ડિઝરાયલી, બેન્જામિન (જ. 21 ડિસેમ્બર 1804, લંડન; અ. 19 એપ્રિલ 1881, લંડન) : ઇંગ્લૅન્ડનો પ્રતિભાશાળી રાજપુરુષ અને સાહિત્યકાર. જન્મ ઇટાલિયન યહૂદી કુટુંબમાં થયો હતો. દાદા સ્થળાંતર કરીને  ઇટાલીથી ઇંગ્લૅન્ડ ગયેલા. બેન્જામિને ક્લાર્ક તરીકે જીવનનો આરંભ કરી, શૅરના સટ્ટામાં મોટી ખોટ ખાધી તથા ‘રિપ્રેઝેન્ટેટિવ’ વર્તમાનપત્ર શરૂ કર્યું. તેમાં પણ નિષ્ફળતા મળી.

બ્રિટનમાં યહૂદી 1858 સુધી પાર્લમેન્ટનો સભ્ય બની શકતો ન હતો તેથી તેના પિતાએ તેને 1817માં ખ્રિસ્તી ધર્મની દીક્ષા અપાવી હતી. 1831થી રાજકારણમાં પ્રવેશી, સ્વતંત્ર ઉમેદવાર તરીકે બે વાર (1832–1835) હાર્યા બાદ, 1837માં કૉન્ઝર્વેટિવ (ટોરી) પક્ષના ઉમેદવાર તરીકે મેઇડસ્ટોનમાંથી આમની સભામાં ડિઝરાઇયલી ચૂંટાયો. આમની સભામાં તેના પ્રથમ પ્રવચનમાં નિષ્ફળતા મળી. તેમ છતાં તે પ્રવચનને અંતે બોલ્યો : ‘આજે હું બેસી જઈશ, પરંતુ એવો વખત આવશે કે જ્યારે તમે મને સાંભળશો.’ 1839માં  મિસીસ વિન્ડહામ લેવીસ નામે શ્રીમંત વિધવા સાથે તેણે લગ્ન કર્યાં.

બેન્જામિન ડિઝરાયલી

કૉનઝર્વેટિવ પક્ષના નેતા અને વડાપ્રધાન રૉબર્ટ પીલ વિરુદ્ધ ડિઝરાયલીએ પ્રવચનો કરી બળવો કરતાં પીલે રાજીનામું આપ્યું. ત્યારપછી ડિઝરાયલી આમની સભામાં વિરોધપક્ષનો નેતા બન્યો. 1847માં તે બકિંગમશાયરમાંથી ચૂંટાયો. 1852માં વ્હિગ પક્ષની સરકારનું પતન થતાં અર્લ ઑવ્ ડર્બી(લૉર્ડ સ્ટેન્લી)એ રચેલી ટૂંકજીવી સરકારમાં તે નાણામંત્રી બન્યો. તે પછી છ વર્ષે ડર્બીએ ફરી અલ્પજીવી સરકાર રચી, તેમાં પણ ડિઝરાયલીને નાણામંત્રી બનાવ્યો. 1866માં ડર્બીની સરકારમાં તે ત્રીજી વાર નાણામંત્રી બન્યો અને ફેબ્રુઆરી, 1868માં ડર્બી નિવૃત્ત થતાં ડિઝરાયલી ગ્રેટ બ્રિટનનો વડાપ્રધાન બન્યો. પરંતુ થોડા મહિનામાં જ ટૉરી પક્ષની હાર થતાં રાજીનામું આપ્યું અને 1872થી પક્ષનું નેતૃત્વ ર્દઢતાથી સંભાળ્યું.

1874ની સામાન્ય ચૂંટણીમાં કૉન્ઝર્વેટિવ પક્ષને બહુમતી મળવાથી રાણી વિક્ટોરિયાએ ડિઝરાયલીને વડાપ્રધાનપદે નીમ્યો. તેણે કારીગરો તથા મજૂરોની સ્થિતિ સુધારવાના  અને તેમના શોષણ અટકાવવાના તથા કામદાર સંઘોને લગતા કાયદા પસાર કરાવ્યા. તેણે સમયસૂચકતા તથા દૂરંદેશી વાપરીને, ઇજિપ્તના ખેદિવ ઇસ્માઇલે વેચવા કાઢેલ, સુએઝ નહેરના આશરે 49 % શૅર નવેમ્બર, 1875માં પોતાની જવાબદારીથી  તેની સરકાર માટે ખરીદ્યા. તે આર્થિક તેમજ રાજકીય રીતે ઉત્તમ સોદો હતો. તેનાથી સુએઝ નહેર અંગ્રેજોના અંકુશમાં આવી અને ઇંગ્લૅન્ડની પ્રતિષ્ઠા વધી. ડિઝરાયલીના સૂચનથી 1876માં પાર્લમેન્ટે એક કાયદો ઘડી રાણી વિક્ટોરિયાને ‘ભારતની સમ્રાજ્ઞી’નો ઇલકાબ આપ્યો. પછી ડિઝરાયલીએ નાજુક તબિયતને લીધે આમની સભામાંથી રાજીનામું આપ્યું. હાઉસ ઑવ્ લૉર્ડ્ઝમાં નેતા તરીકે તેને ‘અર્લ ઑવ્ બિન્સસફિલ્ડ’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો. 1878માં કૉંગ્રેસ ઑવ્ બર્લિનમાં હાજર રહી તેણે બ્રિટન માટે વધારે છૂટછાટો પ્રાપ્ત કરાવી. આ સમયે તે કારકિર્દીની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. રાણીએ તેને ‘ડ્યૂક’ બનાવવાની દરખાસ્ત મૂકી. તેનો તેણે ઇનકાર કર્યો. તે પછી ‘ઑર્ડર ઑવ્ ધ ગાર્ટર’નો તેણે સ્વીકાર કર્યો. પરંતુ થોડા સમયમાં ભારતમાં તેની સામ્રાજ્યવાદી નીતિને લીધે સર્જાયેલી અફઘાનિસ્તાનની કટોકટી, દક્ષિણ આફ્રિકામાં ઝૂલુ લોકોએ બળવો કરી બ્રિટિશ સેનાની કરેલી કતલ, વેપાર-ઉદ્યોગમાં આવેલ મંદી વગેરે કારણોથી ડિઝરાયલી બ્રિટનમાં અળખામણો બન્યો. 1880ની ચૂંટણીમાં તેના પક્ષને પરાજય મળ્યો.

ડિઝરાયેલી રાજનીતિજ્ઞ પુરુષ અને સામ્રાજ્યવાદી વડાપ્રધાન ઉપરાંત નવલકથાકાર પણ હતો. ‘વિવિયન ગ્રે’ (1926); ‘ધ યંગ ડ્યૂક’ (1830); ‘કૅન્ટેરિની ફ્લેમિંગ’ (1832); ‘ધ વન્ડ્રસ ટેલ ઑવ્ ઓલ્રોય’ (1833); ‘હેન્રીયેટા ટેમ્પલ’ (1837); અને ‘વેનિશિયા’ (1837) જેવી તેની નવલકથાઓ કરતાં ‘કનિંગ્ઝબી’ (1844); ‘સિબિલ’ (1845); અને ‘ટેન્ક્રેડે’ (1847) વિશેષ નોંધપાત્ર છે. તેમાં તત્કાલીન ઇંગ્લૅન્ડની રાજકીય અને સામાજિક સ્થિતિનાં ભપકાદાર ચિત્રો તેમજ પશ્નોનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે. ‘યુવાઇંગ્લૅન્ડ’નો ડિઝરાયેલી સ્વપ્નદ્રષ્ટા હતો. વર્ગવિહીન સમાજની ભાવના તેની નવલકથાઓમાં પ્રતિબિંબિત થાય છે; પરંતુ પ્રતિભાશાળી રાજપુરુષ અને વડાપ્રધાન તરીકે જે પ્રતિષ્ઠા તેણે મેળવી તેવી નવલકથાના સર્જક તરીકે પણ મેળવી એવું કહી શકાશે નહિ.

જયકુમાર ર. શુક્લ

મધુસૂદન પારેખ