ઝેર તો પીધાં છે જાણી જાણી ભા. 1, 2, 3

January, 2014

ઝેર તો પીધાં છે જાણી જાણી ભા. 1, 2, 3 (1952, 1958, 1985) : મનુભાઈ પંચોળી, ‘દર્શક’ની બૃહદ નવલકથા. 1987માં તેને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એનાયત થયેલો. એના ભૌગોલિક-ઐતિહાસિક વ્યાપ અને ચિંતનાત્મક ઊંડાણને કારણે ‘સરસ્વતીચંદ્ર’ સાથે એનું સાંસ્કૃતિક સંધાન તરી આવે તેમ છે. વીસમી સદીના વૈશ્વિક મનુષ્યને અહીં ભારતીય નજરે જોવામાં આવ્યો છે. પોતાની ભાવનાને તથ્યો દ્વારા ફલિત કરવા લેખકે સ્વાધ્યાય કર્યો છે, પ્રવાસ કર્યો છે. કથાની પરિકલ્પના કરી ત્યારથી જ લેખક સ્પષ્ટ હતા કે એમનાં પાત્રોએ વાચકને ક્યાંથી સાથે લઈ ક્યાં સુધી પહોંચાડવો તે અંગે : ‘‘આ નવલકથા વેરાન કોતરોને જાતમહેનતે પલ્લવિત કરતા નિર્ગુણિયા સંતથી શરૂ થઈ રાષ્ટ્ર અને જાતિના અભિયાનમાં અટવાયેલા યુરોપને આશ્વસ્ત કરી મધ્ય પૂર્વમાં યહૂદીઓના જીવનસંગ્રામને સલામ કરી મ્યાનમારની હજાર બુદ્ધની ગુફામાં સ્નાનશુદ્ધ થઈ કોરિયાના અવિસ્મરણીય ઘેરામાં પ્રવેશે છે.’’

પ્રથમ ખંડનાં રોહિણી, સત્યકામ અને હેમંતનું જીવનકાર્ય બીજા ખંડમાં અંધ બનેલા સત્યકામની સાક્ષીએ યહૂદી રેથન્યૂ જેવાં પાત્રો દ્વારા સમર્થન પામે છે. ત્રીજા ભાગમાં અચ્યુત, રેખા અને મર્સી જેવાં પાત્રો માનવતાના ભવિષ્ય માટે ઝઝૂમે છે. બૅરિસ્ટર, હિટલર અને એના સાથી કાર્લને પણ લેખક સપાટ દુરિતો તરીકે આલેખવાને બદલે એમના જીવનની અનિવાર્ય કરુણતા સાથે સંકુલતા ધારણ કરે એ રીતે નિરૂપે છે. વિવિધ દેશ અને જુદી જુદી આનુવંશિક જાતિઓમાંથી મળેલાં પાત્રોને લેખક એમની આગવી રેખાઓ સાથે ઉપસાવી શક્યા છે. આ પાત્રો એક લાંબા સમયપટ પર આકારાઈ રહ્યાં છે તેથી અને એમની મદદથી જ કથાનો પ્રવાહ આગળ ધપાવવો છે તેથી લેખકે ક્યાંક ક્યાંક આકસ્મિક તત્વોને પણ ખપમાં લીધાં છે. પણ ત્રીજા ભાગમાં વિશ્વયુદ્ધની પરિસ્થિતિ આલેખવાનો પડકાર ઉપાડી લેવાની તક મળી ત્યારે લેખકની મહાકાવ્યોચિત વર્ણનશક્તિનો સાથ મળતાં પાત્રો પણ વધુ પ્રભાવક બન્યાં. ગુજરાતી સાહિત્યમાં આવી સ્વાધ્યાયપૂત યુદ્ધકથા બીજી નથી અને દર્શક જ્યારે યુદ્ધનું વર્ણન કરે છે ત્યારે એમણે આલેખવો હોય છે માનવીય મૂલ્યો માટેનો સંઘર્ષ. ઘોર નિરાશા સુધી લઈ જઈને શ્રદ્ધાની કટોકટીમાંથી પસાર કરીને દર્શક એને પ્રતીતિ કરાવે છે કે માણસ યુદ્ધો માટે જન્મ્યો નથી, પ્રેમ માટે જન્મ્યો છે.

‘ઝેર તો પીધાં છે’ના પ્રથમ ખંડમાં મુગ્ધ પ્રેમનું હૃદ્ય આલેખન છે ત્યાં પણ દર્શકનાં પાત્રો સીમામાં બંધાતાં નથી. સત્યકામને મુનીમ અને પોતાને શેઠ તરીકે સ્થાપીને રોહિણી ઉમેરે છે : ‘‘બાપા આપણા માટે ધરા ઉપરનું પેલું મકાન છે તે સરખું કરાવવાના છે તમને ખબર છે. . . . એની ઓસરીમાં બોરસલીની ડાળી આવે છે, ને ફૂલ એની જાતે ખરે છે !’’ એક-બે ઉદગાર પછી સત્યકામ કહે છે : ‘‘આ બ્રહ્માંડમાં આપણે તો સાવ રજકણ જેવાં છીએ, પણ ઈશ્વરે આપણા મનમાં બ્રહ્માંડમાંય ન માય એટલું સુખ કેમ કરીને ગોઠવી દીધું હશે ?’’

પણ સુખની કસોટીની તો આ કથા છે. કેટકેટલી યાતનાઓમાંથી મુખ્ય પાત્રોએ પસાર થવાનું આવે છે ! ભોળા ભાવે નહિ, જાણી જોઈને. આ બૃહત કથામાં પત્રશૈલીનો કુશળ વિનિયોગ થયો છે. સત્યકામ લખે છે : ‘‘હું ને તું એવા પુરુષનાં સંતાન છીએ કે જેને જીવન અને મૃત્યુ બંનેએ વંદના કરી છે’’ અને તેથી વિષમ પરિસ્થિતિમાં પણ એ રોહિણીને આશ્ર્વાસન આપી શકે છે : ‘‘હામ તો છે કે પાછો એક દિવસ આવીશ : તું એ વખતે નાહીને ભીને વાળે કપડાં સૂકવતી હોઈશ. એક-બે વાછરડાં તારી આજુબાજુ ફરતાં હશે. આપણી બોરસલીની ઘટામાં ચકલીઓે, પોપટ ખેલતાં હશે. તારી સાથે માથું ઘસવા આવતી વાછરડીને તું હસીને થોભી જવા કહેતી હોઈશ. એ હાસ્યને નીચું પડતું અટકાવી, ઝીલી લેવા હું આવીશ આવીશ, પણ સંભવ છે કે ન પણ આવું. … તારું હાસ્ય ને નિર્મલ તેજ ન વિલાય તે રીતે જીવન ગોઠવજે. જે પ્રેમ બાંધે છે તે મોહનું છદ્મરૂપ છે.’’

દર્શક આ રીતે સંવેદન અને વિચારને સંયોજીને કથાને ગતિ આપતા રહ્યા છે. આરંભની વાડી ત્રીજા ભાગમાં યુદ્ધકાળના અરણ્ય સુધી લઈ જાય છે. હવે લેખકે બૌદ્ધ દર્શનની મદદ મળે એવી પરિસ્થિતિ સરજી છે. પીછેહઠ કરતો સેનાપતિ યામાશિટા હજાર બુદ્ધની ગુફામાં આશ્રય લેવા જાય છે. સહુએ ઘણુંબધું ગુમાવ્યું છે ત્યારે મન અને સ્વસ્થતા અંગે, કારણોની સાંકળ અંગે, પોતાના સમાન કે અસમાન સૌ પ્રત્યે મૈત્રી, મુદિતા, કરુણા, ઉપેક્ષાના ભાવો અંગે વાત થાય છે. મનના વિલય પછીની અવસ્થા  બ્રહ્મવિહાર વિશે સમજ કેળવાય છે. શાંતમતિ આહાર ઘટાડી… દેહ છોડવાના છે. ‘‘મરવાની પણ તૃષ્ણા નથી, સહેજે બધું થશે.’’

લેવર્ટીએ એક વાર પૂછેલું : ‘‘આપણે વાળીએ અને ધૂર્તો કચરો નાખ્યા કરે તો ?… ભૂખ્યાં રોગગ્રસ્ત માણસોને ધર્મવાણીથી શો ખપ ?’’ શાંતમતિ કહે છે : ‘‘રોટલાના વાંકે બધાં રાક્ષસ નથી થતાં. ઘણી વાર રોટલાવાળા રાક્ષસ થાય છે… રોટલાવાળા જ આ મહાયુદ્ધમાં આક્રમકો છે…. જ્ઞાન વિનાનું કર્મ અંધ… આત્મનિરીક્ષણ વિના તમે જગતનું પરીક્ષણ કરવા જશો તો જેવું તમારું મન હશે તેવું દેખાશે. તમારા દૂરબીનનો કાચ તો સાફ કરવો પડશે.. માણસ યુદ્ધ માટે જન્મ્યો નથી, નહિતર તેને મગર જેવા દાંત કે વાઘ જેવા પંજા કુદરતે આપ્યા હોત.’’

મર્સી નદીના પ્રવાહમાં યુદ્ધની વિભીષિકા જુએ છે. કીડીઓથી ખવાઈ ગયેલા કાર્લના હાડપિંજરનું વર્ણન, યામાશિટાએ ભરેલા હારાકીરી આત્મહત્યાના પગલાનું વર્ણન અદભુત છે. દેખીતી રીતે કથા સુખાન્ત લાગે કેમ કે રોહિણી અને સત્યકામનું મિલન થાય છે. સાધ્વી ન થયેલી રેખા અને અચ્યુતનું મિલન થાય છે. પણ કથા સુખાન્ત નથી કેમ કે એનો મુખ્ય અનુભવ પીડાનો છે, જગતમાં વ્યાપેલા ઝેરની પ્રતીતિનો છે. રોહિણીની જેમ બહુ થોડા માણસો પોતાની પરવા કર્યા વિના સર્પદંશનું ઝેર ચૂસી લે છે. આંખો વિના, અલૌકિક ર્દશ્ય જોતો હોય એમ સત્યકામ પૂછે છે : ‘‘પણ સર્પથી મર્યાં કેટલાં ?’’ પ્રેમની પ્રતીતિના બળે જીવી ગયેલી રોહિણી કથાના અંતભાગમાં ધ્યાનમાંથી બહાર આવતાં સત્યકામને કંઠહારની જેમ વળગી પડે છે. ધ્યાનમાં બહુ એકલું લાગ્યું હતું. અહીં પેલી ધ્રુવપંક્તિનું સ્મરણ થાય છે :

‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’

જીવનના ઉધાર પાસાને ઓળખાવી જ્ઞાન અને અનુભવમાંથી પસાર કરાવી લેખક પાત્રોને ફરી પાછાં પ્રેમના સમ સુધી લઈ આવે છે. લેખકની આ પ્રભાવક જીવનર્દષ્ટિ કથાની શિથિલ વસ્તુસંકલના અંગેની ફરિયાદને હાંસિયામાં ખેસવી દે છે.

રઘુવીર ચૌધરી