ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ

January, 2014

ઝેમ્યાતિન, યેવજની ઇવાનોવિચ (જ. 1884 લેબદ્યાન, મધ્યરશિયા; અ. 1937) : રશિયન ગદ્યલેખક, વિવેચક અને નાટ્યકાર. પિતા શિક્ષક. 1902થી સેંટ પીટર્સબર્ગમાં અભ્યાસ અને તે પછી તરત જ બૉલ્શેવિક પક્ષમાં સભ્ય બન્યા. 1905માં ધરપકડ બાદ તેમને દેશનિકાલની સજા કરવામાં આવી. 1908માં તેમણે પ્રથમ વાર્તા લખી. 1914માં તેમણે ‘ઍટ ધ વર્લ્ડ્ઝ એન્ડ’ નામની લઘુનવલ લખી અને એમાં લશ્કરી અધિકારીઓના જીવન પ્રત્યે જે કટાક્ષ વેરવામાં આવ્યા હતા તે મુદ્દાસર તેમના પર કામ ચલાવવામાં આવ્યું પણ અંતે છોડી દેવામાં આવ્યા. 1911થી તેમણે સેંટ પીટર્સબર્ગ પૉલિટેક્નિક સંસ્થામાં નૌકારચનાશાસ્ત્ર વિશે વ્યાખ્યાનો આપવા સાથે લેખનકાર્ય ચાલુ રાખ્યું. એમણે 1916–1917 દરમિયાન 18 માસ ટિન નદીના કાંઠે ન્યૂકૅસલમાં ગાળ્યા. એના ફળસ્વરૂપે એમની બે કટાક્ષિકાઓ, ‘આઇલૅન્ડર્સ’ (1917) અને ‘એ ફિશર ઑવ્ મૅન’ (1918) લખાઈ; તેમાં અંગ્રેજી જીવનની પાયમાલીનું ચિત્રણ છે. 1917ની ક્રાંતિના તેઓ સમર્થક હતા અને તેઓ આખાબોલા વિવેચક પણ હતા. પક્ષ તરફથી બહુમાન પામનારા તે સર્વપ્રથમ લેખક હતા. ક્રાંતિ બાદ ઝેમ્યાતિને સતત વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું. આ સમયે કેટલીક સાહિત્ય-સંસ્થાઓમાં તેમણે કાર્ય કર્યું અને એચ. જી. વેલ્સ, જી. બી. શૉ, જૅક લંડન અને ઓ. હેન્રીના ગ્રંથોની આવૃત્તિઓ બહાર પાડી. 1920માં તેમણે લખેલી નવલકથા ‘વી’ રશિયામાં હસ્તપ્રત રૂપે વાચનસુલભ થઈ; રશિયામાં તે પ્રકાશિત થઈ જ નહિ; છવ્વીસમી સદીની પશ્ચાદભૂમિકામાં રચાયેલી આ તરંગકથામાં સ્ટેલિનવાદ તથા એકહથ્થુ સત્તાવાદની આગાહી કરવામાં આવી છે. તે પરદેશમાં પ્રસિદ્ધ થઈ અને એ નવલકથાથી એમની સામે રશિયામાં ભારે ઊહાપોહ મચ્યો. તેમની તમામ કૃતિઓ પર પ્રતિબંધ મુકાયો. ગૉર્કીની સહાયથી 1931માં તેમને રશિયા છોડવાની રજા આપવામાં આવી અને તે પૅરિસમાં સ્થિર થયા. ઝેમ્યાતિનની શ્રેષ્ઠ રચનાઓમાં ‘ધ નૉર્થ’ (1918), ‘ધ કૅપ’ (1920), ‘મામાઈ’ (1920), ‘ધ યૉલ’ (1928) અને ‘ધ ફ્લડ’(1929)ને ગણી શકાય.

‘વી’નો સૌપ્રથમ અંગ્રેજી અનુવાદ ગ્રેગરી ઝિલબર્ગે 1924માં કર્યો. ઝેમ્યાતિનની વાર્તાઓનો અંગ્રેજી અનુવાદ ‘ધ ડ્રૅગન : ફિફ્ટીન સ્ટોરીઝ’(1966)માં સુલભ થયો છે.

વિ. પ્ર. ત્રિવેદી