ડોડા : ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ‘જમ્મુ-કાશ્મીર’નો જિલ્લો અને જિલ્લામથક.

ભૌગોલિક સ્થાન : તે 32 53´ ઉ. અ.થી 34 21´ ઉ. અ. અને 75 1´ પૂ. રે.થી 76 47´ પૂ. રે.ની વચ્ચે, બાહ્ય હિમાલયની હારમાળામાં આવેલો છે.  સમુદ્રની સપાટીથી સરેરાશ 1107 મીટરની ઊંચાઈએ તે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કિશ્તવાર જિલ્લો, પૂર્વે હિમાચલ પ્રદેશ રાજ્ય, દક્ષિણે કથુઆ, નૈર્ઋત્યે ઉધમપુર જિલ્લો, પશ્ચિમે રામબન જિલ્લો અને વાયવ્યે અનંતનાગ જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે.

ભૂપૃષ્ઠ – આબોહવા– વનસ્પતિ – પ્રાણીસંપત્તિ : સપાટ ડુંગરધાર તથા 600 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતી ખીણો જે આ પ્રદેશની મુખ્ય લાક્ષણિકતા છે. મોટા ભાગની નદીઓએ કાપકૂપ કરીને પહોળી તથા તીવ્ર ઢાળ ધરાવતી ખીણોનું નિર્માણ કર્યું છે. અહીં મુખ્ય નદી ચિનાબ છે, જ્યારે તેની સહાયક નદી સ્ટોડ અને નીરુ (Neeru) છે. નાનામોટા જળધોધ પણ અહીં આવેલા છે.

આ જિલ્લામાં હિમાલય પર્વતીય હારમાળાના ઊંચાઈ ધરાવતા ડુંગરો આવેલા હોવાથી ચોક્કસ આબોહવા કહી શકાય નહીં. તેમ છતાં કહી શકાય કે અહીંની  આબોહવા ઉપ-ઉષ્ણકટિબંધ પ્રકારની છે. આબોહવા સૂકી અને અવારનવાર વરસાદના ઝાપટાં અનુભવાય છે. દરેક સ્થળે તાપમાનની વિવિધતા હોય છે. રામબન અને ડોડામા તાલુકાઓનું તાપમાન હૂંફાળું રહે છે. વર્ષના પાંચેક મહિનાઓ દરમિયાન સ્નો પડતો રહે છે. ખાસ કરીને ડેસા ખીણ, ભાગવા તાલુકા, મારવાહ, વારવાનક્ષેત્રો મુખ્ય છે. ઉનાળામાં વરસાદ અનુભવાતો નથી. શિયાળામાં બરફવર્ષા થતી રહે છે, પરંતુ ઊંચાઈ ધરાવતા સ્થળે કાયમ બરફવર્ષા થતી જ રહે છે. વર્ષાઋતુનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બર માસનો છે. ડોડા ખાતે આ સમયમાં મહત્તમ વરસાદ પડતો હોય છે. આ જિલ્લામાં સરેરાશ વરસાદ 926 મિમી. જ્યારે બરફવર્ષા 135 મિમી. રહે છે. અહીં સરેરાશ વરસાદ પૂરતો પડતો ન હોવાથી અવારનવાર દુષ્કાળની પરિસ્થિતિ અનુભવાય છે.

અહીં આલ્પાઈન જંગલો તથા ચરાણભૂમિનું મિશ્રણ જોવા મળે છે. મોટે ભાગે અહીં સિલ્વર ફર, ચીડ, જુનીયર અને બર્ચ જેવાં પોચા લાકડાનાં વૃક્ષો જોવા મળે છે. અનેક પ્રકારના ફૂલોના છોડ અને નાના વેલાઓ પણ અધિક છે. ઢોળાવવાળા વિસ્તારોમાં ઘાસ ઊગી નીકળતું હોવાથી પશુપાલનપ્રવૃત્તિ વિકસેલી છે. આ જંગલોમાં હરણ, સાબર, રીંછ, વરુ જેવાં પ્રાણીઓ જોવા મળે છે.

અર્થતંત્ર : આ જિલ્લામાં જમીન કાંકરા-પથ્થરવાળી હોવાથી ફળદ્રૂપતા ઓછી છે. આ વિસ્તારની જમીનોનું દળ પાતળું હોય છે. વનસ્પતિનાં પાન સડવાથી ઉપરના સ્તરની જમીનનો રંગ કાળો જોવા મળે છે. ઊંડાઈએ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. આ જિલ્લામાં ડાંગર,  મકાઈ, જવ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી, ફળો અને કેસરની ખેતી થાય છે. આ જિલ્લાનાં આશરે 6000 ઘરો ખેતી સાથે સંકળાયેલાં છે. ખેતીની સાથે બાગકામ કે ઉદ્યાનનિર્માણમાં રસ લેતા થયાં છે. આ જિલ્લાની 8193 હેક્ટર ભૂમિ ઉપર તાજાં ફળોની ખેતી થાય છે. જ્યારે 6029 ભૂમિ ઉપર સૂકાં ફળોની ખેતી થાય છે. અહીં સફરજન, અખરોટ, કીવી, પીચ, ચેરી, ખાટાં ફળો, બદામ અને ઑલિવની ખેતી થાય છે. શાકભાજીમાં બટાટા, કોબીજ, ફુલેવર, ગાજર, મૂળા, મશરૂમ, ટમેટાં, લીલાં પાનવાળી ભાજી વગેરેની ખેતી જોવા મળે છે. અહીં અફીણની પણ ખેતી લેવાય છે.

અહીં કેટલાક લઘુઉદ્યોગો ઊભા થયા છે જેમાં ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ, ખાદ્યપ્રકમણ, ઔષધિ બનાવવાના, મધ, બેકરી, આઇસક્રીમ જેવાનો સમાવેશ થાય છે. અહીં સીસું, અબરખ, ચિરોડી, મૅંગેનીઝ, ગ્રૅફાઇટ, તાંબાના અયસ્ક અને આરસપહાણનો અનામત જથ્થો સંગ્રહાયેલો છે. ઉપરોક્ત ખનિજો ઉપર આધારિત ઉદ્યોગો ઊભા થઈ શક્યા નથી તેના માટે અહીંનો સંવેદનશીલ વિસ્તાર જવાબદાર ગણાવી શકાય. નાના ગૃહઉદ્યોગમાં સોઝની એમ્બ્રૉઇડરી, સ્ટેપલ એમ્બ્રૉઇડરી, ગરમ કપડાં બનાવવાનો, કાર્પેટ બનાવવાના નાના ઉદ્યોગોનું પ્રમાણ અધિક છે. હૅન્ડલૂમ ઇન્ડસ્ટ્રીઝ પણ જોવા મળે છે.

પશુપાલન અને મરઘાંબતકોના ઉછેરની પ્રવૃત્તિમાં લોકો રસ લેતા થયા છે. અહીં ઊન અને રેશમ પર આધારિત લઘુઉદ્યોગો પણ કાર્યરત છે. માંસ અને ઈંડાંનું પણ ઉત્પાદન મેળવાય છે.

પરિવહન – પ્રવાસન : જમ્મુથી 175 કિમી. અને શ્રીનગરથી 200 કિમી. દૂર ડોડા જિલ્લામથક આવેલું છે. એ મહત્ત્વના રાષ્ટ્રીય ધોરી માર્ગો NH – 1A અને NH – 113 જિલ્લામથકને સાંકળે છે. આ સિવાય NH – 244 પણ છે. આ ઉપરાંત જિલ્લામાં રાજ્ય પરિવહનની બસો, ડિલક્ષ બસો – ટૅક્સી, ટેમ્પાની સુવિધા છે. હિમાચલ પ્રદેશના ચંબા અને ડોડા વચ્ચેનું અંતર ઘટાડવા એક નવો રાષ્ટ્રીય માર્ગ 13.14 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. દેશના બીજા કોઈ વિસ્તારમાંથી ડોડાની મુલાકાત લેવી હોય તો શ્રીનગર સુધી રેલમાર્ગે અને હવાઈ માર્ગે આવી શકાય છે.

ડોડા જિલ્લો ત્યાંના કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં અનેક ‘પિકનિક સ્પોટ્સ’ આવેલાં છે. જેમ કે, જઈ (Jai) ખીણ, ચિન્તા ખીણ, ભાલ પડરી, ખાનમટોપ, ગુલડાન્ડા, નલથી, ખેલાની ટોપ, સરોવરસૌંદર્ય માટે રિસોર્ટ ગાથા, લાલ ધરમન, ડાલ ધરમન, ડેડની, હરિયાળી ઘાસભૂમિ, ડેહરા ટોપ, માર્ગન ટોપ, પૌલ-ડોડા-રામબન જળાશય વગેરે. યાત્રાધામોમાં કૈલાસ કુંડ, રૌશેરા માતાનું મંદિર, નાગાણી માતાનું મંદિર, સુબર નાગ મંદિર, ચંડીમાતાનું મંદિર, ગુપ્તગંગા મંદિર, વાસુકિ નાગ મંદિર વગેરેનો સમાવેશ થાય છે.

વસ્તી : આ જિલ્લાની વસ્તી (2011 મુજબ) 4,09,936 છે. સેક્સ રેશિયો 1000 પુરુષોએ 919 સ્ત્રીઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 64.68% છે. શહેરી વસ્તી 32,689 જ્યારે ગ્રામ્ય વસ્તી 3,77,247 છે. અહીં મુસ્લિમ વસ્તી 53.82%, જ્યારે હિન્દુ વસ્તી 45.77% છે. આ જિલ્લામાં કાશ્મીરી ભાષા બોલનારાનું પ્રમાણ 41.59%, જે અહીંની મુખ્ય ભાષા છે. આ સિવાય ભાદરવાહી (20%), સીરાલી (13.84%), ગોઈરી (7.53%), હિન્દી (5.20%) તેમજ ડોગરી, પહાડી, હરયાણવી ભાષા પણ બોલાય છે. કાશ્મીરી અહીંની માતૃભાષા ગણાય છે. આ જિલ્લામાં ગામોની સંખ્યા 406 છે. વહીવટી સુગમતા ખાતર તેને 17 તાલુકાઓમાં વિભાજિત કર્યો છે. ભાદેરવાહ, ડોડા અને થાથરી ત્રણ શહેરો છે. 237 પંચાયત છે. બે વિધાનસભા ભરાય છે. જે ડોડા અને ભાદેરવાહ છે. આ જિલ્લામાં પ્રાથમિક શાળા 707, માધ્યમિક શાળા 45, ઉચ્ચતર માધ્યમિક શાળા 136 છે. અહીં આવેલી કૉલેજોને જમ્મુ યુનિવર્સિટીની માન્યતા મળેલી છે. કૉલેજો સરકારમાન્ય છે. જેની સંખ્યા પાંચ છે. અહીં આર્ટ્સ, કૉમર્સ, સાયન્સના વિષયોનું શિક્ષણ અપાય છે. આ સિવાય ટૅકનિકલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, ગવર્નમેન્ટ પોલિટૅકનિક કૉલેજો આવેલી છે. આરોગ્યક્ષેત્રે સભાનતા રખાય તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી અને ખાનગી હૉસ્પિટલો પણ આવેલી છે.

ઇતિહાસ : પ્રાચીન સમયમાં મુલતાન(પાકિસ્તાન)માંથી કેટલાક લોકોએ સ્થળાંતર કર્યું હતું. કિશ્તવારના રાજાઓએ અહીં વસાહત ઊભી કરી હોય એવું મનાય છે. આ વિસ્તારમાં સરાઝી લોકો વસતા હતા. અહીં ડોડી (પોષના ડોડા), અફીણની ખેતી વધુ થતી હતી – તેથી આ વિસ્તાર ડોડી તરીકે ઓળખાતો હતો. ત્યાર બાદ ડોડા તરીકે ઓળખ  ઊભી કરી. ઇસ્લામના ધર્મ પ્રમાણે એવી માન્યતા છે કે ડોડા પ્રદેશ એ ચિંતન કરવાનો પ્રદેશ છે. ઈ. સ. 1650મા હઝરત શાહ ફરીદ-ઉદ્-ડીને 14 વર્ષ સુધી અહીં વસવાટ કર્યો હતો. ત્યાર બાદ તેઓ કિશ્તવાર (Kishtwar) ગયા. ડોડા માટે એમ પણ કહેવાય છે કે અહીં અનેક રાજાઓનું  આધિપત્ય હતું. 1822માં મહારાજા ગુલાબસિંગે આ પ્રદેશ જીતી લીધો અને કિશ્તવાર રાજ્યનું પાટનગર બનાવ્યું હતું. ડોડાનું સંરક્ષણ કરવા રાજાએ અહીં કિલ્લાનું નિર્માણ પણ કર્યું હતું. જમ્મુમાં 74 કિલ્લાઓ આવેલા છે. તેમાંના ડોડા કિલ્લાનું મહત્ત્વ વધુ છે. અહીં શસ્ત્રો, દારૂગોળો અને અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો. આ કિલ્લાની દીવાલ 4´ પહોળી અને 40´થી 50´ ઊંચી હતી. 1952માં સરકારી શાળા બનાવવા માટે તેને જમીનદોસ્ત કરી નાંખેલ. 1846માં બ્રિટિશરોના શાસન દરમિયાન ડોડા અને કિશ્તવાર જમ્મુ-કાશ્મીનો ભાગ બન્યા હતા. 1948માં ડોડા તાલુકો ઉધમપુર જિલ્લાનો ભાગ બન્યો હતો. 2006માં રામબાન એક નવો જિલ્લો બન્યો. ડોડા પહાડો અને જંગલ- સભર હોવાથી વ્યૂહાત્મક દૃષ્ટિએ તેને જુદા જિલ્લા તરીકે બનાવવાનું વિચારાયું. 2023ના જૂન માસમાં ડોડામાં 5.4 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો.

આતંકવાદ : ભારતમાં જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આતંકવાદની પ્રવૃત્તિથી આ જિલ્લો ધમધમતો રહે છે. ઈ. સ. 2000ના સમયગાળામાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ 200 કરતાં વધુ આતંકવાદીઓ અહીં કાર્યરત હતા. 2005ના વર્ષમાં 489 નાગરિકોની તેઓએ હત્યા કરી હતી. હિન્દુ મંદિરો, હિન્દુ વસાહતોનો  નાશ કરવો એ જ તેમનો હેતુ રહેલો છે. આ પ્રવૃત્તિને કારણે આ જિલ્લાના અનેક હિન્દુ નાગરિકોને સ્થળાંતર કરવા મજબૂર થવું પડ્યું હતું. આજ દિન સુધી તેઓ અહીં પુનઃ સ્થાયી થઈ શક્યા નથી. 2014થી આતંકવાદની પ્રવૃત્તિને નાથવા સરકાર ભગીરથ પ્રયત્ન કરી રહી છે.

આતંકવાદીઓએ કાશ્મીરક્ષેત્રના બારામુલ્લા અને અનંતનાગનાં ક્ષેત્રોને બદલે જમ્મુ વિભાગનાં ક્ષેત્રોને પ્રાધાન્ય આપવા માંડ્યું છે. હવે તેઓ પીરપંજાલની પર્વતશ્રેણી નજીક આવેલા ડોડા અને કથુઆ જિલ્લામાં આતંકવાદીઓએ પોતાનો કૅમ્પ ઊભો કર્યો છે. 2024ના જૂન માસની 11મી તારીખે યાત્રાળુઓની બસ ઉપર આક્રમણ કરીને યાત્રાળુઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. એક સમયે આ ક્ષેત્ર સુરક્ષિત હતું. આશા રાખીએ કે આતંકવાદની પ્રવૃત્તિ બંધ થાય અને પુનઃ ત્યાં વેપાર-રોજગાર શરૂ થાય તેમજ પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય.

નીતિન કોઠારી

શિવપ્રસાદ રાજગોર