જાબિર હુસેન (જ. 1945, રાજગીર, નાલંદા, બિહાર) : ઉર્દૂ લેખક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘રેત પર ખેમા’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેઓ પટણાની મગધ યુનિવર્સિટીની કૉમર્સ કૉલેજમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યના આચાર્ય રહ્યા. 1974માં તેઓ રાજકારણમાં સક્રિય બન્યા. હાલ તેઓ બિહાર વિધાનસભાના અધ્યક્ષ છે. તેઓ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે લગાતાર સક્રિય છે. તેમણે હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષાઓમાં સર્જનાત્મક લેખનકાર્ય કર્યું છે.

જાબિર હુસેન

ઉર્દૂ અને હિંદી ભાષામાં તેમણે 16 ગ્રંથો આપ્યા છે. 40 દુર્લભ પાંડુલિપિઓની શોધ, તેમના સંપાદન અને પ્રકાશનમાં તેઓ સક્રિય રીતે સંકળાયેલા છે. બિહાર વિધાનસભાનું મુખપત્ર ‘દસ્તાવેજ’ (ઉર્દૂ) તથા ‘સાક્ષ્ય’(હિંદી)ના સંપાદન સાથે પણ તેઓ સંકળાયેલા છે. ‘સફેદ પંખોવાલી કાયા’, ‘બિહાર કી પસ્માંદા મુસ્લિમ આબાદિયાઁ’, ‘રેત પર ખેમા’, ‘બે-અમન’ (ઉર્દૂ); ‘દો ચહેરોંવાલી એક નદી’, ‘જો આગે હૈં’, ‘ડોલા બીબી કા મઝાર’, ‘રેત રેત લહૂ’ (હિંદી) તેમના મુખ્ય ગ્રંથો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘રેત પર ખેમા’ નામક વાર્તાસંગ્રહ સર્જનાત્મક ગદ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમની એ સર્જનાત્મક વાર્તાઓ સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયા સમજવાના પ્રયાસ રૂપે અત્યંત રોચક રીતે નિરૂપાઈ હોવાથી ઉર્દૂમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં એક મહત્વનું પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા