ઝૅંગ્વિલ, ઇઝરાયલ (જ. 1864, લંડન; અ. 1926) : યહૂદી લેખક. લંડન યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યા પછી પત્રકાર બન્યા અને હાસ્યરસિક સામયિક ‘એરિયલ’ના તંત્રી બન્યા. તે ઝાયનવાદ એટલે કે પૅલેસ્ટાઇનને યહૂદીઓનો દેશ બનાવવો જોઈએ એ ચળવળના સમર્થક હતા. યહૂદી જીવનના વિષયને લગતી નવલકથાઓએ તેમને ખૂબ ખ્યાતિ અપાવી. ‘ચિલ્ડ્રન ઑવ્ ધ ગેટો’ (1892) નવલકથામાં રજૂ થયેલ લંડનના દરિદ્રી યહૂદીઓનાં વાસ્તવિક અને સહાનુભૂતિભરી વિવેચના રૂપે આલેખાયેલાં ચરિત્રચિત્રણોએ એમને યશ અપાવ્યો. તે સમયે પરદેશી વસાહતીઓનો પ્રશ્ન જોરશોરથી ગુંજતો હતો. ‘ગેટો ટ્રૅજેડીઝ’ (1899), ‘ગેટો કૉમેડીઝ’ (1907) અને ‘ધ કિંગ ઑવ્ સ્કનૉરર્સ’(1894)માં યહૂદીઓના જીવનનાં આછાંપાતળાં રેખાચિત્રો છે. ઐતિહાસિક ‘ડ્રીમર્સ ઑવ્ ધ ગેટોઝ’ (1898) યહૂદી ધર્મની આંતરિક તાકાતનો પરિચય કરાવે છે અને સંસ્કૃતિમાં તેણે શો ભાગ ભજવવાનો છે તેનો ચિતાર આપે છે. ‘ધ વૉર ઑવ્ ધ વર્લ્ડ’ (1916) અને ‘ધ વૉઇસ ઑવ્ જેરૂસલેમ’ (1920) ક્ષમા-ભાવના અને વાદવિવાદનો સહસંબંધ દર્શાવે છે. ‘ધ મેલ્ટિંગ પૉટ’ (1909) વિચારપ્રેરક નાટક છે.

વિ. પ્ર. ત્રિવેદી