ટોજો, હિડેકી (જ. 30 ડિસેમ્બર 1884, ટોકિયો; અ. 23 ડિસેમ્બર 1948, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ. લશ્કરી સ્ટાફ કૉલેજમાંથી 1915માં ઉત્તીર્ણ થયા હતા. તે ચુસ્ત અને કુશળ વહીવટકર્તા તથા યુદ્ધક્ષેત્રના કાબેલ સેનાપતિ હતા. 1937માં મંચૂરિયામાંના ક્વાન્ટુંગ લશ્કરના તે સેનાપતિ હતા. પૂર્વ એશિયામાં જાપાને જરૂર પડે તો બળ વાપરીને પણ પોતાનું વર્ચસ જમાવવું જોઈએ એવું તેમનું ર્દઢ મંતવ્ય હતું. 1937માં ચીનને લડાઈમાં સંડોવવાના કાવતરાના તે યોજક હતા. પ્રિન્સ કોનોએના પ્રથમ પ્રધાનમંડળમાં (1938–39) તેઓ નાયબ યુદ્ધપ્રધાન તથા 1940–41માં કોનોએના બીજા અને ત્રીજા પ્રધાનમંડળમાં તેઓ યુદ્ધસંરક્ષણ પ્રધાન બન્યા. ઑક્ટોબર, 1941માં તેઓ જાપાનના વડાપ્રધાન બન્યા.
અમેરિકાના હવાઈ ટાપુ ઉપરના નૌકામથક પર્લ હાર્બર ઉપર અચાનક હુમલો કરવાની તેમણે સંમતિ આપી હતી. અમેરિકા, નેધરલૅન્ડ, ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટનના અગ્નિએશિયાના મુલક ઉપર વીજળીવેગે જાપાને આક્રમણો કરતાં તેમનું માન ખૂબ વધી ગયું હતું. જુલાઈ, 1944માં મરીઆના ટાપુ સમૂહના સૈપાન થાણા ઉપર હુમલો કરી અમેરિકાએ તે જીતી લેતાં, ટોજોને તરત જ વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
હિરોશીમા અને નાગાસાકી ઉપર 1945ના ઑગસ્ટમાં અણુબૉમ્બ ફેંકાયા પછી 1945ના સપ્ટેમ્બરની બીજી તારીખે જાપાને શરણાગતિ સ્વીકારી. યુદ્ધ માટે ટોજોને કારણભૂત ગણીને તેમની યુદ્ધ-ગુનેગાર તરીકે ધરપકડ કરવામાં આવી. તે પૂર્વે ટોજોએ આત્મહત્યા કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. દૂરપૂર્વ માટેની આંતરરાષ્ટ્રીય લશ્કરી ટ્રિબ્યૂનલે 1947–48માં તેમની ઉપર કામ ચલાવી નવ મુદ્દા પર ગુનેગાર ગણી 23 ડિસેમ્બર, 1948ના રોજ તેમને ફાંસી દેવામાં આવી.
શિવપ્રસાદ રાજગોર