ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ

January, 2014

ટૉમ્બો કે ક્લાઇડ વિલિયમ ટૉમ્બાહ (જ. 4 ફેબ્રુઆરી 1906, સ્ટ્રીટર, ઇલિનોઇસ, યુ.એસ.; અ. 17 જાન્યુઆરી 1997, મેસિલ્લા પાર્ક, ન્યૂ મૅક્સિકો) : પ્લૂટોનો શોધક, અમેરિકી ખગોળશાસ્ત્રી.

પિતાની વાડીમાં પડેલાં યંત્રોના ભંગારમાંથી ટૉમ્બોએ 23 સેમી.નું એક ટેલિસ્કોપ બનાવીને આકાશનિરીક્ષણ ચાલુ કરી દીધું હતું. નાની વયે ટૉમ્બો  ખગોળ તરફ આકર્ષાયા હતા. ખગોળનો આ પ્રેમ એમને ઍરિઝોના પ્રાંતમાં ફ્લૅગસ્ટાફ ખાતે આવેલી લૉવેલ વેધશાળા તરફ દોરી ગયો.

1946માં નૅપ્ચૂનની શોધ થઈ એ પછી એની કક્ષાનું  નિરીક્ષણ કરનારાઓએ જાહેર કર્યું કે એની કક્ષામાં પણ, અગાઉ જેમ યુરેનસની કક્ષામાં વિક્ષેપ પડતો હતો તેવી જ રીતે વિક્ષેપ પડતો જણાતો હતો. આનો અર્થ એ થયો કે નૅપ્ચૂનની પેલે પાર પણ કોઈ નવો ગ્રહ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ. એ ગ્રહ ક્યાં હશે એનું ગણિત ખૂબ ચોકસાઈપૂર્વક કરવામાં આવ્યું હતુ. વળી એના નિરીક્ષણ માટેના ઉપલબ્ધ ટેલિસ્કોપ પણ ઉત્તમ પ્રકારના હતા અને છતાંય ખૂબ લાંબા સમય સુધી આ નવા ગ્રહના અસ્તિત્વનો પત્તો લાગ્યો ન હતો.

ટૉમ્બો

યુવાન ટૉમ્બો લૉવેલ વેધશાળાના નિયામક  સ્લીફર (1875–1969)  સાથે પત્રવ્યવહાર કરતા હતા અને ગુરુ અને મંગળનાં પોતે કરેલાં નિરીક્ષણોના અહેવાલ આકૃતિઓ સાથે મોકલતા હતા. આવા યુવાનને સ્લીફરે નવા ગ્રહની શોધમાં જોડાવા આમંત્રણ આપ્યું. આમ, આકાશનિરીક્ષણની સ્વપ્રયત્ને મેળવેલી દક્ષતાને બળે 1929માં ટૉમ્બો એક સામાન્ય મદદનીશની હેસિયતથી લૉવેલ વેધશાળામાં જોડાયા. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે કૉલેજનું ઉચ્ચ શિક્ષણ મેળવી ન શકનાર ટૉમ્બો માટે આ નિયુક્તિ  એક આશીર્વાદ સમી નીવડી.

એકાદ વર્ષ આકરી મહેનત કર્યા પછી 1930ના ફેબ્રુઆરીની 18મીએ સાંજે ચાર વાગ્યે ટૉમ્બો જાન્યુઆરી મહિનામાં બે ભિન્ન ભિન્ન દિવસોએ લીધેલી તસવીરોને ‘બ્લિન્ક કમ્પેરેટર’ નામના વિશિષ્ટ ઉપકરણ દ્વારા સરખાવતા હતા ત્યારે એમણે ઠેકડા મારતું એક તેજબિંદુ જોયું. ટૉમ્બોની આ શોધે વેધશાળામાં ઉત્તેજના ફેલાવી દીધી; કારણ કે બ્લિંક માઇક્રોસ્કોપ, કે સ્ટેરિયો કમ્પેરેટર કે પછી કમ્પેરેટર તરીકે ઓળખાતા આ વિશિષ્ટ ઉપકરણની રચના એવી રીતે કરવામાં આવી હોય છે કે જો એમાં આકાશમાંના કોઈ એક જ ભાગની જુદે જુદે સમયે એક જ સાધનથી લીધેલી બે તસવીરોને સરખાવવામાં આવે તો સ્થિર તારામાં કોઈ એક તેજબિંદુનું સ્થાન બંને તસ્વીરોમાં અલગ અલગ હોય તો તે તેજબિંદુ એ બે સ્થાનો વચ્ચે ઠેકડા મારતું લાગે છે. આવી લાક્ષણિકતાને કારણે થોડાક કલાકોમાં જ ઝડપથી ખસતો દેખાતો લઘુગ્રહ કે ત્રણેક દિવસમાં થોડુંક જ ખસતો ગ્રહ પણ સહેલાઈથી પારખી શકાય છે. આ કારણથી આ ઉપકરણની મદદથી તારાઓની પોતાની નિજગતિ(proper motion)નો પણ અભ્યાસ થઈ  શકે છે. તેવી જ રીતે, સમય સાથે તેજસ્વિતા બદલતા રૂપવિકારી તારકો(variable stars)નો પણ સુગમતાથી અભ્યાસ થઈ શકે છે. આ સાધનમાં સ્ટિરિયોસ્કોપ, ત્રિપરિમાણ-દર્શક અને સૂક્ષ્મદર્શક એમ એકથી વધુ ઉપકરણોની લાક્ષણિકતાઓ સામેલ કરેલી જોઈ શકાય છે.

ટૉમ્બોએ અવલોકેલું ‘ઠેકડા મારતું’ આ તેજબિંદુ કે ‘ખસતો તારો’ તે જ સૂર્યમાળાનો નવમો ગ્રહ હતો, જેને લૉવેલ ‘એક્સ-ગ્રહ’ (planet x) તરીકે ઓળખાવતા હતા. આ નવમો ગ્રહ લૉવેલની ઈ. સ. 1915ની આગાહી મુજબ મિથુન રાશિમાં જ, એણે ગણતરી દ્વારા સૂચવેલા સ્થાનથી ઘણો નજદીક મળી આવ્યો હતો. પૂરતી ચકાસણી કર્યા પછી, લૉવેલની 75મી વર્ષગાંઠે એટલે કે 13મી માર્ચ, 1930ના રોજ આ નવા ગ્રહની શોધની વિધિસર જાહેરાત કરવામાં આવી અને ટૉમ્બો રાતોરાત ‘હીરો’ બની ગયા !

1930 પહેલાંની અનેક વર્ષોની તસવીરો તપાસતાં ખાતરી થઈ કે એ બધી ફોટો-પ્લેટો પર આ ગ્રહ (પ્લૂટો) અંકિત થયો હતો — ક્ષતિ રહી હતી નિરીક્ષકની વિશ્લેષણપદ્ધતિની. આમાં ટૉમ્બો મેદાન મારી ગયા હતા. વળી, બ્લિન્ક કમ્પેરેટરને નામે ઓળખાતું ઉપકરણ જો ઉપલબ્ધ ન હોત તો કદાચ આ નવમો ગ્રહ શોધવામાં બીજા કેટલાય દસકાઓ લાગ્યા હોત.

પ્લૂટો ગ્રહની શોધના સંદર્ભે ભારત માટે રસપ્રદ અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ધારવાડ શહેરના નિવાસી અને મરાઠી વિશ્વકોશના  રચનાર વ્યંકટેશ બાપુજી કેતકર (1854–1930) નામના પંચાંગશાસ્ત્રી અને ખગોળ-ગણિતશાસ્ત્રીએ છેક 1911માં એટલે કે લૉવેલ કરતાં 4 વર્ષ અગાઉ, નૅપ્ચૂનથી આગળના બે ગ્રહોનાં અંતર અને સ્થાન નિશ્ચિત કર્યાં હતાં. પૅરિસસ્થિત ફ્રેન્ચ ઍસ્ટ્રોનૉમિક્લ સોસાયટીના બુલેટિનમાં પ્રકાશનાર્થે મોકલાવેલી તેમની આ સંશોધનનોંધ 1911ના મે મહિનાના અંકમાં પ્રસિદ્ધ થયેલી છે. તેમનું આ સંશોધન સૂર્યમંડળમાં સ્પંદનોની પ્રક્રિયા (resonance structure)  પર આધારિત હતું અને  આ માટે તેમણે નબળાં સ્પંદનોનાં સમીકરણોનો આધાર લીધો હતો. આમાંના એક ગ્રહનું નામ તેમણે ‘બ્રહ્મા’ એવું રાખેલું. 1930માં જ્યારે ટૉમ્બોએ પ્લૂટો શોધ્યો ત્યારે 19 વર્ષ પહેલાં  કેતકરે સૂચવેલાં અંતરે અને સ્થાને જ તે મળી આવ્યો હતો. આમ, પ્લૂટોની શોધના ઇતિહાસમાં ભારતના ખગોળશાસ્ત્રી કેતકરનો પણ ઉલ્લેખ કરવો જોઈએ.

ટૉમ્બોએ પ્લૂટોની શોધ કર્યા બાદ 1933માં એમને કન્સાસ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ સાંપડી. ઉચ્ચ શિક્ષણ મેળવવાની આ તક એમણે ઝડપી લીધી અને 1936માં એમ. એ. થયા અને પછી પણ એ યુનિવર્સિટીમાંથી  તેમજ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં અધ્યયન-સંશોધન કરવાની અનુકૂળતા મળી હતી.

આ દરમિયાન લશ્કરી કામગીરી માટે 1943માં એમની ભરતી એરિઝોના સ્ટેટ કૉલેજમાં કરવામાં આવી. અહીં એમને એક ખગોળશાસ્ત્રી તરીકે અમેરિકાના નૌકાદળને નૌસંચાલન (navigation) શીખવવાની કામગીરી સોંપવામાં આવી. એ પછી 1946માં ‘વ્હાઇટ સૅન્ડ્સ મિસાઇલ રેન્જ’ (White Sands Missile Range) નામની પ્રક્ષેપાસ્ત્ર (missile) બનાવતી સંસ્થામાં એમની નિમણૂક કરવામાં આવી. અહીં એમણે પ્રકાશીય ભૌતિકશાસ્ત્રી તથા ખગોળશાસ્ત્રી તરીકે ફરજો બજાવી.

1955માં ટૉમ્બો ન્યૂ મૅક્સિકો સ્ટેટ યુનિવર્સિટી સાથે સંકળાયા અને 1961થી 1965 સુધી આ યુનિવર્સિટીના ભૂમિ-વિજ્ઞાન (earth sciences) વિભાગમાં સહાયક પ્રાધ્યાપક અને એ પછી 1965થી પૂર્ણકાલીન પ્રાધ્યાપક તરીકે સેવા બજાવી. 1973માં નિવૃત્ત થયા. અહીં બહુધા એમના જ પ્રયત્નોથી ખગોળવિદ્યાના વિભાગની સ્થાપના થઈ. નિવૃત્ત થયા પછી આ યુનિવર્સિટીના આમંત્રણથી સંમાન્ય પ્રાધ્યાપક professor emeritus) તરીકે પણ એમણે સેવા આપી. આ સમયગાળામાં અધ્યાપન ઉપરાંત, સંશોધનમાં પણ એ સક્રિય રહ્યા.

પ્લૂટો ગ્રહની શોધ ઉપરાંત, ટૉમ્બોએ એકાદ ધૂમકેતુ, કેટલાક તારકગુચ્છો (star clusters) અને કેટલાંક તારાવિશ્વો (galaxies) પણ શોધ્યાં છે અને પ્લૂટોની શોધ કરતાં કરતાં આશરે ત્રણ હજારથી પણ વધુ સંખ્યામાં લઘુગ્રહો (asteroids) શોધ્યા છે. આવા એક લઘુગ્રહનું ટૉમ્બોના માનમાં નામકરણ પણ થયું છે.

એમણે મંદાકિનીની બહાર આવેલી નિહારિકાઓના દેખીતા વિસ્તરણ સંબંધી પણ સંશોધન કર્યું છે તો વળી, મંગળ, શુક્ર, ગુરુ અને શનિ જેવા ગ્રહો તથા ચંદ્રની સપાટીનાં નિરીક્ષણો કરીને મહત્ત્વની માહિતી પણ પ્રાપ્ત કરી છે.

ખગોળશાસ્ત્રની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ટૉમ્બોએ કેટલાંક — ખાસ કરીને ગ્રહીય ખગોળશાસ્ત્ર (planetary astronomy) ઉપર પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં બ્રિટનના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી અને ખગોળ વિજ્ઞાન-લેખક પૅટ્રિક મૂર સાથે મળીને લખેલા ‘આઉટ ઑવ્ ધ ડાર્કનેસ ધ પ્લેનેટ પ્લૂટો’ (1980) જેવા લોકભોગ્ય પુસ્તકનો પણ સમાવેશ થાય છે.  પ્લૂટોની શોધ પછી આશરે અડધી સદી બાદ પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકમાં ટૉમ્બોએ પ્લૂટોની શોધકથા વર્ણવી છે. એમના મહત્વના અન્ય ગ્રંથોમાં ‘ધ સર્ચ ફૉર સ્મૉલ નૅચરલ અર્થ સૅટલાઇટ્સ’ (1959) અને ‘લેક્ચર્સ ઇન ઍરો સ્પેસ મેડિસીન’(1960, 1961)ને ગણાવી શકાય.

બે વર્ષ શ્વાસની તકલીફ ભોગવી 90 વર્ષની જઈફ વયે ન્યૂ મૅક્સિકોના મેસિલ્લા પાર્ક ખાતે આવેલા એમના રહેઠાણે એમનું અવસાન થયું. જ્યાં સુધી દસમો ગ્રહ ન શોધાય ત્યાં સુધી સૂર્યમાળાના છેલ્લા ગ્રહના શોધક તરીકે ટૉમ્બોનું સ્થાન અચળ રહેવાનું છે.

સુશ્રુત પટેલ