જી. એસ. શિવરુદ્રપ્પા (જ. 1926, શિમોગા, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. સાહિત્યિક વિવેચનાના તેમના ગ્રંથ ‘કાવ્યાર્થચિંતન’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ હતી. મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે 1953માં એમ.એ. અને 1960માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. એ જ યુનિવર્સિટીમાં તેમણે કન્નડ ભાષાના અધ્યાપક તરીકે 1963 સુધી કામગીરી બજાવી. ત્યારબાદ 1963થી 1965 સુધી ઓસમાનિયા યુનિવર્સિટીમાં ક્ન્નડના રીડર તથા વિભાગાધ્યક્ષ તરીકે કામગીરી અદા કરી. તે પછી તેઓ બૅંગલોર યુનિવર્સિટીમાં ગયા અને ત્યાં પ્રથમ કન્નડ ભાષાના પ્રાધ્યાપક તેમજ વિભાગાધ્યક્ષપદે રહ્યા. 1971થી તેમણે સેન્ટર ઑવ્ કન્નડ સ્ટડીઝના નિયામક તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો.
આ વિદ્વાન કવિ અને વિવેચકે 10 કાવ્યસંગ્રહો, 10 વિવેચનસંગ્રહો, એક જીવનકથા તથા એક પ્રવાસકથા પ્રગટ કર્યાં છે. તેમને મળેલાં અનેક સન્માનો અને પુરસ્કારોમાં રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર (1982) તથા કર્ણાટક રાજ્યોત્સવ ઍવૉર્ડ(1984)નો સમાવેશ થાય છે.
‘કાવ્યાર્થચિંતન’માં સાહિત્યિક વિવેચનાના સિદ્ધાંતોની છણાવટ છે. સરળ, સુશ્લિષ્ટ તથા સુસંબદ્ધ રજૂઆતરીતિ તેમજ તુલનાત્મક કાવ્યશાસ્ત્રનો વિવેકપુર:સરનો વિનિયોગ જેવી વિશેષતાઓને કારણે કન્નડ સાહિત્યમાં તે ઉલ્લેખનીય ગ્રંથ છે.
મહેશ ચોકસી