ટૉયન્બી, આર્નોલ્ડ જૉસેફ (જ. 14 એપ્રિલ 1889, લંડન; અ. 22 ઑક્ટોબર 1975, યૉર્ક, ઇંગ્લૅન્ડ) : જગવિખ્યાત અંગ્રેજ ઇતિહાસચિંતક અને ‘એ સ્ટડી ઑવ્ હિસ્ટરી’ના લેખક. લંડનમાં મધ્યમવર્ગીય રૂઢિચુસ્ત ઍગ્લિકન ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલા ટૉયન્બીએ તેમનો અભ્યાસ વિન્ચેસ્ટર શાળામાં અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની બીલિયલ કૉલેજ તેમજ ઍથેન્સની ધ બ્રિટિશ આર્કિયૉલૉજિકલ સ્કૂલમાં કર્યો હતો. 1912–15 દરમિયાન તેમણે પોતાની કૉલેજ-(બીલિયલ)માં ફેલો તથા ટ્યૂટર તરીકે કામ કર્યું. 1919–24 દરમિયાન તે લંડન યુનિવર્સિટીમાં બિઝૅન્ટાઇન અને આધુનિક ગ્રીક ભાષા, સાહિત્ય અને ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે રહ્યા. તેમણે 1925માં નવી સ્થપાયેલી રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનેશનલ અફૅર્સ(ચેધમ હાઉસ)ના ડિરેક્ટર તરીકે (1925–55) તેમજ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં આંતરરાષ્ટ્રીય ઇતિહાસના સંશોધકપ્રાધ્યાપક તરીકે (1925–56) કામ કર્યું. રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનેશનલ અફૅર્સના ઉપક્રમે તેમણે ‘સર્વે ઑવ્ ઇન્ટરનેશનલ અફૅર્સ’ શીર્ષક હેઠળ સમકાલીન ઇતિહાસ(1920–1946)ના ગ્રંથોનું સંપાદન કર્યું; પરંતુ ઇતિહાસના અભ્યાસને લગતી અને 12 ખંડોમાં લખાયેલી તેમની શ્રેષ્ઠ કૃતિ ‘સ્ટડી ઑવ્ હિસ્ટરી’(1934–1961, 12 ગ્રંથો)એ તેમને ‘વ્યવસાયી ઇતિહાસકાર’ને બદલે ‘સર્જક ઇતિહાસકાર’ની ખ્યાતિ અપાવી.
‘સ્ટડી ઑવ્ હિસ્ટરી’માં ટૉયન્બીએ જગતના ઇતિહાસના અભ્યાસના એકમ તરીકે રાષ્ટ્રને બદલે સંસ્કૃતિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રાચીન સમયથી લઈને આધુનિક કાળની તેમણે પસંદ કરેલી 21થી 31 જેટલી સંસ્કૃતિઓના ઊગમ, વિકાસ અને ઘણી સંસ્કૃતિઓના પતનના તબક્કાઓનું વિશ્લેષણ કર્યું છે. ઇતિહાસના અભ્યાસના માળખા માટે ટૉયન્બીએ કેટલેક અંશે જર્મન ચિંતક ઑસ્વાલ્ડ સ્પગ્લર(જ. 1880, અ. 1936)ના ‘ડિક્લાઇન ઑવ્ ધી વેસ્ટ’(જર્મન ભાષામાં 1918–22, અંગ્રેજી ભાષાન્તર, 1926–28)નું અનુસરણ કર્યું છે; પરંતુ સ્પગ્લરના સંસ્કૃતિઓ અંગેના જૈવિક ચક્રના ખ્યાલનો તેમણે અસ્વીકાર કર્યો છે. એટલે કે જૈવિક એકમની જેમ સંસ્કૃતિઓના પતન કે અંતને ટૉયન્બીએ અનિવાર્ય ગણ્યું નથી. સંસ્કૃતિઓના તુલનાત્મક અભ્યાસ દ્વારા ટૉયન્બીને તેમનાં ઊગમ, વિકાસ અને પતનમાં ખૂબ સામ્ય મળે છે.
સંસ્કૃતિઓના માધ્યમ દ્વારા ઇતિહાસને સમજવા માટે તેમણે ‘પડકાર અને પ્રતિભાવ’નો અભિગમ રજૂ કર્યો છે. ટૉયન્બી મુજબ સંસ્કૃતિના ઊગમ અને વિકાસનો આધાર સંસ્કૃતિ સમક્ષ ઉપસ્થિત થતા પડકાર અને આ પડકારોને ઝીલવાની ક્ષમતા, પદ્ધતિ અને પ્રતિભાવના સ્વરૂપ પર રહેતો હોય છે. ટૉયન્બીની ર્દષ્ટિએ સંસ્કૃતિના વિકાસ માટે પ્રતિભાવના સ્વરૂપમાં રજૂ થતી આત્મસંતોષની વૃત્તિ ક્યારેક ઘાતક બને છે. વિકાસ માટે જે તે સંસ્કૃતિએ પોતે જ સતત પડકારો પેદા કરવાની ક્ષમતા પણ આત્મસાત્ કરેલી હોવી જરૂરી છે; અને તે માટે ટૉયન્બીએ દરેક સંસ્કૃતિમાં સર્જક લઘુમતીના નેતૃત્વ અને તેની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો છે; પરંતુ જો આ લઘુમતી પોતાનું સ્થાન – આધિપત્ય ટકાવવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો તેને પરિણામે તેની સર્જકશક્તિનો હ્રાસ થાય છે અને એવા સંજોગોમાં તેની સામે પ્રત્યાઘાત પેદા થાય છે, જે સંસ્કૃતિને નબળી પાડનારાં – અસમતુલા પેદા કરનારાં પરિબળોને – પડકારોને જન્મ આપે છે. આ પડકાર સંસ્કૃતિની અંદર શોષિત લોકોના સ્વરૂપમાં હોઈ શકે અથવા એ સંસ્કૃતિ પર બહારથી આક્રમણ કરનાર બર્બર પ્રજાના સ્વરૂપમાં હોય. આવા સંજોગોમાં સંસ્કૃતિનું ધારક રચનાતંત્ર તૂટી પડે છે અને છેવટે સંસ્કૃતિ પોતાની અસ્મિતા ગુમાવે છે. શક્ય છે કે આવા સંજોગોમાં તે વિશ્વવ્યાપી ધર્મસંસ્થા કે વિશ્વવ્યાપી રાજ્યનો ભાગ બની જાય. ટૉયન્બીએ પાશ્ચાત્ય સંસ્કૃતિના પોષક પરિબળ તરીકે ખ્રિસ્તી ધર્મની ભાવનાના પુનરુત્થાન પર ભાર મૂક્યો હતો.
‘સ્ટડી ઑવ્ હિસ્ટરી’ના પ્રથમ છ ખંડમાં ટૉયન્બીએ આ પ્રકારનો અભિગમ અપનાવ્યો હતો; પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી તેમના વિચારોમાં પાયાનું પરિવર્તન આવ્યું. અભ્યાસના એકમ તરીકે સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને સાપેક્ષિત ઘટનાવિજ્ઞાન(relativist phenomenology)ના અભિગમને સ્થાને હવે તેમણે સાતત્ય અને સમગ્રતાના સંદર્ભમાં જ ઇતિહાસના અભ્યાસનો અભિગમ અપનાવ્યો. સંસ્કૃતિઓના સંદર્ભમાં ઐતિહાસિક ઘટનાઓના સંશોધનનું સ્થાન હવે એ ઘટનાઓ પાછળ રહેલા વાસ્તવની ખોજે લીધું અને તે માટે તેમણે સંસ્કૃતિઓને ધર્મસંપ્રદાયને સ્થાને ઉચ્ચ અને વ્યાપક ધર્મભાવના તરીકેની ભૂમિકા ભજવવા પૂરતું જ મહત્વ આપ્યું. એ રીતે જો સંસ્કૃતિઓનું પતન ધર્મની વ્યાપક ભાવનાને પુષ્ટિ આપતું હોય તો સંસ્કૃતિના અસ્તિત્વ અને પતનને તેમણે સાર્થક માન્યું અને એ રીતે સંસ્કૃતિના આત્મભોગમાંથી વધારે વ્યાપક ધર્મભાવનાવાળા માનવસમાજના વિકાસનો તેમણે ખ્યાલ આપ્યો.
ટૉયન્બીના ‘સ્ટડી ઑવ્ હિસ્ટરી’ના પ્રકાશન પછી તેમના અગાધ જ્ઞાનની પ્રશંસા થઈ ખરી, પરંતુ ઇતિહાસ વિશેના તેમના અભિગમ અને સંશોધનપદ્ધતિની ઇતિહાસના ઘણા વિદ્વાનોએ ટીકા કરી હતી. તેનો જવાબ તેમણે પોતાના પુસ્તકના 12મા ખંડ(1961)માં આપ્યો છે.
કાર્લ માર્કસે ઇતિહાસને ઘડવામાં આર્થિક પરિબળો પર ભાર મૂક્યો; જ્યારે ટૉયન્બીએ આધ્યાત્મિક પરિબળોને વધારે મહત્વ આપ્યું. ઇતિહાસ–સંશોધનના ક્ષેત્રે વિશિષ્ટીકરણના આ યુગમાં ટૉયન્બીનું અખિલાઈનું દર્શન ઉપયોગી બની શકે તેમ છે.
ટૉયન્બીનાં અન્ય પુસ્તકોમાં ‘ગ્રીક હિસ્ટોરિકલ થૉટ’ (1924), ‘ગ્રીક સિવિલાઇઝેશન ઍન્ડ કૅરેક્ટર’ (1924), ‘ધ વર્લ્ડ આફ્ટર ધ પીસ કૉન્ફરન્સ’ (1925), ‘અ જર્ની ટુ ચાઇના’ (1931), ‘ક્રિશ્ચિયાનિટી ઍન્ડ સિવિલાઇઝેશન’ (1940), ‘સિવિલાઇઝેશન ઑન ટ્રાયલ’ (1948), ‘ધ વર્લ્ડ ઍન્ડ ધ વેસ્ટ’ (1953), ‘ઍન હિસ્ટોરિયન્સ ઍપ્રોચ ટુ રિલિજિયન’ (ગીફર્ડ ભાષણોનો સંગ્રહ) (1956), ‘હેલેનિઝમ’ (1959), ‘અમેરિકા ઍન્ડ ધ વર્લ્ડ રેવૉલ્યૂશન’ (1962), ‘કંપેરિંગ નોટ્સ : એ ડાયલૉગ ઍક્રૉસ અ જનરેશન’ (1963), ‘બિટવીન નાઇજર ઍન્ડ નાઇલ’ (1965), ‘હૅનિબાલ્સ લીગસી’ (1965), ‘ચેન્જ ઍન્ડ હૅબિટૅટ’ (1966), ‘ઍક્વૅઇન્ટન્સીસ’ (1967), ‘ધ ક્રુસિબલ ઑવ્ ક્રિશ્ચિયાનિટી’ (1968), ‘સિટીઝ ઑવ્ ડેસ્ટિની’ (1969), ‘સમ પ્રૉબ્લેમ્સ ઑવ્ ગ્રીક હિસ્ટરી’ (1969), ‘સર્વાઇવિંગ ધ ફ્યૂચર’ (1971) અને ‘કૉન્સ્ટન્ટાઇન પૉરફાયરોજેનિટસ ઍન્ડ હિઝ વર્લ્ડ’(1973)નો સમાવેશ થાય છે.
ર. લ. રાવળ