જાફરી, અલી સરદાર

January, 2012

જાફરી, અલી સરદાર (જ. 29 નવેમ્બર 1913, બલરામપુર, જિ. ગોંડા, ઉત્તરપ્રદેશ; અ. 1 ઑગસ્ટ 2000) : ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ લેખક. બલરામપુર અને અલીગઢમાં પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ લીધા બાદ કૌટુંબિક નામને કારણે સાહિત્યિક વર્તુળોમાં સરદાર જાફરી નામે જાણીતા થયા. સરદાર જાફરી તેમનું ઉપનામ છે.

તેઓ દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ ઉચ્ચ શિક્ષણ માટે લખનૌ યુનિવર્સિટીમાં જોડાયા. દરમિયાન માર્ક્સની વિચારસરણી તરફ આકર્ષાયા. 1936માં અંગ્રેજી શાસન વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ યુનિવર્સિટી છોડવી પડી. અનુસ્નાતક અભ્યાસ લખનૌ યુનિવર્સિટીમાં પૂરો કર્યો. પણ, બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે યુદ્ધવિરોધી કવિતા કર્યા બદલ અટકાયત થવાથી પરીક્ષા આપી શક્યા નહિ. વતન બલરામપુરમાં નજરકેદ કરાયા. દરમિયાન પ્રગતિશીલ વિચારધારાવાળા પ્રાદેશિક ભાષાના લેખકો સાથે તેમનો સંપર્ક વધ્યો. 1936માં પ્રગતિશીલ લેખક સંઘ સ્થપાયો. 1938માં તેની કૉલકાતા પરિષદ વખતે સરદાર જાફરી તેમાં જોડાયા. અખ્તર હુસેન, રાયપરી, મુલ્કરાજ આનંદ, ખ્વાજા અહમદ અબ્બાસ જેવાની પ્રેરણાથી તેમણે પૂંજીવાદ, શોષણવાદ તથા સામ્રાજ્યવાદ વિરોધી કવિતાઓ લખવા માંડી. તેમની શક્તિ તેમાં ખીલી ઊઠી. વર્તમાન જીવનની સમસ્યાઓમાં સપડાયેલા સામાન્ય માનવીની પીડાને તેમણે વાચા આપી. તેમણે ગદ્ય પણ લખ્યું. લાલ કિલ્લા, સાબરમતી હરિજન આશ્રમ, નહેરુના નિવાસસ્થાન તીનમૂર્તિ ભવન આદિના ધ્વનિ-પ્રકાશ કાર્યક્રમોનું આલેખન કર્યું. ‘સંત કબીર’, ‘મહંમદ ઇકબાલ’ અને ‘હિન્દુસ્તાન હમારા’ એ દસ્તાવેજી ચિત્રો તથા ‘કહકશાં’ નામે ટીવી શ્રેણી તેમણે તૈયાર કર્યાં. ‘નયા અદબ’ નામે પત્રિકાનું સંપાદન કર્યું.

અલી સરદાર જાફરી તેમનાં લખાણો તથા તેમાં વ્યક્ત થતા ક્રાંતિપ્રેરક વિચારો માટે અમુક વર્ગમાં ભારે ચાહના પામ્યા. વિવિધ ઉર્દૂ અકાદમીઓના પુરસ્કારો ઉપરાંત તેમને અર્પણ થયેલા નોંધપાત્ર પુરસ્કારોમાં સોવિયેત દેશ –નેહરુ પારિતોષિક, નેહરુ ફેલોશિપ, પદ્મશ્રી (1967), ડી.લિટ્. માનાર્હ ઉપાધિ (અલીગઢ યુનિવર્સિટી) આદિનો સમાવેશ થાય છે. ‘ગુફતગૂ’ નામના સામયિકનું સંપાદન કર્યું છે. સાહિત્યિક આદિ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા.

તેમના કાવ્યસંગ્રહો છે – ‘પરવાઝ’, ‘કિસકા ખૂન હૈ’ (1943), ‘પ્યાર નાટકો’ (1944), ‘નઈ દુનિયા કો સલામ’, ‘ખૂન કી લકીર’ (1948), ‘અમન કા સિતારા’ (1950), ‘એશિયા જાગ ઉઠા’ (1952), ‘પથ્થર કી દીવાર’ (1953), ‘એક ખ્વાબ ઔર’ (1965), ‘પેરાહને શરર’ (1966), ‘લહૂ પુકારતા હૈ’ (1980). ‘મંઝીલ’, ‘લખનઉ કી પાંચ રાતેં’, ‘ઇકબાલ શનાસી’ તેમનાં ગદ્યનાં પુસ્તકો છે. ‘દીવાને ગાલિબ’, ‘દીવાને મીર’, ‘કબીરબાની’, ‘પ્રેમબાની’ (મીરાંનાં ગીતો) તેમનાં સંપાદિત પુસ્તકો છે. તેમનાં કેટલાંક કાવ્યો ભારતની ભાષાઓ, અરબી, સોવિયેત સંઘની ભાષાઓ, અંગ્રેજી તથા ફ્રેંચમાં ભાષાંતર કરાયેલાં છે.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા