જ્ઞાનમાર્ગ : પરમતત્વનો સાક્ષાત્કાર કરવા માટેના ભારતીય વૈદિક પરંપરામાં સ્વીકારાયેલા કર્મ, ભક્તિ અને જ્ઞાન  એ ત્રણ માર્ગોમાંનો એક.

જ્ઞાનમાર્ગનો આરંભ વેદોથી થાય છે. વૈદિક મંત્રોમાં પરમતત્વના સાક્ષાત્કાર માટે જ્ઞાનમાર્ગનો સ્પષ્ટ ઉલ્લેખ છે. નારાયણ ઋષિએ કહ્યું છે કે ‘‘तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यतेडयनाय ।’’ ‘‘મૃત્યુને પેલે પાર જવા માટે તે પરમતત્વના જ્ઞાન સિવાય અન્ય કોઈ માર્ગ નથી.’’ આ વિચારની સ્પષ્ટ પરિણતિ ઉપનિષદોમાં થઈ છે. ‘સર્વ કંઈ ઈશાવાસ્ય છે’, ‘તું તે પરમતત્વ છે’ વગેરે વિધાનોમાં જીવ અને બ્રહ્મનાં ઐક્યનો ઉપનિષદોએ નિર્દેશ કર્યો અને યાજ્ઞવલ્ક્યે आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्य: એમ કહી શ્રવણ, મનન અને નિદિધ્યાસનના જ્ઞાનમાર્ગનો ઉપદેશ કર્યો છે.

ભગવદગીતા તો બ્રહ્મવિદ્યાનું યોગશાસ્ત્ર છે. કર્મકાંડ અને ભક્તિના માર્ગો કરતાં જ્ઞાનમાર્ગને ગીતાએ વધારે સારો કહ્યો છે. સર્વત્ર સમદર્શી થઈ નિષ્કામભાવે અને અનાસક્તભાવે કર્મો કરતાં જઈ પરમાત્મારૂપ ઉત્તમ પુરુષને શરણે જઈ તેને પ્રાપ્ત કરવો એવો ભક્તિનિષ્ઠ જ્ઞાનમાર્ગ ગીતાએ ઉપદેશ્યો છે.

દર્શનકાળમાં જ્ઞાનમાર્ગના પ્રતિપાદકોમાં શંકરાચાર્યનું સ્થાન મોખરે છે. શંકરાચાર્ય પૂર્વે તેમના પરમગુરુ ગૌડપાદાચાર્યે આ માર્ગ સ્પષ્ટ કર્યો છે. શંકરે તેને ર્દઢ કર્યો છે. શંકરના મતે વૈદિક કર્મકાંડ અને જ્ઞાનકાંડ એ બેમાં જ્ઞાનકાંડ મુખ્ય છે. બ્રહ્મસાક્ષાત્કાર કે આત્મસાક્ષાત્કારનો તે મુખ્ય માર્ગ છે. બ્રહ્મસાક્ષાત્કાર એ મનુષ્યનું પરમ ધ્યેય છે અને જ્ઞાનના માર્ગે જ એ ધ્યેય પ્રાપ્ત થાય છે. બ્રહ્મસાક્ષાત્કાર સ્વસંવેદ્ય છે. અન્ય દ્વારા તેની સંવેદના ન થઈ શકે. પણ આ સંવેદનાનો માર્ગ ઘણો દુ:સાધ્ય છે. તેથી તેના માર્ગદર્શન સારુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનો આશ્રય તો લેવો જ પડે; પણ તે પૂર્વે મુમુક્ષુ સાધકે આ માર્ગે જવા માટે અપેક્ષિત કેટલીક યોગ્યતાઓ સ્વયં પ્રાપ્ત કરી લેવી જોઈએ. એવી યોગ્યતાવાળો સાધક જ જ્ઞાનમાર્ગનો અધિકારી થઈ શકે. આ યોગ્યતાઓ સાધનચતુષ્ટય તરીકે જાણીતી છે. તે છે : (1) नित्यानित्यवस्तुविवेक –  માત્ર બ્રહ્મ પદાર્થ જ અવિનાશી નિત્ય છે અને શરીર તથા તેની સાથે સંકળાયેલ ઇહલોકનાં લાભ-હાનિ આદિ ફળ વિનાશશીલ છે એ પ્રકારની પ્રતીતિમાંથી ઊપજતી સમજણ. જોકે બ્રહ્મની નિત્યતાના જ્ઞાન પછી જ ઇતર પદાર્થોની અનિત્યતાનો યથાર્થ અનુભવ થાય; છતાં લોક અને શાસ્ત્રની અવેક્ષાથી સામાન્ય નિત્યાનિત્યતાનું જ્ઞાન થાય. આવા જ્ઞાનને આધારે જ વિરાગ જન્મે અને સાધનષટ્ક માટે અપેક્ષિત મનોબળ તથા મોક્ષેચ્છા થાય. એ રીતે આ વિવેક પ્રથમ પગથિયું છે. (2) इहामुत्रार्थफ्लभोगविराग । – આ જીવનમાં સુખપ્રાપ્તિ અને અનિષ્ટનિવૃત્તિ સારુ કરેલાં કર્મો, તેમજ પરલોકના સુખ સારુ કરેલાં યજ્ઞ, વ્રત, તપ આદિ કર્મોનાં ફળ ભોગવવાની વૃત્તિ તરફ રુચિનો અભાવ, વિરાગ. (3) शमदमादिसाधनसंपत् –  વિવેક અને વૈરાગ્યને ર્દઢ કરવા માટે ઉપયોગી શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા એ છ સાધનોની પ્રાપ્તિ; (i) શમ એટલે વિષયેચ્છાઓમાંથી મનની નિવૃત્તિ અને પરમતત્વના સ્વરૂપ પ્રત્યે એકાગ્રતા. (ii) દમ એટલે વિષયો તરફ જતી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. (iii) ઉપરતિ એટલે વિષયેચ્છારહિત એવા મનની શાન્ત અવસ્થા. (iv) તિતિક્ષા એટલે સહનશીલતા : ટાઢ, તડકો, વાત, વૃષ્ટિ, સુખ, દુ:ખ આદિ પ્રકૃતિનાં દ્વન્દ્વોને સહી લેવાની ક્ષમતા. (v) સમાધાન એટલે પરમતત્વના સ્વરૂપમાં ચિત્તવૃત્તિનું અનુસંધાન, યોગ. (vi) શ્રદ્ધા – ગુરુ અને શાસ્ત્રનાં વચનોમાં અટલ વિશ્વાસ. આ છ સાધનોરૂપ સંપત્તિ પ્રાપ્ત કરનાર સાધક મોક્ષ માટે યોગ્ય થાય. (4) मुमुक्षुत्व – મોક્ષપ્રાપ્તિની અપ્રતિરોધ્ય તીવ્ર ઝંખનાનો ઉદય. વસ્તુત: મુમુક્ષુત્વ હોય તો જ વિવેક, વિરાગ, ષટ્સાધન – એ સાધનો ઉપયુક્ત બને.

શંકરાચાર્યના મતે, જ્ઞાનકાંડમાં આવતાં આત્માને લગતાં વિધાનો એ આવી યોગ્યતા ધરાવનાર એટલે કે નૈતિક શુદ્ધિ, બૌદ્ધિક સજ્જતા તેમજ આધ્યાત્મિક પ્રેરણા ધરાવનાર અધિકારી સાધકને ઉદ્દેશીને કહેલાં છે. એ રીતે અધિકાર પ્રાપ્ત કર્યા બાદ મુમુક્ષુએ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની મદદથી तत् त्वमसि અને अहं ब्रह्मास्मि જેવાં જ્ઞાનમાર્ગનાં મહાવાક્યોનું શ્રવણ અને તેમનું મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. વેદાન્તના આવા અધ્યયન દરમિયાન ગુરુ યોગ્ય સમયે શિષ્યને तत् त्वमसि(તે તું છે, અર્થાત્ તું બ્રહ્મ છે.)નો ઉપદેશ આપે છે, જેના પર મનન નિદિધ્યાસન કરી શિષ્ય તેને अहं ब्रह्मास्मि(હું બ્રહ્મ છું.)માં પરિણત કરે છે. આ સત્યનું ધ્યાન કરતાં કરતાં, આખરે શિષ્યને બ્રહ્મસાક્ષાત્કાર થાય છે, જેમાં ‘હું બ્રહ્મ છું’ એવી વૃત્તિનો પણ નાશ થઈ જાય છે. જેવી રીતે સળગતું લાકડું આખા જંગલને બાળ્યા પછી પોતે પણ પૂર્ણપણે બળી જાય છે તેવી રીતે, ‘હું બ્રહ્મ છું’ એ વૃત્તિ અન્ય વૃત્તિઓનો નાશ કરી આખરે પોતે પણ નાશ પામે છે. ગૌડપાદે તેનું અલાત શાન્તિ પ્રકરણમાં નિરૂપણ કર્યું છે. આમ, પોતાના દેહ અને મન સાથે જોડાયેલા ‘હું’પણાના ભાવનું બ્રહ્મભાવમાં સંપૂર્ણપણે વિલીનીકરણ થાય છે અને મુમુક્ષુ બ્રહ્મસ્વરૂપનો અવર્ણનીય અનુભવ કરી, પોતાના જ સાચા સ્વરૂપ અંગેની અવિદ્યાથી સંપૂર્ણ મુક્તિ મેળવે છે.

પોતાના સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપની જેને આ રીતની એક વાર અનુભૂતિ થાય તેને તેની વિસ્મૃતિ ક્યારેય થતી નથી. તેથી, શંકરાચાર્ય કહે છે કે બ્રહ્મસાક્ષાત્કાર થતાં જ્ઞાનમાર્ગનો સાધક સાધક મટી જીવન્મુક્તની સિદ્ધદશાને પામે છે. જીવન્મુક્ત નિજાનંદમાં નિત્યતૃપ્ત રહેતો હોઈ, તેને પોતાના સ્વાર્થ માટેનાં કે અન્ય શાસ્ત્રવિહિત કર્મો કરવાની કશી પ્રવૃત્તિ કરવાની રહેતી જ નથી. આમ છતાં, શ્રીમદ્ ભગવદગીતામાં શ્રીકૃષ્ણે બતાવેલા આદર્શ મુજબનાં કર્મો કરીને તે જીવમાત્રના હિતમાં રત રહે છે. सर्वभूतहिते रता: (ગીતા, 12, 4).

પોતાના દેહથી ભિન્ન એવા પોતાના સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપ આત્માનું અને તેના પરમાત્મા સાથેના સંબંધનું સાક્ષાત્કાર વડે મેળવેલું જ્ઞાન એ કેવળ જ્ઞાનમાર્ગની જ નહિ, પણ ભક્તિમાર્ગ અને કર્મમાર્ગની તેમજ દરેક પ્રકારની યોગસાધનાની પણ આધારભૂમિ છે. વૈદિક ધર્મ અને તત્વજ્ઞાનની એ મૂળભૂત માન્યતા છે કે આત્મા-પરમાત્માના સાચા સ્વરૂપનું અજ્ઞાન એ જ બંધનનું કારણ છે અને તેથી, તે તેમના સાચા સ્વરૂપના સાક્ષાત્કારરૂપ જ્ઞાન સિવાય મુક્તિ શક્ય નથી : ‘ऋते ज्ञानान्न मुक्तिः ।’ –  આત્મા પરમાત્માના સાક્ષાત્કારરૂપ જ્ઞાનને અનુલક્ષીને ગીતાકાર કહે છે કે જ્ઞાનરૂપી અગ્નિ બધાં કર્મોને તદ્દન ભસ્મરૂપ કરી નાખે છે : ज्ञानाग्नि: सर्वकमाणि भस्मसात् कुरुते तथा (गीता, 4, 37).

શંકરાચાર્યની જેમ પોતાના અને ઈશ્વરના તાત્વિક સ્વરૂપ અંગેના ચિંતન દ્વારા પોતાના તેમજ ઈશ્વરના પરમ આનંદદાયક સ્વરૂપના અપરોક્ષ અનુભવ સુધી લઈ જનારી જ્ઞાનમાર્ગી સાધનાની હિમાયત યહૂદી ચિંતક બરૂચ સ્પિનોઝા(1632થી 1677)એ પણ કરેલી છે.

મોક્ષ એટલે આવેશના બંધનમાંથી મુક્તિ અને અસ્પષ્ટ અને ખોટા વિચારોમાંથી મુક્તિ. આવેશો અને અસ્પષ્ટ કે ખોટા વિચારો માણસ અને ઈશ્વરના સાચા સ્વરૂપ અંગેના અજ્ઞાનને આભારી છે. મોક્ષરૂપી પરમ ધન્યતાનો આનંદ આત્મા-પરમાત્માના યથાર્થ જ્ઞાન વડે જ શક્ય બને છે. આ યથાર્થ જ્ઞાન ઇન્દ્રિયગમ્ય તો નથી જ, પણ બુદ્ધિગમ્ય પણ નથી; અર્થાત્, અંતર્દર્શન દ્વારા થયેલી અપરોક્ષ અનુભૂતિરૂપ છે. એ મુદ્દાની સ્પષ્ટતા કરતાં સ્પિનોઝા જણાવે છે કે તર્કપ્રધાન બુદ્ધિની શક્તિ દ્વારા આપણને ઇન્દ્રિયજન્ય જ્ઞાન દ્વારા મળેલા સામાન્ય અભિપ્રાયોની, અસત્યતાની પ્રતીતિ થાય છે અને એ રીતે આપણે અસત્ય અભિપ્રાયોને છોડીને સુયોગ્ય વિચારોની કક્ષાએ પહોંચીએ છીએ. પણ આ કક્ષા કરતાંયે વધારે ઉચ્ચ પ્રકારની જ્ઞાનની કક્ષા છે. બુદ્ધિતત્વ એ કેવળ અમુક કાળની મર્યાદામાં રહીને કાર્ય કરતી આપણી વ્યક્તિગત બુદ્ધિરૂપ જ નથી. એટલે કે બુદ્ધિતત્વ તો શાશ્વત છે અને તમામ મર્યાદાઓ કે નિયંત્રણોથી મુક્ત એવી ઈશ્વરની બુદ્ધિના અંશરૂપ પણ છે. આથી, પરિશ્રમપૂર્વક કરવામાં આવેલી બૌદ્ધિક પ્રક્રિયા દ્વારા આપણે જે સત્યો પ્રાપ્ત કરીએ છીએ તે સત્યો બીજી રીતે પણ મેળવી શકાય છે. એટલે કે, અંતર્દર્શનના તત્કાલીન અનુભવાતા પ્રકાશ રૂપે પણ આ સત્યો પામી શકાય છે. આ અંતર્દર્શનમાં આપણને એવી પ્રત્યક્ષ પ્રતીતિ થાય છે કે ઈશ્વર કે જે એકમાત્ર સત્યતત્વ છે તેમાંથી જ આ સત્યો નિષ્પન્ન થાય છે. આ ત્રીજા પ્રકારના જ્ઞાનમાંથી સર્વોચ્ચ અને અધિકતમ માનસિક સંતોષની સ્થિતિ ઉદભવે છે. માણસની પાસે આ પ્રકારનું જ્ઞાન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ તેની પોતાના સ્વરૂપ અંગેની તેમજ ઈશ્વરના સ્વરૂપ અંગેની ચેતના વધારે ને વધારે સ્પષ્ટ બનતી જાય છે અને તે પોતે વધારે ને વધારે પૂર્ણતા અને ધન્યતાને પામતો જાય છે. વળી, જ્ઞાન અંગે સ્પિનોઝા કહે છે કે ‘‘આ ત્રીજા પ્રકારના જ્ઞાનમાંથી ઈશ્વર પ્રત્યેના સમજણપૂર્વકના પ્રેમનો અનિવાર્યપણે ઉદભવ થાય છે. એટલે કે, ઈશ્વર અંતિમ કારણરૂપ છે એ વિચારની સાથે સંકળાયેલા સુખનો પણ આ પ્રકારના જ્ઞાનમાંથી ઉદભવ થાય છે. આમ, આ પ્રકારના જ્ઞાનને કારણે ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ ઉદભવે છે તેમાં ઈશ્વરને કેવળ એક વર્તમાન તત્વ તરીકે જ સ્વીકારવામાં આવતો નથી; પરંતુ એક શાશ્વત તત્વ તરીકેના ઈશ્વરના સ્વરૂપનો સ્વીકાર કરવામાં આવે છે.

ગીતાનું હાર્દ એમ જ કહે છે કે સંનિષ્ઠ કર્મમાર્ગી કે આત્મનિવેદન કરનાર ભક્ત પણ જ્ઞેય પરમતત્વના મૂળભૂત જ્ઞાન વિના સાચા કર્મનિષ્ઠ કે પરમતત્ત્વમાં રત ભક્ત થઈ શકતા નથી.

દ્યુતિ યાજ્ઞિક