ઝોઇસાઇટ : એપિડોટ સમૂહનું ખનિજ. ક્લાઇનોઝોઇસાઇટનું દ્વિરૂપ ખનિજ. થુલાઇટ અને ટાન્ઝાનાઇટ – એ તેના બે પ્રકારો છે. રાસા. બં. : Ca2Al3Si3O12OH; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વ. : સ્ફટિકો પ્રિઝમ આકારના; ફલકો ક્યારેક અંકિત રેખાંકનોવાળા; પરંતુ સામાન્યત: જથ્થામય, ઘનિષ્ઠથી સ્તંભાકાર; પારદર્શકથી પારભાસક; પ્રકા. અચ. : α = 1·685થી 1·705, β = 1·688થી 1·710, γ = 1·697થી 1·725; પ્રકા. સંજ્ઞા : +ve; 2v = 0°- 60°; કઠિનતા : 6·5થી 7; વિ. ઘ. : 3·355થી 3·358; ચ. : કાચમય, ફલક-સપાટીઓ ક્યારેક મૌક્તિક; સં. : (100) પૂર્ણ, (010) અપૂર્ણ; ભં. સ. : ખરબચડીથી વલયાકાર; રં. : સફેદ, રાખોડી, લીલાશ પડતો રાખોડી, લીલો, લીલાશ પડતો કથ્થાઈ, ગુલાબી (થુલાઇટ), રંગવિહીનથી ભૂરો કે આછો જામલી (ટાન્ઝાનાઇટ); ચૂ. રં. : રંગવિહીન.

પ્રાપ્તિસ્થિતિ : ચૂનાયુક્ત શેલ અને શિસ્ટ જેવા પ્રાદેશિક વિકૃતિ પામેલા ખડકો, બેઝિક અગ્નિકૃત ખડકો, મૃણ્મય રેતીખડકો તેમજ પરિવર્તિત ગ્રૅનાઇટ અને નાઇસ ખડકો, વિકૃતિ પામેલા અશુદ્ધ ડૉલોમાઇટ અને ચૂનાખડકો તથા ક્વાટર્ઝશિરાઓ અને પૅગ્મેટાઇટ રૂપે મળે છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ.,મેક્સિકો, ગ્રીનલૅન્ડ, સ્કૉટલૅન્ડ, ઇટાલી, જર્મની, ઑસ્ટ્રિયા, નૉર્વે, ફિનલૅન્ડ, રશિયા, જાપાન અને ટાન્ઝાનિયામાંથી મળે છે.

ગિરીશભાઈ પંડ્યા