ટાઇપ ધાતુ (type metal) : છાપકામ માટેના ટાઇપમાં વપરાતી કલાઈ (Sn) (2.5થી 12 %) અને ઍન્ટિમની (Sb) (2.5થી 25 %) ધરાવતી સીસા(Pb)ની મિશ્રધાતુ. કલાઈ એટલે કે ટિન અને ઍન્ટિમની લેડ સાથે મિશ્રધાતુઓની એક એવી શ્રેણી બનાવે છે કે જે ઉત્તમ ઢાળણ(casting)ના ગુણધર્મો ઉપરાંત બારીક વિગતો(ઝીણી ખૂબીદાર ભાતો)વાળા જટિલ ઢળાઈકામ (intricate castings) માટેની ક્ષમતા ધરાવે છે. આમાંનું ઍન્ટિમની કઠિનતા વધારે છે અને ઘનીભવન (solidification) દરમિયાન સંકોચન (shrinkage) ઘટાડે છે, જ્યારે ટિન તરલતા અને વિગતોની પ્રતિકૃતિ (reproduction) વધારે છે. બંને તત્વો મિશ્રધાતુનું ગ. બિં. ઘટાડતાં હોવાથી સામાન્ય ટાઇપ ધાતુ 238°થી 246° સે.એ પીગળે છે. ટાઇપ ઢાળવાની અને છાપકામની ક્રિયા ખાસ ગુણધર્મોવાળી મિશ્રધાતુઓ માગી લે છે અને તે મુજબ Sn, Sb અને Pbના પ્રમાણમાં ફેરફાર કરી આવી મિશ્રધાતુઓ બનાવવામાં આવે છે.

વિવિધ પ્રકારની ટાઇપ ધાતુનું સંઘટન (composition) નીચે પ્રમાણે હોય છે :

લિનોટાઇપ (linotype) : 3 %થી 5 % Sn, 11 %થી 12 % Sb; બાકીનું Pb.

સ્ટિરિયોટાઇપ (stereotype) : 6 %થી 8 % Sn, 13 %થી 15 % Sb; બાકીનું Pb.

મૉનોટાઇપ (monotype) : 7 %થી 8 % Sn; 15 %થી 17 % Sb; બાકીનું Pb.

ફાઉન્ડ્રી ટાઇપ (foundry type) : 10 %થી 13 % Sn, 20 %થી 25 % Sb; બાકીનું Pb.

મધુસૂદન લેલે