ટોંક : રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને 25° 41´ ઉ.થી 26° 34´ ઉત્તર અક્ષાંશ અને 75° 07´ પૂ.થી 76° 19´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર 7,194 ચો.કિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ વસ્તી 14,21,711 (2011) અને વસ્તીની ગીચતા ચો.કિમી.દીઠ 135 છે. જિલ્લાની 80% વસ્તી ગ્રામ વિસ્તારમાં અને બાકીની 20% વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે.

પતંગ જેવા આકારનો અને લગભગ સમતળ એવો આ જિલ્લો સમુદ્ર-સપાટીથી સરેરાશ 264.32 મી.ની ઊંચાઈ પર આવેલ છે. જિલ્લાની એકમાત્ર મહત્ત્વની નદી બનાસ પૂર્વ તરફથી વહી જિલ્લાના લગભગ મધ્યમાંથી પસાર થતાં, તેને બે ભાગમાં વહેંચે છે. જિલ્લામાં અરવલ્લીની ટેકરીઓ છૂટીછવાઈ પથરાયેલી છે. પ્રદેશનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી દક્ષિણ અને પૂર્વ તરફનો છે. આબોહવા સૂકી અને આરોગ્યપ્રદ છે. વાર્ષિક મહત્તમ તાપમાન 27.5°થી 30° સે. અને લઘુતમ તાપમાન 15°થી 17° સે. વચ્ચે રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ 614 મિમી. છે. વરસાદનું પ્રમાણ અગ્નિથી વાયવ્ય તરફ જતાં ઘટતું જાય છે. જમીન સામાન્ય રીતે ફળદ્રૂપ પરંતુ કેટલેક સ્થળે વધુ રેતાળ છે. મેદાની વિસ્તારોમાં નાઇસ અને શિસ્ટ ખડકોની ભૂસ્તરીય રચના જોવા મળે છે. ગાર્નેટ, અબરખ જેવાં અધાતુમય ખનિજો; બાંધકામના પથ્થર તથા લોહઅયસ્ક જેવાં ધાતુમય ખનિજો અહીંથી મળે છે.

આ જિલ્લામાં વર્ષ 1911માં ઉલ્કા ખડક સ્વરૂપે પડી હતી. જેમાં જવલ્લે જ પ્રાપ્ત થાય તેવા કાર્બોનેસિયસ કોનોડ્રાઇટ તત્ત્વો તે ખડકોમાં રહેલાં મળ્યાં હતાં.

જિલ્લાનો લગભગ 3.49% વિસ્તાર વનાચ્છાદિત છે.

ઔદ્યોગિક દૃષ્ટિએ તે રાજ્યનો પછાત જિલ્લો છે. બીડી તથા ગાલીચા વણવાના ગૃહઉદ્યોગો ઉપરાંત હસ્તકળા, ચર્મોદ્યોગ, સુથારીકામ, કુંભારકામ, વણાટકામ અને ખાદી-ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત રીતે ચાલે છે.

2006માં પંચાયતી રાજ વિભાગના પ્રધાને દેશના સૌથી પછાત 250 જિલ્લાઓમાં આ જિલ્લાનો સમાવેશ કર્યો હતો. પરિણામે રાજસ્થાનના આ જિલ્લાને ‘પછાત પ્રદેશ’ તરીકે કેન્દ્રસરકાર તરફથી વિશિષ્ટ આર્થિક લાભ અપાય છે.

રાજસ્થાનના આ પ્રદેશમાં હજુ રેલવે નથી. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 12  અહીંથી પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ 138 કિમી. અને અન્ય (જિલ્લા) માર્ગો 816 કિમી. લાંબા છે. જિલ્લાનાં કેટલાંક ગામો પાકા માર્ગથી સંકળાયેલાં નથી.

આ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં શાહી જામા મસ્જિદ, બીસાલપુર બંધ, બીસાલડદેવ મંદિર, ડીગ્ગી કલ્યાણજી મંદિર, હડી રાણીની વાવ, હાથી ભાટા, રસિયા કી ટેકરી, શિવાજી પાર્ક, સુનેહરી કોઠી અને મૌલાના અબુલકલામ  આઝાદ અરેબિક અને પર્શિયન સંશોધન સંસ્થા વધુ જાણીતાં છે.

આ જિલ્લામાં પછાત જાતિ અને આદિવાસીઓનું પ્રમાણ અનુક્રમે 20.21% અને 13.14% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 949 સ્ત્રીઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 62.96% છે. અહીં બોલાતી ભાષામાં વૈવિધ્ય રહેલું છે. ધુઆંધરી (37%), રાજસ્થાની (29.10%), હિન્દી (29.2%) અને ઉર્દૂ (4.12%) છે. ટોંક આ જિલ્લાનું જિલ્લામથક છે.

વહીવટી સુગમતા ખાતર આ જિલ્લાને 9 તાલુકા અને 7 ઉપ-વિભાગોમાં વહેંચેલ છે. તાલુકાઓમાં દેઓલી, મલાપુરા, નેવારી, ટોડારીસિંગ, ટોંક, પેપુલુ, ઉનીઆરા અને નગરફોર્ટ છે. તેમાં ટોંકમાં નગર પરિષદ જ્યારે બીજા તાલુકાઓમાં નગરપાલિકા છે. 2001ના સેન્સસ મુજબ અહીં ગામડાંઓની સંખ્યા 1093 છે.

એમ કહેવાય છે કે 12મી સદીમાં ટુનકાયુ (Tunkau) બ્રાહ્મણોએ અહીં વસાહત ઊભી કરી હતી. ત્યાર બાદ આ વિસ્તાર ટૂંક પછી ટોંક તરીકે જાણીતો બન્યો. એવી પણ વાયકા છે કે ભોલા તરીકે ઓળખાતા બ્રાહ્મણોએ 1643માં વસાહત સ્થાપી હતી.

બ્રિટિશ શાસનકાળ દરમિયાન ટોંક ભારતમાં રાજપૂતાના એજન્સીનું એકમાત્ર મુસ્લિમ સંસ્થાન હતું. ઓગણીસમી સદીની શરૂઆતમાં યશવન્તરાવ હોલકરની મદદથી અમીરખાન અને તેના સાથી પઠાણોએ સિરોજ, ટોંક અને પિશવ પરગણાંઓ જીતી લઈને ટોંક સંસ્થાનની સ્થાપના કરી હતી.

અઢારમી સદીમાં રોહિલ વંશના પઠાણ કુળમાં જન્મેલો અમીરખાન સમગ્ર ભારતમાં પિંઢારાઓના નેતા તરીકે જાણીતો હતો. બ્રિટિશરોએ તેની વધતી જતી સત્તાને નાથવા ટોંકની સ્થાપના કરવાની સંમતિ આપી હતી.

1948માં માર્ચની 25મીએ ટોંક રાજસ્થાન રાજ્યમાં વિલીન થયું.

નિયતિ મિસ્ત્રી

નીતિન કોઠારી