ડૉરિક : ગ્રીસની ડૉરિયન પ્રજા દ્વારા ખાસ કરીને દક્ષિણ ઇટાલી તથા સિસિલીના પ્રાંતમાં ઈ. સ. પૂ. 500થી 300માં પ્રચલિત બનેલી સ્થાપત્યશૈલી. પ્રાચીન ગ્રીસમાં શરૂઆતમાં વિકસેલી બે સ્થાપત્ય-શૈલીઓમાંની એક ડૉરિક અને બીજી આયોનિક તરીકે ઓળખાય છે. મૂળ લાકડાના બાંધકામની શૈલી પરથી વિકસેલ ડૉરિક શૈલી પ્રમાણમાં વધુ સઘન જણાય છે. આ શૈલીની મહત્વની બાબત તેમાં ર્દષ્ટિભ્રમણા(illusion)ને સુધારવાનો પ્રયત્ન છે. પ્રકાશની સમક્ષ

ડૉરિક ઑર્ડર

મકાનનો જે ભાગ જ્યાંથી પાતળો લાગે તેને ત્યાંથી પ્રમાણમાં જાડો બનાવીને અને યથાર્થદર્શન(perspective)થી ઊભી થતી ભ્રમણાનું  પણ પ્રમાણમાપ બદલીને નિરાકરણ કરવાની રીતથી આ શૈલીમાં ર્દશ્ય-અનુભૂતિ પરત્વે પરિપક્વતા આવી હતી. ઈ. સ. પૂ. 490માં એજીનામાં બનેલ આફૈઆનું દેવળ આ શૈલીનો સૌથી પ્રાચીન અવશેષ છે. તે ઉપરાંત ઈ. સ. પૂ. 447–438માં ઍથેન્સમાં બનેલ પાર્થિનૉન તથા ઈ. સ. પૂ. 460માં પેસ્ટમમાં બનેલ પૉસેઇડન ચર્ચ આ શૈલીનાં મહત્વનાં ઉદાહરણો છે.

રવીન્દ્ર વસાવડા