જ્વાળામુખી : પૃથ્વીના પોપડાની આરપાર ઊંડાઈથી સપાટી સુધી ખુલ્લા થયેલા નાળ આકારના કે ફાટ આકારના ભાગમાંથી મૅગ્મા કે મૅગ્માજન્ય વાયુઓ કે બંને બહાર આવવાની પ્રક્રિયા. મૅગ્મા બહાર નીકળવાની ક્રિયા એટલે લાવા-પ્રસ્ફુટન અથવા વાયુ-પ્રસ્ફુટન. પ્રસ્ફુટન આમ બે પ્રકારે થઈ શકે. નળી દ્વારા થાય તે શંકુ-પ્રસ્ફુટન, તેનાથી જ્વાળામુખી પર્વતરચના થાય; ફાટ દ્વારા થાય તે ફાટ-પ્રસ્ફુટન, તેનાથી લાવાના થર રચાય. ફ્યૂજિયામા, વિસુવિયસ, એટના પ્રથમ પ્રકારનાં ઉદાહરણો છે, જ્યારે ભારતનો દખ્ખણનો લાવાનો ઉચ્ચપ્રદેશ બીજા પ્રકારનું ઉદાહરણ છે. ફાટપ્રસ્ફુટન મોટે ભાગે ગિરિનિર્માણઘટના કે ભૂસંચલનક્રિયા સાથે સંકળાયેલું હોય છે. પેટાળમાંના ભૂરસનું પ્રમાણ અને વેગ ઓછાં હોય તો ફાટોને ભરીને પૂરી દે છે; તેને ‘ડાઈક’ અંતર્ભેદકો કહે છે; પ્રમાણ અને વેગ વધુ હોય અને ચાલુ રહે તો સપાટી પર લાવાનો પ્રવાહ પ્રસરે છે, થર પર થર જામતા જાય છે. ક્યારેક આવી ફાટો 3 મીટર અથવા વધારે પહોળી હોઈ શકે છે; લાવા-પ્રવાહો ઘણા અંતર સુધી પ્રસરે છે; ઘણી જાડાઈવાળા થર રચાય છે, ક્યારેક ઘણી ઊંચાઈ સુધી ઊછળે છે. જ્વાળામુખી નળીઓ આ જ રીતે મૅગ્મા દ્રવ્યથી ભરાઈને પુરાઈ જાય તો નાળાકાર કંઠ કે દાટાની રચના થાય છે. નળીના ઉપરના ભાગ ગર્ત કે ખાડા આકારના રહી જાય તેમને જ્વાળામુખ કહે છે, જે ક્યારેક પાણીથી ભરાઈ જતાં જ્વાળામુખ સરોવરો બનાવે છે. પ્રસ્ફુટન વખતે ઊછળી ઊછળીને નીકળતો લાવા, તૂટેલા જૂના ખડકોના ટુકડા ભેગો સંધાઈ જતાં જ્વાળામુખીજન્ય ખડકદ્રવ્ય (pyroclastic material) તૈયાર થાય છે. પ્રસ્ફુટનનાં લક્ષણોનો આધાર લાવાની તરલતા, સ્નિગ્ધતા તેમજ તેમાં રહેલા વાયુઓની સ્થિતિ પર રહેલો છે. લાવા બૅસાલ્ટ પ્રકારનો, મૅફિક બંધારણવાળો, ઓછો સ્નિગ્ધ, ઓછા વાયુદ્રવ્યવાળો હોય તો એવું પ્રસ્ફુટન શાંત ગણાય છે. લાવા પ્રસરીને થર બનાવે છે; જો તે સિલિસિક હોય, સ્નિગ્ધ હોય તો પ્રસ્ફુટન ધડાકામય, વેગીલું હોય છે, ઓછું પથરાય છે, પર્વતો રચાય છે અને જ્વાળામુખીજન્ય દ્રવ્ય બને છે.

લાવાપ્રવાહોના પ્રકાર : જુદાં જુદાં લાવા-પ્રસ્ફુટનોમાંથી પરખાયેલા લાવા-પ્રવાહોના પ્રકારો નીચે મુજબ છે : (1) પાહોઇહો લાવા – હવાઈ ટાપુ પર જોવા મળતા બૅસાલ્ટિક લાવા-પ્રવાહનો એક પ્રકાર; તેની સપાટી ઉપરથી ઊંચીનીચી હોઈ શકે; પરંતુ સુંવાળી હોય, દોરડી કે રજ્જુ જેવી વળવાળી હોય, હાથીની કે શાર્ક માછલીની ચામડી જેવી હોય, હારબંધ માળાના મણકા જેવી હોય, જીવાવશેષોના કવચ જેવી હોય કે ધાબાના પડ જેવી પણ હોય; (2) હવાઈ ટાપુ પર જોવા મળતા બૅસાલ્ટિક લાવા-પ્રવાહનો એક બીજો પ્રકાર ‘આ’ લાવા તરીકે પણ જાણીતો થયેલો છે, જેમાં સપાટી અનિયમિત, ખરબચડી હોય, ભઠ્ઠીના દ્રવ્ય જેવી કાંકરીમય હોય, કાંટાળી હોય કે અણીવાળાં ગચ્ચાં જેવી પણ હોય; (3) ટ્યુમુલી અથવા અંડાકાર – નાની અંડાકાર ટેકરીઓ સ્વરૂપની સપાટી હોય, લાવા-પ્રવાહોના આવા ઢગલા થોડાક મીટર ઊંચા અને કેટલાક મીટર લંબાઈવાળા હોઈ શકે; (4) ગચ્ચામય લાવા(blocky lava)માં લાવાથી બનેલા ટુકડા કે વિભાગોનો ઉપરનો ભાગ સપાટ, સુંવાળો હોય, બાજુઓ ખૂણાવાળી હોઈ શકે; કેટલાક તેને ‘આ’ લાવાના પ્રકારમાં મૂકે છે.

મૅફિક બંધારણવાળા પ્રવાહી લાવાથી લાક્ષણિકપણે પાહોઇહો અથવા ‘આ’ લાવાની રચના થાય છે, જ્યારે ઍન્ડેસાઇટ બંધારણવાળા ઓછા પ્રવાહી લાવાથી બ્લૉક-લાવાની રચના થાય છે. ઉપરના બધા જ પ્રકારો તેમાંના વાયુ મુક્ત થવાને કારણે સામાન્ય રીતે કોટરયુક્ત હોય છે, તેમાં બદામાકાર સંરચના થયેલી જોવા મળે છે. પાહોઇહો લાવા સમુદ્રજળ નીચે અનિયમિત વલયાકાર સ્વરૂપોના ઢગ રચે છે. તેમના આડછેદ અનાજના કોથળા કે તકિયા જેવા દેખાય છે.

વધુ પડતા વાયુથી મિશ્રિત સિલિકાયુક્ત લાવા સપાટી પર પ્રસ્ફુટન પામે ત્યારે વાયુ નીકળવાના પ્રયાસથી ફીણથી ખદબદતો હોય છે, વાયુના ઝડપી વિસ્તરણ અને નિકાલને કારણે ઉપલી સપાટી અનેક ચીરામાં વહેંચાઈ જાય છે. ઝડપથી ઠંડા પડવાની ક્રિયાને કારણે જ્વાળામુખી કાચ બની જવાથી કાળા ઘન પદાર્થ જેવો દેખાય છે. ઘનીભવન પામી ગયેલા ઉપરના જથ્થામાં નીચે હજી વાયુ ભરાયેલા રહી ગયા હોય તે વિસ્તરતા જતા હોઈ બાજુઓ પરના સીધા ઢોળાવોમાંથી પસાર થતા થતા અમુક અંતરે બહાર નીકળે છે; લાવાના થર તો બનતા રહે છે, ખદબદતી સ્થિતિમાંથી ફીણવાળા ભસ્મસ્તરો સ્થિર થાય; પરંતુ ગરમ હોય તો થરનું દ્રવ્ય અરસપરસ કાચવત્ થતું જઈ ચોંટી જાય છે અને ઓબ્સિડિયન બને છે. આ જ રીતે પરિણમતા લાવાના જથ્થા સંશ્લેષિત ટફ કે ઇગ્નિમ્બ્રાઇટ કહેવાય છે. આવા જ પ્રકારના વિસ્તરતા વાયુમય ઘન-પ્રવાહી મિશ્ર સ્થિતિવાળા લાવા-પ્રવાહો પ્રસ્ફુટનથી બની શકે છે – અથવા થયેલા હોય તો તેમના ઉપરના શિખરભાગો પછીના પ્રસ્ફુટનથી તૂટી પડે છે અને લાવાપ્રપાત થાય છે; તે પર્વતોના તળેટીભાગ તરફ 100-150 કિમી/કલાકના વેગથી ધસી પડે છે, ગબડે છે; આવી સ્થિતિમાં ક્યારેક પ્રદીપ્ત અગ્નિજ્વાળા સહિત પ્રપાત થતો હોય છે, રજવાદળો પણ ઉત્પન્ન થાય છે. આ પ્રકારને ન્યૂએસ આર્ડેન્ટ્સ કહે છે.

જ્વાળામુખીજન્ય પાયરોક્લાસ્ટિક દ્રવ્ય : ઝડપી પ્રસ્ફુટન-ક્રિયા દ્વારા વાતાવરણમાં વેગથી ઊડીને ફેંકાતા જ્વાળામુખીજન્ય ટુકડાથી બનેલું દ્રવ્ય. સામાન્ય રીતે વધુ સ્નિગ્ધ લાવા હોય ત્યારે આ ક્રિયા શક્ય બને છે. (ઓછા સ્નિગ્ધ કે તરલ લાવામાંથી લાવા-પ્રવાહો રચાતા હોય છે.) જુદા જુદા ઘણા પ્રકારો હોઈ શકે છે. 2 મુખ્ય સમૂહો અલગ પાડી શકાય છે :

(1) પ્રવાહી ટીપાં ગોલકોમાં ફેંકાય, વાતાવરણમાં ઘનસ્વરૂપ બનીને નીચે જમા થાય એવું દ્રવ્ય, (2) ઘન સ્વરૂપે જ ફેંકાય એવું દ્રવ્ય; પરંતુ જોશબંધ થતા પ્રસ્ફુટનથી તે વિભાજિત થઈ જાય અને પછી નીચે જમા થાય.

પ્રથમ સમૂહમાં લૅપિલી, બૉમ્બ્સ, પ્યૂમિસ અને સ્કોરિયાનો સમાવેશ થાય છે. બીજા સમૂહમાં જૂના પ્રાદેશિક ખડકોના કે અગાઉના જ્વાળામુખી ખડકોના ટુકડા મિશ્ર થયેલા હોય છે; તેમને કણકદ, બંધારણ અને જમાવટના પ્રકાર પ્રમાણે ટફ, ઇગ્નિમ્બ્રાઇટ (સંશ્લેષિત ટફ) અને પૅલેગોનાઇટ ટફમાં વર્ગીકૃત કરેલા છે.

જ્વાળામુખીપ્રસ્ફુટનજન્ય દ્રવ્યનું તેમના આકાર, પરિમાણ અને એકસૂત્રતા મુજબ વર્ગીકરણ કરેલું છે.

લૅપિલી : આકસ્મિક ઊડીને તૈયાર થતું જ્વાળામુખીપ્રસ્ફુટનજન્ય કણદ્રવ્ય જો 4 મિમી. થી 32 મિમી. વ્યાસ જેવડા કદનું હોય તો તે લૅપિલી કહેવાય છે. પ્રસ્ફુટનના વેગથી આ દ્રવ્ય મૂળભૂત રીતે તો પ્રવાહી ટીપાં રૂપે ઊડતું હોય છે પણ હવામાં પસાર થતી વખતે ઘનરૂપ બનીને નીચે પડે છે. ક્યારેક તે કેશ જેવા કાચકણ રૂપે જોવા મળે છે. પ્રવાહી દ્રવ્ય સાંકડી નળીમાંથી વેગથી બહાર ફેંકાય ત્યારે હવાના સંપર્કમાં આવવાથી તે કણિકાઓ ઠરી જઈને નીચે જમા થાય છે. તેને પીલીના કેશ પણ કહે છે.

ગોળા (bombs) : કણકદમાં જો તે 32 મિમી.થી મોટા વ્યાસવાળું દ્રવ્ય હોય તો તે ગોળા કહેવાય છે. આ જ પ્રકારનું દ્રવ્ય ભૂમિ પર પડતાં સુધીમાં પૂરતા પ્લાસ્ટિક લક્ષણોવાળું રહ્યું હોય અને ચપટા આકારો સ્વરૂપે પડે તો ગાયના પોદળા – અડાયાં – જેવા ચપટા ગોળા તૈયાર થાય છે. આ જ પ્રકારનું દ્રવ્ય અસંખ્ય કણો રૂપે હિમવર્ષાની જેમ વેરવિખેર થઈને અસંખ્ય કણોમાં પડે તો તેને કણવિખેરણ કહી શકાય. આવા ટુકડા પ્લાસ્ટિક લક્ષણવાળા હોય અને ચપટા બનીને સંધાઈ જાય છે, તેને સંશ્લેષિત કણવિખેરણ કહેવાય. ઊડતી – ફેંકાતી વખતે જ તે જો લગભગ જામી જાય તો બૉબિન આકારના ગોળા તૈયાર થાય છે; પરંતુ જો દોરી જેવા કે રિબન જેવા બને તો રિબન ગોળા કહે છે.

લૅપિલી કે ગોળા કદના ફીણયુક્ત લાવાના કોષમય અનિયમિત ટુકડાના જથ્થાને સિન્ડર અને સ્કોરિયા કહે છે. હવામાં જ ઘન સ્વરૂપ પામી જતા 32 મિમી.થી મોટા ખૂણાવાળા ટુકડા બને અથવા પડતાં સુધીમાં ગોળાઈ પ્રાપ્ત ન કરી શકે તો તેમને ગચ્ચા (blocks) કહેવાય. પાછળથી લાવામાં જડાઈ જાય તો તેને જ્વાળામુખી બ્રૅક્સિયા કહેવાય.

ભસ્મ અને ટફ : પ્રસ્ફુટિત દ્રવ્ય જો 4 મિમી.થી નાનું હોય તો તેને ભસ્મ કહે છે અને  મિમી.થી નાનું હોય તો તેને રજ કહે છે. આવી ભસ્મ અને રજ જ્યારે સખત બની રહે ત્યારે તેને ટફ તરીકે ઓળખવામાં આવે છે.

જ્વાળામુખીરજ : એકાએક થતા વેગીલા પ્રસ્ફુટનથી ક્યારેક વાતાવરણના મધ્ય સ્તરની ઊંચાઈ સુધી રજ ફેંકાય છે અને હજારો કિલોમીટર વાતાવરણનો વિસ્તાર પણ આવરી લે છે. આઇસલૅન્ડમાં આ પ્રકારે થયેલા પ્રસ્ફુટનથી ઊડેલી રજ છેક મૉસ્કોમાં જઈને પડી હતી. લાવા દ્રવ્યની કણિકાથી બનેલા રજકણો મોટે ભાગે ખૂણાવાળા હોય છે, જે પૈકી ઘણા કાચકણો તો કાચગોલકો બની રહે છે. ક્યારેક ગંધકના તેજાબનાં કે અન્ય સલ્ફેટનાં કે ક્લૉરાઇડનાં ટીપાં પણ ઊડે છે. ઊડતા વાયુ પૈકી H2S અને SO2 હોય તો તે ઑક્સિભૂત થઈ હવામાં જ સલ્ફેટમાં રૂપાંતર પામે છે. મોટા ભાગના ઘન રજકણોને રજ-વાદળમાંથી નીચે આવતાં થોડા દિવસ લાગે છે, પરંતુ લગભગ બધું જ રજદ્રવ્ય થોડાંક સપ્તાહોમાં તો નીચે જામી જાય છે; તેમ છતાં છૂટુંછૂટું અતિસૂક્ષ્મ દ્રવ્ય તો વાતાવરણના મધ્યસ્તરમાં જ એકાદ વર્ષ કે તેથી વધુ સમય તરતું રહે છે. 1883માં જાવા–સુમાત્રા વચ્ચે આવેલા ક્રાકાટોઆમાંથી તેમજ 1963માં અગુંગમાંથી ઊડેલી રજથી લગભગ આખીયે પૃથ્વી ઉપર ઘણા મહિના સુધી સૂર્યાસ્તની સ્થિતિ માફક અંધારપટ છવાયેલો રહ્યો હતો. નિષ્ણાતોના મંતવ્ય મુજબ, વાતાવરણમાં ધુમ્મસની માફક કલિલ રૂપે જામેલા રહેવાની આવી સ્થિતિ સલ્ફેટ વાયુને કારણે થતી હોય છે. પરિણામે તૈયાર થતા પડદાથી સૂર્યવિકિરણ પર અસર થતી હોય છે. ઘણો લાંબો ગાળો આ પ્રકારની પરિસ્થિતિ ચાલુ રહે તો તાપમાન ઘટતું જવાથી હિમક્રિયાની સંભવિતતા ઊભી થાય છે.

જ્વાળામુખીજન્ય પંકપ્રવાહ : જ્વાળામુખી પર્વતોના પ્રદેશોમાં પંકપ્રવાહ-રચના ક્યારેક સામાન્ય ઘટના બની રહેતી હોય છે. જ્વાળામુખ સરોવર તૈયાર થયેલું હોય અને પછીથી જો પ્રસ્ફુટન થાય તો સરોવર છિન્નભિન્ન થઈ તૂટી પડે છે, તેનાં પાણી ઢોળાવો પરથી અન્ય દ્રવ્ય સહિત વહી જઈ રગડો બનાવે છે અથવા ગરમ-ઠંડા લાવાદ્રવ્ય પ્રપાત આવા પાણીમાં ભળતા જાય તો ઊંચા જ્વાળામુખી પરનો બરફ કે હિમજથ્થો ઓગળી જઈ વહેવા માંડે છે. આથી પણ વધુ સામાન્ય ઘટના તો એ છે કે જો ભારે વરસાદ પડે તો છૂટું, અસ્થિર પ્રસ્ફુટન દ્રવ્ય ઢોળાવો પરથી વચ્ચે આવતા બધા જ પદાર્થો સાથે વહેવા માંડે છે, રગડો બનતો જાય છે અને સીધા ઢોળાવો પરથી ક્યારેક તો તેની ગતિ કલાકના 96 કિમી. જેટલી બેકાબૂ બની રહે છે. નજીકમાં વસાહતો હોય તો માલમિલકત અને જીવનને ભયમાં મૂકી ખુવારી સર્જે છે. જ્વાળામુખીજન્ય પંકપ્રવાહો ગરમ હોય તો તેને ‘લહર’ તરીકે ઓળખવામાં આવે છે. પંકપ્રવાહો સાથે હિમજન્ય પાણીના પૂરને પણ સંબંધિત ગણવામાં આવે છે. આ પ્રકારની ઘટના આઇસલૅન્ડમાં ક્યારેક થાય છે, જ્યાં તેને ‘Jokulhlaup’ કહે છે. હિમચાદર કે હિમનદીની નીચેથી પ્રસ્ફુટન થાય ત્યારે બરફપડ ત્વરિત પીગળી જવાથી આ પ્રકારનાં પૂર આવે છે. પંક જ્વાળામુખીની ક્રિયા આ ઘટના સાથે મળતી આવે છે.

જ્વાળામુખીજન્ય ભૂમિસ્વરૂપો : જ્વાળામુખી પ્રક્રિયાથી બે પ્રકારનાં સ્થળર્દશ્ય રચાય છે :

 (1) રચનાત્મક અથવા જમાવટથી રચાતાં ભૂમિસ્વરૂપો : ફાટ-પ્રસ્ફુટનને કારણે બૅસાલ્ટયુક્ત લાવા અનેક વાર નીકળી આવી 1.5 લાખથી 3 લાખ ચોકિમી. વિશાળ વિસ્તારો આવરી લે છે અને પહોળા, સપાટ શિરોભાગવાળા ભૂમિઆકારો રચે છે. આ સ્વરૂપો બૅસાલ્ટના ઉચ્ચપ્રદેશો તરીકે ઓળખાય છે. દુનિયાભરમાં જાણીતાં બનેલાં આવાં ભૂમિસ્વરૂપો ભારત અને અમેરિકામાં જોવા મળે છે : ભારતનો દખ્ખણનો લાવાનો ઉચ્ચસપાટ પ્રદેશ (ડેક્કન ટ્રેપ), અને સ્નેક નદી તેમજ કોલંબિયામાં મેદાનોનો પ્રદેશ.

અન્ય એક પ્રકાર ઢાલશંકુ તરીકે ઓળખાય છે, જે ઘણા બહોળા પ્રમાણમાં વિસ્તરેલો ઘુમ્મટ આકારનો પર્વત કે વિશાળ ટેકરો હોય છે. કોઈક ઢાલશંકુ કેટલાક હજાર ઘન કિમી.નો વિસ્તાર આવરી લેતો હોય છે. જ્યાંથી લાવા નીકળતો હોય એ ફાટ તેના શિખરભાગથી ઢાલશંકુની બાજુઓ સુધી પણ વિસ્તરેલી હોય છે અને તે ડાઈક જેવાં અંતર્ભેદકો રૂપે પુરાઈ ગયેલી હોય છે અથવા કણ-વિખેરણ જમાવટથી આજુબાજુ નાના શંકુઓ પણ રચે છે. ક્યારેક એક ઢાલશંકુની ઉપર બીજા ઢાલશંકુ પણ રચાય છે. હવાઈ ટાપુ પરનો મોના લોઆ આ પ્રકારના વિસ્તૃત ઢાલશંકુનું ઉદાહરણ છે.

આકૃતિ 1 : ઢાલશંકુ જ્વાળામુખી

ઓછા તરલ લાવા કે વધુ વાયુમાત્રાવાળા લાવાનું પ્રસ્ફુટન જ્વાળામુખીજન્ય દ્રવ્યની જમાવટ કરે છે. લૅપિલી, ગોળા અને ભસ્મ જમાવટ મધ્ય નળીની આજુબાજુ થવાથી રચાતા શંકુ ભસ્મ-શંકુ કહેવાય છે. લાવા પ્રવાહો અને પ્રસ્ફુટિત મિશ્રદ્રવ્યનાં પડ વારાફરતી ગોઠવાયેલાં હોય તેને મિશ્રશંકુ કહેવાય છે. દુનિયાના મોટા ભાગના જ્વાળામુખી પર્વતો મિશ્રશંકુ પ્રકારના છે; દા. ત., ફિલિપાઇન્સનો મેયૉન, જાપાનનો ફ્યૂજિયામા, ઍલ્યુશિયન ટાપુઓમાંનો શિશાલ્ડિન અતિભવ્ય, સુંદર દેખાવવાળા સમગોળાઈવાળા મિશ્રશંકુનાં ઉદાહરણો છે; પરંતુ જેમાં માત્ર સૂક્ષ્મ પ્રસ્ફુટિત દ્રવ્ય જ હોય તેને ભસ્મશંકુ કે ટફશંકુ કહે છે.

લાવા વહી શકે એટલો તરલ ન હોય અર્થાત્ વધુ પડતો સ્નિગ્ધ હોય તો પ્રસ્ફુટન-નળીની આજુબાજુ જ સીધા ઢોળાવવાળો ઊભો શંકુ રચાય છે, જેને જ્વાળામુખી ઘુમ્મટ કહેવાય છે. તેમાં કાંટાનો દેખાવ રજૂ કરતાં નાજુક અણીવાળાં શૃંગ ઊપસી આવેલાં હોય છે,

જે થોડા સમયે નાશ પામે છે. માર્ટિનિકમાંનો માઉન્ટ પીલી 1902માં ફાટેલો, તેનાથી 300 મીટર જેટલી ઊંચાઈ તૈયાર થયેલી છે.

(2) વિનાશાત્મક અથવા જમાવટ થવાને કારણે કે તૂટી પડવાને કારણે રચાતાં ભૂમિસ્વરૂપો : પ્રસ્ફુટનને કારણે ક્યારેક વાડકા આકારના મોટા ખાડા રચાય છે કે પ્રસ્ફુટિત દ્રવ્ય જ્વાળામુખોની આજુબાજુ જામી શકે નહિ તેથી આવા ખાડા રચાય છે. મોટા ભાગનાં જ્વાળામુખો શંકુના શિખરભાગમાં જ બને છે, કેટલાંક શંકુની કિનારીમાં, તો વળી કેટલાંક શંકુથી દૂર પણ બને છે.

આકૃતિ 2 : જ્વાળામુખી ઘુમ્મટ

જ્વાળામુખી-નળી મૅગ્માથી પુરાઈ જવાથી બનેલો દાટો ક્યારેક નીચે તરફની ગરમી વધી જવાથી પાછો શોષાઈ જાય તો તે ભાગ દબી જાય છે અને ખાડાના રૂપે ફેરવાઈ જાય છે; આવા ગર્ત કાલ્ડેરા કહેવાય છે. ઑરેગોનમાંનું જ્વાળામુખ સરોવર આનું ઉદાહરણ છે. આ ઉપરાંત, જ્વાળામુખી-ઉત્પત્તિજન્ય તેમજ ભૂસંચલન-ઉત્પત્તિજન્ય સંયુક્ત ઉત્પત્તિવાળાં ગર્ત પણ મળે છે જે મોટાં તેમજ અનિયમિત હોય છે. મોટા ભાગનાં કાલ્ડેરાની જેમ જ તેમની રચના પણ (દરેક ઉદાહરણમાં નહિ, તો કોઈકમાં) સંશ્લિષ્ટ ટફના વિશાળ ભાગો નવા પ્રસ્ફુટનમાં શોષાઈ જવાને કારણે થતી હોય છે.

સમુદ્રતલીય જ્વાળામુખી : છીછરા જળવિભાગોમાં થતાં જ્વાળામુખી પ્રસ્ફુટનો ભૂમિસ્થિત પ્રસ્ફુટનો જેવાં જ હોય છે. તેમ છતાં ગરમ લાવા એકાએક જળસંપર્કમાં આવવાથી તે વધુ પડતાં સ્ફોટક બની રહેતાં હોય છે. પરિણામે પુષ્કળ પ્રમાણમાં જલબાષ્પ ઉત્પન્ન થાય છે. અહીં બનતા શંકુઓની કાચમય ભસ્મ સામાન્ય ખવાણનાં પરિબળોને કારણે કથ્થાઈ પૅલેગોનાઇટ ટફમાં પરિવર્તિત થઈ જાય છે. આવા શંકુઓ (દા. ત., હોનોલુલુમાંનો ડાયમંડ હેડ શંકુ)નાં સ્થળર્દશ્ય ભસ્મશંકુઓની સરખામણીએ પહોળાં અને સપાટ હોય છે.

મહાસાગરોમાં વધુ ઊંડાઈએ થતાં પ્રસ્ફુટનો વધુ પડતા જળદાબને કારણે સ્ફોટક બની શકતાં નથી, તેમ લાવાપ્રવાહોમાં કોટરો પણ બની શકતાં નથી. 1800 મીટરથી વધુ ઊંડાઈએ, હવાઈ ટાપુમાંના કીલોઆ જ્વાળામુખીનો લાવા કોટરરહિત છે.

પૅસિફિક મહાસાગરના મોટા ભાગનું તળ બૅસાલ્ટનું બનેલું હોવાનું જણાય છે. તેની દેખીતી ઘનતા પરથી કહી શકાય કે તે ઘણા ઓછા કોટરવાળો છે; જ્યારે પૅસિફિક મહાસાગર સપાટીની બહાર દેખાતા શંકુઓથી બનેલા મોટા ભાગના ટાપુઓના લાવા તેનાથી થોડા વધુ કોટરયુક્ત રચનાવાળા છે. તળ લાવાની વધુ ઘનતા કદાચ વધુ જળદાબને કારણે હોઈ શકે.

પાયરોક્લાસ્ટિક દ્રવ્ય કદાચ ક્યારેક બન્યું હોય, પણ ઊંડા જળમાં તેના બનવા માટેના સંજોગો નહિવત્ હોય છે. એ શક્ય ખરું કે રેતીકણ-કદના કાચમય જથ્થા તે બનાવે. અહીંના આ પ્રકારના દ્રવ્યને ‘હાયાલોક્લૅસાઇટ’ કહે છે, જે પાણીમાં ગમે તે ઊંડાઈએ બની શકે અને તે તકિયા લાવા (પીલો લાવા) સાથે મોટે ભાગે સંકળાયેલું મળે. આ જ રીતે, આઇસલૅન્ડમાં હિમનદીઓની નીચે થયેલાં પ્રસ્ફુટનો દ્વારા પીગળેલા પાણીમાં પણ હાયાલોક્લૅસાઇટના વિશાળ જથ્થા મળેલા છે. બૅસાલ્ટિક ભસ્મની જેમ જ હાયાલોક્લૅસાઇટ પણ પૅલેગોનાઇટમાં પરિવર્તન પામે છે.

ફ્યૂમેરોલ અને ગરમ પાણીના ઝરા : જ્વાળામુખી પ્રક્રિયા સાથે તે સંકળાયેલા છે.

જ્વાળામુખીનું વિતરણ : ભૂસ્તરીય વિતરણ : એમ માનવામાં આવે છે કે ઘન સ્થિતિમાં રહેલો પોપડો 56–112 કિમી.ની જાડાઈવાળી મુખ્ય પંદરેક ઓછીવત્તી ર્દઢ ભૂતકતીમાં વહેંચાયેલો હોય છે, જે ભૂમધ્યાવરણના ઉપરના ભાગમાંના ઓછી ર્દઢતાવાળા વિભાગની ઉપર એકબીજાના સંબંધમાં ખસતી રહે છે. આ તકતીની કિનારીઓ ત્રણ પ્રકારની ગણાવી છે : એક, નજીકનજીકની તકતી એકબીજીથી વિસ્તરણ પામી દૂર ખસે છે; બીજું, એક તકતી નજીકની બીજીને ઘસાઈને ખસે છે; ત્રીજું, તકતી એકબીજી તરફ ખસે છે, જેમાં એકની કિનારી બીજીની નીચે દબાતી જઈને મૅન્ટલમાં આત્મસાત્ થઈ જાય છે. આ પૈકીની પ્રથમ વિસ્તરણ પામતી મધ્ય આટલાન્ટિક ડુંગરધાર, પૂર્વ પૅસિફિક ઉપસાવ, અગ્નિકોણીય હિન્દી મહાસાગરીય ઊંચાણ જેવી ડુંગરધારોની વિશાળ શ્રેણીની ધારે ધારે રહેલી છે, મહાસાગર તળ પર રહેલી છે, પૃથ્વીને ફરતી વીંટળાયેલી છે. વિસ્તરતી ડુંગરધારોની નીચે ભૂમધ્યાવરણના ઉપલા ભાગમાં ખડકના અંશત: પીગળતા જવાથી બૅસાલ્ટિક મૅગ્મા બનતો જાય છે, જે તાણથી રચાયેલી ફાટોમાંથી ઉપર તરફ ચઢે છે, ડાઇક જેવાં અંતર્ભેદકો બનાવે છે અથવા સપાટી સુધી પ્રસ્ફોટ-સ્વરૂપે લાવાપ્રવાહો પહોંચાડે છે. વિસ્તરતાં જતાં ભંગાણોને ભરી દે છે. જ્વાળામુખી પ્રક્રિયા બનતી રહે છે. મહાસાગર-તળ પર થતી આ ક્રિયા દેખાતી નથી પરંતુ મધ્ય આટલાન્ટિક ડુંગરધારોની ઊંચાઈ પર રહેલા આઇસલૅન્ડમાં દેખાઈ આવે છે, જ્યારે ઓછામાં ઓછો ક્રિયાશીલ વિસ્તરણ-વિભાગ પૂર્વ આફ્રિકાની ફાટખીણોનો પ્રદેશ છે. એ જ રીતે એકબીજી તરફ ખસતી તકતી પૈકી જે નીચે તરફ દબાય છે તે ભૂમધ્યાવરણમાં પ્રવેશતાં પીગળતી જાય છે, મૅગ્મા બને છે, જ્વાળામુખી બહાર પ્રસ્ફુટિત થાય છે. પૅસિફિકને ફરતી કિનારી પર મધ્યમથી ઉગ્ર સ્ફોટક કક્ષાના જ્વાળામુખી અસ્તિત્વમાં આવે છે. આ ઉપરાંત, અન્ય જ્વાળામુખીઓ ભૂતકતીની કિનારીઓથી દૂર પણ મળે છે લાક્ષણિક રીતે તે રેખીય હાર બનાવે છે. મધ્ય પૅસિફિકમાંના હવાઈ ટાપુઓની હારમાળા, ઑસ્ટ્રેલિયાની આજુબાજુના દ્વીપસમૂહો આ પ્રકારના ગણાય, જે મધ્ય પૅસિફિક ટાપુઓ, પૅસિફિક તકતીની ખસવાની દિશાને લગભગ સમાંતર છે.

ભૌગોલિક વિતરણ : જ્વાળામુખી પ્રક્રિયાને ગિરિનિર્માણ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તેથી પૅસિફિક્ધો ફરતા પર્વતીય પટ્ટાની ધારે ધારે જ્વાળામુખીનો પણ પટ્ટો રહેલો છે. એ જ રીતે કૅરિબિયન પર્વતીય પટ્ટો, આલ્પાઇન-ભૂમધ્ય-ઉત્તર આફ્રિકી-હિમાલયન પર્વત પટ્ટો, ત્યાંથી એક ઇન્ડોનેશિયા તરફ અને બીજો આફ્રિકી ફાટ-ખીણ તરફ વિસ્તરે છે. મહાસાગરોના મધ્ય વિસ્તારોમાં પણ અધોસમુદ્રીય જ્વાળામુખીઓની વિશાળ સંખ્યા રહેલી છે; જેમ કે, હવાઈ વિસ્તાર અને ન્યૂઝીલૅન્ડ – ટોંગા વિસ્તાર.

જ્વાળામુખીના 2 પ્રકાર છે : (1) શંકુ-પ્રસ્ફુટન પ્રકાર, (2) ફાટ પ્રસ્ફુટન પ્રકાર. શંકુ-પ્રસ્ફુટનના જુદા જુદા અન્ય પ્રકારો પણ ઓળખી શકાયા છે જે પૈકી કેટલાક પ્રવાહી મૅગ્માના બંધારણ અને તેમાં રહેલા વાયુના પ્રમાણ તેમજ તે બંનેથી બનતી સ્નિગ્ધતા – તરલતાની અસર પર આધાર રાખે છે. જ્વાળામુખી પ્રસ્ફુટન અને તેમની લાક્ષણિકતાઓ પરથી નીચેના પ્રકારો વર્ણવી શકાય :

(ક) હવાઈયન : સ્ફોટક ક્રિયાવિહીન ઘણા મોટા ખુલ્લા શંકુમાંથી તરલ લાવાપ્રવાહ નીકળ્યા કરે; જોકે વાયુ સહિત લાવાના ફુવારા ઊડ્યા કરતા હોય તેને હવાઈયન પ્રકાર કહે છે.

(ખ) સ્ટ્રૉમ્બોલિયન : નાના પાયા પરનાં સતત ચાલુ રહેતાં સ્ફોટક પ્રસ્ફુટનોની લાક્ષણિકતાવાળા જ્વાળામુખી. વધુ સ્નિગ્ધ લાવા ઉપર તરફ પોપડી બનાવે, નીચેનો એકત્રિત થયેલો વાયુ પૂરતું દબાણ થાય ત્યારે ઘન થયેલા ઉપરના પોપડાને તોડીને બહાર આવે એવા જ્વાળામુખી ‘સ્ટ્રૉમ્બોલિયન’ કહેવાય છે.

(ગ) વલ્કેનિયન : સ્ટ્રૉમ્બોલિયન પ્રકાર કરતાં આ પ્રકારમાં લાંબા ગાળા બાદ પ્રસ્ફુટનો થાય. લાવા વધુ સ્નિગ્ધ હોય છે. તેની પોપડી વધુ જાડાઈવાળી હોય છે. તેને તોડવા માટે વધુ પડતો વાયુદાબ જરૂરી બને છે. આ એવા પ્રકારનું પ્રસ્ફુટન છે જેનાથી ઘણાખરા જ્વાળામુખીની ક્રિયાનો પ્રારંભ થાય છે.

(ઘ) વિસુવિયન : એક પછી બીજું પ્રસ્ફુટન થવા માટે દાયકાનો ગાળો વીતી જાય છે, પ્રસ્ફુટન ખૂબ જ સ્ફોટક હોય છે, સ્ફોટક પ્રસ્ફુટન દ્વારા વિપુલ દ્રવ્યજથ્થો ઊછળીને બહાર ફેંકાય છે. લાવા અતિ સ્નિગ્ધ હોય છે. ઘન બનેલો જ્વાળામુખી નળીનો દાટો પૂરતું દબાણ કરવા માટે પર્યાપ્ત બની રહે છે. વિસુવિયન પ્રસ્ફુટન પ્રકાર અતિ સ્ફોટક ગણાતો હોઈ તે ક્યારેક પિલિયન પ્રકારથી પણ ઓળખાય છે.

(ઙ) પિલિયન : ઘણા સ્નિગ્ધ લાવાના પ્રસ્ફુટનને પરિણામે તૈયાર થાય છે. ન્યૂએસ આર્ડેન્ટ્સ અને કાંટાળા આકારોની લાક્ષણિકતાવાળો આ પ્રકાર છે.

જ્વાળામુખીનું ક્રિયાત્મક વર્ગીકરણ : પ્રસ્ફુટનની ક્રિયાને અનુલક્ષીને જ્વાળામુખીના ચાર પ્રકારો દર્શાવવામાં આવે છે : (i) સક્રિય, (ii) સવિરામી, (iii) સુષુપ્ત અને (iv) નિષ્ક્રિય અથવા મૃત.

(i) સક્રિય જ્વાળામુખી : આ પ્રકારના જ્વાળામુખીનું પ્રસ્ફુટન સતત ચાલુ હોય છે. મોટે ભાગે તો તે શાંત પ્રકારના હોય છે; પરંતુ ક્યારેક વિસ્ફોટ પણ થતા હોય છે; દા. ત., ઇટાલીના કિનારાથી દૂર ટાપુસ્થિત ‘સ્ટ્રૉમ્બોલી’.

(ii) સવિરામી જ્વાળામુખી : આંતરે આંતરે પ્રસ્ફુટિત થતો જ્વાળામુખી; દા. ત., જાપાનનો અસામા પર્વત, સિસિલીનો એટના, હવાઈનો હુઆલલાઈ.

(iii) સુષુપ્ત જ્વાળામુખી : આ પ્રકારના જ્વાળામુખી મોટે ભાગે તો નિષ્ક્રિય હોય છે; પરંતુ તે ક્યારે ફાટશે તે નિશ્ચિત હોતું નથી. આ કારણે તેમને ‘ઊંઘતા’ જ્વાળામુખી પણ કહેવાય છે; દા. ત., કૅલિફૉર્નિયાનો લાસેન પીક અને મેક્સિકોનો પેરીક્યુટિન.

(iv) નિષ્ક્રિય અથવા વિલુપ્ત અથવા મૃત જ્વાળામુખી : આ પ્રકાર તદ્દન નિષ્ક્રિય ગણાય છે. તે જ્યારે પણ ભૂતકાળમાં ફાટ્યા હોય પછીથી તેમની ક્રિયા નોંધાઈ ન હોય ત્યારે તેમને મૃત જ્વાળામુખી ગણવામાં આવે છે. દા. ત., આર્જેન્ટિનાનો એકોનકાગુઆ, ટાન્ઝાનિયાનો કિલિમાંજારો. આ પ્રકારનો જ્વાળામુખી સંભવત: ભવિષ્યમાં ફાટશે નહિ એમ માનવામાં આવે છે.

 ગિરીશભાઈ પંડ્યા