જીઆર્ડિયાનો રોગ (giardiasis)

જીઆર્ડિયાનો રોગ (giardiasis) : વારંવાર ઝાડા અને પેટમાં તકલીફ કરતો તંતુમય (flagellate) જીઆર્ડિયા ઇન્ટેસ્ટિનાસિસ અથવા જીઆર્ડિયા લેમ્બિયા નામના તંતુમય પ્રજીવ(protozoa)થી થતો નાના આંતરડાનો રોગ. વિશ્વમાં બધે જ થાય છે અને ઉષ્ણકટિબંધ(tropics)માં વધુ જોવા મળે છે. તે સામાન્ય રીતે બાળકોમાં, મુસાફરોમાં અને માનસિક રોગોની હૉસ્પિટલના દર્દીઓમાં વધુ જોવા મળે છે. આ પ્રજીવનાં બે રૂપ જોવા મળે છે : (1) કોષ્ઠીય રૂપ (cystic form) અને (2) તંતુમય રૂપ (flagellate form). મળમાંથી પસાર થઈને બહાર નીકળતા કોષ્ઠ (cyst) પાણીમાં 3 મહિના જીવે છે અને તે પ્રદૂષિત પાણી કે ખોરાકથી બીજી વ્યક્તિને ચેપ કરે છે. તેને મળ-મુખ-માર્ગી (faeco-oral route) ચેપ કહે છે. વ્યક્તિગત સફાઈ તથા મળનો યોગ્ય નિકાલ તેનો ફેલાવો અટકાવે છે. પ્રજીવ તેના તંતુ વડે દર્દીના નાના આંતરડાના શરૂઆતના પક્વાશય (duodenum) નામના ભાગ તથા અગ્રાંત (jejunums) નામના ભાગની અંદરની દીવાલ સાથે ચોંટીને રહે છે અને ત્યાં શોથ (inflammation) અને આંત્રાંકુરો(villi)ની અપૂર્ણ ક્ષીણતા (atrophy) લાવે છે.

લક્ષણો અને નિદાન : ચેપ લાગ્યા પછી 1થી 3 દિવસે તકલીફો જોવા મળે છે. પેટમાં તકલીફ સાથે વારંવાર મળત્યાગની પ્રવૃત્તિ થાય છે. મળત્યાગમાં ઉતાવળ થાય છે અને વાયુ સાથે જોરથી ઢીલો ફીકો પ્રવાહી મળ બહાર નીકળે છે. દર્દીને અજીર્ણ, અરુચિ થાય છે. પચેલો ખોરાક લોહીમાં ભળતો નથી. તેને કુશોષણ (malabsorption) કહે છે. થાક, પેટમાં વાયુ, પેટ ફૂલવું, પેટના ઉપલા ભાગમાં દુખાવો, ઊબકા તથા ઊલટી થાય છે. મોટા ભાગની વ્યક્તિમાં તે ટૂંકા સમયનો વિકાર હોય છે પરંતુ કેટલાકમાં કુશોષણનો વિકાર લાંબો ચાલે તો સંગ્રહણી(sprue)નો વિકાર થયો હોય તેવી સ્થિતિ થાય છે. પ્રજીવને મળમાં કોષ્ઠીય રૂપે કે અગ્રાંત્રના પ્રવાહીમાં તંતુમય રૂપે દર્શાવીને નિદાન કરાય છે. જોકે તે માટે વારંવાર તપાસ કરવી પડે છે.

સારવાર : ટિનિડેઝોલને વધુ માત્રામાં આપવાથી અથવા મેટ્રોનિડેઝોલને 3થી 14 દિવસ માટે આપવાથી આ રોગ મટે છે. ટિનિડેઝોલ વધુ અસરકારક ગણાય છે. ટિનિડેઝોલને ફરી એક અઠવાડિયા પછી અપાય છે. ક્વિનાક્રિન નામની દવા પણ ઉપયોગી ગણાય છે.

શિલીન નં. શુક્લ