ટોચવેધક : આ કીટકનું વૈજ્ઞાનિક નામ ટ્રાયપોરાઇઝા નિવેલા છે. તેનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના પાયરોસ્ટીડી કુળમાં થાય છે. શેરડીની આ એક અગત્યની જીવાત છે. તેનો ઉપદ્રવ શેરડી ઉગાડતા લગભગ દરેક રાજ્યમાં જોવા મળે છે. શેરડી ઉપરાંત કોઈ કોઈ રાજ્યમાં જુવાર ઉપર પણ આ જીવાત મળતી હોવાનું  નોંધાયેલ છે. દક્ષિણ ગુજરાતમાં શેરડીની આ એક અગત્યની જીવાત ગણાય છે. તે શેરડીના ટોચના ભાગને નુકસાન કરતી હોવાથી  ટોચવેધકના નામે ઓળખાય છે.

આ જીવાતનું ફૂદું સફેદ રંગની પાંખો ધરાવે છે, જેની પહોળાઈ 15થી 20 મિમી. હોય છે. નર કીટકની  આગળની પાંખ પર એક કાળું ટપકું હોય છે, જ્યારે માદાના ઉદરપ્રદેશના છેડા પર નારંગી રંગના વાળનો ગુચ્છો  હોય છે. ઇયળ પીળાશ પડતા સફેદ રંગની હોય છે. પુખ્ત ઇયળની લંબાઈ 25થી 40 મિમી. હોય છે.

માદા ફૂદી પાનની નીચેની બાજુએ 35થી 40 જેટલાં ઈંડાં સમૂહમાં મૂકે છે. આ ઈંડાં નારંગી રંગના વાળયુક્ત આવરણથી ઢંકાયેલાં હોય છે. ઈંડા-અવસ્થા 6થી 7 દિવસમાં પૂરી થયા બાદ નીકળેલી નાની ઇયળ થોડો સમય પાંદડાં પર જીવે છે અને પાનની મધ્યનસ મારફત દાખલ થઈ ટોચના મધ્યભાગમાં પહોંચે છે. પરિણામે ટોચ સુકાઈ જાય છે. તેને ‘ડેડ હાર્ટ’ કહે છે. આ ડેડ હાર્ટ સહેલાઈથી ખેંચાઈ આવતું નથી. મધ્યનસમાં ઇયળે કોરાણ કરેલ ભાગ  શરૂઆતમાં સફેદ રંગનો અને પાછળથી લાલ રંગના પટ્ટાના આકારનો દેખાય છે. પાન પર 4થી 5 સમાંતર કાણાં જોવા મળે છે. પાકની પાછલી  અવસ્થામાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે  તો ટોચના ભાગમાંથી બીજી આંખો ફૂટીને ટોચ પર 4થી 5 શાખાઓ થતાં છોડ સાવરણી જેવો દેખાય છે. તેને શેરડીનો કુંજડો (bunchy top) કહે છે.

ઇયળ-અવસ્થા 3થી 6 અઠવાડિયાંની હોય છે. પુખ્તવયની ઇયળ  સાંઠાના પોલાણમાં જ કોશેટો બનાવે છે. કોશેટા-અવસ્થા 7થી 10 દિવસની હોય છે. આ કીટકની વર્ષમાં કુલ 4 પેઢીઓ જોવા મળે છે.

આ જીવાતના નિયંત્રણ માટે ઈંડાંના સમૂહ સહિત પાન તોડી લઈ બાળી દેવામાં આવે છે. કાર્બોફ્યુરાન 3 % દાણાદાર દવા હેક્ટરે 33 કિલોગ્રામ પ્રમાણે રોપણી પછી 30 અને 150 દિવસે – એમ બે વખત આપવી પડે છે અથવા તો ફોરેટ 10 % દાણાદાર દવા હેક્ટરે 10 કિલોગ્રામ પ્રમાણે રોપણી બાદ 30, 90 અને 150 દિવસે – એમ ત્રણ વખત જમીનમાં આપવી પડે છે. પ્રવાહી કીટનાશક દવાઓમાં 10 લિટર પાણીમાં કાર્બારિલ 50 % વે.પા. 40 ગ્રામ અથવા એન્ડોસલ્ફાન 35 ઈ.સી. 21 મિલિ. પ્રમાણે ભેળવી છંટકાવ કરવાથી ઘણાં સારાં પરિણામો મેળવી શકાય છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ