ડોઝ યોજના : પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય થતાં ફ્રાન્સ, બ્રિટન, યુ.એસ. વગેરે વિજેતા સાથી દેશોએ એના પર યુદ્ધદંડ તરીકે છ અબજ સાઠ કરોડ પાઉંડનું અતિ મોટું દેવું લાદ્યું હતું. પરંતુ જર્મની એ ભરી શકે તેમ ન હતું અને એ ભરવાની એની ઇચ્છા પણ ન હતી. જર્મની યુદ્ધવળતરના વાર્ષિક હપતા ભરવામાં નિષ્ફળ જતાં ફ્રાન્સ, ઇટાલી અને બેલ્જિયમનાં લશ્કરી દળોએ જર્મનીના સમૃદ્ધ પ્રદેશ રુહરનો કબજો લીધો; પરંતુ એનાથી પરિસ્થિતિ વધારે બગડી. જર્મનીના ચલણ માર્કનું અવમૂલ્યન થયું અને એની કોઈ કિંમત ન રહી. જર્મની જો દેવાળિયું રહે તો વિજેતા સાથી દેશોને જ નુકસાન હતું. તેથી જર્મનીની આર્થિક સ્થિતિ સુધારવા વિજેતા સાથી દેશોનો પોતાનો આંતરદેવાનો પ્રશ્ન હલ કરવા અને એ સાથી દેશોને જર્મની નિયમિત રીતે વળતરના હપતા ચૂકવી શકે એવી યોજના વિચારવા એક સમિતિ રચવામાં આવી. એના પ્રમુખ તરીકે યુ.એસ.ના જનરલ ચાર્લ્સ ડોઝ હતા તેથી તે ડોઝ સમિતિ તરીકે ઓળખાઈ. એમાં ફ્રાન્સ, ઇટાલી, બ્રિટન, યુ.એસ. અને બેલ્જિયમના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિનું મુખ્ય કાર્ય જર્મનીના બજેટને સમતોલ કરવાનું અને તેના ચલણને સ્થિર રાખવાના ઉપાયો સૂચવવાનું હતું.

ડિસેમ્બર, 1923માં ડોઝ સમિતિની રચના થઈ અને એપ્રિલ, 1924માં એટલે ચાર માસમાં એણે પોતાનો અહેવાલ રજૂ કર્યો, જે ડોઝ યોજના તરીકે જાણીતો થયો. આ યોજનામાં જર્મની તરફ વેરભાવ રાખવાને બદલે તેની વાસ્તવિક આર્થિક સ્થિતિને ખ્યાલમાં રાખી  એ યુદ્ધદંડ ભરી શકે એવાં વ્યવહારુ સૂચનો કરવામાં આવ્યાં હતાં. જર્મનીમાં માર્કનું ચલણ નિષ્ફળ જતાં રુટેન માર્કનું નવું ચલણ શરૂ કરવામાં આવ્યું હતું. થોડા  સમયમાં  રુટેન માર્કનું પણ અવમૂલ્યન થયું તેથી ડોઝ યોજનામાં રાઇક માર્ક નામનું નવું ચલણ શરૂ કરવાની ભલામણ કરવામાં આવી. આ નવા ચલણ રાઇક માર્કને છાપવા અને તેના પર અંકુશ રાખવા રાઇકસ બૅંકની સ્થાપના કરવામાં આવી. આ બૅંકની કામગીરી પર દેખરેખ રાખવા સાત જર્મન અને સાત વિદેશી સભ્યોની એક સમિતિ રચવામાં આવી.

ડોઝ યોજનામાં જર્મનીએ ભરવાના વાર્ષિક હપતાઓનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. એ હપતાઓમાં પ્રથમ પાંચ વર્ષ સુધી જર્મનીએ વાર્ષિક પાંચ કરોડ પાઉંડની રકમ વળતર પેટે ભરવાની હતી. જર્મનીની આર્થિક સ્થિતિ સુધરે તેમ એ રકમમાં વધારો થવાનો હતો. જર્મનીએ આ હપતા રેલવે બૉન્ડ, વાહનવ્યવહાર, ઔદ્યોગિક ડિબૅંચર, તમાકુ, આલ્કોહૉલ, બિયર અને ખાંડની આવકમાંથી પોતાના ચલણમાં ભરવાના હતા. ડોઝ યોજનાના અમલ અને સંચાલન માટે એજન્ટ જનરલની નિયુક્તિ કરવામાં આવી. એ અધિકારી સમગ્ર યોજનાનો હવાલો સંભાળતો હતો. જર્મનીની આર્થિક સ્થિતિ સુધારવા અને ડોઝ યોજનાને ઝડપથી અમલમાં મૂકવા ડોઝ સમિતિેએ સાથી વિજેતા દેશોને રુહરનો પ્રદેશ ખાલી કરવાની સૂચના આપી. જર્મની તેનો પ્રથમ હપતો સહેલાઈથી તરત જ ભરી શકે એ માટે તેને ચાર કરોડ પાઉંડની લોન  આપવામાં આવી. યુ.એસ. ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ આ યોજનાને આવકારી અને ઑગસ્ટ, 1924માં એને મંજૂરી આપી. એના અમલ માટે યુ.એસ.ના સેમુર પાર્કર ગિલ્બર્ટ નામના અધિકારીની એજન્ટ જનરલ તરીકે નિમણૂક થઈ. જર્મની દેવાનો હપતો ભરવામાં નિષ્ફળ ગયું છે એવો નિર્ણય વળતર કમિશન સર્વાનુમતિથી જ લઈ શકે એવો સુધારો કરવામાં આવ્યો. આ યોજનાને મંજૂરી મળ્યા પછી સાથી દેશોએ રુહરનો વિસ્તાર ખાલી કર્યો.

આ યોજનાથી જર્મનીના વ્યાપારઉદ્યોગમાં વધારો થયો. યુરોપીય દેશોમાં જે તંગદિલી પ્રવર્તતી હતી તે દૂર થઈ. આ યોજના જર્મનીની વાસ્તવિક આર્થિક સ્થિતિને લક્ષમાં રાખીને ઘડાઈ હતી. વળી, નિશ્ચિત કરમાંથી જ વળતરના હપતાઓ ભરવાના હતા તેથી જર્મનીના લેણદાર દેશોમાં તેની શાખ વધી. ડોઝ યોજનામાં કેટલીક અસ્પષ્ટતાઓ પણ હતી. જર્મનીએ હપતાના સ્વરૂપમાં કુલ કેટલી રકમ કેટલા સમયમાં ભરવાની છે એની સ્પષ્ટતા એમાં કરવામાં આવી ન હતી. 1924થી 1928 સુધી એણે વિદેશી લોનોમાંથી જ દેવાના હપતા ભર્યા. અંતે વળતરના પ્રશ્નના કાયમી ઉકેલ માટે 1929માં યુ.એસ.ના ઓવન યંગના પ્રમુખપદે એક સમિતિની રચના કરવામાં આવી.

મુગટલાલ પોપટલાલ બાવીસી