ઝૈનુલ આબિદિન (શાસનકાળ : 1420–1470) : કાશ્મીરનો મહાન સુલતાન. અગાઉ તેનું નામ શાહીખાન હતું. તે ઝૈનુલ આબિદિન ખિતાબ ધારણ કરી ગાદીએ બેઠો. તેની બિનસાંપ્રદાયિક નીતિ તથા સારાં કાર્યોને લીધે મુઘલ શહેનશાહ અકબર સાથે તેને સરખાવવામાં આવ્યો છે. તેના સમયમાં કાશ્મીર રાજ્યની સરહદ સૌથી વધુ વિસ્તાર પામી અને રાજ્ય સમૃદ્ધ થયું. હિંદુઓ સાથે તેનો વર્તાવ ઘણો સારો હતો. ‘રાજતરંગિણી’નો બીજો ભાગ તેના અમલ દરમિયાન જોનરાજે લખ્યો હતો. તે મુજબ તેની સત્તા ગંધાર, સિંધુ, મદ્ર અને રાજપુરી સુધી વિસ્તરી હતી. ઉદભાંડપુરના રાજાને તેણે હરાવ્યો હતો. તેની ચડાઈઓમાં ખોખર જાતિના લોકોનો રાજા જશરથ તેને મદદ કરતો હતો. પંજાબ, તિબેટ અને સિંધુ નદીના કિનારાના પ્રદેશો તેના કબજામાં હતા.

ઝૈનુલ આબિદિન મુખ્યત્વે શાંતિના સમયનાં તેનાં કાર્યો વાસ્તે પ્રસિદ્ધ છે. તે પોતે વિદ્વાન હતો. સંસ્કૃત, ફારસી, તિબેટન વગેરે ભાષાઓ તે જાણતો હતો. તેણે ઘણા ફારસી અને અરબી ગ્રંથોના સ્થાનિક ભાષામાં તથા મહાભારત અને ‘રાજતરંગિણી’ના ફારસીમાં અનુવાદો કરાવ્યા હતા. તે સફળ વહીવટદાર પણ હતો. તેણે કેટલાંક નવાં નગરો વસાવ્યાં, અનેક પુલો બંધાવ્યા તથા સિંચાઈ વાસ્તે નહેરો ખોદાવી જેમનાથી તેની પ્રજાની સમૃદ્ધિ વધી. તેણે સ્થાનિક સૂબાઓને ગેરકાયદે વેરા લેતા અટકાવ્યા અને ખેડૂતોને કરમાફી આપી. તે પરિશ્રમપૂર્વક સત્ય શોધીને લોકોને ન્યાય આપવા માટે જાણીતો હતો.

તેના મહેલનો ખર્ચ તાંબાની ખાણોની આવકમાંથી મેળવવામાં આવતો હતો. તેણે રાજ્યનાં શહેરોના વેપારીઓને માલનો સંગ્રહ ન કરવા, ઓછો નફો લેવા તથા ભાવનાં બોર્ડ મૂકવા હુકમ કર્યો હતો. ચોરી કે લૂંટ થાય તો ગામના મુખીને દંડ કરવામાં આવતો. તેનાથી ગુના થતા અટકી ગયા હતા.

તેની અગાઉના બે સુલતાનોએ હિંદુઓ પ્રત્યે અયોગ્ય વહેવાર કર્યો હતો. તેણે તે સુધારવા પ્રયાસો કર્યા. રાજ્યમાંથી હાંકી કાઢેલા બધા બ્રાહ્મણોને તેણે પાછા બોલાવ્યા અને સહિષ્ણુતાની નીતિ અપનાવી. મંદિરો ફરીથી બાંધવાની છૂટ આપી અને દરેક વ્યક્તિને પોતાના ભગવાનને પૂજવાની છૂટ મળી. પંડિતોને વર્ષાસન આપવાની પ્રથા તેણે પુન: શરૂ કરી.

ઝૈનુલ આબિદિન ભારતના સૌથી વધુ પ્રબુદ્ધ મુસ્લિમ શાસકોમાંનો એક હતો. તેનો દરબાર હિંદુ તથા મુસ્લિમ વિદ્વાનો, કવિઓ (શાયરો) અને પંડિતો તથા મૌલવીઓનું મિલનસ્થાન હતું. તેને સંગીત સહિત અન્ય કલાઓમાં રસ હતો. તેના અમલ દરમિયાન કાશ્મીરમાં બંદૂકોનું ઉત્પાદન થતું હતું.

ભારતમાં તેના સમકાલીન શાસકો દિલ્હીનો બહલૂલ લોદી, ગુજરાતનો મહમૂદ બેગડો, સૌરાષ્ટ્રનો માંડલિક તથા ગ્વાલિયરનો રાજા તેની સાથે સારા સંબંધો રાખતા હતા. મક્કા, ઇજિપ્ત, ગિલાન અને ખુરાસાનના શાસકો સાથે ભેટની લેવડદેવડના તેને સંબંધો હતા.

તેના છેલ્લા દિવસોમાં તેના ત્રણ પુત્રો આદમખાન, હાજીખાન અને બહેરામખાને બળવા કર્યા. તેણે તે બળવા દબાવી દીધા. તેના અવસાન પછી તેનો પુત્ર હાજીખાન, હૈદરશાહ ખિતાબ ધારણ કરીને સુલતાન બન્યો હતો.

જયકુમાર ર. શુક્લ

બંસીધર શુક્લ