ટ્યૂડર વંશ : પંદરમી અને સોળમી સદી દરમિયાન ઇંગ્લૅન્ડ ઉપર શાસન કરતો વંશ. આ ગાળામાં (1485–1603) પાંચ રાજકર્તા થઈ ગયા છે.

આ વંશની વિગત તેરમી સદીથી મળે છે; પરંતુ ઓવન ટ્યૂડર (1400–1461) નામના સાહસવીરને લીધે આ વંશ પ્રકાશમાં આવ્યો. વેલ્સનો આ વીર પુરુષ લૅન્કેસ્ટર વંશના રાજવી હેન્રી પાંચમા અને હેન્રી છઠ્ઠાના શાસન દરમિયાન રાજ્યની નોકરીમાં હતો અને તેણે તેમના પક્ષમાં રહીને ‘ગુલાબના વિગ્રહો’(Wars of the Roses)માં ભાગ લીધો હતો. હેન્રી પાંચમાના મરણ પછી તેણે તેની વિધવા કૅથેરીન સાથે લગ્ન કર્યાં હતાં. તેના સૌથી મોટા પુત્ર એડમંડ(1430–1456)ને હેન્રી છઠ્ઠાએ ‘રિચમંડના અર્લ’(અમીર)નો ઇલકાબ આપ્યો હતો. એડમંડ એડવર્ડ ત્રીજાના પુત્ર જૉનની પ્રપૌત્રી માર્ગરેટ બૉફાર્ટને પરણ્યો હતો. આ રીતે લૅન્કેસ્ટર રાજ્યવંશ સાથે તેનો દૂરનો સંબંધ હોવાથી રાજગાદી માટે તેનો હક પ્રસ્થાપિત થયો હતો. હેન્રી ટ્યૂડર એડમંડનો મરણોત્તર પુત્ર હતો. ઈ. સ. 1485માં હેન્રીએ યૉર્ક વંશી રાજા રિચાર્ડ, ત્રીજાને હરાવીને, એડવર્ડ ચોથાની પુત્રી અને યૉર્ક વંશની ગાદી ઉપરની એકમાત્ર હકદાર એલિઝાબેથને પરણ્યો હતો; અને આ રીતે તેનો ગાદી ઉપરનો દાવો મજબૂત બન્યો હતો. હેન્રી સાતમા તરીકે જાણીતો થયેલો આ હેન્રી ટ્યૂડર વંશનો પ્રથમ રાજા હતો. તેણે ઈ. સ. 1485થી 1509 સુધી રાજ્ય કર્યું. તેના વખતમાં ઉમરાવોની સત્તા ઘટી ને રાજ્યમાં શાંતિ સ્થપાઈ હતી. તેણે વહાણવટાને ઉત્તેજન આપતાં વેપારની  વૃદ્ધિ થઈ હતી. તેના અનુગામી હેન્રી આઠમાએ 1509થી 1547 સુધી રાજ્ય કર્યું હતું. 1534માં રોમન કૅથલિક ધર્મના વડા પોપ સાથે તેને ઘર્ષણ થયું હતું. 1544માં ઇંગ્લૅન્ડની સંસદે પસાર કરેલા ઠરાવ મુજબ હેન્રી આઠમાનાં ત્રણ સંતાનો એડવર્ડ છઠ્ઠો, મેરી પહેલી અને એલિઝાબેથ પહેલીને ઇંગ્લૅન્ડની ગાદીનાં ક્રમશ: હકદાર બનાવ્યાં હતાં.

હેન્રી આઠમાના પુત્રે એડવર્ડ છઠ્ઠા તરીકે 1547થી 1553 સુધી રાજ કર્યં હતું. તેના પછી રાણી મેરીએ 1553–1558 દરમિયાન રાજ કર્યું. તેણે સ્પેનના રાજા ફિલિપ સાથે લગ્ન કર્યાં હતાં. રોમન કૅથલિક પંથને ઉત્તેજન આપવાને કારણે તેને ગાદી છોડવી પડી હતી, એલિઝાબેથ-1 આ  વંશની છેલ્લી રાજકર્તા હતી. તેણે 1558થી 1603 સુધી રાજ કર્યું. તેના વખતમાં પોપ સાથેના સંબંધોનો વિચ્છેદ થયો હતો અને તેમાંથી જ ઍંગ્લિકન ચર્ચનો જન્મ થયો. દેશનો રાજા આ સંપ્રદાયનો વડો ગણાય તેવી વ્યવસ્થા ત્યારથી દાખલ થઈ હતી. એલિઝાબેથનો કોઈ વારસદાર ન હોવાથી તેના અવસાન  (1603) પછી હેન્રી સાતમાની પુત્રી માર્ગરેટ ટ્યૂડર(1489–1541)નો વંશજ અને સ્કૉટલૅન્ડનો રાજા જેમ્સ છઠ્ઠો બ્રિટનનો રાજા બન્યો અને ત્યારથી તેણે જેમ્સ પહેલા તરીકે સ્ટુઅર્ટ વંશની ગાદી સ્થાપી.

ટ્યૂડર વંશના શાસન દરમિયાન સામંતોની સત્તા નષ્ટ થઈ અને રાજાશાહીનાં મૂળ ર્દઢ થયાં હતાં. એલિઝાબેથ પહેલીના શાસન દરમિયાન ફ્રાન્સિસ ડ્રેક અને હૉકિન્સસે દક્ષિણ અમેરિકાથી પાછા ફરતા સ્પેનના કાફલાઓ ઉપર હુમલાઓ કરી સોના–રૂપા વગેરેની લૂંટ કરી. સ્પેનના અજેય ગણાતા નૌકાસૈન્ય(સ્પૅનિશ આર્મેડા)ને ઇંગ્લૅન્ડે ભારે શિકસ્ત આપી હતી. સાહિત્યમાં શેક્સપિયર, માર્લો, બેકન વગેરે સાહિત્યસ્વામીઓએ અંગ્રેજી સાહિત્યને ટ્યૂડર વંશના કાળમાં સમૃદ્ધ કર્યું હતું. ભારત સાથેના વેપાર માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાને માટે અનુકૂળ વાતાવરણ સરજાયું. ઇંગ્લૅન્ડ અને વેલ્સ પરસ્પર નજીક આવી એક થયાં હતાં.

શિવપ્રસાદ રાજગોર