ડિઝની, વૉલ્ટ (જ. 5 ડિસેમ્બર 1901, શિકાગો; અ. 15 ડિસેમ્બર 1966, લૉસ ઍન્જિલિસ) : મનોરંજન-ક્ષેત્રે નવી દિશાઓ ખુલ્લી મૂકનાર અમેરિકી ચલચિત્રનિર્માતા. પૂરું નામ વૉલ્ટર ઈલિયાસ ડિઝની. જન્મ શિકાગોમાં થયો પણ બાળપણ મૉન્ટાના રાજ્યના માર્સલિન ગામમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ કાન્સાસ અને શિકાગોમાં લીધું. શિકાગો એકૅડેમી ઑવ્ આર્ટમાં ચિત્રકલાનું પ્રશિક્ષણ લીધું. કાન્સાસમાં થોડો સમય વિજ્ઞાપનસંસ્થામાં કામ કરી. ડિઝની લૉસ ઍન્જિલિસ ગયા. ત્યાં તેમણે કટાક્ષચિત્ર રૂપે પાત્રો સર્જવા માંડ્યાં. તેમાં ‘ઓસ્વાલ્ડ, ધ રૅબિટ’ લોકપ્રિય થયું. 1928નું વર્ષ ડિઝનીના જ નહિ, ચલચિત્ર-ઉદ્યોગના ઇતિહાસમાં અવિસ્મરણીય નીવડ્યું. ‘સ્ટીમબોટ વિલી’માં તેમણે પ્રસ્તુત કરેલા મિકી માઉસને જનતાએ અસાધારણ ઉમળકાથી આવકાર આપ્યો. ધ્વનિના આગમન સાથે ડિઝનીનાં કાર્ટૂનચિત્રો વધારે આકર્ષક બન્યાં. પાત્રને અનુરૂપ વિશિષ્ટ સંવાદો, પાર્શ્વસંગીત, ગીત આદિના ઉમેરાથી પ્લૂટો, ડોનાલ્ડ ડક, ગૂફી અને બ્ર’ર (બ્રધર) રૅબિટ જેવાં પાત્રો જાણે સજીવન બન્યાં! સિલી સિમ્ફની નામની તેમની નવી શ્રેણી પણ લોકપ્રિય થઈ. 1933માં ‘ધ થ્રી લિટલ પિગ્ઝ’ અને 1937માં ‘સ્નોવ્હાઇટ ઍન્ડ ધ સેવન ડ્વાર્ફ્સ’ પ્રસ્તુત થયાં. ‘સ્નોવ્હાઇટ’ પૂર્ણ લંબાઈનું પ્રથમ કાર્ટૂન કથાચિત્ર હતું. તે પછી, એક પછી  એક સફળ ચિત્રોની વણજાર ચાલી. ‘પિનૉકિયો’ (1940), ‘ફૅન્ટેસિયા’ (1940), ‘બામ્બી’, ‘ડમ્બો, ધ રિલક્ટન્ટ ડ્રૅગન’, ‘સેલ્યુડોસ એમિગોસ’, ‘ધ થ્રી કાબાલેરોસ’ આદિ. તેમાં તેમણે પટી ઉપર વિવિધ માર્ગોમાં અંકિત કરીને પશ્ચિમી શાસ્ત્રીય સંગીત ઘન સ્વરૂપે (stereophonic) તાર્દશ પીરસ્યું. કાર્ટૂન પાત્રો સાથે જીવંત પાત્રો ભેળવવા જેવા પ્રયોગો કર્યા. ‘પીટર ઍન્ડ ધ વુલ્ફ’, ‘ધ વ્હેલ હુ વાન્ટેડ ટુ સિંગ’, ‘ધ ઍડવેન્ચર્સ ઑવ આઇકેલોડ’ (1949), ‘સિન્ડ્રેલા’ (1950),  ‘ઍલિસ ઇન વન્ડરલૅન્ડ’ (1951), ‘પીટર પૅન’ (1953) અને ‘સ્લીપિંગ બ્યૂટી’ (1959) તેમનાં અન્ય લોકપ્રિય સર્જનો છે. ‘ટ્રેઝર આઇલૅન્ડ’ (1950), ‘ધ ગ્રેટ લોકોમોટિવ એજ’ (1956) અને ‘મૅરી પૉપિન્સ’ (1964) તેમનાં જીવંત પાત્રોવાળાં ચિત્રો બન્યાં. તેમની પ્રકૃતિદર્શન-શ્રેણી પણ કલા અને વિજ્ઞાનના ઉત્તમ સમન્વયના નમૂનારૂપ નીવડી : ‘નેચર્સ હાફ એકર’, ‘ધ લિવિંગ ડેઝર્ટ’, ‘ધ વેનિશિંગ પ્રેરી’, ‘ધ આફ્રિકન લાયન’ ઇત્યાદિ. 1938માં ‘ફર્ડિનાન્ડ ધ બુલ’થી આરંભાયેલી 10–12 મિનિટનાં ટૂંકાં કાર્ટૂનચિત્રોની એમની શ્રેણીઓ લાંબું ચાલી. ટૂંકા ચિત્ર માટે પણ 15,000 જેટલાં છૂટાં ચિત્રો ચીતરી દરેકને મૂવી કૅમેરામાં એક પછી એક ઝડપવું પડે છે. ‘સ્નોવ્હાઇટ’ માટે 20 લાખ ચિત્રો દોરવામાં આવેલાં તેમાંથી અઢી લાખ ચિત્રો ચલચિત્રમાં લેવાયેલાં. આ ચિત્રના ખર્ચનો મૂળ અંદાજ અઢી લાખ ડૉલર હતો પરંતુ ચિત્ર પૂરું થતાં ખરેખરું ખર્ચ 17 લાખ ડૉલરે પહોંચ્યું. વિશ્વયુદ્ધ સમયે ડિઝનીએ શિક્ષણ અને પ્રચાર માટે ચિત્રો બનાવ્યાં. 1954થી ટેલિવિઝન માટે કલાકની શ્રેણીઓ બનાવી. આ વિરલ પ્રતિભાશાળી કલાકારને 30 અકાદમી પુરસ્કારો મળ્યા હતા.

વૉલ્ટ ડિઝની

ડિઝની લૅન્ડ અને ડિઝની વર્લ્ડ : કાર્ટૂન ચલચિત્રો  ડિઝનીને અમર બનાવવા પૂરતાં હતાં. પરંતુ, ડિઝની લૅન્ડ અને ડિઝની વર્લ્ડ નામનાં કલ્પનાતીત મનોરંજન ઉદ્યાનોની રચના કરીને ડિઝનીએ મહાન કલાકાર તરીકેની સિદ્ધિ દર્શાવી કૅલિફૉર્નિયામાં એનાહાઇમ ખાતે 120 હેક્ટર જેટલી ભૂમિ ઉપર 1955માં ડિઝનીલૅન્ડ નામે અનોખું મનોરંજન ઉદ્યાન ખુલ્લું મુકાયું. ડિઝની વર્લ્ડનો આરંભ ફ્લૉરિડા રાજ્યના ઑરલૅન્ડોમાં 10,800 હેકટરની વિશાળ ભૂમિ ઉપર 1971માં કરવામાં આવ્યો. 1982માં ત્યાં ભાવિસમાજને લગતો વિભાગ રચવામાં આવ્યો. તે ભવિષ્યના વિશ્વની ઝાંખી કરાવે છે. પરીઓનો દેશ, સાહસભૂમિ, સીમાભૂમિ, આવતીકાલનો દેશ, નેવર નેવર લૅન્ડ, અજ્ઞાત વિશ્વ આદિ વિભાગો દર વર્ષે અમેરિકામાંથી જ નહિ, વિશ્વભરમાંથી લાખો લોકોને આકર્ષે છે.

બંસીધર શુક્લ