ડૉરિયન : પ્રાચીન ગ્રીક લોકોનું એક જૂથ. ઈ. સ. પૂ. 1200 પહેલાં ડૉરિયનો ગ્રીસની મુખ્ય ભૂમિના વાયવ્ય ભાગમાં રહેતા હતા. ઈ. સ. પૂ. બારમી સદીના અરસામાં ડૉરિયનોએ ગ્રીસના ઉત્તર તરફના પ્રદેશો ઇલિરિયા અને થેસાલીમાં થઈને દક્ષિણ ગ્રીસના પેલોપોનેસસ પ્રદેશ પર આક્રમણ કર્યાં. તેમનાં લોખંડનાં હથિયારોએ તેમને એકિયનો અને ક્રીટવાસીઓ ઉપર વિજય અપાવ્યો. ડૉરિયનોએ મિલોસ, કોસ, થેરા, રહોડ્ઝ વગેરે ઇજિયન પ્રદેશનાં રાજ્યો જીતીને પોતાની વસાહતો સ્થાપી. ત્યારબાદ તેમણે સમગ્ર દક્ષિણ પેલોપોનેસસ જીતીને ત્યાંની મૂળ પ્રજાને ગુલામ કે અર્ધગુલામ દશામાં રાખી. આ પ્રજા હેલોટ કહેવાતી અને સ્પાર્ટાના શાસક ડૉરિયનોની જમીન ખેડતી તથા લશ્કરમાં જોડાઈને બલિદાન આપતી.

ડૉરિયનો સ્વભાવે લડાકુ અને પર્વતોમાં વસેલા હોવાથી શરીરે ખડતલ હતા. તેમના વ્યવસાયો ઢોરઉછેર અને શિકાર હતા. તેમની મુખ્ય પ્રવૃત્તિ લડાઈની હતી. યુરોટસ નદીના ફળદ્રૂપ પ્રદેશમાં તેઓ સ્થિર થયા, તે અગાઉ સૈકાઓ પર્યંત તેઓ રખડુ જીવન જીવ્યા હતા. ડૉરિયનોએ સ્પાર્ટા નગર વસાવીને રાજ્યવિસ્તાર કર્યો હતો. સ્પાર્ટાની સ્થાપના કર્યા બાદ, તેમણે તેને ગ્રીસમાં સૌથી, શક્તિશાળી રાજ્ય બનાવવા પડોશી નગર-રાજ્યો સાથે યુદ્ધો કર્યાં. મેસિનિયા જીતી લીધા બાદ, પચાસ વર્ષમાં સ્પાર્ટા પેલોપોનેસસમાં સૌથી વધુ શક્તિશાળી રાજ્ય બન્યું. સ્પાર્ટામાં શાસકો તથા ત્યાંની  મોટાભાગની જમીનોના માલિકો ડૉરિયનો હતા. રાજા, રાજ્યના ઉચ્ચ હોદ્દેદારો તથા કાઉન્સિલના સભાસદો આ વર્ગમાંથી પસંદ કરવામાં આવતા હતા. ડૉરિયનો રૂઢિચુસ્ત હોવાથી તેમની વહીવટી સંસ્થાઓમાં રૂઢિચુસ્ત પ્રણાલિકાઓ પ્રવર્તતી હતી. ડૉરિયનો (સ્પાર્ટનો) કરતાં હેલોટ લોકોની સંખ્યા આશરે પંદર ગણી હતી. ડૉરિયનો પાસે પુષ્કળ સંપત્તિ અને સત્તા હોવાથી કચડાયેલા હેલોટ લોકો બળવા કરતા. તેથી દરેક સ્પાર્ટનને સૈનિક બનવું પડતું. આમ સમગ્ર સ્પાર્ટાને તેમણે  લશ્કરી છાવણી જેવું બનાવી દીધું હતું. સ્પાર્ટા ઉપરાંત બીજાં ડૉરિયન નગરોમાં આર્ગોસ, કોરિન્થ, મેગારા વગેરેનો પણ સમાવેશ થતો હતો.

જયકુમાર ર. શુક્લ