ટાઇટસ (જ. 30 ડિસેમ્બર 39;  અ. 13 સપ્ટેમ્બર 81) : રોમનો ખૂબ લોકપ્રિય સમ્રાટ (ઈ. સ. 79–81) અને જેરૂસલેમનો વિજેતા (ઈ. સ. 70). તેનું  મૂળ નામ ટાઇટસ ફ્લેવિયસ સેબિનસ વેસ્પેસિયેનસ હતું. તે રોમન સમ્રાટ વેસ્પેસિયનનો પુત્ર હતો. ટાઇટસ જર્મની અને બ્રિટનમાં યુદ્ધ લડ્યો હતો. ઈ. સ. 66માં તે વેસ્પેસિયન સાથે યહૂદીઓનો બળવો દબાવવા પૅલેસ્ટાઇન ગયો હતો. ઈ. સ. 69માં યુદ્ધનું સંચાલન ટાઇટસને સુપરત કરીને વેસ્પેસિયન રોમ પાછો આવ્યો અને સમ્રાટ બન્યો. ટાઇટસે  ઈ. સ. 70માં યહૂદીઓના બળવાને દબાવીને જેરૂસલેમનો નાશ કર્યો. પૅલેસ્ટાઇન પરના તેના વિજયને રોમમાં ભવ્ય રીતે ઊજવવામાં આવ્યો. ત્યારપછી ટાઇટસ વેસ્પેસિયન સાથે સત્તાસંચાલનમાં ભાગીદાર બન્યો અને તેના પિતા સાથે તે સતત સાત વર્ષ સુધી રોમના કૉન્સલના પદ પર રહ્યો. ઈ. સ. 79માં વેસ્પેસિયનનું મૃત્યુ થતાં તે રોમનો સમ્રાટ બન્યો.

તેના પિતાના શાસન દરમિયાન ટાઇટસ તેની ક્રૂરતા માટે પંકાયેલો હતો; પરંતુ સમ્રાટ થતાં તેનામાં પરિવર્તન આવ્યું. તેણે તેના પિતાની સાદગી અપનાવી અને સાથે ઉદારતાની નીતિ અખત્યાર કરી. તેના શાસન દરમિયાન વિસુવિયસ જ્વાળામુખી ફાટી નીકળતાં (24 ઑગસ્ટ, 79) હરક્યુલેનિયમ અને પૉમ્પી નગર નાશ પામ્યાં અને રોમમાં પ્લેગ તથા આગ ફાટી નીકળ્યાં (ઈ. સ. 80). ટાઇટસે આ કુદરતી આફતોનો ભોગ બનનારને ઉદારતાપૂર્વક સહાય કરી. તેણે રોમ નગરને ફરીથી બંધાવ્યું અને તેના પિતાના સમય દરમિયાન શરૂ થયેલ કૉલોસિયમ તરીકે પ્રખ્યાત થયેલા ખુલ્લા નાટ્યગૃહનું બાંધકામ પૂરું કર્યું. ઈ. સ. 81માં તેણે જેરૂસલેમ પરના વિજયની સ્મૃતિમાં ‘ટાઇટસની કમાન’ (The arch of Titus) બંધાવી. આ બધાં કાર્યોને લીધે તેના શાસનના બે વર્ષના ટૂંકા ગાળા દરમિયાન તેણે ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી હતી.

ર. લ. રાવલ