ઝેરકોચલાં : દ્વિદળી વર્ગમાં આવેલા લોગેનિયેસી કુળનું ઝેરી બીજવાળું એક વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Strychnos nux-vo-mica Linn (સં. વિષતિંદુક, હિં. કુચલા, બં.કુંચિલા, મ. કાજરા, તે મુસીડી, તા. એટ્ટેમાર, ક. ઇટ્ટી, મલા. કંજીરામ, અં. વૉમિટનટ, પૉઇઝન નટ, નક્સ-વૉમિકા, સ્ટ્રિકિનન ટ્રી) છે.  તે સદાહરિત રે પર્ણપાતી વૃક્ષ છે અને સામાન્યત: 13 મી. જેટલી ઊંચાઈ,  0.9-1.8 મી. જેટલો ઘેરાવો અને 3.6-6.0 મી. લંબાઈ ધરાવતું સીધું અને નળાકાર મુખ્ય થડ ધરાવે છે. અનુકૂળ પરિસ્થિતિમાં તેનાં વૃક્ષો 30 મી.ની ઊંચાઈ અને 2.8 મી.ના ઘેરાવાવાળાં હોય છે. તે ઉષ્ણકટિબંધીય ભારતમાં બધે જ થાય છે. ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસા, કોરોમાંડલના દરિયાકિનારે, આંધ્રપ્રદેશ અને મૈસૂરમાં નોંધપાત્ર રીતે જોવા મળે છે. તે પશ્ચિમી દરિયાકિનારાનાં વર્ષાજંગલોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તે મલાયા, ઉત્તર ઑસ્ટ્રેલિયા અને થાઇલૅન્ડમાં પણ થાય છે. તેનાં પર્ણ સાદાં, સંમુખ, પહોળાં ઉપવલયાકાર (elliptic), કુંઠાગ્ર (obtuse) કે અણીદાર, અખંડિત, સ્પષ્ટ બહુશિરી અભિસારી શિરાવિન્યાસવાળાં અને 8-15 સેમી. લાંબાં તથા 7.6 સેમી. પહોળાં હોય છે. પુષ્પો લીલાશ પડતાં સફેદ, ગળણી આકારનાં અને સંયુક્ત પરિમિત (compound Cyme) સ્વરૂપે ગોઠવાયેલાં તથા ખરાબ ગંધ ધરાવતાં હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનાં, ગોળ અને 2.5-5.0  સેમી. વ્યાસવાળાં તથા પાકે ત્યારે નારંગી રંગનાં હોય છે. બીજ ચપટાં, ગોળ, ચકતી જેવાં, એક બાજુથી દબાયેલાં, બીજી બાજુ સહેજ ઊપસેલાં, 20-25 મિમી. વ્યાસનાં અને 4.0 મિમી. જાડાઈનાં હોય છે. તે રાખોડી-ભૂખરા કે લીલાશ પડતા ભૂખરા રંગનાં, ચમકતાં અને રેશમી રોમવાળાં તથા સફેદ કડવા ગરમાં ખૂપેલાં હોય છે. તે સુકાય ત્યારે ખૂબ કઠણ, થોડાંક અપૂર્ણ પારભાસક (translucent), ગંધાવિહીન અને અત્યંત કડવો સ્વાદ ધરાવે છે.

આકૃતિ 1 : ઝેરકોચલાંની શાખા, બીજ

બંધારણ : આ વનસ્પતિમાં સૌથી મહત્વનાં અને અત્યંત ઝેરી આલ્કેલૉઇડો  સ્ટ્રિક્નિન (C21 H26O4N2; ગ.બિં 288-88° સે.) અને બ્રુસિન (C23H26O4N2; ગ. બિં. 178o સે) અને અન્ય ગૌણ આલ્કેલૉઇડો હોય છે. તેઓ બીજ ઉપરાંત મૂળ, કાષ્ઠ, પર્ણો, છાલ, ફળના ગર અને ફળના કવચમાં પણ જોવા મળે છે. બીજમાં તેનું પ્રમાણ 1.8-5.3 % જેટલું હોય છે.

સ્ટ્રિક્નિનનું રાસાયણિક બંધારણ

આ વનસ્પતિમાં જોવા મળતાં અન્ય આલ્કેલૉઇડોમાં વૉમિસિન (C22 H24 N2O4; ગ.બિ, 278-80o સે), α-કોલ્યુબ્રિન (C22 H24 O3N2; ગ.બિ, 184o સે), β  કોલ્યુબ્રિન (C22 H24 O3N2; ગ.બિ, 222o સે), સ્યુડોસ્ટ્રિક્નિન (C21 H22O3N2; ગ.બિ, 266-68o સે), અને N-મિથાઇલ સ્યુડો  બ્રુસિન (C24 H28O5N2; નોવેસિન; ગ.બિં, 231o સે), નો સમાવેશ થાય છે. ઉપરાંત લોગેનિન નામનું ગ્લાયકોસાઇડ પણ જોવા મળે છે. સ્યુડોસ્ટ્રિક્નિન બિનઝેરી હોય છે.

પર્ણોમાં સ્ટ્રિક્નિન અને બ્રુસિન 1.6 % હોય છે; જેમાં સ્ટ્રિક્નિન 0.025 % હોય છે. સ્ટ્રિક્નિન ઉપરાંત, પર્ણોમાં મુખ્ય આલ્કેલૉઇડ તરીકે વૉમિસિન હોય છે. બીજું આલ્કેલૉઇડ આઈકેજિન (N-મિથાઇલ સ્યુડોસ્ટ્રિક્નિન) પણ અત્યંત નાના છોડનાં પર્ણોમાંથી પ્રાપ્ત થયું છે.

છાલમાં કુલ 9.9 % આલ્કેલૉઇડો હોય છે; જેમાં બ્રુસિન 4.8 % સ્ટ્રિક્નિન 1.58 % અને અલ્પપ્રમાણમાં સ્યુડોસ્ટ્રિક્નિન, સ્યુડોબ્રુસિન અને β – કોલ્યુબ્રિન હોય છે. કાષ્ઠમાં સ્ટ્રિક્નિન અને બ્રુસિન હોય છે, પરંતુ સ્ટ્રિક્નિસિન હોતું નથી. મૂળમાં 0.99 % આલ્કેલૉઇડ હોય છે, જેમાં બ્રુસિન 0.28 % અને સ્ટ્રિક્નિન 0.71 % હોય છે. મૂળની છાલમાં C-મૅવેક્યુરિન (0.1 %) નામનું આલ્કેલૉઈડ હોય છે.

સ્ટ્રિક્નિન અને બ્રુસિન બંને આલ્કેલૉઈડ રંગવિહીન, કડવાં, સ્ફટિકમય અને ગંધવિહીન હોય છે. તે બંને ઠંડા પાણીમાં અદ્રાવ્ય; પરંતુ આલ્કોહોલ, બેન્ઝિન અને ક્લોરોફૉર્મમાં દ્રાવ્ય હોય છે. સ્ટ્રિક્નિનની કડવાશ 1/700,000ના પ્રમાણમાં જલીય દ્રાવણમાં પણ જાણી શકાય છે. સ્ટ્રિક્નિન સ્નાયુઓમાં આકુંચન (contraction) ઉત્પન્ન કરે છે. સ્ટ્રિક્નિનનો કોહવાટથી નાશ થતો નથી અને તેથી મૃત શરીરમાં તે વર્ષો સુધી જળવાઈ રહે છે.

ઝેરકોચલા ઉપરાંત અન્ય ત્રણ જાતિઓમાં પણ આ આલ્કેલૉઇડો બને છે : (1) કુચિલા લતા અથવા ગોઆગરી લકેઈ (Strychnos colubrina Linn.) (2) સેન્ટ ઇગ્નેશિયસ બીન્સ અથવા પિપિતા (Strychnos ignatii Bergius) અને (3) ઉપાસ વૃક્ષ (Strychno Stiente).

સ્ટ્રિક્નિન હૃદવાહિકીય અને શ્વસનના ઉત્તેજક તરીકે તથા કડવા બલ્ય (tonic) અને કેન્દ્રસ્થ ચેતાતંત્રના બધા ભાગોના ઉત્તેજક તરીકે જાણીતું છે. ઔષધવિદ્યાકીય અભ્યાસ સૂચવે છે રે સ્ટ્રિક્નિનના ઘણા ચિકિત્સીય ઉપયોગો તર્કવિહીન છે અથવા બહુ ઓછા તર્કશુદ્ધ છે. મોટેભાગે આ આલ્કેલૉઇડના ઔષધકીય ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સ્ટ્રિક્નિન ખાસ કરીને કરોડરજ્જુના ચાલક કોષો (motor cells) પર પ્રમાણમાં વધારે શક્તિશાળી ઉત્તેજક અસર દર્શાવે છે. તેની બૃહદમસ્તિષ્ક પર થતી પ્રક્રિયાને કારણે તેના વિવિધ ભાગો ઉત્તેજિત થાય છે અને સ્પર્શ તથા વેદનાની સંવેદનાઓ સંવર્ધિત થાય છે. શ્રવણ, ગંધ અને સ્વાદની સંવેદનાઓ વધારે ઉગ્ર બને છે. તે હૃદયના દીર્ઘકાલીન રોગના કેટલાક પ્રકારો, ખાસ કરીને હૃદ્-સ્નાયુશોથ (myocarditis)માં ઉપયોગી છે; પરંતુ શસ્ત્રક્રિયા આઘાત (Surgical shock) રક્તસ્રાવ(haemorrhage)થી થતો નિપાત (collapse), ઈથર, ક્લોરોફૉર્મ, બાર્બિટ્યુરેટ કે આલ્કોહોલ જેવા ખિન્નતાકારકો (depressants) દ્વારા વિષાક્તન (poisoning) અને ચેપી તાવની અગતિક અવસ્થાઓ જેવી સ્થિતિઓમાં પરિવહન ઉત્તેજક તરીકેની ક્ષમતા વિશે ગંભીર પ્રશ્નાર્થ છે. તે હૃદયનો પ્રકોપ  ઘટાડે છે અને અતિરિક્ત પ્રકુંચન (extrasystole)માં ઉપયોગી છે; પરંતુ હૃદયની અન્ય પ્રકારની અનિયમિતતાઓ માટે હાનિકારક હોઈ શકે છે. શ્વસન-ઉત્તેજક તરીકે તે અફીણ કે ક્લોરલ (chloral) દ્વારા થતા માદક (narcotic) કે નિદ્રાકારી (hypnotic) વિષાક્તનમાં લાભદાયી છે. નિકોટિન વિષાક્તનને કારણે થતી મંદર્દષ્ટિતા (amblyopias)ની ચિકિત્સામાં તે ઉપયોગી છે.

સ્ટ્રિક્નિનનો ક્ષુધાવર્ધક (stomachic) તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે ઘણી વાર રેચક મિશ્રણો અને ગોળીઓમાં મિશ્ર કરાય છે; પરંતુ આ ઉપયોગને ચિકિત્સીય સમર્થન આપવામાં આવ્યું નથી અને તેનાથી પ્રાણઘાતક વિષાક્તન થઈ શકે છે. સ્ટ્રિક્નિનની અલ્પ માત્રાઓ થાકના પ્રારંભને વિલંબિત કરે છે; પરંતુ આ વિલંબથી સ્નાયુની ક્રિયાશીલતા મંદ પડે છે. તે લાસ્ય (chorea), દમ અને વાઈ જેવા વિવિધ ઉદ્વેષ્ટકર (spasmodic) રોગોની ચિકિત્સામાં તથા ર્દષ્ટિના ઘટાડામાં અને વાજીકર (aphrodiac) તરીકે ઉપયોગી છે.

ઝેરકોચલાનાં પાકાં શુષ્ક બીજ અને સ્ટ્રિક્નિન હાઇડ્રોક્લોરાઇડ ભારતીય ઔષધકોશમાં માન્ય ઔષધો ગણાયાં છે. પાકાં શુષ્ક બીજમાં સ્ટ્રિક્નિન  1.2 % કાર્બોનિક દ્વવ્ય  1.0 % અને ભસ્મ  3.0 % હોય છે. અધિકૃત યોગ (preparation)માં સ્ટ્રિક્નિન હાઇડ્રોક્લોરાઇડનું દ્રાવણ, ઝેરકોચલા(નક્સ-વૉમિકા)નું ચૂર્ણ, પ્રવાહી નિષ્કર્ષ અને ટિંકચરનો સમાવેશ થાય છે.

સ્ટ્રિક્નિનને લોટ કે સ્ટાર્ચ સાથે મિશ્ર કરી તેનો રખડતા કૂતરાઓ, ઉંદર અને હાનિકારક જીવાતને મારવા માટે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. કેટલીક જીવાતના નાશકોનું તે સક્રિય ઘટક છે. તેનો કીટનાશક અને પ્રાણીવિષ તરીકેનો ઉપયોગ ઔષધ તરીકેના ઉપયોગ કરતાં વધારે મહત્વ ધરાવે છે.

સ્ટ્રિક્નિન જઠરાંત્રીય (gastrointestinal) માર્ગ દ્વારા ઝડપથી શોષાઈ રુધિરમાં રહેલા રુધિરરસ અને રક્તકણો દ્વારા વિવિધ પેશીઓમાં પહોંચી જાય છે. તેનું યાકૃતકોષમાં રહેલા સૂક્ષ્મકાય(microsome)ના ઉત્સેચકો દ્વરા વિઘટન થઈ જાય છે. 20 % જેટલું આલ્કેલૉઈડ મૂત્રમાં જાય છે.

સ્ટ્રિક્નિનના યોગ હાલમાં પહેલાં કરતાં ઓછા સુલભ હોવા છતાં સ્ટ્રિક્નિનના વિષાક્તનના કિસ્સાઓ હજુ પણ થાય છે. મનુષ્ય માટેની વિનાશક માત્રા 30-60 મિગ્રા. સ્ટ્રિક્નિનની છે. વિવિધ પ્રાણીઓમાં સ્ટ્રિક્નિન અને બીજની વિષાળુ માત્રા આ પ્રમાણે છે :

ઘોડો 0.192-0.288 ગ્રા., બળદ 0.192-0.384 ગ્રા., ડુક્કર 0.0096-0.048 ગ્રા., અને કૂતરો 0.0048-0.0192 ગ્રા. ગિનીપિગ અને કેટલાક વાંદરાઓ મોં દ્વારા આપવામાં આવેલ સ્ટ્રિક્નિનથી નોંધપાત્ર રીતે અસંવેદનશીલ જણાયા છે.

ઝેરકોચલાં ઉંદરમાં ઍલર્જન-વિશિષ્ટ ઇમ્યુનોગ્લોબ્યુલિન E (IgE) પ્રતિદ્રવ્ય પ્રતિચાર દબાવે છે. તે દર્શાવે છે કે ઍલર્જીના પ્રતિચાર માટે તેનો ઉપયોગ થઈ શકે છે. તે મનુષ્યના જઠરના કૅન્સરના કોષોની જીવબાહ્ય (in vitro) વૃદ્ધિને અવરોધે છે. ઝેરકોચલાંનો ભારતીય યુનાની પદ્ધતિમાં પણ ઉપયોગ થાય છે.

લક્ષણવિદ્યા : તેને મોં દ્વારા લીધા પછી 5થી 10 મિનિટે, ક્યારેક મોડાં, ઝેરી લક્ષણો જોવા મળે છે. તેનું દ્રાવણ ખૂબ જ કડવું હોય છે. કડવાશને કારણે તે ભૂખ લગાડે છે; તેથી આંતરડાના રોગ અને અરુચિની સારવારમાં વપરાય છે. તેની અસરને કારણે ગળામાં ગૂંગળામણ, ચહેરા અને ગળાના સ્નાયુઓનાં આકુંચનો અને અક્કડતા થતી જોવા મળે છે. કરોડરજ્જુનાં પરાવર્તી કેન્દ્રોના ઉત્તેજનને કારણે પરાવર્તી ક્રિયા ઉત્તેજિત થાય છે અને આંચકી (convulsion) આવે છે. બધા જ સ્નાયુઓ અસરગ્રસ્ત થાય છે. ચહેરાના સ્નાયુઓની આંચકીના પ્રવેગિત  (paroxymal) હુમલા થાય ત્યારે ચહેરો ભૂરો પડે છે, આંખો પહોળી થાય છે, સ્થિર થાય છે અને જાણે તાકીને જોતી હોય તેવી થઈ જાય છે. કનીનિકા પહોળી થાય છે, ચહેરા પર ઉદ્વેગનો ભાવ ઉદભવે છે. ચહેરાના સ્નાયુ ખેંચાવાથી બે બાજુ ખેંચાયેલા હોઠોને કારણે હાસ્યાનુકારી મુખભંગ (risus sardonicus) જેવો દેખાવ થાય છે. મોંમાંથી ફીણ આવે છે, ક્યારેક તેમાં લોહી હોય છે. શ્વસનતંત્રના સ્નાયુઓનાં સંકોચનોથી ગૂંગળામણ થાય છે. સ્નાયુઓનાં સંકોચનોથી શરીર ધનુષની માફક વાંકું વળે છે – ક્યારેક તે પેટ તરફ વળે છે (અર્ધધનુષાકાર, empros thotonus) અથવા તો કોઈ એક બાજુ (પાર્શ્વ-ધનુષાકાર, plemos thotonus) વળે છે. મૃત્યુ સુધી મગજ બરાબર કામ કરે છે, તેથી વ્યક્તિ પીડા અને આવી રહેલા સંભવિત મૃત્યુ માટે સભાન હોય છે. થોડાક અવાજ કે સામાન્ય સ્પર્શથી પણ પરાવર્તી ક્રિયા રૂપે આખા શરીરમાં સતત આકુંચનો અને આંચકીઓ થઈ આવે છે. સતત ઊલટીઓ થાય છે. ગૂંગળામણ કે સતત આંચકીઓને કારણે શરીરની ક્ષમતાનો અંત આવે એટલે મૃત્યુ થાય છે. જો આંચકી મંદ પડે અને તેમની વચ્ચેનું અંતર વધે તો વ્યક્તિ તંદુરસ્તી પાછી મેળવે છે.

મારકતા : સ્ટ્રિક્નિનની મારક માત્રા 16.23-32.46 મિગ્રા. ગ્રેન છે. જોકે તેથી વધુ (649થી 2597 મિગ્રા. ગ્રેન જેટલું) ઝેર લેનારા પણ બચી ગયાના દાખલા નોંધાયેલા છે. 30 ગ્રામ ઝેરકોચલામાંથી 32.46 મિગ્રા.ગ્રેન જેટલું આકુંચન મળે છે તેથી તેની 15 ગ્રામની બે માત્રાઓ મારક ગણાય છે. સામાન્ય રીતે 1થી 2 કલાકમાં મૃત્યુ નીપજે છે; પરંતુ જો કોઈ નશાકારક (narcotic) દવા તેમાં મેળવી હોય તો મૃત્યુ મોડું થાય છે.

નિદાનભેદ અને સારવાર : તેને ધનુર્વાથી અલગ પાડવામાં આવે છે. સામાન્ય રીતે અચાનક શરૂ થયેલી આંચકી, કોઈ પણ ઈજાની ગેરહાજરી તથા બધા જ સ્નાયુઓમાં એકસાથે આકુંચનો થાય તો તે આ ઝેરને કારણે હોવાની સંભાવના વધારે ગણાય છે. વળી મૃત્યુ પણ ત્વરિત થાય છે. સારવાર માટે આંચકીરોધી ઔષધો (anticonvulsants), કૃત્રિમ શ્વસન તથા અન્ય ટેકારૂપ સારવાર અપાય છે. આંચકીઓ અટકાવવા શ્વાસમાં ક્લોરોફૉર્મ, મળાશયમાં સોડિયમ બ્રોમાઇડ અને મોં દ્વારા કલોરલ હાઇડ્રેટ આપવામાં આવે છે. જોકે ફિનોબાર્બિટલ કે ઍમિટલ સોડિયમનું અંત:શિરીય (Intravenous) ઇંજેક્શન દ્વારા શ્રેષ્ઠ પરિણામ મળે છે. જઠરમાંના ઝેરને દૂર કરવા પોટૅશિયમ પરમૅન્ગેનેટ, પ્રાણીજ કોલસો અથવા બાળેલી બ્રેડ, ટૅનિક ઍસિડ અથવા ટૅનિન(બહુ ઉકાળેલી ચા)ના મિશ્રણ વડે જઠરને સાફ કરાય છે.

પોટૅશિયમ પરમેંગેનેટ 1:1000ની સાંદ્રતાએ ઝેરનો અસરકારક પ્રતિકાર કરે છે. 2 % ટૅનિક ઍસિડ દ્રાવણ અને આયોડિન ટિંક્ચર (1:250ના પ્રમાણમાં પાણીમાં મંદ કરેલું) પણ આપવામાં આવે છે.

તબીબી કાયદાવિદ્યા : શબપરીક્ષણ (postmortem examination) વખતે મૃત્યુજન્ય સ્નાયુ-અક્કડતા (rigor mortis) પ્રમાણમાં વહેલી શરૂ થઈને મોડે સુધી ટકી રહે છે. ક્યારેક મૃત્યુ પછી તરત થોડાક સમય માટે સ્નાયુઓમાં શિથિલતા આવે છે તો ક્યારેક તેવું થતું નથી અને સ્નાયુઓમાં સીધેસીધી અક્કડતા થાય છે, જઠર અને પક્વાશય(duodenum)માં લોહીનાં ચકામાં થાય છે. જઠર, પક્વાશય, યકૃત (liver), ફેફસાં, મગજ અને તેનાં આવરણો તેમજ મૂત્રપિંડમાં પણ લોહી અને તેના કોષો ભરાય છે અને રુધિર-ભારિતા (congestion) થાય છે. મૃતપેશીમાં સ્ટ્રિક્નિનની હાજરી શોધી કાઢવા માટે વિવિધ પ્રકારની કસોટીઓ ઉપલબ્ધ છે.

સ્ટ્રિક્નિન ખૂબ જ ઝેરી છે. તે અકસ્માતની સારવાર કરતાં વધુ પડતી માત્રામાં લેવામાં કે આપવામાં આવે અથવા જાણીજોઈને આત્મહત્યા કે બીજાને મારવા માટે આપવામાં આવે તો તેની ઝેરી અસર દેખાડે છે. તેવી જ રીતે ઝેરકોચલું પણ આત્મહત્યા કે અન્યની હત્યા માટે વપરાયેલું હોવાનું નોંધવામાં આવેલું છે. દેશી દવાઓના ઉપચારમાં ક્યારેક તેની માત્રા વધી જવાથી પણ ઝેરી અસર થયેલી નોંધવામાં આવેલી છે. ક્યારેક આ વૃક્ષની છાલને કડો (કડવો ઇન્દ્રજવ) (હૉલેરિના ઍન્ટિડિસેન્ટરિકા) કે ઍન્ગોસ્ટુરા વૃક્ષની છાલથી અલગ પાડવામાં ભૂલ થાય તોપણ આકસ્મિક ઝેરીકરણની પરિસ્થિતિ ઉદભવે છે. ક્યારેક શરીર પરના ઘા કે ચાંદાંમાંથી પણ તેનું અવશોષણ થયું હોવાના દાખલા નોંધાયેલા છે. શરીરમાં પ્રવેશ્યા પછી સ્ટ્રિક્નિન પહેલા જ કલાકમાં મુખ્યત્વે પેશાબ વાટે બહાર નીકળે છે. તેનો મૂત્રમાર્ગી નિકાલ 3થી 8 દિવસ રહે છે. તે થોડાક પ્રમાણમાં પિત્ત, દૂધ, લાળ અને પરસેવામાં પણ હોય છે. તે મૂત્રપિંડની નસોનું સંકોચન કરાવીને પોતાનો નિકાલ ઘટાડે છે. ઑક્સિડેશનની પ્રક્રિયા વડે યકૃતમાં પણ તેનું સારું એવું નિર્વિષીકરણ (detoxification) થાય છે. ક્યારેક થોડુંક ન શોષાયેલું ઝેર જઠરમાં પણ મળી રહે છે. મૃતશરીરના કોહવાટ સાથે પણ લાંબા સમય સુધી સ્ટ્રિક્નિન શરીરમાં રહે છે. તેથી દાટેલાં શબને 4થી 5 વર્ષ પછી પણ ખોદી કાઢવામાં આવ્યાં હોય તો તેમાં પણ તે જળવાઈ રહેલું હોય છે જોકે તેનાથી ઊલટું સ્ટ્રિક્નિનથી થયેલા મૃત્યુ પછી ક્યારેક તે શબમાં જોવા ન મળે તેવું પણ થયેલું છે. ક્યારેક શબમાંનું સ્ટ્રિક્નિન કોઈ અન્ય રોગની સારવારમાં ઔષધ રૂપે આપેલું હોય તેવું પણ બને છે.

નિર્મળીનાં બીજ : ઝેરકોચલામાં નિર્મળીનાં બી નાખીને ભેળસેળ કરાય છે. નિર્મળીનાં બીજ સ્ટ્રિક્નસ પોટેટરમનાં પાકાં બીજ છે. તે દક્ષિણ ભારતમાં થાય છે. તેનો 1 સેમી. જેટલો વ્યાસ અને 6થી 8 મિમી. જેટલી જાડાઈ હોય છે. તે સ્વાદમાં કડવાં હોય છે પરંતુ તેમાં સ્ટ્રિક્નિન હોતું નથી. તે ડહોળા પાણીને શુદ્ધ કરવામાં વપરાય છે.

અન્ય આલ્કેલૉઇડો : બ્રુસિન તેની દેહધાર્મિક ક્રિયાની ર્દષ્ટિએ સ્ટ્રિક્નિન સાથે ગાઢ રીતે સામ્ય દર્શાવે છે; પરંતુ 30-80 ગણું મંદ છે. તે માત્ર પરિઘવર્તી ચાલક ચેતાઓને લકવો લાગુ પાડે છે. બ્રુસિનનાં 5-10 % દ્રાવણો સ્પષ્ટ સ્થાનિક સંવેદનાહારી (anaesthetic) ક્રિયા દર્શાવે છે. તેનો આલ્કોહૉલના ગુણનાશક (denaturant) તરીકે, સૌંદર્યપ્રસાધન અને અત્તર-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. તે પેટ્રોલિયમ ટૅક્નૉલૉજીમાં ઉપયોગી હોવાથી તેની માંગ વધી છે.

વૉમિસિન સ્નાયુઓના એકાંતરિત સંકુચન (contraction) અને વિશ્રાંતિ (relexation) દ્વારા આંચકીઓ ઉત્પન્ન કરે છે. તેઓ સ્ટ્રિક્નિન કરતાં બૃહદ મસ્તિક પરની કેટલીક ક્રિયાને કારણે અલગ પડે છે.

ઝેરકોચલાનાં બીજ વિવિધ આલ્કેલૉઇડો ઉપરાંત 4.2 % જેટલી ચરબી ધરાવે છે. તેમાં ઑલિક ઍસિડ 62 % જેટલો હોય છે. તે અસાબુનીકૃત દ્વવ્ય α- એમાયરિન અને સાયક્લોરવાર્ટીનૉલ ધરાવે છે. ચરબીનો આમવાત- (rheumatism)માં અને સાબુ બનાવવામાં ઉપયોગ થાય છે. બીજ રંગ ઉત્પન્ન કરે છે.

આયુર્વેદ અનુસાર, ઝેરકોચલાનું વૃક્ષ મદકર, તૂરું, ગ્રાહક, તીખું, કડવું, લઘુ તથા ગરમ ગણાય છે; અને રક્તવિકાર, કંડૂ, કફ, વાતરોગ, કોઢ, વ્રણ, જ્વર તથા અર્શ મટાડે છે. તેનાં લીલાં ફળ ગ્રાહક, તૂરાં, લઘુ, શીતળ અને વાતકર તથા પાકેલાં ફળ વિષકારી, ગુરુ તથા પાકકાળે મધુર હોય છે. તે કફ, વાયુ, પ્રમેહ, પિત્ત અને રક્તવિકારનો નાશ કરે છે.

બીજ ઝેરી હોઈને તેને શુદ્ધ કર્યા પછી જ નાની માત્રામાં ઔષધોમાં વપરાય છે. તે પરમ પીડાહર તથા જ્ઞાનતંતુઓને બળ આપનાર હોઈ, તેમાંથી અનેક પ્રકારનાં દેશી-વિદેશી ઔષધો બને છે. તે કડવાં, દીપન, પાચન, કટુ, પૌષ્ટિક, બળપ્રદ, વાજીકર, વેદનાહર, નિયતકાલિક જ્વર પ્રતિબંધક તથા જ્ઞાનતંતુ-ક્રિયા-ઉત્તેજક છે. તે તાવ, કફ, વાયુ, પ્રમેહ, પિત્ત, રક્તવિકાર, અજીર્ણ, શ્વાસ, નબળાઈ, વીર્યપતન, નપુંસકતા, હૃદયરોગ વગેરે મટાડે છે. બીજનો લેપ શક્તિશાળી, જંતુનાશક અને વેદનાસ્થાપન છે. શ્વાસોચ્છવાસ-કેન્દ્ર ઉત્તેજિત થવાથી શ્વાસ લેવાની શક્તિ વધતાં વ્યક્તિ સારી રીતે ખાંસી શકે છે અને કફ પડે છે. હૃદય અને રુધિરવાહિનીઓનું કેન્દ્ર ઉત્તેજિત થતાં હૃદયની સંકોચવિકાસની ક્રિયા નિયમિત થાય છે અને રુધિરવાહિનીની સ્થિતિ સુધરે છે તથા રુધિરદાબ વધે છે. તે વધારે પ્રમાણમાં આપવાથી ધનુર્વાત જેવાં લક્ષણો ઉત્પન્ન થાય છે. ઝેરકોચલા જેવું ચેતાતંત્ર પર પ્રત્યક્ષ ઉત્તેજક ઔષધ બીજું કોઈ નથી. ઝડપથી લાભ મેળવવા તે અર્ક કે આસવ રૂપે આપવામાં આવે છે.

ચેતાતંત્રના રોગમાં થતા ગતિભ્રંશ અને જ્ઞાનભ્રંશ અર્દિતવાત (મોં વાકું થવું), અર્ધાંગવાત(કમરની નીચેનો ભાગ રહી જવો) વગેરે રોગોમાં, માનસિક થાક કે નકામા વિચારોને કારણે નિદ્રા ન આવતી હોય ત્યારે, કંપરોગ અને ચેતાતંતુની વેદના ઉપર અને કંઠરોહિણી(Diphtheria)થી અવાજ બેસી ગયો હોય ત્યારે ઝેરકોચલું અપાય છે.

કાષ્ઠ : તે તાજું કપાયેલું હોય ત્યારે સફેદ અને પછીથી બદામી ભૂખરું બને છે. તે સંકુલિત કણયુક્ત (close-grained), મધ્યમથી માંડી અસમ(uneven) ગઠનવાળું, સખત, ભારે (વિ.ગુ. લગભગ 0.86, વજન 690 કિગ્રા. 1 ઘનમી.) અને ટકાઉ હોય છે. અંત:કાષ્ઠ (heartwood) હોતું નથી. તેનું સંશોષણ (seasoning) સહેલાઈથી થતું નથી અને તેને કરવત કામ માટે મધ્યમસરનું કઠણ હોય છે. તે મધ્યમ પ્રમાણમાં પૉલિશ ગ્રહણ કરે છે. તેના પર યંત્રકામ સારી રીતે થતું નથી. તેને ઊધઈ લાગતી નથી. તેનો ઉપયોગ કૃષિનાં સાધનો, કોદાળી, પાવડો અને કુહાડીના હાથા, ખાટલા, કૅબિનેટ અને શોભાની પૅનલ વગેરે બનાવવામાં થાય છે.

તાજા કાષ્ઠનો રસ મરડો, તાવ, કૉલેરા અને અજીર્ણ-(dyspepsia)માં ઉપયોગી થાય છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

શિલીન નં. શુક્લ

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ