જ્ઞાનસંબંધન, એ. એસ. (જ. 10 નવેમ્બર, 1916, ત્રિચિ જિલ્લો, તમિળનાડુ અ. 27 ઑગસ્ટ 2002) : તમિળ સાહિત્યકાર. તેમને તેમની કૃતિ ‘કંબન-પુટિય પાર્વે’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમનું પ્રારંભિક શિક્ષણ લાલગુડી ખાતેની બૉર્ડ હાઈસ્કૂલમાં થયું. 1940માં તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી તમિળ ભાષામાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1941માં તેમણે તમિળ ભાષાના સહાયક અધ્યાપક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કરેલો. છેલ્લે મદુરાઈ યુનિવર્સિટીના તમિળ ભાષાના પ્રાધ્યાપક તથા વિભાગાધ્યક્ષના પદેથી નિવૃત્ત થયા.

તેઓ તમિળ ભાષાના સંમાન્ય વિદ્વાન હતા. તેમણે અભિનવ પરિપ્રેક્ષ્યમાં ‘રામાયણ’ જેવા મહાગ્રંથનાં સૌંદર્યલક્ષી સ્થાનો તથા તેનાં તમામ પાસાં વિશે સૂક્ષ્મ સૂઝ પ્રગટાવવામાં મૂલ્યવાન કામગીરી બજાવી છે. અત્યાર સુધીમાં પ્રગટ થયેલાં તેમનાં 25 ઉપરાંત પુસ્તકોમાં વિવેચનગ્રંથો, નિબંધ તથા રેડિયો-રૂપકો પણ સામેલ છે. તેમણે દેશવિદેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો છે. તેઓ અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલા પણ રહ્યા હતા. તેમના પુસ્તક ‘ઇલક્કિય કલૈ’ને કવિતાની ઉત્તમ વિવેચના બદલ ચેન્નાઈ (મદ્રાસ) સરકાર તરફથી પુરસ્કાર મળ્યો હતો.

પ્રસ્તુત પુરસ્કૃત કૃતિમાં કમ્બનના મહાકાવ્ય પરત્વેનો અભિનવ અને મૌલિક અભિગમ જોવા મળે છે. કમ્બ-રામાયણના સ્વાભાવિક અત્યંત સ્પષ્ટ તથા આધારભૂત નિરૂપણને કારણે તેમનો આ વિવેચનગ્રંથ તમિળ સાહિત્યમાં અનુપમ ઉમેરણરૂપ લેખાયો છે.

મહેશ ચોકસી