ટાઇગ્રિસ : પશ્ચિમ એશિયાની પ્રમુખ નદી. ભૌગોલિક સ્થાન : 33o ઉ. અ. અને 45o પૂ. રે.. આ નદીની લંબાઈ આશરે 1900 કિમી. તથા તેનું સ્રાવક્ષેત્ર (catchment area) 3,73,000 ચોકિમી. છે. તે મેસોપોટેમિયા(ઇરાક)ના સૂકા પ્રદેશની જીવાદોરી છે. તે પૂર્વ તુર્કસ્તાનના મધ્ય ભાગમાં આવેલ ગોલકુક સરોવરમાંથી પસાર થાય છે તથા ટર્કીના અગ્નિ ખૂણે આવેલ દિયારબકીર નામના ખેતીવાડી માટે જાણીતા શહેર પાસેથી વહીને પેટ્રોલિયમની સમૃદ્ધિ ધરાવતા ઉત્તર ઇરાકના મોસુલ શહેર અને સમારા બંધ આગળ થઈને બગદાદ સુધી અને ત્યાંથી અગ્નિ ખૂણે આવેલ અલ કુનહિ આગળ તે યુફ્રેટિસને મળે છે. ટાઇગ્રિસ અને યુફ્રેટિસ આ બંને નદીઓ મળીને શત-અલ-અરબ તરીકે ઓળખાય છે. તેનું પાણી ઈરાનના અખાતમાં ઠલવાય છે. ઇરાકમાં દાખલ થાય તે પૂર્વે થોડા ભાગ સુધી તે સીરિયા અને ટર્કીની સરહદ વચ્ચે વહે છે. બગદાદ અને અલ કુનહિ વચ્ચે તે નાની સ્ટીમરો, તરાપા વગેરે દ્વારા નૌકાવહન માટે ઉપયોગમાં લેવાય છે. તેના પ્રવાહ સાથે તે કાંપ ખેંચી લાવી ઇરાકના નીચલા ભાગમાં ઠાલવે છે. તેથી કાંઠા કરતાં નદીતળ ઊંચું આવવાથી વારંવાર તેનો પ્રવાહમાર્ગ બદલાય છે. આ કારણે ખેતીવાડી તથા જાનમાલને ઘણું નુકસાન થાય છે. પૂરનિયંત્રણનાં પગલાં દ્વારા નુકસાનમાં ઘટાડો કરવાના પ્રયાસ અમુક અંશે સફળ થયા છે. તેના પર સમારા ખાતે બંધ બંધાયો છે, જેમાંથી નહેરો કાઢીને ઘઉં, જવ, બાજરી અને ડાંગરનો પાક લેવાય છે.

મેસોપોટેમિયાના નીચાણવાળા ભાગમાંથી સુમેરના ઈ. સ. પૂ. 3000ની આસપાસના પ્રાચીન અવશેષો મળી આવ્યા છે.  ઈ. સ. પૂ. 2400 પહેલાં સુમેરિયન લોકોએ બાંધેલી નહેરોના અવશેષો હજુ જોવા મળે છે. પ્રાચીન ઍસીરિયાની રાજધાની નિનેવેના તથા સબૂશિયા અને ટેસીફોનનાં પ્રાચીન શહેરોના અવશેષો ઉપરાંત હાલના ઇરાકનાં કાબા, મોસલ, સમારા, બગદાદ અને કૂટ-અલ-અમરા જેવાં શહેરો તથા તુર્કસ્તાનમાં આવેલ દિયારબકીર જેવાં શહેરો આ નદીના કાંઠા પર આવેલાં છે.

નિનેવેનો નાશ ટાઇગ્રિસ નદીના માર્ગ દ્વારા આવેલ બૅબિલોનિયનો તથા તેમના ટેકેદારોએ ઈ. સ. પૂ. 612માં કર્યો હતો. રોમન સમ્રાટ ટ્રેજને (ઈ. સ. 115થી 117) પાર્થિયનોને હરાવવા આ નદીના જળમાર્ગનો ઉપયોગ કર્યો હતો.

શિવપ્રસાદ રાજગોર