જાબાલિપુર (જાલોર)

January, 2012

જાબાલિપુર (જાલોર) : રાજસ્થાનમાં જોધપુરથી લગભગ 120 કિમી. દક્ષિણે આવેલું જાલોર જિલ્લાનું વડું મથક. શક વર્ષ 700 (ઈ. સ. 778)માં ઉદ્યોતનસૂરિએ જાબાલિપુરમાં ‘કુવલયમાલા’ રચી ત્યારે ત્યાં પ્રતીહાર રાજા વત્સરાજનું શાસન પ્રવર્તતું હતું. 10મી સદીમાં ત્યાં માળવાના પરમાર વંશની સત્તા સ્થપાઈ હતી. પરમાર રાજાઓએ બંધાવેલો ટેકરા પર આવેલો જાલોરનો ગઢ 720 x 360 મી.નો વિસ્તાર ધરાવે છે. 12મી સદીમાં નાડોલના ચાહમાન રાજા કીર્તિપાલે પરમારો પાસેથી જાબાલિપુર જીતી લીધું ને ત્યાં પોતાની અલગ શાખા સ્થાપી. ત્યાં ચાહમાનોએ સોએક વર્ષ રાજ્ય કર્યું. 13મી સદીના આરંભમાં શમ્સુદ્દીન અલ્તમશે જાલોર જીતેલું, એ પછી સોએક વર્ષે અલાઉદ્દીન ખલજીએ જાલોરના રાજા કાન્હડદેવને મારી જાલોર કબજે કર્યું. ત્યાં મસ્જિદ બંધાવી. 16મી સદીથી જોધપુરના રાજાઓએ જાલોરના કિલ્લા તથા પ્રદેશ પર પોતાનું શાસન પ્રવર્તાવેલું.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી