ટોટમિઝમ (totemism) : ટોટમ એટલે કુળ કે આદિમ જાતિનું પ્રતીક, જે જાતિ સાથે સંબંધ ધરાવતું મનાતું. જાતિના ચિહન તરીકે માનવામાં આવતું પ્રાણી કે કુદરતી વસ્તુ; તેની પ્રતિમા જેની ઉપર કુળ-પ્રતીકો કોતરેલાં હોય એવો લાંબો વાંસ અને ટોટમિઝમ એટલે કુળપ્રતીકોની પ્રથા કે પદ્ધતિ. આદિમ જાતિઓમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે જેમાં તેઓ પોતાની ઉત્પત્તિ કોઈ માનવેતર પૂર્વજમાંથી થયેલી છે. તેમના પૂર્વજ પક્ષી, પશુ, નાગ અને બીજા જીવજંતુ વગેરે હતાં. તેઓ આ સ્વીકૃત પૂર્વજની પૂજા કરતા, તેમનું નામ ધારણ કરતા. એમનું દૃઢપણે માનવું હતું કે એ ‘ટોટમ’ એમનું રક્ષણ પણ કરે છે. પોતાનાં ઘર, પહેરવેશ, પતાકાઓ વગેરે પર એનાં ચિત્રો અંકિત કરાવતા અને પોતાના શરીર પર એનાં છૂંદણાં પણ છૂંદાવતા. એમના લોકસાહિત્યમાં આવા ટોટમોનો મહિમા વર્ણવાયો છે. આપણા સાહિત્યમાં વાનર, ગરુડ, નાગ વગેરે જાતિઓ પણ સ્વભાવતઃ મનુષ્ય હોવા છતાં આવી પરંપરા અનુસાર વાનર, ગરુડ, નાગ વગેરેને પોતાના પૂર્વજ માનવાને કારણે પોતે પણ એ નામોથી પ્રસિદ્ધ થઈ. નાગ વગેરે જાતિઓ પણ નાગ-પૂજક અથવા નાગ-પૂર્વજ-પ્રધાન હોવાને લઈને ‘નાગ’ સંજ્ઞાથી વિભૂષિત થઈ. આદિમ જાતિઓ પરસ્પરની ખૂનખાર લડાઈઓમાં માનવનું ભક્ષણ તો કરતી હતી, પરંતુ પોતાના કલ્પિત પૂજ્ય ટોટમ જાતિના જીવોનું ભક્ષણ કરતા નહોતા. દરેક આદિમ જાતિમાં ટોટમના નામે પૂજા અને ધંતરમંતર (sorcery) વગેરે અભિચાર કરવામાં આવતા હોવાનું જણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ