ટૉરટૉઇઝ બીટલ : ઢાલપક્ષ (Coleoptera) શ્રેણીની એક જીવાત. આ જીવાત શક્કરિયાના પાકને જ નુકસાન કરતી જોવા મળે છે. આ જીવાતની કુલ ચાર જાતિઓ છે. તે પૈકી એસ્પિડોમૉર્ફા મિલીયારિસ, એફ. એ ખૂબ જ સામાન્ય અને અગત્યની જીવાત છે. તેનો કેસ્સીડીડી કુળમાં સમાવેશ થાય છે. પુખ્ત કીટક લંબગોળાકાર, ચપટા, 12 મિમી. લંબાઈના અને ભૂરાશ પડતા રાતા રંગના હોય છે. તેની પાંખ પર કાળાં ટપકાં આવેલાં હોય છે. પુખ્ત કીટકના વક્ષ અને પાંખોના આગળના ભાગ વડે તેનું માથું  ઢંકાયેલું જોવા મળે છે. આકારે તે કાચબા જેવું દેખાય છે તેથી તેને ‘ટૉરટૉઇઝ બીટલ’ તરીકે ઓળખવામાં આવે છે. ઇયળ પીળાશ પડતી લીલા રંગની, ચપટી અને શરીરે કડક વાળ ધરાવે  છે. આવી ઇયળ તેનો પાછલો ભાગ ઊંચો રાખે છે અને તે હંમેશાં  હગારથી ઢંકાયેલો હોય છે. નિર્મોચન વખતે ઉતારેલ કાંચળી પણ આ ભાગ પર ચોંટેલી જોવા મળે છે. માદા કીટક પાનની નીચેની સપાટીએ નસની બાજુમાં 5થી 10ની સંખ્યામાં સમૂહમાં ઈંડાં મૂકે છે. ઇયળ પુખ્ત બનતાં પાન પર જ કોશેટા બનાવે છે. ઈંડાં, ઇયળ અને કોશેટાની અવસ્થા અનુક્રમે 9થી 11, 15થી 20 અને 4થી 6 દિવસની હોય છે. સંપૂર્ણ જીવનક્રમ 28થી 38 દિવસમાં પૂર્ણ થાય છે. ઇયળ અને પુખ્ત બંને અવસ્થા પાન પર કાણાં પાડી નુકસાન કરે છે. ઇયળ રાત્રિના સમયે પાન પરનું બાહ્ય આવરણ નીલકણો સાથે ખાય છે અને વધુ  ઉપદ્રવ થતાં પાન જાળી કે ઝાંખરા જેવું થઈ જાય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતનો ઉપદ્રવ જણાય તો કાર્બારિલ 0.2 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો પડે છે.

ઉપર વર્ણવેલ જાતિ ઉપરાંત મેટ્રીઓના (કેસીડા) સર્કમડાટા, ચિરિડિયા સેક્સનોટાટા અને ગ્લાયફોકેસીસ ટ્રિલિનિએટા નામની ટૉરટૉઇઝ બીટલની જાતિઓ શક્કરિયાના પાકમાં નુકસાન કરતી જોવા મળે છે.

પરબતભાઈ ખી. બોરડ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ