જીઓક, વિલિયમ ફ્રાંસિસ

January, 2012

જીઓક, વિલિયમ ફ્રાંસિસ (જ. 12 મે 1895, નાયગરા ફૉલ્સ, કૅનેડા; અ. 28 માર્ચ 1982, બર્કલી, યુ.એસ.) : નીચાં તાપમાનો કેળવવાની તકનીકના અગ્રણી અને 1949ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અમેરિકન રસાયણવિદ. મિશિગનની પબ્લિક ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ જીઓકે નાયગરા ફૉલ્સ કૉલેજિયેટ ઇન્સ્ટિટ્યૂટમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. તેમની ઇચ્છા ઇલેક્ટ્રિકલ ઇજનેર થવાની હતી પણ પાવર-પ્લાન્ટમાં નોકરી ન મળવાથી તથા નબળી આર્થિક પરિસ્થિતિના કારણે તેમણે હૂકર (Hooker) ઇલેક્ટ્રૉકેમિકલ કંપની (નાયગરા ફૉલ્સ, કૅનેડા)ની પ્રયોગશાળામાં કામગીરી સ્વીકારી. ત્યાં બે વર્ષ કાર્ય કરવા દરમિયાન તેમણે રાસાયણિક ઇજનેર બનવાનું નક્કી કર્યું અને યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયાની કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રીમાં દાખલ થયા. 1920માં તેમણે ઉચ્ચ ગુણવત્તા સાથે બી.એસસી.ની તથા 1922માં રસાયણશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષે તેઓ યુનિવર્સિટીમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે જોડાયા અને પછીથી રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. 1962માં તેઓ માનાર્હ પ્રાધ્યાપક બન્યા અને 1981 સુધી ત્યાં જ રહ્યા.

1926માં તેમણે 1K (-272.15° સે.)થી નીચાં તાપમાનો મેળવવા માટેની સમોષ્મી (adiabatic) વિચુંબકન તરીકે ઓળખાતી પદ્ધતિ સૂચવી. અનુચુંબકીય (paramagnetic) ક્ષારો ઉપર નીચાં તાપમાનોએ અત્યંત પ્રબળ ચુંબકીય ક્ષેત્ર પ્રયુક્ત કરવાથી ક્ષારમાંનાં આયનો હારબદ્ધ રીતે ગોઠવાઈ જાય છે. તે પછી ચુંબકીય ક્ષેત્ર બંધ કરી દેતાં આયનો પાછાં યાર્દચ્છિક રીતે ગોઠવાઈ જતાં તેમની એન્ટ્રૉપી(entropy)માં વધારો થાય છે. આ માટેની ઊર્જા તેઓ પોતાનામાંથી મેળવી લે છે અને તાપમાનમાં ઘટાડો થાય છે. જીઓક અને તેમના વિદ્યાર્થી મૅકડૂગલે ગેડોલિનિયમ સલ્ફેટ ઑક્ટાહાઇડ્રેટ વાપરી 19 માર્ચ, 1933ના રોજ આ પદ્ધતિનો પ્રથમ સફળ પ્રયોગ કરી 0.53K જેટલું નીચું અને તે પછી 0.1 K જેટલું નીચું તાપમાન મેળવ્યું હતું.

જીઓકે નિરપેક્ષ શૂન્ય (0 K) આસપાસ ઘણા પદાર્થોની એન્ટ્રૉપીનાં મૂલ્યો ચોકસાઈપૂર્વક નક્કી કરી ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ પુરવાર કર્યો. આ નિયમ કુદરતનો એક મૂળભૂત નિયમ છે અને તે મુજબ નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રૉપી શૂન્ય હોય છે. તેમના સંશોધન દ્વારા ક્વૉન્ટમ સ્ટેટિસ્ટિક્સ માટેનો ર્દઢ પાયો નંખાયો તેમ જ ત્રીજા નિયમના દેખીતા અપવાદો પણ સમજી શકાયા.

એન્ટ્રૉપી અંગેના સંશોધન દરમિયાન 1929માં જીઓકે હેરિક જૉહનસ્ટન (Herick Johnston) સાથે રહીને શોધ કરી કે વાતાવરણમાંનો ઑક્સિજન 16 ઉપરાંત 17 અને 18 પારમાણ્વિક દળ ધરાવતા બે સમસ્થાનિકો (17O અને 18O) પણ ધરાવે છે. આ શોધ અગત્યની હતી કારણ કે તત્વોના પરમાણુભાર 16O પર આધારિત હતાં. આ ઉપરાંત હાઇડ્રોજનના ઑર્થો અને પેરા-સ્વરૂપો પણ તેમણે શોધ્યાં હતાં.

આમ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં, ખાસ કરીને અત્યંત નીચાં તાપમાનોએ દ્રવ્યના ગુણધર્મો અંગેના તેમના સંશોધન બદલ જીઓકને 1949ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેમણે 75 જેટલાં સંશોધનપત્રો પ્રસિદ્ધ કર્યાં છે. તેમને કોલંબિયા યુનિવર્સિટીનો ચેન્ડલર (Chendler) ચંદ્રક, ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટનો ઇલિયટ ક્રેઝન (Elliot Cresson) ચંદ્રક, વિલાર્ડ ગિબ્સ ચંદ્રક (1951) તથા ગિલ્બર્ટ ન્યૂટન લેવિસ (Gilbert Newton Lewis) ચંદ્રક (1956)  પ્રાપ્ત થયેલા છે. કોલંબિયા તથા કૅલિફૉર્નિયા યુનિવર્સિટીઓ તરફથી તેમને માનાર્હ પદવીઓથી નવાજવામાં આવ્યા હતા. તેઓ અમેરિકન ફિઝિકલ સોસાયટી તથા અમેરિકન એકૅડેમી ઑવ્ આટર્સ ઍન્ડ સાયન્સીઝના પણ ફેલો હતા.

1932માં તેમણે લગ્ન કર્યાં હતાં. લગ્નથી તેમને બે પુત્રો પ્રાપ્ત થયા હતા.

જ. દા. તલાટી