણ અકસીર ગણાય છે.

ભરતસિંહ ગંભીરસિંહ વશી