જ્વાલામંદકો (flame retarders) : દહનશીલ પદાર્થોના જ્વલનનો દર ઓછો કરવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક પદાર્થો. કાગળ, ફાઇબરબોર્ડ, કાપડ, લાકડું વગેરે પદાર્થો દહનશીલ છે પણ તેમના ઉપર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરવાથી આગમાં તે લાંબા સમય સુધી ટકી શકે છે. આવી પ્રક્રિયા દ્વારા આગ પ્રસરતી રોકાય છે અને આગ લગાડનાર સંજોગો (igniting conditions) દૂર કરવામાં આવતાં જાતે બુઝાઈ જાય છે.

જ્વાલામંદકોના બે વર્ગો પાડી શકાય : (અ) ઑક્સિજનનો સારો એવો જથ્થો ધરાવતા સેલ્યુલોઝ અને કેટલાક સાંશ્લેષણિક બહુલકો (synthetic polymers) માટે અસરકારક હોય તેવા મંદકો. આવા જ્વાલામંદકોની કાર્યશીલતા પ્રાથમિક પદાર્થની અંદર હોય છે. અને (આ) મોટા ભાગનો કાર્બન અને ઓછો ઑક્સિજન ધરાવતા પૉલિઇથિલિન અને પૉલિવિનિલ ક્લોરાઇડ (polyvinyl chloride  – PVC) જેવા બહુલકો માટેના મંદકો. આવા મંદકો બહુલકની ઉપર સળગતી બાષ્પમાં કાર્ય કરે છે. પ્રથમ વર્ગમાં અસરકારક મંદકો તરીકે ફૉસ્ફૉરિક ઍસિડ અથવા સલ્ફ્યુરિક ઍસિડનાં સંયોજનો કામ આપે છે. જ્યારે બીજા પ્રકારમાં બ્રોમીનનાં સંયોજનો તથા ઍન્ટિમની ઑક્સાઇડ જેવા પદાર્થો ઉપયોગમાં લેવામાં આવે છે.

કાગળ અને લાકડા માટે સૌથી સરળ અને વધુ વપરાતી પદ્ધતિ તેમને એમોનિયમ સલ્ફેટ કે ફૉસ્ફેટ, એમોનિયમ સલ્ફામેટ, બોરેક્સ અને બોરિક ઍસિડ જેવા દ્રાવ્ય પદાર્થો વડે તરબતર (impregnate) કરવાની છે. કેટલીક વખત આમ કરવું શક્ય નથી.

જ્વાલામંદન-કાર્ય સમજાવતા વિવિધ સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે, જે કાપડ ઉપર કરવામાં આવતી જ્યોતસહ (flame proofing) ક્રિયાને મળતા આવે છે. આમાં બે પ્રકારનું દહન સંડોવાયેલું છે. એકમાં વિઘટનની બાષ્પશીલ નીપજો જ્વાળા સાથે સળગે છે જ્યારે બીજામાં ઘન પદાર્થ પોતે જ્યોત વિના સળગે છે. આ ઘટનાને પશ્ચદીપ્તિ (after glow) કહે છે. સામાન્ય રીતે આલ્કલાઇન પ્રકારનાં જ્વાલામંદકો પશ્ચજ્યોત (after flame) રોકવામાં અસરકારક છે જ્યારે ઍસિડ પ્રકારના મંદકો પશ્ચદીપ્તિનું નિયંત્રણ કરે છે. એમોનિયમ ફૉસ્ફેટ અને હેલોજનયુક્ત પદાર્થો જ્યોત અને દીપ્તિ બંને ઓછાં કરે છે. પશ્ચજ્યોત રોકવા અંગેના રાસાયણિક સિદ્ધાંત પ્રમાણે અસરકારક જ્વાલામંદકો ગરમીથી થતું સેલ્યુલોઝનું વિઘટન એવી રીતે થવા દે છે કે બાષ્પશીલ (volatile) અને જ્વલનશીન (flammable) વાયુઓ ઓછામાં ઓછા ઉત્પન્ન થાય અને પાણી તથા ઘન આદગ્ધ પદાર્થ (solid char) વધુ મળે. અન્ય સિદ્ધાંત પ્રમાણે જ્વાલામંદકો એક એવું આવરણ અથવા ફીણ ઉત્પન્ન કરે છે કે જે ઑક્સિજનને દૂર રાખી દહનને અટકાવે છે.

પેપર અને ફાઇબર બોર્ડ બનાવતી વખતે તેમાં ખનિજીય પૂરકો (mineral fillers), ઍસ્બેસ્ટૉસ, કાચ અથવા સિરેમિકના રેસાઓ ઉમેરવાથી તેમની દહનશીલતા ઓછી થાય છે. કોઈ પણ પ્રકારના જ્વાલામંદકો એવા ન હોવા જોઈએ કે તેમની માવજત પામેલ પદાર્થ આગમાં તપે ત્યારે પોતે વિષાળુ (toxic) વાયુઓ ઉત્પન્ન કરે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ