જર્મની

ભૂગોળ

મધ્ય યુરોપમાં આવેલો, યુરોપમાં રશિયા પછી સૌથી વધારે વસ્તીવાળો અને કુદરતી સંપત્તિ ધરાવતો સમૃદ્ધ ઔદ્યોગિક દેશ. ભૌગોલિક સ્થાન આશરે 47° 30’થી 55° ઉ. અ. અને 6° 15° પૂ. રે.ની વચ્ચેનો વિસ્તાર. જર્મનીનો કુલ વિસ્તાર 3,57,093 ચોકિમી. છે. તેની સરહદો 9 દેશો સાથે જોડાયેલી છે. પશ્ચિમે નેધરલૅન્ડઝ્, બેલ્જિયમ, લક્ઝમબર્ગ; પશ્ચિમે અને નૈર્ઋત્યે ફ્રાંસ; દક્ષિણે સ્વિટ્ઝર્લૅન્ડ, ઑસ્ટ્રિયા; પૂર્વે ચેક પ્રજાસત્તાક, પોલૅન્ડ અને ઉત્તરે ડેન્માર્ક આવેલાં છે. જર્મનીની રાજધાની બર્લિન છે.

પ્રાકૃતિક રચના : પ્રાકૃતિક વિવિધતાની ર્દષ્ટિએ જર્મનીને મુખ્ય પાંચ ભૂમિવિભાગમાં વિભાજી શકાય : (i) ઉત્તર જર્મનીનો મેદાની પ્રદેશ; (ii) મધ્યનો ઉચ્ચ પ્રદેશ; (iii) દક્ષિણ જર્મનીનો ટેકરીઓવાળો પ્રદેશ; (iv) બ્લૅક ફૉરેસ્ટનો વિસ્તાર; અને (v) ઑસ્ટ્રિયાની સરહદે આલ્પ્સ ગિરિમાળાની બવેરિયન ઉચ્ચ ભૂમિ (બવેરિયન આલ્પ્સની ઉચ્ચ ભૂમિ). આ ઉપરાંત રાઇન જેવી મોટી તથા એલ્બ અને બીજી નાની નદીઓ દ્વારા પણ કેટલાક ભૂમિવિભાગ રચાયા છે.

(i) ઉત્તર જર્મનીનો મેદાની પ્રદેશ : જર્મનીનો આ સૌથી મોટો વિસ્તાર છે. તે સપાટ અને નીચાણનો પ્રદેશ હોવાથી સમુદ્રની સપાટીથી સરેરાશ 90 મી.થી વધારે ઊંચો નથી. આ પ્રદેશમાંથી વહેતી નદીઓ ઉત્તર સમુદ્ર અથવા બાલ્ટિક સમુદ્રને મળે છે. જેમાં એલ્બ, એમ્સ (Ems), ઓડર, રાઇન અને વેઝર નદીઓનો સમાવેશ થાય છે. આ નદીઓનો ઉપયોગ વ્યાપારી જળમાર્ગો તરીકે કરવામાં આવે છે. મોટાં બંદરો અને ઔદ્યોગિક શહેરો આ જળમાર્ગો પર આવેલાં છે. જર્મનીના બે ટૂંકા દરિયાકિનારાનો વિસ્તાર ઉત્તર સમુદ્ર અને બાલ્ટિક સમુદ્ર સાથે જોડાયેલો છે.

આ વિસ્તારમાં પહોળી નદીઓની ખીણો તથા દરિયાકિનારા પાસેનો પ્રદેશ ફળદ્રૂપ છે; પરંતુ નદીઓની ખીણો વચ્ચે આવેલો પ્રદેશ રેતાળ અથવા જાડી કાંકરીવાળો છે. આ ખરાબાની જમીનનો પ્રદેશ હોવાથી ખેતી માટે બિનઉપયોગી છે. જોકે ઇમારતી લાકડાં માટે અહીં વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે. ઉત્તર જર્મન મેદાનની દક્ષિણ ધારે આવેલો પ્રદેશ ખૂબ ફળદ્રૂપ હોવાથી ખેતી માટે તે સમૃદ્ધ વિસ્તાર છે. બૉન અને કોલોન જેવાં જર્મનીનાં પ્રાચીન શહેરો આ વિસ્તારમાં આવેલાં છે.

(ii) મધ્યનો ઉચ્ચ પ્રદેશ : આ પ્રદેશ ઉચ્ચ પ્રદેશોની હારમાળાનો વિસ્તાર છે. જેમાં સપાટ વિસ્તારથી લઈને પર્વતીય વિસ્તાર આવેલા છે. આ પ્રદેશની ભૂમિ ખડકાળ છે. આ ઉચ્ચ પ્રદેશો સમુદ્રની સપાટીથી સરેરાશ 300થી 750મી.ની ઊંચાઈએ આવેલા છે. આ પ્રદેશની નદીઓએ ઊંડી કરાડ અને સાંકડી ખીણો બનાવી છે.

(iii) દક્ષિણ જર્મનીનો ટેકરીઓવાળો પ્રદેશ : ટેકરીઓની હારમાળાનો બનેલો આ પ્રદેશ દક્ષિણ-પશ્ચિમ જર્મનીથી ઉત્તર-પૂર્વ જર્મની સુધી ફેલાયેલો છે. ટેકરીઓની હારમાળા વચ્ચેનો નીચાણનો પ્રદેશ ફળદ્રુપ છે. આ નીચાણવાળા પ્રદેશો જર્મનીના ખેતી-ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. મોટા ભાગનો દક્ષિણ-જર્મનીનો ટેકરીવાળો વિસ્તાર 150થી 750 મી.ની ઊંચાઈવાળો છે. આ પ્રદેશમાંથી રાઇન નદી અને તેની બે શાખાઓ મેન અને નેકર વહે છે. તેના દક્ષિણ ભાગમાંથી ડાન્યૂબ વહે છે.

(iv) બ્લૅક ફૉરેસ્ટનો વિસ્તાર : આ વિસ્તાર પર્વતોવાળો છે. આ વિસ્તારમાં કાળાં ફર તથા તેના પ્રકારનાં સ્પ્રૂસ-શંકુ આકારનાં વૃક્ષોનાં ગાઢ જંગલો આવેલાં હોવાથી તેને બ્લૅક ફૉરેસ્ટ ‘કાળા જંગલ’ના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં ઊંડી સાંકડી ખીણો સહિત ગ્રૅનાઇટ કે સફેદ-લાલ રેતિયા પથ્થરવાળા ઉચ્ચ પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. આ ઉચ્ચ પ્રદેશોની ઊંચાઈ 750થી 900 મી.ની છે. બ્લૅક ફૉરેસ્ટના વિસ્તારમાં ખનિજયુક્ત પાણીના ઝરાઓ હોવાથી અહીં ઘણાં પ્રખ્યાત આરોગ્યધામો આવેલાં છે.

(v) બવેરિયન આલ્પ્સની ઉચ્ચ ભૂમિ : આ પ્રદેશ આલ્પ્સની પર્વતમાળાનો જ ભાગ છે. અહીં જર્મનીનું સૌથી ઊંચું શિખર ઝુગસ્પિટ્સ આવેલું છે. આ વિસ્તાર સૃષ્ટિસૌંદર્યથી ભરપૂર હોવાથી આખા વર્ષ દરમિયાન તે પ્રવાસીઓને આકર્ષે છે. બવેરિયાના આ ડુંગરાળ વિસ્તારમાં ઘણાં સરોવરો આવેલાં છે.

અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો એ રીતે જર્મનીની મુખ્ય નદીઓમાં પશ્ચિમે રાઇન નદી, દક્ષિણમાં ડાન્યૂબ, ઉત્તરે એલ્બ તથા વેઝર અને પૂર્વમાં ઓડર તેમજ નાઇસ નદી વહે છે.

આબોહવા : જર્મનીની આબોહવા વિષમ નથી. ઉનાળો આકરો હોતો નથી. ઉનાળામાં દિવસનું તાપમાન સરેરાશ 20° સે.ની આસપાસ હોય છે. શિયાળામાં તાપમાન એકંદરે શીત બિન્દુની આસપાસ હોય છે. બર્લિનમાં જાન્યુઆરીમાં તાપમાન –1° સે. અને મ્યૂનિકમાં –2° સે. જેટલું હોય છે. જુલાઈમાં રાઇન ખીણનો વિસ્તાર જર્મનીનો વધારે તાપમાનવાળો વિસ્તાર છે. અહીં સરેરાશ તાપમાન 18° સે. હોય છે.

વરસાદ : જર્મનીમાં વર્ષ દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં 500થી 1000 મિમી. જેટલો વરસાદ પડે છે. તેનું સ્વરૂપ વરસાદના છાંટા ઉપરાંત પીગળેલા બરફ તથા બીજા પ્રકારના ભેજવાળું છે. પર્વતીય વિસ્તારોમાં વધારે વરસાદ પડે છે. શિયાળા દરમિયાન કેટલાક પર્વતીય વિસ્તારો બરફથી ઢંકાયેલા રહે છે.

વનસ્પતિ : હજી પણ જર્મનીની ભૂમિનો લગભગ 30% જેટલો ભાગ જંગલોનો વિસ્તાર છે. જોકે નીચલા ભૂમિવિસ્તારોનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવે છે. તેમ છતાં ત્યાં ઓક તથા ભૂર્જ વૃક્ષોનાં ખુલ્લાં જંગલો જોવા મળે છે. ઉચ્ચ ભૂમિના પ્રદેશો જંગલોના વિસ્તારો છે. અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો તેમ બ્લૅક ફૉરેસ્ટનો વિસ્તાર ગાઢ જંગલોનો વિસ્તાર છે. અહીં 1500 મી.ની ઊંચાઈએ પણ ફર વૃક્ષો જોવા મળે છે. બ્લૅક ફૉરેસ્ટ એ પર્વતોનું નામ છે.

ખેતી : જર્મની તેની જરૂરિયાતના ત્રીજા ભાગના અનાજની આયાત કરે છે, તેથી તેની આયાતનો મોટો હિસ્સો ખેતીવિષયક વસ્તુઓનો છે. જર્મનીમાં માત્ર બટાકાનો પાક મોટા પ્રમાણમાં થાય છે. અહીં બાજરી, ઓટ, ઘઉં અને રાય (ઘઉં અને જવના પ્રકારનું ધાન્ય)ની ખેતી કરવામાં આવે છે. ખાંડ, બીટ ઉપરાંત શાકભાજી તથા સફરજન, દ્રાક્ષ વગેરે ફળોનું વાવેતર કરવામાં આવે છે. રાઇન તથા મોઝેલ નદીના કિનારાના પ્રદેશમાં દ્રાક્ષના વાવેતરને લીધે ત્યાં સારા પ્રકારના દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. જર્મની તેના ‘સફેદ દારૂ’ તથા બીર માટે પ્રખ્યાત છે. દૂધાળાં પશુઓનાં પાલન સાથે ડેરી ઉદ્યોગનો વિકાસ થયો છે. ખોરાક માટે ઘેટાં, બકરાં, ડુક્કર, મરઘાં વગેરેનો પણ ઉછેર કરવામાં આવે છે.

ખનિજસંપત્તિ : જર્મનીમાં પોટાશ તથા સિંધવ મીઠાના ભંડારો છે. આ ઉપરાંત અહીંની ખનિજસંપત્તિમાં સીસું, તાંબું, પેટ્રોલિયમ, કલાઈ, યુરેનિયમ તથા જસતનો સમાવેશ થાય છે. 19મી સદી દરમિયાન રુહર નદીના પ્રદેશમાં કોલસાની ખાણોને લીધે જર્મન ઉદ્યોગોનો વિકાસ થયો હતો; પરંતુ 1970ના દાયકામાં મોટા ભાગનો સારી ગુણવત્તાવાળો કોલસો ખલાસ થઈ ગયો છે. જોકે પૂર્વ જર્મનીમાં લિગ્નાઇટનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે.

લોકો : 2010ની ‘વસ્તીગણતરી મુજબ જર્મનીની વસ્તી 8.27 કરોડ જેટલી છે. જર્મન પ્રજાનો ઇતિહાસ ઘણી સદીઓ જૂનો છે. અત્યારની જર્મન પ્રજા સિમ્બ્રી, ફ્રક, ગૉથ, ટ્યૂટન જેવી જાતિઓમાંથી ઊતરી આવી છે. જર્મનીની મોટા ભાગની વસ્તી જર્મન લોકોની જ છે. નાની લઘુમતીઓમાં તુર્ક, યુગોસ્લાવ અને ઇટાલિયનોનો સમાવેશ થાય છે. આ લોકો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ જર્મનીમાં શ્રમજીવીઓ તરીકે આવીને વસ્યા છે. 1990 પછી સંયુક્ત જર્મનીમાં આફ્રિકા, એશિયા તથા પૂર્વ યુરોપના ગરીબ વિસ્તારોમાંથી સ્થાયી વસવાટ માટે આવેલા લોકોએ વસવાટ કર્યો છે. લગભગ 84 % લોકો શહેરી વિસ્તારમાં રહે છે. બર્લિન જમીનનું સૌથી મોટું શહેર છે. તેની વસ્તી 34 લાખ (2005) છે. હૅમ્બર્ગની વસ્તી 17.5 લાખ (2005) અને મ્યૂનિકની વસ્તી  12.5 લાખ (2005) છે. બીજાં 11 જર્મન શહેરોની વસ્તી 5 લાખથી વધારે છે.

ભાષા : જર્મન ભાષાનો વ્યવસ્થિત વિકાસ 16મી સદીથી થયો. 1522માં માર્ટિન લ્યૂથરે બાઇબલનું જર્મનમાં ભાષાંતર કર્યું ત્યારથી આજની જર્મન ભાષાનો પાયો નંખાયો. બોલાતી જર્મન ભાષાના બે મુખ્ય પ્રકાર છે. દક્ષિણ અને મધ્ય જર્મનીમાં શિષ્ટ જર્મન ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઉત્તર જર્મનીમાં હજી પણ ગ્રામીણ જર્મન ભાષાનો ઉપયોગ થાય છે. જોકે શિક્ષણ તેમજ બધી જાહેર સંસ્થાઓ અને સાહિત્યમાં શિષ્ટ જર્મન ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.

ધર્મ : ધર્મસુધારણાના સમયથી જ જર્મનીમાં ખ્રિસ્તી ધર્મના બે મુખ્ય સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા છે. સામાન્ય રીતે ઉત્તર તથા પૂર્વ જર્મનીના લોકો પ્રૉટેસ્ટન્ટ (લ્યૂથરન) સંપ્રદાયના છે. આ સંપ્રદાયની લગભગ 45 % વસ્તી છે. જ્યારે દક્ષિણ જર્મની તથા રાઇનલૅન્ડ વિસ્તારમાં રોમન કૅથલિક સંપ્રદાયના અનુયાયીઓની વસ્તી છે જે લગભગ 40 % જેટલી છે. 2 % જેટલા લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. જર્મનીમાં યહૂદીઓની વસ્તી પણ છે.

શિક્ષણ : રાજ્ય હસ્તક અને ફરજિયાત શિક્ષણ શરૂ કરનારા યુરોપીય દેશોમાં જર્મનીનું સ્થાન મહત્ત્વનું છે. 1900 સુધીમાં જર્મનીમાં એક પણ નિરક્ષર ન હતો. દુનિયાની શ્રેષ્ઠમાંની એક એવી વિશ્વવિદ્યાલયની પદ્ધતિ જર્મનીમાં વિકસી છે. તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્ર, વ્યુત્પત્તિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા યંત્રવિજ્ઞાનને ક્ષેત્રે જર્મનીનું ખૂબ મહત્વનું પ્રદાન છે. જર્મનીની 60 યુનિવર્સિટીઓમાં સૌથી જૂની હાઇડલબર્ગની યુનિવર્સિટીની સ્થાપના 1386માં થઈ હતી. 1900થી 1933 સુધીના સમય દરમિયાન જર્મન વૈજ્ઞાનિકોએ કોઈ પણ એક દેશના વૈજ્ઞાનિકો કરતાં વધારે નોબેલ પુરસ્કાર મેળવ્યા હતા. 6 % જેટલા લોકો યુનિવર્સિટીનું શિક્ષણ લે છે. શાળા કક્ષાએ 10 વર્ષ સુધીનું શિક્ષણ ફરજિયાત છે. વ્યવસાયી શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

ર. લ. રાવળ

ઇતિહાસ

જર્મનીના દસ્તાવેજી ઇતિહાસની શરૂઆત રોમનોએ ‘જર્મનિયા’ તરીકે ઓળખાતા પ્રદેશ પર આધિપત્ય સ્થાપ્યું ત્યારથી થાય છે. ઈ. સ. પૂ. પ્રથમ સદી દરમિયાન ઉત્તર યુરોપમાંથી આવેલી કેટલીક જાતિઓ – રોમન સામ્રાજ્યના ઉત્તર સરહદી વિસ્તાર (રાઇન અને ડાન્યૂબ નદીઓના વિસ્તાર)માં સ્થિર થઈ. રોમનોએ આ જાતિઓ – ટ્યૂટન, સિમ્બ્રી, ફ્રૅંક, ગૉથ અને વૅંડાલ – ને ‘જર્મની’ નામ આપ્યું, અને જે વિસ્તારમાં આ જાતિઓ સ્થિર થઈ એ વિસ્તારને ‘જર્મનિયા’ તરીકે ઓળખાવ્યો. ઈ. સ. પૂ. 58માં રોમન શાસક જુલિયસ સીઝરે સુએવિયન રાજવી એરિયોવિસ્ટસને ગૉલ(ફ્રાંસ)ની સરહદે આલ્સાસ પાસે હાર આપી ત્યારથી આ જર્મન જાતિઓ રોમન સંસ્કૃતિના સંપર્કમાં આવી. જુલિયસ સીઝરે તેની નોંધમાં પ્રથમવાર રાઇન નદીની પૂર્વ બાજુએ વસેલી જર્મન જાતિઓનું વર્ણન કર્યું છે. રોમન ઇતિહાસકારો સ્ટ્રાબો, પ્લિની અને ટેસિટસે પણ રોમન સંસ્કૃતિના સંપર્કમાં આવેલી જર્મન જાતિઓના રીતરિવાજ, ધર્મ તથા વહીવટનો ઉલ્લેખ કર્યો છે.

રોમન સામ્રાજ્ય પર જર્મન જાતિઓનાં આક્રમણો : બીજી સદીના ઉત્તરાર્ધમાં માર્કોમની નામની જર્મન જાતિએ દક્ષિણ જર્મન સરહદી વિસ્તારમાં રોમનો પર હુમલા કર્યા. છેવટે ગૉથ જાતિએ ઈ. સ. 300 પછી નબળા પડતા રોમન સામ્રાજ્ય પર આક્રમણ કરીને પશ્ચિમ યુરોપમાં તેના પતનને ઝડપી બનાવ્યું. પાંચમી સદીમાં જર્મન જાતિઓએ રાજધાની રોમને લૂંટી અને પશ્ચિમ રોમન સામ્રાજ્યના ટુકડા કરી જર્મન જાતિનાં રાજ્યોની સ્થાપના કરી. પાંચમી અને છઠ્ઠી સદી દરમિયાન આવાં આઠ રાજ્યો સ્થપાયાં, તેમાં ફ્રૅંક જાતિનું રાજ્ય સૌથી મોટું અને મહત્વનું હતું. ફ્રૅંક રાજવી ક્લૉવિસે ગૉલ(ફ્રાંસ)ના સ્વતંત્ર થઈ ગયેલા રોમન ગવર્નરને ઈ. સ. 486માં હાર આપી. ઈ. સ. 511માં તેણે (અત્યારના) પશ્ચિમ જર્મનીના વિસ્તારની બીજી જર્મન જાતિઓને હરાવીને પોતાના રાજ્યની સરહદો વિસ્તારી. ક્લૉવિસ ચુસ્ત ખ્રિસ્તી બન્યો. તેણે પોતાના રાજ્યમાં રોમન રીતરિવાજો દાખલ કર્યા. સાતમી સદી દરમિયાન ફ્રૅંક સત્તા નબળી પડી. જોકે સાતમી સદીના અંતમાં કેરોલિન્જિયન વંશના પેપિને પૂર્વ જર્મન જાતિઓ સાથે યુદ્ધ કર્યાં, આઠમી સદીમાં (ઈ.સ. 751) ‘પેપિન ધ શૉર્ટ’ ફ્રૅંકોનો રાજવી બન્યો. તેના પુત્ર ‘ચાર્લ્સ ધ ગ્રેટ’ અથવા શાર્લમૅને બવેરિયન, લૉમ્બાર્ડ, થ્યુરિન્જિયન અને સૅક્સન જેવી જર્મન  જાતિઓ પર અંકુશ જમાવ્યો. અને ફ્રૅંક સત્તાને શક્તિશાળી બનાવી. ઈ. સ. 800માં પોપ લિચોએ શાર્લમૅનનો રોમનોના સમ્રાટ તરીકે રાજ્યાભિષેક કર્યો.

આકૃતિ 1 : 1945થી 1949. સાથી રાજ્યોના પ્રદેશો ધ્વજથી દર્શાવ્યા છે.

કેરોલિન્જિયન સામ્રાજ્ય : જર્મન રાષ્ટ્રની શરૂઆત એ રીતે ફ્રૅંક જાતિના શાર્લમૅનના શાસનથી થાય છે. શાર્લમૅને તેના સામ્રાજ્યની સરહદોને પિરિનીઝથી એલ્બ-ઓડરની ખીણ અને મધ્ય ડાન્યૂબ સુધી વિસ્તારીને બીજી જર્મન જાતિઓ પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું; પરંતુ  શાર્લમૅનના વારસો વચ્ચે આંતરવિગ્રહ થતાં ઈ. સ. 843માં તેના સામ્રાજ્યને 3 પૌત્રો વચ્ચે વિભાજવામાં આવ્યું.

ઈ. સ. 911માં જર્મન શાખાના ફ્રક રાજવંશનો અંત આવ્યો. આ સમય સુધીમાં જર્મન રાજ્યને પાંચ શક્તિશાળી ‘ડચી’ (ડ્યૂક તરીકે ઓળખાતા સામંતો દ્વારા શાસિત પ્રદેશ) – બવેરિયા, લૉરેન, ફ્રૅંકોનિયા સૅક્સની અને સ્વાબિયા –માં વિભાજિત કરવામાં આવ્યું. ડચીના વડા ડ્યૂકોએ ફ્રૅંકોનિયાના ડ્યૂક કોનરેડ-1ને 911માં રાજવી તરીકે ચૂંટ્યો; જ્યારે 919માં નવા રાજવી તરીકે કોનરેડ-1ને સ્થાને સૅક્સનીના ડ્યૂક હેનરી-1ને પસંદ કરવામાં આવ્યો. આ સેક્સન વંશના રાજવીઓએ 1024 સુધી જર્મનીમાં શાસન કર્યું.

મધ્યયુગી સામ્રાજ્ય : સૅક્સન વંશના હેનરી-1ના પુત્ર ઑટો-1ને (912-973) 936માં જર્મન સામંતોએ રાજવી તરીકે ચૂંટ્યો. ઑટો-1એ દક્ષિણ જર્મનીમાંથી હંગેરિયનોના આક્રમણને મારી હઠાવીને જર્મનીની સરહદો વિસ્તારી. તેણે ઇટાલી સહિત જૂના ફ્રક રાજ્યના મધ્યભાગને જીતી લીધો અને રોમન સમ્રાટના પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો. 962માં રોમમાં ઑટો-1ને પવિત્ર રોમન સમ્રાટનું પદ આપવામાં આવ્યું. આ સમયથી પવિત્ર રોમન સામ્રાજ્યની પરંપરા શરૂ થઈ. ઑટો-1-એ ખ્રિસ્તી દેવળ પર પોતાનો અંકુશ મજબૂત બનાવ્યો અને 963માં પોપ જ્હૉન-12ને પદભ્રષ્ટ કર્યો. તેણે બિશપ અને ઍબટ જેવા ઉચ્ચ ધર્માધિકારીઓની નિયુક્તિ પણ કરી. ઑટો-1 પછી તેનો પુત્ર ઑટો-2 (955-983) સત્તા પર આવ્યો. તેના સમય દરમિયાન ઇટાલી અને જર્મનીના પ્રદેશોમાં વિદ્રોહ થયો હતો. 1024માં સૅક્સન વંશના શાસનનો અંત આવ્યો.

1024થી 1125ના સમય દરમિયાન ફ્રૅંકોનિયન અથવા સેલિયન વંશના કેટલાક શક્તિશાળી રાજવીઓ થયા. 1076માં પોપ ગ્રેગરી-7એ આ વંશના સમ્રાટ હેનરી-4 (1050–1106)ના જર્મની, અને ઉત્તર ઇટાલીમાં બિશપોની નિયુક્તિ કરવાના અધિકારોને પડકાર્યા. તેથી હેનરી-4એ પોપને પદભ્રષ્ટ કર્યો. તેના પ્રત્યાઘાત રૂપે પોપે હેનરીને બહિષ્કૃત જાહેર કર્યો. આ વખતે ઘણા જર્મન રાજવીઓ તથા સામંતોએ પોપને પોતાનો ટેકો આપ્યો, પરિણામે જર્મનીમાં આંતરવિગ્રહ શરૂ થયો. આ યુદ્ધમાં હેનરી વિજયી બન્યો. પદભ્રષ્ટ અવસ્થામાં ગ્રેગરી 1085માં મૃત્યુ પામ્યો, અને 1106માં હેનરી-4નું મૃત્યુ થયું. પોપ અને સમ્રાટ વચ્ચે ચાલતા આ ઘર્ષણનું છેવટે 1122માં વર્મ્સની સમજૂતી (Concordat of Worms) દ્વારા સમાધાન થયું.

હોએનસ્ટાઉફેન વંશના ચૂંટાયેલા સમ્રાટોએ 1138થી 1254ના સમય દરમિયાન કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવ્યાં. ફ્રેડરિક બાર્બરોસા તરીકે જાણીતા ફ્રેડરિક-1ના શાસન દરમિયાન (1155–1190) જર્મનીમાં રાજકીય સ્થિરતા આવી. ફ્રેડરિક બાર્બરોસા મધ્યયુગી જર્મનીના દંતકથાઓના નાયક તરીકે પ્રખ્યાત થયો; પરંતુ આ વંશના પાછળના રાજવીઓના શાસન વખતે કાયદો-વ્યવસ્થા ભાંગી પડ્યાં. તેરમી સદી દરમિયાન સમ્રાટો પાસે નામની જ સત્તા રહી. 1241માં મંગોલોના આક્રમણને લીધે જર્મનીમાં અરાજકતા ફેલાઈ. હોએનસ્ટાઉફેન વંશનો છેલ્લો સમ્રાટ 1254માં મૃત્યુ પામ્યો. જર્મન રાજવીઓએ 1273 પહેલાં નવા સમ્રાટની ચૂંટણી કરી નહિ.

હેપ્સબર્ગ વંશ અને પવિત્ર રોમન સામ્રાજ્ય : 1273માં નવો ચૂંટાયેલો સમ્રાટ રુડોલ્ફ-1 (1218–1291) હેપ્સબર્ગ વંશનો હતો. તેણે ઑસ્ટ્રિયા પર 1278થી 1282 દરમિયાન કબજો જમાવ્યો અને તેને જ પોતાની જાગીર – ડચીનો મુખ્ય પ્રદેશ બનાવ્યો. સૈદ્ધાંતિક રીતે પવિત્ર રોમન સામ્રાજ્યના સમ્રાટની ચૂંટણી ખ્રિસ્તી દેવળ વતી ત્રણ અને બીજા ચાર રાજવી ડ્યૂકો દ્વારા કરવામાં આવતી હતી. તેમને ‘ઇલેક્ટર’નું પદ આપવામાં આવ્યું હતું, કારણ કે માત્ર તેમને જ ‘સમ્રાટ’ ચૂંટવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. રુડોલ્ફ-1 પછી વિવિધ વંશના રાજવીઓ ‘સમ્રાટ’ તરીકે ચૂંટાયા; પરંતુ થોડાંક વર્ષો સિવાય 1438થી 1806 સુધી (નેપોલિયન બોનાપાર્ટે 1806માં આ પદ નાબૂદ કર્યું.) ઑસ્ટ્રિયાના હેપ્સબર્ગ વંશના રાજવીઓએ ‘પવિત્ર રોમન સામ્રાજ્ય’ના ‘સમ્રાટ’ તરીકેનું પદ ધારણ કર્યું. ઑસ્ટ્રિયામાં આ વંશના રાજવીઓએ 1282થી 1918 સુધી શાસન કર્યું.

‘પવિત્ર રોમન સામ્રાજ્ય’ના પ્રદેશોમાં માત્ર જર્મન પ્રદેશોનો જ સમાવેશ થતો ન હતો. (કેટલીક જર્મન પ્રજા ‘સામ્રાજ્ય’ના પ્રદેશ બહાર પણ રહેતી હતી.) તેમાં ઇટાલીનો કેટલોક પ્રદેશ, પૂર્વ યુરોપના સ્લાવ પ્રજાના વિસ્તારો, ઉપરાંત બેલ્જિયમ અને નેધરલૅન્ડ્ઝ(હૉલેન્ડ)નો પણ સમાવેશ થતો હતો. આ ‘સામ્રાજ્ય’માં કેટલાક સ્વતંત્ર પ્રદેશો હતા. જો ‘સમ્રાટ’ શક્તિશાળી હોય તો જ આ સ્વતંત્ર પ્રદેશોના શાસકોનો સહકાર લઈ શકતો હતો; પરંતુ તેમના પર કોઈ ફરજ પાડી શકતો ન હતો.

નગરોનો ઉદય : પશ્ચિમ રોમન સામ્રાજ્યના પતન (476) પછી રાઇન અને ડાન્યૂબને કિનારે વ્યાપારનાં કેન્દ્ર તરીકે ઉદભવેલાં નગરો લગભગ નષ્ટ થયાં હતાં; પરંતુ સૅક્સન અને સેલિયન રાજવીઓના સમય દરમિયાન આ વ્યાપાર-કેન્દ્ર ફરી બેઠાં થયાં. પવિત્ર રોમન સમ્રાટો નબળા પડતા આ નગરોએ પોતાની સુરક્ષા માટે સંગઠિત થઈને સંયુક્ત નૌકાદળ રાખ્યું. બારમીથી ચૌદમી સદી દરમિયાન ‘હૅન્સિયેટિક લીગ’ તરીકે પ્રખ્યાત થયેલો તેમનો સંઘ મહત્વની વ્યાપારી સત્તા તરીકે ઉદભવ્યો.

સામંતશાહી પ્રથા : આઠમી સદી દરમિયાન પશ્ચિમ જર્મનીમાં મોટા ભાગના ખેડૂતો ખેતમજૂરો બની ગયા. આ સમયથી જર્મની અને યુરોપના બીજા ભાગમાં સામંતશાહી પ્રથા ઉદભવી. બારમી સદી દરમિયાન ઘણા ખેતમજૂરો નવાં ઉદભવતાં નગરોમાં નાસી છૂટતાં તેમાંના કેટલાક સ્વતંત્ર બન્યા. બીજી બાજુ જર્મનીના પશ્ચિમ ભાગમાં નાણાંનું ચલણ પ્રચલિત થતાં સામંતશાહી પ્રથા નબળી પડવા લાગી. ખેતમજૂરો સ્વતંત્ર જમીન ધરાવતા ખેડૂતો બન્યા, જ્યારે પૂર્વ જર્મનીમાં ખેતમજૂર-પ્રથા ચૌદમી સદીથી ઓગણીસમી સદીની શરૂઆત સુધી ચાલુ રહી.

તેરમીથી પંદરમી સદી દરમિયાન સમાજ, અર્થતંત્ર અને સંસ્કૃતિ : તેરમી સદીમાં જર્મન ભાષામાં ‘નિબેલુંગએનલિટ’ નામનું મહાકાવ્ય રચવામાં આવ્યું. આ સમયના પ્રખ્યાત જર્મન કવિ વાલ્ટર ફૉન ડર ફોગલવિડે દેશપ્રેમ અને ભક્તિનાં કાવ્યો લખ્યાં. ઇટાલીના સંપર્કને લીધે જર્મન સંગીત પણ સમૃદ્ધ થયું. ચૌદમી સદી દરમિયાન રાઇનલૅન્ડ વિસ્તારમાં ડોમિનિકી ખ્રિસ્તી સાધુઓએ રહસ્યવાદી દર્શનનો પ્રચાર કર્યો.

વ્યાપાર-ઉદ્યોગને લીધે નવાં નગરોનો વિકાસ થયો હતો; તેમ છતાં એકંદરે પાછલા મધ્ય યુગ દરમિયાન જર્મન સમાજ ખેતી પર નિર્ભર હતો. દક્ષિણ જર્મનીમાં રાજવીઓ સામે ખેડૂતોનો અસંતોષ વધારે ઉગ્ર બન્યો. ખેડૂતો કેટલીક સામંતશાહી લાગાપ્રથાને નાબૂદ કરવા માગતા હતા. ઈ. સ. 1500માં નગરોનો સમાજ નાનાં મોટાં 3000 નગર-કસ્બામાં રહેતો હતો; પરંતુ જર્મનીની કુલ 1,20,00000ની વસ્તીમાંથી નગરોમાં રહેતા લોકોની સંખ્યા 15,00,000થી વધારે ન હતી. ઈ. સ. 1500માં સૌથી વધારે વસ્તી (50,000) ધરાવતું શહેર ઑગ્સબર્ગ હતું. ઈ. સ. 1500 સુધીમાં વ્યવસાયી મહાજનોએ નગર સમિતિઓમાં પોતાનું પ્રતિનિધિત્વ વધાર્યું હતું. 1200થી 1500ના સમય દરમિયાન જર્મન વ્યાપારઉદ્યોગમાં ખૂબ વૃદ્ધિ થઈ હતી. માઇન્ઝ શહેરના ગૂટેનબર્ગે 1438માં મુદ્રણકળાની શોધ કરી હતી.

જર્મન ધર્મસુધારણા આંદોલન : મધ્યયુગ દરમિયાન ખ્રિસ્તી દેવળમાં ક્રિયાકાંડનું મહત્વ વધ્યું અને નૈતિક શિથિલતામાં વધારો થયો. ઉચ્ચ પદ ધરાવતા ખ્રિસ્તી સાધુઓ  આર્ચબિશપ, બિશપ અને મઠના વડા ઍબટની સંખ્યા 100 જેટલી હતી. દેવળે ઘણી સંપત્તિ તેમજ જમીન-જાગીરો સંપાદિત કરી હતી. 1348-49માં યુરોપમાં ‘બ્લૅક ડેથ’ તરીકે પ્રચલિત થયેલા પ્લેગે સેવાકાર્ય કરતા મોટા ભાગના ધર્મગુરુઓનું જીવન ટૂંકાવી નાખ્યું હતું. નવા બનેલા ધર્મગુરુઓ દુન્યવી લાભ માટે જ દેવળમાં જોડાયા હતા. વળી દેવળના હોદ્દાઓનું વેચાણ થતું હતું. પરિણામે દેવળમાં સાચી ધર્મભાવના ઘટવા લાગી. જોકે સેવાકાર્ય કરતા ઘણા ખ્રિસ્તી સાધુઓને પૂરતું પોષણ પણ મળતું ન હતું. તેથી આવા ઘણા સાધુઓ દેવળના વિરોધી બન્યા.

1517માં જર્મન ખ્રિસ્તી સાધુ માર્ટિન લ્યૂથરે રોમન કૅથલિક દેવળમાં પ્રવેશેલાં અનિષ્ટો સામે વિરોધ કર્યો. જર્મનીના કેટલાક ‘રાજવીઓ, ઉમરાવો અને ખેડૂતોએ લ્યૂથરે શરૂ કરેલા દેવળવિરોધી આંદોલનને ટેકો આપ્યો, જે હવે ધર્મસુધારણાના આંદોલન તરીકે પ્રચલિત બન્યું. આ આંદોલનને ટેકો આપનારા ‘પ્રૉટેસ્ટન્ટ’ તરીકે ઓળખાયા. પોપ અને પવિત્ર રોમન સમ્રાટ’ ચાર્લ્સ-4 આ આંદોલનને અટકાવી ન શક્યા. ઉત્તર યુરોપ અને અર્ધા જેટલા જર્મન વિસ્તારના શાસકો અને ઉમરાવોએ પ્રૉટેસ્ટન્ટ સંપ્રદાયનો સ્વીકાર કર્યો, પરિણામે જર્મનીમાં પ્રૉટેસ્ટન્ટ અને કૅથલિક શાસકો-ઉમરાવો વચ્ચે આંતરવિગ્રહ થયો. છેવટે સમ્રાટ ચાર્લ્સ-5ને 1555માં ઑગ્સબર્ગ ખાતે સમજૂતી કરવાની ફરજ પડી જે મુજબ દરેક શાસકને પોતાનો ધર્મ સ્વીકારવાનો અધિકાર મળ્યો, અને શાસક જે ધર્મ સ્વીકારે તે ધર્મ-સંપ્રદાય તેની પ્રજા સ્વીકારે એમ ઠર્યું.

બીજી બાજુ કૅથલિક દેવળમાં પણ ધર્મસુધારણાનું આંદોલન શરૂ થયું. આ આંદોલન શરૂ કરનાર સેંટ ઇગ્નેશિયસ લોયોલાએ 1540માં ‘સોસાયટી ઑવ્ જિસસ’ નામની ધાર્મિક સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સાથે સંકળાયેલા કૅથલિક પાદરીઓ જેસુઇટ તરીકે ઓળખાયા. જેસુઇટોએ શિક્ષણ અને ધર્મપ્રચાર દ્વારા કૅથલિક સંપ્રદાયનો ફેલાવો કર્યો.

આરુતિ 2 : એકીકરણ પહેલાંની સ્થિતિ, ઈ. સ. 1954થી 1990

જર્મનીમાં એકંદરે 1555થી 1607 સુધી રાજકીય શાંતિ જળવાઈ રહી; પરંતુ ત્યાર પછી કૅથલિક અને પ્રૉટેસ્ટન્ટ રાજવીઓ વચ્ચે ઘર્ષણ ફરી શરૂ થયું, જે ‘ત્રીસવર્ષી યુદ્ધ’ (1618–48) તરીકે ઓળખાયું. 1648માં વેસ્ટફાલિયાની સંધિ સાથે આ યુદ્ધનો અંત આવ્યો; પરંતુ છેલ્લાં 100 વર્ષથી પણ વધારે સમય સુધી ચાલતા રહેલા ઘર્ષણને લીધે જર્મનીના વ્યાપાર-ઉદ્યોગ નાશ પામ્યા અને ખેતીને ખૂબ નુકસાન થયું. હવે જર્મની મુક્ત નગરો સહિત 300 જેટલાં નાનાંમોટાં રાજ્યોનો માત્ર સમૂહ બન્યું. તેથી રાષ્ટ્રીય એકતાને ધક્કો પહોંચ્યો અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ તે પાછળ પડી ગયું.

પ્રશિયાનો ઉદય : સત્તરમી સદી દરમિયાન હોએનઝોલર્ન વંશના શાસકોએ પૂર્વ જર્મનીમાં પોતાનો સત્તા-વિસ્તાર કર્યો. આ વંશના રાજવીઓએ બ્રૅન્ડનબર્ગ રાજ્યમાં સત્તા સ્થાપીને બર્લિનને પોતાની રાજધાની બનાવી. 1618માં બ્રૅન્ડનબર્ગના રાજવીને વારસામાં પ્રશિયાની મોટી જાગીર મળી. વેસ્ટફાલિયાની સંધિને પરિણામે પણ તેના પ્રદેશોમાં વધારો થયો હતો.

હોએનઝોલર્ન શાસકોની સત્તાનો ઉદય ફ્રેડરિક વિલિયમ, ‘ધ ગ્રેટ ઇલેક્ટર’(‘સમ્રાટ’ને ચૂંટનારા સાત શાસકોમાં એક મહત્વનો શાસક)ના સમય(1640)થી થયો. 1701માં તેના પુત્ર ફ્રેડરિક-1ને ‘રાજા’નો ઇલકાબ આપવામાં આવ્યો. પ્રશિયાની રાજકીય સત્તામાં ત્યારપછીના બે રાજવીઓ ફ્રેડરિક વિલિયમ-1 તથા ફ્રેડરિક-2(મહાન ફ્રેડરિક)ના શાસન દરમિયાન ખૂબ વધારો થયો. પ્રશિયન રાજવીઓએ સુર્દઢ વહીવટી તંત્રની સાથે તાલીમ પામેલું વ્યવસાયી લશ્કર તૈયાર કર્યું. ફ્રેડરિક-2ના શાસન દરમિયાન ખેતીઉદ્યોગ, શિક્ષણ, સાહિત્ય, સંગીત, સ્થાપત્ય વગેરેને ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું. જોકે સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રશિયા પર ફ્રેંચ અસર વિશેષ વરતાતી હતી. ફ્રેડરિક-2એ ઑસ્ટ્રિયાના વારસાવિગ્રહ (1740–48) અને સપ્તવર્ષીય વિગ્રહ (1756–63)માં ભાગ લઈને ઑસ્ટ્રિયા પાસેથી સાઇલેશિયાનો પ્રદેશ લઈ લીધો હતો. પરિણામે પ્રશિયા જર્મનીમાં સૌથી શક્તિશાળી રાજ્ય તરીકે આગળ આવ્યું.

અઢારમી સદી દરમિયાન પ્રબુદ્ધતા(જાગૃતિ)ના યુગમાં જર્મની પ્રણાલીગત ધાર્મિક માન્યતાઓ અને રીતરિવાજોમાંથી ધીરે ધીરે બહાર આવવા લાગ્યું. રાજકીય વિખવાદ અને રાષ્ટ્રીય એકતાના અભાવને લીધે પેદા થયેલી પલાયનવાદી વૃત્તિથી જર્મની આદર્શવાદ તરફ આકર્ષાયું. રાજકીય ક્ષેત્રે નબળા એવા જર્મનીએ અઢારમી સદીને અંતે ઇમૅન્યુઅલ કાન્ટ (1724–1804), યોહાન ફિખ્તે (1762–1814), યોહાન વૉલ્ફગાંગ ગ્યૂઇથે (1749–1832), યોહાન વૉન શિલર (1759–1805) અને યોહાન હર્ડર જેવા ઉત્તમ કોટિના દાર્શનિકો, કવિઓ અને સાહિત્યકારોએ તેમનાં લખાણો દ્વારા જર્મન રાષ્ટ્રવાદની ભાવના પુષ્ટ કરી.

ફ્રેંચ ક્રાંતિ અને જર્મની : 1789ની ફ્રેંચ ક્રાંતિને જર્મન બૌદ્ધિકોએ આવકારી, જ્યારે ઑસ્ટ્રિયા અને પ્રશિયા આ ક્રાંતિનાં વિરોધી રહ્યાં. તેમ છતાં જર્મનીનાં નાનાં રાજ્યોએ ફ્રેંચ ક્રાંતિની ભાવનાને ટેકો આપ્યો. ઑસ્ટ્રિયાના રાજવી ફ્રાંસિસ-1-એ 1792માં પવિત્ર રોમન સમ્રાટનું પદ પ્રાપ્ત કર્યું, તેથી તે ફ્રાંસિસ-2 તરીકે ઓળખાતો હતો. પ્રશિયાના રાજવી ફ્રેડરિક વિલિયમ-2નાં સંયુક્ત લશ્કરોએ ક્રાંતિને કચડી નાખવા ફ્રાંસ પર આક્રમણ કર્યું; પરંતુ, તેમાં તેમને નિષ્ફળતા મળી. ત્યાર પછી ક્રાંતિકારી ફ્રાંસ અને નેપોલિયન દ્વારા યુરોપી સત્તાઓ સામે લગભગ 25 વર્ષ સુધી લડાયેલાં યુદ્ધોનું મુખ્ય ક્ષેત્ર જર્મની બન્યું. નેપોલિયને રાઇન વિસ્તારનાં જર્મન રાજ્યોને જોડીને જર્મન રાજ્યસંઘની રચના કરી. તેવી જ રીતે પાછળથી નેપોલિયને ડચી ઑવ્ વેસ્ટફાલિયાને નામે બીજા જર્મન રાજવીને સાથે જોડ્યા. આમ, તેણે કુલ 300 નાનાંમોટાં જર્મન રાજ્યોની સંખ્યા ઘટાડીને 100ની બનાવી. નેપોલિયને 1806માં ‘પવિત્ર રોમન સામ્રાજ્ય’ અને ‘સમ્રાટ’ના પદને નાબૂદ કર્યાં.

1806માં નેપોલિયને યેનાના યુદ્ધમાં પ્રશિયાને હાર આપી અને 1807માં રશિયાને હરાવીને ટિસ્લીટની સંધિ કરી. ફ્રેંચ આધિપત્ય હેઠળ જર્મનીમાં રાષ્ટ્રવાદી ભાવનાનું સર્જન થયું. પ્રશિયામાં પણ હવે ઉદારમતવાદી અને બૌદ્ધિક ચળવળ માટેનું વાતાવરણ પેદા થયું. બીજી બાજુ 16–19 ઑક્ટોબર, 1813 દરમિયાન સમ્રાટ નેપોલિયનની લિપઝિગના યુદ્ધમાં હાર થઈ. આ યુદ્ધને જર્મનીમાં ‘સ્વાતંત્ર્યયુદ્ધ’ (war of liberation) તરીકે ઓળખવામાં આવે છે. આક્રમણખોર સત્તાનો સામનો કરવા આ વખતે જર્મનીમાં રાષ્ટ્રવાદી ભાવના પ્રજ્વલિત થઈ, જેમાંથી છેવટે જર્મનીના એકીકરણની ભાવના ઉદભવી.

વિયેના કૉંગ્રેસ પછી જર્મની : નેપોલિયનની હાર પછી વિયેના કૉંગ્રેસ(1814–15)માં જર્મની અંગે જે નિર્ણય લેવામાં આવ્યા તે મુજબ જર્મન રાજ્યોની સંખ્યા ઘટાડીને ઑસ્ટ્રિયા સહિત 39 કરવામાં આવી. 8 જૂન, 1815ને દિવસે સ્વતંત્ર જર્મન રાજ્યોનો સંઘ રચવામાં આવ્યો. આ સંઘના પ્રતિનિધિઓની સભા ફ્રૅંકફર્ટમાં મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો. 1515થી 1830 દરમિયાન જર્મન રાજ્યોના સંઘ પર ઑસ્ટ્રિયાના ચાન્સેલર મેટરનિકનું વર્ચસ્ રહ્યું હતું. જર્મન વિશ્વવિદ્યાલયો તેમજ અખબારો પર અંકુશ મૂકવામાં આવ્યો અને સુધારા માટેની માગણીને કચડી નાખવામાં આવી. બીજી બાજુ 1818થી પ્રશિયાના નેતૃત્વ હેઠળ જર્મન રાજ્યોનો જકાતી સંઘ રચવાની શરૂઆત થઈ. જર્મન રાજ્યોના બીજા બે જકાતી સંઘ પણ રચવામાં આવ્યા. 1834 સુધીમાં આ જકાતી સંઘોનું નેતૃત્વ પ્રશિયા પાસે આવ્યું. આમ જર્મનીના રાજકીય એકીકરણની પૂર્વભૂમિકા બંધાઈ. ફેબ્રુઆરી, 1848માં પૅરિસમાં થયેલી ક્રાંતિને પરિણામે જર્મન રાજ્યોમાં પણ લોકશાહી બંધારણ માટેનું આંદોલન ફરી શરૂ થયું. ઘણાં જર્મન રાજ્યોમાં આ બંધારણીય માગણીઓનો સ્વીકાર થયો. થોડા સમય માટે પ્રશિયાએ પણ સામંતશાહી નિયંત્રણો દૂર કરવાની જાહેરાત કરી. મે, 1848માં ફ્રૅંકફર્ટમાં દર 50,000ની વસ્તીના એક પ્રતિનિધિ એવાં બધાં જર્મન રાજ્યોના પ્રતિનિધિઓની સભા બોલાવવામાં આવી. આ ફ્રૅંકફર્ટ ઍસેમ્બ્લી રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલી હતી. ઍસેમ્બ્લીમાં પ્રશિયાના રાજવી ફ્રેડરિક વિલિયમ-4ને વારસાગત જર્મન સમ્રાટનું પદ આપવામાં આવ્યું; પરંતુ આ પદ ક્રાંતિકારી ઍસેમ્બલી તરફથી આપવામાં આવેલું હોવાથી ફ્રેડરિકે તેનો અસ્વીકાર કર્યો. 1848-50 દરમિયાન પ્રશિયાએ નવું બંધારણ આપ્યું; પરંતુ સત્તા રાજવી પાસે જ રહી. જ્યારે ઑસ્ટ્રિયાની વગ હેઠળનાં જર્મન રાજ્યોમાં ઉદારમતવાદી સુધારા નાબૂદ કરવામાં આવ્યા.

બિસ્માર્ક અને જર્મનીનું એકીકરણ : 1861માં પ્રશિયામાં નવો રાજવી વિલિયમ-1 થયો. તેણે 1862માં ચાન્સેલર તરીકે ઑટો વૉન  બિસ્માર્ક(1815–1898)ની નિયુક્તિ કરી. બિસ્માર્કે પ્રશિયાની ધારાસભાનું મહત્વ ઘટાડીને કેન્દ્રીય શાસન મજબૂત બનાવ્યું. તે પ્રશિયાને જર્મનીનું સૌથી આગળ પડતું અને શક્તિશાળી રાજ્ય બનાવવા માગતો હતો. 1864થી 1870ના સમય દરમિયાન ત્રણ યુદ્ધ થયાં. 1864માં બિસ્માર્કે ડેન્માર્ક પાસેથી શ્લેસવિગ અને હૉલ્સ્ટાઇનો પ્રદેશ જીતી લીધો. 1866માં બિસ્માર્કે ઑસ્ટ્રિયાને હરાવીને પ્રશિયાના નેતૃત્વ હેઠળ ઉત્તર જર્મન રાજ્યોનો સંઘ સ્થાપ્યો, અને સપ્ટેમ્બર 1870માં સેડાનના યુદ્ધમાં ફ્રાંસને હાર આપીને ફ્રાંસ પાસેથી એલ્સેસ લૉરેનના પ્રદેશો લઈ લીધા. દક્ષિણ જર્મનીનાં બાકીનાં 4 રાજ્યો પણ પ્રશિયાના નેતૃત્વ હેઠળ નવા સંગઠિત જર્મન રાજ્યમાં જોડાયાં. આમ 18 જાન્યુઆરી, 1871ને દિવસે વર્સાઈમાં પ્રશિયાના રાજવી વિલિયમ-1ને જર્મન સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવ્યો. વિલિયમ-1એ બિસ્માર્કને નવા સંગઠિત જર્મન રાષ્ટ્રનો ચાન્સેલર નિયુક્ત કર્યો. બિસ્માર્કે નવી દ્વિગૃહી જર્મન ધારાસભા દ્વારા વ્યાપારી વર્ગ, જમીનદાર વર્ગ તથા ઉમરાવોનો ટેકો પ્રાપ્ત કર્યો. જર્મનીમાં સમાજવાદીઓનું મહત્વ ઓછું કરવા બિસ્માર્કે ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ શ્રમજીવીઓને લગતા ઘણા સુધારા દાખલ કર્યા.

નવા જર્મનીની વિદેશીનીતિ : યુરોપમાં સત્તાની સમતુલા જર્મનીની તરફેણમાં રહે તે માટે બિસ્માર્કે ફ્રાંસને અલગ પાડીને બ્રિટન સાથે સ્પર્ધામાં ન ઊતરતાં સારા સંબંધો બાંધ્યા. ઑસ્ટ્રિયા–હંગેરી તેમજ રશિયા સાથે પણ સારા સંબંધો જાળવી રાખવા બંને સાથે ગુપ્ત લશ્કરી કરાર કર્યો. આ કરાર દ્વારા જર્મની આત્મવિરોધી પરિસ્થિતિમાં મુકાયું હોવા છતાં બાલ્કન વિસ્તારમાં ઑસ્ટ્રિયા–હંગેરી અને રશિયા વચ્ચે ઘર્ષણ ટાળવા તેણે મધ્યસ્થી સત્તા તરીકેની ભૂમિકા પણ ભજવી. જોકે જર્મનીના ઑસ્ટ્રિયા સાથેના સંબંધો 1879ની ગુપ્ત સંધિથી વધારે ઘનિષ્ઠ થયા. 1882માં ઇટાલી પણ આ ગુપ્ત સંધિમાં જોડાયું. જર્મનીના નેતૃત્વ હેઠળનું આ લશ્કરી જોડાણ ત્રિપક્ષી સત્તાજોડાણ તરીકે ઓળખાયું. 1880ના દાયકામાં જર્મનીએ પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં તેમજ પૅસિફિક વિસ્તારમાં કેટલાક ટાપુઓ પર કબજો જમાવ્યો.

1888માં વિલિયમ-1નું મૃત્યુ થયું. તેના મૃત્યુના ત્રણ મહિના પછી તેનો પુત્ર વિલિયમ-2 સત્તા પર આવ્યો. નવા સમ્રાટ સાથે મતભેદ થતાં 1890માં બિસ્માર્કને રાજીનામું આપવું પડ્યું. વિલિમય કૈસર-2 ખૂબ મહત્વાકાંક્ષી રાજવી હતો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જર્મન વગ વધારીને તે જર્મનીને યુરોપમાં સૌથી શક્તિશાળી સત્તા બનાવવા માગતો હતો. તેણે બ્રિટનને નૌકા-સત્તા તરીકે પડકારી. બ્રિટન અને જર્મની વચ્ચે આર્થિક અને નૌકાદળને ક્ષેત્રે થયેલી સ્પર્ધાને પરિણામે આંતરરાષ્ટ્રીય ઘર્ષણ વધ્યું. વિલિયમ કૈસર-2 રશિયા સાથે ગાઢ સંબંધો જાળવી રાખવામાં નિષ્ફળ ગયો. પરિણામે રશિયા અને ફ્રાન્સ નિકટ આવ્યાં. 1894માં બંને વચ્ચે લશ્કરી કરાર થયા. બ્રિટને પણ 1904માં ફ્રાંસ સાથે મૈત્રી-સમજૂતી કરી. 1904માં રશિયા અને બ્રિટન વચ્ચે, સંસ્થાનોની બાબત અંગે સમજૂતી થઈ. આમ વધતી જતી જર્મન તાકાત પર અંકુશ મૂકવા માટે બીજું સત્તાજૂથ – ત્રિપક્ષી મૈત્રી- સમજૂતી જૂથ અસ્તિત્વમાં આવ્યું.

પ્રથમ વિશ્વયુદ્ધ : ઓગણીસમી સદીમાં રાષ્ટ્રવાદ, ઔદ્યોગિક ક્રાંતિ, સંસ્થાનો માટેની સ્પર્ધા, લશ્કરી સ્પર્ધા અને પ્રાદેશિક ઘર્ષણો જેવાં સર્જાયેલાં ઘણાં પરિબળોને પરિણામે વીસમી સદીના પ્રથમ દાયકા દરમિયાન યુરોપમાં બંને સત્તાજૂથો વચ્ચે ઘર્ષણ વધ્યું અને આંતરરાષ્ટ્રીય કટોકટીઓ સર્જાઈ; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધનું તરતનું કારણ બાલ્કન વિસ્તારમાં ઑસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે વધતા જતા ઘર્ષણને પરિણામે 28 જૂન 1914ને દિવસે ઑસ્ટ્રિયા-હંગેરીના પાટવી કુંવર ફ્રાન્સિસ ફર્ડિનાન્ડની થયેલી હત્યા હતું. સર્બિયાને કચડી નાખવા ઑસ્ટ્રિયાને જર્મનીએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. જ્યારે રશિયાએ સર્બિયાની સુરક્ષાની પોતાની જવાબદારીની જાહેરાત કરી. ફ્રાંસે પણ રશિયાને ટેકો આપ્યો. પરિણામે યુદ્ધ અનિવાર્ય બન્યું. તટસ્થ બેલ્જિયમ પર જર્મનીએ આક્રમણ કરતાં બ્રિટને પણ જર્મની અને ઑસ્ટ્રિયા-હંગેરી સામે યુદ્ધ જાહેર કર્યું. મધ્ય યુરોપીય સત્તાઓ જર્મની અને ઑસ્ટ્રિયા-હંગેરીની તરફેણમાં તુર્કી અને બલ્ગેરિયા જોડાયાં, જ્યારે ફ્રાંસ, બ્રિટન અન રશિયાની તરફેણમાં ઇટાલી, રુમાનિયા વગેરે જોડાયાં. 1917માં યુ.એસ.એ. પણ જર્મની વિરુદ્ધ યુદ્ધમાં જોડાયું. 1918માં જર્મનીની હાર થઈ અને 11 નવેમ્બર, 1918ને દિવસે જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી.

વર્સાઈની સંધિ અને જર્મન પ્રજાસત્તાક તંત્ર : જર્મની સાથે વર્સાઈની સંધિ (1919) કરવામાં આવી તે મુજબ જર્મનીએ યુરોપમાં કેટલોક પ્રદેશ ગુમાવ્યો. તેનાં બધાં સંસ્થાનો લઈ લેવામાં આવ્યાં. તેનું સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ કરવામાં આવ્યું. યુદ્ધ પેટે વળતર-દંડ લેવાનું નક્કી કરવામાં આવ્યું. આ સંધિને પરિણામે જર્મનીએ યુરોપમાં 65 લાખની વસ્તી સહિત તેનો આઠમા ભાગનો પ્રદેશ ગુમાવ્યો. તેના વ્યાપાર-ઉદ્યોગો નષ્ટ થયા. જર્મનીમાં રાજાશાહીને નાબૂદ કરવામાં આવી અને પ્રજાસત્તાક લોકશાહી તંત્ર સ્થાપવાની તેને ફરજ પાડવામાં આવી. ઉપરાંત, જર્મની અને ઑસ્ટ્રિયા વચ્ચે ભવિષ્યમાં રાજકીય સંઘ રચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

જર્મનીનું નવું પ્રજાસત્તાક તંત્ર ‘વાઇમાર પ્રજાસત્તાક તંત્ર’ તરીકે જાણીતું થયું, કારણ કે નવું સમવાયતંત્રી બંધારણ વાઇમાર મુકામે ઘડવામાં આવ્યું હતું. નવા બંધારણમાં દ્વિગૃહી ધારાસભાનો સમાવેશ થતો હતો, જ્યારે પ્રમુખની ચૂંટણી 7 વર્ષ માટે લોકો દ્વારા કરવાની જોગવાઈ હતી. પ્રમુખ ચાન્સેલર તથા કૅબિનેટના બીજા સભ્યોની નિયુક્તિ કરી શકે તેવી જોગવાઈ કરાઈ.

નવા જર્મન પ્રજાસત્તાક તંત્રને વર્સાઈની સંધિ પર હસ્તાક્ષર કરવા પડ્યા. તેથી શરૂઆતથી જ જર્મનીમાં પ્રજાસત્તાક તંત્ર અપ્રિય બન્યું. સંધિ હેઠળ જર્મનીના ઔદ્યોગિક પ્રદેશ લઈ લેવામાં આવ્યા, તેથી જર્મનીનું ઉત્પાદન ઘટી ગયું. યુદ્ધ-વળતરના હપતા ભરવા માટે જર્મનીની અનિચ્છા હોવાથી જર્મનીને પોતાનું અર્થતંત્ર મજબૂત બનાવવામાં રસ ન હતો. ફ્રાંસ પ્રત્યેની તેની વૈરવૃત્તિ પણ પ્રજ્વલિત રહી. આ બધાં કારણોને લીધે જર્મનીના ચલણ માર્કનું અવમૂલ્યન થયું અને 1922ના અંત સુધીમાં માર્કની કંઈ કિંમત ન રહી. ફ્રાંસે જર્મની પ્રત્યે યુદ્ધવળતર અંગે કડક વલણ અપનાવ્યું અને રુર જેવા જર્મનીના ઔદ્યોગિક વિસ્તાર પર કબજો જમાવ્યો. પરિણામે ફ્રાંસ અને જર્મની વચ્ચે ઘર્ષણ વધ્યું. પ્રજાસત્તાક તંત્રને ઉથલાવી પાડવા માટે 1920માં અને 1923માં પ્રયાસ થયા. બીજી બાજુ માર્કના અવમૂલ્યનને લીધે મધ્યમ વર્ગની બચત નાબૂદ થઈ. આ વર્ગ તેમજ જમીનદારો અને નિવૃત્ત સૈનિકોનું આકર્ષણ 1919માં સ્થપાયેલ નૅશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી (જેનું નૅશનલ સોશિયાલિસ્ટ કે ‘નાઝી’ પક્ષ એવું ટૂંકું નામ પ્રચલિત થયું) પ્રત્યે વધવા લાગ્યું. નાઝી પક્ષ દ્વારા મ્યૂનિકમાં નવેમ્બર, 1923માં સરકારને ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો. તેના મહત્વના નેતા ઍડોલ્ફ હિટલરને કેદની સજા કરવામાં આવી. જેલમાં હિટલરે તેની આત્મકથા ‘માઇન કામ્પ્ફ’ લખી. તેમાં નાઝી પક્ષના ઉદ્દેશો અને ભાવિ કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

1924થી 1930 દરમિયાન જર્મનીમાં એકંદરે રાજકીય સ્થિરતા આવી. યુ.એસ.ના પ્રયાસથી તેનું અર્થતંત્ર સ્થિર થયું. યુદ્ધ-વળતરની રકમ પણ નિયમિત રીતે ચૂકવવાથી તેના ફ્રાંસ સાથેના સંબંધ પણ ઘનિષ્ઠ બન્યા. 1925માં તે લોકાર્નો કરારમાં જોડાયું. તે મુજબ વર્સાઈની સંધિ હેઠળ નક્કી કરવામાં આવેલી ફ્રાંસ અને બેલ્જિયમ સાથેની સરહદોને તેણે કાયમી સરહદો તરીકે અને રાઇનલૅન્ડના વિસ્તારને કાયમી બિનલશ્કરી વિસ્તાર તરીકે સ્વીકૃતિ આપી. 1926માં જર્મની રાષ્ટ્રસંઘમાં જોડાયું અને રાષ્ટ્રસંઘની કાઉન્સિલનું કાયમી સભ્ય બન્યું. આવા સંજોગોમાં નાઝી પક્ષનું મહત્વ ઘટી ગયું હતું; પરંતુ 1929 પછી વિશ્વવ્યાપી મંદીની અસર હેઠળ જર્મનીનું અર્થતંત્ર તૂટી પડ્યું. 1930–32 દરમિયાન જર્મનીમાં બેરોજગાર લોકોનું પ્રમાણ ખૂબ વધી ગયું, અને નાઝી પક્ષે તેનો ફાયદો ઉઠાવ્યો. નાઝી પક્ષે જર્મનીની આ આપત્તિ માટે વર્સાઈની સંધિ તેમજ નવા જર્મન પ્રજાસત્તાક અને યહૂદીઓને જવાબદાર ગણાવ્યાં. 1929માં ધારાસભાના નીચલા ગૃહમાં નાઝી પક્ષની 12 બેઠક હતી; પરંતુ 1930ની ચૂંટણીમાં તે વધીને 107 થઈ, જુલાઈ, 1932માં તેણે 230 બેઠકો મેળવી. સૌથી વધારે બેઠક મેળવનાર પક્ષ તરીકે નાઝી પક્ષના નેતા તરીકે હિટલરને 30 જાન્યુઆરી, 1933ના દિવસે સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું. 5 માર્ચ, 1933ના દિવસે જર્મનીમાં છેલ્લી મુક્ત ચૂંટણી યોજાઈ. નાઝી પક્ષને આ ચૂંટણીમાં 43.9 % મત મળ્યા. ચાન્સેલર તરીકે હિટલરે બધી સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત કરી.

આકૃતિ 3 : મ્યૂનિક ખાતેનું જર્મનીનું સમૃદ્ધ સંગ્રહાલય

જર્મનીમાં નાઝી શાસન : 21 માર્ચ, 1933ને દિવસે હિટલરે જર્મનીને ‘ત્રીજા સામ્રાજ્ય’ (The Third Reich) તરીકે ઘોષિત કર્યું. હવે તેણે લોકશાહી રીતરસમને તિલાંજલિ આપી. નાઝી પક્ષ સિવાય બીજા રાજકીય પક્ષોને દૂર કરવામાં આવ્યા. નાઝી વિચારોનો ફેલાવો કરવા પોલીસતંત્ર, અદાલતો, અખબારો, શાળા-કૉલેજો વગેરે પર અંકુશ મજબૂત કર્યો. નાઝી પક્ષના વિરોધીઓને જેલમાં પૂરવામાં આવ્યા. પ્રચારતંત્રનો પૂરેપૂરો ઉપયોગ કરીને જર્મન માનસ હિટલર-તરફી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

જાતીય શુદ્ધિ પર ભાર મૂકીને જર્મન જાતિને શુદ્ધ આર્ય જાતિ તરીકે જાહેર કરવામાં આવી. યહૂદી પ્રજાવિરોધી નીતિ અખત્યાર કરીને યહૂદીઓને અશુદ્ધ જાતિ તરીકે જાહેર કરવામાં આવ્યા. ક્રમે ક્રમે તેમને સરકારી નોકરીથી (1933) અને 1935માં નાગરિક તરીકેના અધિકારોથી વંચિત કરવામાં આવ્યા. પાછળથી તેમને મોટી સંખ્યામાં યાતના-શિબિરોમાં રાખવામાં આવ્યા. પરિણામે જર્મનીમાંની યહૂદી વસ્તીનો અર્ધો હિસ્સો જર્મની છોડી ગયો.

1939માં પ્રમુખ હિન્ડનબર્ગના મૃત્યુ પછી હિટલર જર્મનીનો પ્રમુખ બન્યો. આમ પક્ષ, સરકાર અને રાજ્યનો તે વડો બન્યો. હિટલરે અર્થતંત્રને સ્વાવલંબી બનાવવા જૂના મજૂર સંઘો નાબૂદ કર્યા અને સરકારના અંકુશ હેઠળ નવાં મજૂરમંડળોની રચના કરવામાં આવી. વિદેશવ્યાપાર પર પણ સરકારનો અંકુશ મૂકવામાં આવ્યો. ગેરબંધારણીય આર્થિક પગલાં દ્વારા જર્મનીની લશ્કરી તાકાત વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

યુરોપમાં જ સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી હિટલરે આક્રમક વિદેશનીતિ અખત્યાર કરી. ઑક્ટોબર, 1933માં જર્મનીએ નિ:શસ્ત્રીકરણ પરિષદ તેમજ રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. વર્સાઈની સંધિ હેઠળ પોલૅન્ડને જર્મનીનો કેટલોક પ્રદેશ (પોલિશ કૉરિડોર) આપવામાં આવેલો હોવા છતાં પોલૅન્ડનો વિશ્વાસ સંપાદન કરવા અને સોવિયેટ સંઘને પશ્ચિમી સત્તાઓથી અલગ રાખવા હિટલરે જાન્યુઆરી, 1934માં પોલૅન્ડ સાથે 10 વર્ષનો બિનઆક્રમણનો કરાર કર્યો. જાન્યુઆરી, 1935માં સાર પ્રદેશમાં લોકમત લેવામાં આવ્યો અને આ પ્રદેશ ફ્રાંસ પાસેથી જર્મનીને પાછો સુપરત કરવામાં આવ્યો; પરંતુ માર્ચ, 1936માં જર્મનીએ લોકાર્નો કરાર(1925)નો ભંગ કરીને રાઇનલૅન્ડના બિનલશ્કરી વિસ્તારમાં કિલ્લેબંધી કરવાની શરૂઆત કરી. બીજી બાજુ સામ્યવાદવિરોધી બ્રિટિશ લોકમતને રાજી રાખવા હિટલરે ફ્રાંસ અને સોવિયેટ સંઘ વચ્ચે થયેલી સંધિ(1935–36)ને વખોડી કાઢી. પશ્ચિમી સત્તાઓ અને ઇટાલી વચ્ચે અંતર વધારવા સ્પૅનિશ આંતરવિગ્રહ વખતે (1936–39) હિટલરે ઇટાલીને ટેકો આપ્યો. એ રીતે બે યુરોપી ફાસીવાદી સત્તાઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ સ્થપાયો. સોવિયેટ સંઘે રાષ્ટ્રસંઘને ઉપક્રમે ફાસીવાદી સત્તાઓ સામે કડક પગલાં લેવાનો પશ્ચિમી સત્તાઓ(બ્રિટન અને ફ્રાંસ)ને સતત આગ્રહ કર્યો; પરંતુ હિટલરના સામ્યવાદ વિરોધી પ્રચારને લીધે પશ્ચિમી સત્તાઓને સામ્યવાદી રશિયા પ્રત્યે શંકા પેદા થઈ.

યુદ્ધની ધમકીની બીકને લીધે ફ્રાંસ તથા બ્રિટને હિટલરની આક્રમક નીતિને અંકુશમાં મૂકવાને બદલે તેના તરફ તુષ્ટીકરણની નીતિ અખત્યાર કરી. માર્ચ, 1938માં હિટલરે ઑસ્ટ્રિયા પર કબજો જમાવ્યો. 30 સપ્ટેમ્બર, 1938ની મ્યૂનિક પરિષદમાં હિટલરની ધમકીથી શાંતિને નામે બ્રિટન તથા ફ્રાંસે ચેકોસ્લોવૅકિયાનો જર્મનભાષી પ્રદેશ ઉપરાંત અન્ય વિસ્તાર પણ જર્મનીને સુપરત કર્યો. હિટલરનો હેતુ પૂર્વ યુરોપસહિત સોવિયેટ પ્રદેશો પર કબજો જમાવવાનો હતો. તેથી તેણે 15 માર્ચ, 1939 સુધીમાં બાકીના ચેક પ્રદેશ પર પણ અંકુશ સ્થાપ્યો, અને હવે તેણે પોલૅન્ડ પર આક્રમણ કરવાની યોજના કરી. તેણે મે, 1939માં ઇટાલી સાથે લશ્કરી કરાર કર્યો, અને બ્રિટન ફ્રાન્સને નિષ્ક્રિય બનાવવા પોતાના દુશ્મન સોવિયેટ રશિયા સાથે પણ 23–24 ઑગસ્ટ, 1939માં બિનઆક્રમણના કરાર કરીને દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી. જોકે, માર્ચ, 1939થી બ્રિટન હવે ખુલ્લી રીતે જર્મનીનું વિરોધી બન્યું. બ્રિટન તથા ફ્રાંસે પોલૅન્ડની રાજકીય સ્વતંત્રતાને બાંયધરી આપી. અંતે, 1 સપ્ટેમ્બર, 1939ને દિવસે જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું બ્રિટન અને ફ્રાંસે 3 સપ્ટેમ્બર, 1939ને દિવસે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ.

દ્વિતીય વિશ્વયુદ્ધ : યુદ્ધની શરૂઆતના તબક્કામાં સોવિયેટ સંઘ તથા ઇટાલી તટસ્થ રહ્યાં હતાં. મે, 1940 સુધીમાં જર્મનીએ સ્કૅન્ડિનેવિયન દેશો ઉપરાંત હોલૅન્ડ, બેલ્જિયમ, લક્ઝમ્બર્ગ અને ફ્રાન્સ પર આક્રમણ કરીને તેમના પર કબજો જમાવ્યો. 10 જૂન, 1940ને દિવસે ઇટાલીનો મુસોલિની હિટલરને પક્ષે યુદ્ધમાં જોડાયો અને જૂન, 1940ના અંત સુધીમાં પૅરિસનું પતન થયું. 27 સપ્ટેમ્બર, 1940ને દિવસે જર્મની, ઇટાલી અને જાપાન વચ્ચે સમજૂતી થઈ કે પૂર્વ એશિયા અને અગ્નિ એશિયામાં ડચ, ફ્રેંચ તથા બ્રિટિશ સંસ્થાનો પર જાપાન અંકુશ સ્થાપે. બીજી બાજુ જર્મનીએ 1941ના પૂર્વાર્ધમાં બાલ્ટિક વિસ્તારો પર અંકુશ સ્થાપી દીધો અને 22 જૂન, 1941ને દિવસે હિટલરે સોવિયેટ રશિયા પર આક્રમણ કર્યું. તેની સાથે યુદ્ધનો નવો તબક્કો શરૂ થયો.

1941ના અંત સુધીમાં નાઝી જર્મનીએ બ્રિટનને બાદ કરતાં લગભગ આખા યુરોપ પર પોતાની લશ્કરી સત્તા સ્થાપી દીધી. નાઝી લશ્કરોએ યુદ્ધ દરમિયાન 60 લાખ યુરોપીય યહૂદીઓ, લગભગ 50 લાખ પોલ, જિપ્સીઓ અને અન્ય લોકોનો ક્રૂર રીતે ઘાત કર્યો. મોટા ભાગના આ લોકોને યાતનાશિબિરોમાં જ વિષાક્ત વાયુકક્ષોમાં પૂરીને મારી  નાખવામાં આવ્યા. બીજી બાજુ જર્મન લશ્કરો સોવિયેટ રશિયા પર કબજો જમાવવામાં નિષ્ફળ ગયાં. 7 ડિસેમ્બર, 1941નો દિવસે જાપાને યુ.એસ.ના પૅસિફિક વિસ્તારના હવાઈ ટાપુ પરના નૌકામથક પર્લ હાર્બર પર આક્રમણ કર્યું, તેથી યુ.એસ. પણ હવે ખુલ્લી રીતે ફાસીવાદી સત્તાઓ વિરુદ્ધ યુદ્ધમાં જોડાયું. 22 ઑક્ટોબર, 1942ને દિવસે ઉત્તર આફ્રિકામાં અલ અલામેનના યુદ્ધમાં જર્મન લશ્કરોની હાર થઈ. 22 નવેમ્બર, 1942થી સોવિયેટ લશ્કરી દળોએ જર્મન આક્રમણને ખાળીને પ્રતિઆક્રમણ કર્યું. ત્યારથી જર્મનીની હારની શરૂઆત થઈ. 6 જૂન, 1944માં જનરલ આઇઝનહોવરના નેતૃત્વ હેઠળ સાથી સત્તાઓનાં દળોએ નૉર્મંડી(ફ્રાન્સ)માં ઉતરાણ કર્યું અને થોડા સમયમાં પશ્ચિમ જર્મની પર આક્રમણ કર્યું. જ્યારે જાન્યુઆરી 1945 સુધીમાં માર્શલ ઝુકોવના નેતૃત્વ હેઠળ સોવિયેટ લશ્કરોએ પોલૅન્ડ અને પૂર્વ પ્રશિયામાં પ્રવેશ કર્યો. 30 એપ્રિલ, 1945ને દિવસે હિટલરે આપઘાત કર્યો, અને અને 7 મે, 1945ને દિવસે જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી, તેની સાથે યુરોપમાં યુદ્ધનો અંત આવ્યો. જર્મનીના પ્રદેશો પર સોવિયેટ સંઘ, બ્રિટન, યુ.એસ. તથા ફ્રાન્સનાં લશ્કરોએ કબજો જમાવ્યો. આમ હિટલરે સ્થાપેલા ‘ત્રીજા જર્મન સામ્રાજ્ય’નો અંત આવ્યો.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીનું રાજ્યકીય પુનર્ગઠન : યુદ્ધે જર્મનીમાં વિનાશ સર્જ્યો. યુદ્ધના આખરી તબક્કામાં યાલ્ટા પરિષદ(ફેબ્રુઆરી, 1945)માં યુ.એસ., બ્રિટન અને સોવિયેટ સંઘે જર્મની પર સંયુક્ત અંકુશ સ્થાપવાનો નિર્ણય લીધો તેમાં ફ્રાંસને પણ સામેલ કરવામાં આવ્યું. એ રીતે જર્મનીને 4 સત્તાઓના અંકુશ હેઠળ 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું. જૂન 1945માં ચારે સત્તાઓએ સંયુક્ત રીતે જર્મની પર સત્તા સ્થાપી. રાજધાની બર્લિન સહિત જર્મનીને ચાર લશ્કરી વિસ્તારોમાં વિભાજવામાં આવ્યું. જુલાઈ-ઑગસ્ટ, 1945માં પોટ્સડેમ (જર્મની) મુકામે 4 સત્તાઓના પ્રતિનિધિઓની પરિષદમાં જર્મનીમાંથી નાઝી વહીવટ, કાયદા, વિચારધારા વગેરેને નાબૂદ કરીને લોકશાહી માળખામાં તેની પુર્નરચના કરવાનો તેમજ યુદ્ધ પછીની તેની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જર્મન શરણાર્થીઓનો પ્રશ્ન હલ કરવા તથા યુદ્ધ પેટે વળતર વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

વિજેતા સત્તાઓએ જર્મનીને 4 વિભાગમાં વહેંચ્યા પછી થોડાં વર્ષોમાં યુ.એસ., બ્રિટન તથા ફ્રાન્સના લશ્કરી અંકુશ હેઠળના વિભાગોમાં પશ્ચિમ જર્મની, અને સોવિયેટ રશિયાના અંકુશ હેઠળના વિભાગમાંથી પૂર્વ જર્મનીનું રાજ્ય રચવામાં આવ્યું. સોવિયેટ રશિયાએ યુદ્ધ પછી તેના અંકુશ હેઠળના જર્મની સહિત પૂર્વ યુરોપમાં સામ્યવાદી સરકાર સ્થાપવાની શરૂઆત કરી. તેથી ઠંડા યુદ્ધનું વાતાવરણ સર્જાયું. એપ્રિલ, 1948થી મે, 1949ના સમય દરમિયાન ‘બર્લિન કટોકટી’ સર્જાઈ. છેવટે 11 મે, 1949ને દિવસે સોવિયેટ સંઘે બર્લિનની નાકાબંધી ઉઠાવી લીધી. 21 સપ્ટેમ્બર, 1949ને દિવસે ત્રણે પશ્ચિમી સત્તાના અંકુશ હેઠળના જર્મન વિસ્તારોને જોડીને નવા બંધારણ હેઠળ જર્મન રાજ્ય ‘ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મની’ની સ્થાપના કરવામાં આવી અને લશ્કરી શાસનનો અંત આવ્યો. બીજી બાજુ પૂર્વ જર્મનીમાં સોવિયેટ સંઘે 7 ઑક્ટોબર, 1949ને દિવસે નવા સામ્યવાદી બંધારણ હેઠળ જર્મન ડેમૉક્રૅટિક રિપબ્લિક નામના નવા જર્મન રાજ્યની રચના કરીને સોવિયેટ લશ્કરી અંકુશના અંતની જાહેરાત કરી.

પશ્ચિમ જર્મની (ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મની) : નવા પશ્ચિમ જર્મનીનું ક્ષેત્રફળ 2,48,682 ચોકિમી. હતું, તેમાં પશ્ચિમ બર્લિન(298 ચોકિમી.)નો પણ સમાવેશ થતો હતો. પશ્ચિમ જર્મનીની રાજધાની બોનમાં રાખવામાં આવી. સપ્ટેમ્બર, 1949માં પ્રથમ વાર પશ્ચિમ જર્મનીની પાર્લમેન્ટ બોનમાં મળી. કોનરેડ ઍડેનાઉરને ચાન્સેલર તરીકે ચૂંટી કાઢવામાં આવ્યો. તે 1963માં નિવૃત્ત થયો ત્યાર પછી લુડવિગ એરહાર્ડ (1963–1966) અને કુર્ત જૉર્જ કિસિંજર (1966–1969) ચાન્સેલર થયા. આ ત્રણેય ચાન્સેલર ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક પક્ષના હતા, જ્યારે વિલી બ્રાન્ટ (1969–1975) સોશિયલ ડેમૉક્રૅટિક પક્ષના ચાન્સેલર હતા. ત્યાર પછી તે જ પક્ષના હેલ્મટ શ્મિટ (1974–1982) ચાન્સેલર થયા. 1983 અને 1987ની ચૂંટણી ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક યુનિયન અને ફ્રી ડેમૉક્રૅટ પક્ષે સાથે મળીને જીતી અને ચાન્સેલર તરીકે હેલ્મુટ કોલ રહ્યા.

શરૂઆતથી જ પશ્ચિમ જર્મનીમાં લોકશાહી તંત્રને પશ્ચિમી સત્તાઓએ પ્રોત્સાહન આપ્યું. 26 મે, 1952ના દિવસે પશ્ચિમ જર્મની પરનો સાથી-સત્તાઓનો લશ્કરી અંકુશ નાબૂદ કરવામાં આવ્યો અને 5 મે 1955ના દિવસે તે સ્વતંત્ર, સાર્વભૌમ રાજ્ય બન્યું. 6 મે, 1955થી તેને ‘NATO’ (નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન) સાથે જોડવામાં આવ્યું. પશ્ચિમ જર્મનીને સોવિયેટ સંઘે પણ રાજદ્વારી સ્વીકૃતિ આપી; પરંતુ પશ્ચિમ જર્મની જર્મન એકતાની તરફેણમાં હોવાથી પૂર્વ જર્મનીને સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વીકારવા તૈયાર ન હતું, તેમ છતાં બંને જર્મની વચ્ચે આર્થિક સંબંધો જાળવવામાં આવ્યા. 1970માં સોવિયેટ રશિયા અને પશ્ચિમ જર્મની વચ્ચે બિનઆક્રમણને લગતી સમજૂતી થઈ અને ચાન્સેલર વિલી બ્રાન્ટે હવે તેના પૂર્વનાં પડોસી રાજ્યો સાથેના સંબંધો સુધારવાની નીતિ (ost politik) અપનાવી. પરિણામે 1972માં બંને જર્મન રાજ્યો વચ્ચેના સંબંધો સામાન્ય બન્યા અને 8 નવેમ્બર 1972માં બંનેએ એકબીજાને રાજદ્વારી સ્વીકૃતિ આપી. 1973માં બંને રાજ્યોને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રવેશ મળ્યો.

પૂર્વ જર્મની (જર્મન ડેમૉક્રૅટિક રિપબ્લિક) : પૂર્વ જર્મનીનું ક્ષેત્રફળ 1,08,179 ચોકિમી. હતું. તેની રાજધાની પૂર્વ બર્લિનમાં રાખવામાં આવી. બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેટ સંઘે પૂર્વ જર્મનીમાં સામ્યવાદી વિચારધારાને જ પ્રોત્સાહન આપ્યું. બૅંકો, ખેતરો અને ઉદ્યોગોને રાજ્યહસ્તક લઈ લેવામાં આવ્યાં. વહીવટી તંત્ર પર સોવિયેટ વર્ચસ્ સ્થપાયું. વિરોધીઓને જેલમાં પૂરવામાં આવ્યા. વોલ્ટર ઉલબ્રિખ્ટના નેતૃત્વ હેઠળ સોશિયાલિસ્ટ યુનિટી પક્ષ આગળ પડતો પક્ષ હતો. મે, 1949ના બંધારણ હેઠળ 7 ઑક્ટોબર, 1949થી રચાયેલી સરકારનો વડો ઉલબ્રિખ્ટ ન હતો, તેમ છતાં સોવિયેટ વગ હેઠળ બધી સત્તા તેના હાથમાં કેન્દ્રિત થઈ. 1960થી તે પૂર્વ જર્મનીનો વડો બન્યો. મે, 1955માં પૂર્વ જર્મનીને વૉર્સો લશ્કરી કરારમાં જોડવામાં આવ્યું અને ઑક્ટોબર, 1955માં તેને સોવિયેટ સંઘથી સ્વતંત્ર રાજ્ય સત્તાવાર ઘોષિત કરવામાં આવ્યું. તેમ છતાં તેના પર સોવિયેટ અંકુશ ચાલુ જ રહ્યો.

પશ્ચિમ જર્મનીની તુલનામાં પૂર્વ જર્મની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનું સ્થાન પ્રાપ્ત ન કરી શક્યું. રાજકીય અને આર્થિક નિયંત્રણોને લીધે તે પશ્ચિમ જર્મનીથી આર્થિક ક્ષેત્રે પણ નબળું રહ્યું. 1953માં આર્થિક પરિસ્થિતિ વણસતાં કામના કલાકોમાં વધારો કરવામાં આવ્યો. પ્રત્યાઘાત રૂપે પૂર્વ બર્લિન અને બીજાં શહેરોમાં તોફાનો થયાં અને હડતાળો પડી. મોટી સંખ્યામાં લોકો (1945થી લગભગ 30 લાખ) પૂર્વ જર્મનીમાંથી પશ્ચિમ બર્લિનમાં નાસી છૂટ્યા. તેથી કામદારોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો અને તેના અર્થતંત્ર પર ઘેરી અસર પડી. લોકોની હિજરતને અટકાવવા માટે પૂર્વ જર્મનીની સરકારે ઑગસ્ટ 1961માં પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચે દીવાલ બાંધીને હિજરત અટકાવી. 1963માં પૂર્વ જર્મનીમાં નવી આર્થિક પદ્ધતિ દાખલ કરવામાં આવી. તે પછી તેની આર્થિક સ્થિતિ સુધરવા લાગી અને 1970ના મધ્યથી તેની આર્થિક સમૃદ્ધિમાં વધારો થયો.

એક જ જર્મનીના પ્રચલિત ખ્યાલને નાબૂદ કરવા 1968માં પૂર્વ જર્મનીએ નવા બંધારણ હેઠળ અલગ સમાજવાદી જર્મન રાજ્ય-(સોશિયાલિસ્ટ સ્ટેટ ઑવ્ જર્મની)ની જાહેરાત કરી. આ નવા બંધારણ હેઠળ, પશ્ચિમ જર્મનીનું સ્વરૂપ સમાજવાદી ન બને ત્યાં સુધી જર્મનીના એકીકરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો; શરૂઆતમાં સોવિયેટ સત્તાજૂથ સિવાય બીજાં રાજ્યોમાં પૂર્વ જર્મનીને સ્વીકૃતિ આપનાર એકમાત્ર યુગોસ્લાવિયા હતું; પરંતુ 1969માં ઇરાકે અને ત્યાર પછી ત્રીજા વિશ્વનાં બીજાં રાષ્ટ્રોએ તેને રાજદ્વારી સ્વીકૃતિ આપી. 1971માં ઉલબ્રિખ્ટે પૂર્વ જર્મન રાજ્યના વડા અને સોશિયાલિસ્ટ યુનિટી પક્ષના વડા તરીકે રાજીનામું આપ્યું. તેને સ્થાને એરિક હોનેકર સત્તા પર આવ્યો. હોનેકરે બિનસામ્યવાદી દેશો સાથે પૂર્વ જર્મનીના સંબંધો સુધાર્યા. અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો એ પ્રમાણે 1970ના દાયકામાં બંને જર્મની વચ્ચેના સંબંધોમાં ક્રમશ: સુધારો થવા લાગ્યો. 1973માં બંને જર્મન રાજ્યો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ દાખલ થયાં.

બંને જર્મની વચ્ચેના સંબંધોમાં સુધારો અને જર્મનીનું પુન: એકીકરણ : 1989માં પૂર્વ જર્મનીમાં મહત્વનાં પરિવર્તન આવ્યાં. તેનું  એક મહત્વનું કારણ એ હતું કે ઘણાં પૂર્વ યુરોપી રાષ્ટ્રોમાં 1985થી  સામ્યવાદી સરકારો વિરુદ્ધ વધારે સ્વતંત્રતા માટે આંદોલન શરૂ થયાં હતાં. સામ્યવાદી હંગરીએ બિનસામ્યવાદી ઑસ્ટ્રિયા સાથેની સરહદે ગોઠવેલા અંતરાયો દૂર કર્યા. તેથી હજારોની સંખ્યામાં પૂર્વ જર્મનીના લોકો હંગેરી થઈને ઑસ્ટ્રિયામાં પ્રવેશ્યા, અને ત્યાંથી પશ્ચિમ જર્મની પહોંચ્યા. આ સમયે પૂર્વ જર્મનીમાં લોકોએ સ્વતંત્રતા માટેનું આંદોલન ચાલુ રાખ્યું હતું. પરિણામે ઑક્ટોબર, 1989માં હોનેકરને પક્ષના વડા તરીકે રાજીનામું આપવું પડ્યું. 9 નવેમ્બર, 1989માં પૂર્વ જર્મનીની સરકારે સરહદી નિયંત્રણો દૂર કરીને જર્મન નાગરિકોને વિદેશમાં પ્રવાસ કરવાની છૂટ આપી. તે માટે બર્લિનની દીવાલ ખુલ્લી મૂકવામાં આવી. તેથી પણ હજારોની સંખ્યામાં લોકો પશ્ચિમ જર્મની જવા લાગ્યા. બીજી બાજુ પૂર્વ જર્મનીમાં નવા બિનસામ્યવાદી પક્ષો અસ્તિત્વમાં આવ્યા. સરકાર પર આ પક્ષોનું દબાણ વધવા લાગ્યું. પૂર્વ જર્મનીમાં લોકશાહી સરકારની સ્થાપનાની સાથેસાથે ઘણા લોકો હવે જર્મનીના પુન: એકીકરણ અંગે વિચારવા લાગ્યા. ફેબ્રુઆરી 1990માં પૂર્વ જર્મન નેતા મોડ્રોવે પશ્ચિમ જર્મની સાથે પુન: જોડાણના પ્રસ્તાવની જાહેરાત કરી. પરિણામે પ્રથમ વાર પૂર્વ જર્મનીમાં 18 માર્ચ, 1990ને દિવસે પાર્લમેન્ટની મુક્ત ચૂંટણી યોજવામાં આવી. આ ચૂંટણીમાં મોટા ભાગના મતદારોએ ઝડપી પુન: જોડાણની તરફેણ કરતા ઉમેદવારોને જ મત આપ્યા. ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક યુનિયન જેવા બિનસામ્યવાદી પક્ષને મોટા ભાગની બેઠકો મળી; જ્યારે સામ્યવાદી પક્ષ; ધ સોશિયાલિસ્ટ યુનિયન પાર્ટીને માત્ર 17 % જેટલી બેઠક મળી.

મે, 1990માં પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે ગાઢ આર્થિક સહકાર માટે સંધિ થઈ. પરિણામે જુલાઈ, 1990થી પશ્ચિમ જર્મનીના માર્કનો પૂર્વ જર્મનીમાં પણ ચલણ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો. મેથી  સપ્ટેમ્બર, 1990 દરમિયાન બંને જર્મની તેમજ યુદ્ધસમયનાં સાથી-રાજ્યો યુ.એસ., સોવિયેટ રશિયા, બ્રિટન તથા ફ્રાન્સના વિદેશ મંત્રીઓ વચ્ચે જર્મન એકીકરણ અંગે વાટાઘાટો ચાલી અને 12 સપ્ટેમ્બર, 1990ને દિવસે થયેલ સંધિ મુજબ સાથી સત્તાઓ બંને જર્મનીમાંના પોતાના બધા અધિકારો જતા કરવા માટે સંમત થઈ. જર્મની અંગે આ અંતિમ સમજૂતીને લગતી સંધિ હેઠળ પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ શક્ય બન્યું. 31 ઑગસ્ટ, 1990ને દિવસે પૂર્વ અને પશ્ચિમ જર્મનીના પ્રતિનિધિઓએ એકીકરણની સંધિ પર હસ્તાક્ષર કર્યા અને 3 ઑક્ટોબર, 1990થી સત્તાવાર રીતે એક સંગઠિત જર્મન રાષ્ટ્ર ફરી અસ્તિત્વમાં આવ્યું. પશ્ચિમ જર્મનીના ચાન્સેલર હેલ્મુટ કોલ નવા જર્મન રાષ્ટ્રના ચાન્સેલર તરીકે વરણી પામ્યા. ડિસેમ્બર, 1990માં નવા જર્મન રાષ્ટ્રમાં પ્રથમ ચૂંટણી યોજવામાં આવી. ધ ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક યુનિયન પક્ષને મોટા ભાગની બેઠક મળી. આ પક્ષે ફ્રી ડેમૉક્રૅટિક પક્ષ સાથે મળીને કોલના નેતૃત્વ હેઠળ મિશ્ર સરકારની રચના કરી.

ઑક્ટોબર, 1990માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયા પછી યુરોપમાં સૌથી મજબૂત અર્થતંત્રનું સ્થાન જાળવી રાખવા જર્મનીએ 1992માં પણ સંઘર્ષ કરવો પડ્યો. અગાઉના પૂર્વ જર્મનીમાં કારખાનાં પુન: શરૂ કરવાનાં હતાં. ઔદ્યોગિક પ્રદૂષણ દૂર કરવાનું હતું; તથા બીજા સામાજિક, તાલીમી વગેરે કાર્યક્રમો માટે 100 અબજ યુ.એસ. ડૉલર ખર્ચ થવાની શક્યતા હતી. ફુગાવો વધ્યો હોવાથી ત્યાંની સેન્ટ્રલ બૅંકે (Bundes Bank) વ્યાજના દર ઊંચા રાખ્યા. યુગોસ્લાવિયા, અગાઉનું સોવિયેટ સંઘ અને પૂર્વ યુરોપમાંથી લાખો નિરાશ્રિતો જર્મનીમાં આવ્યા. 1992માં તેમની સાથે જર્મનીના લોકોને અથડામણ થઈ અને હિંસક બનાવો બન્યા. તે રોકવા માટે સરકારે પ્રયાસો કર્યા. બે જર્મની એક થવાથી આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યાઓ હલ કરવાની હતી. પૂર્વ જર્મનીમાં ઉદ્યોગો શરૂ કરવાના હતા. તે માટે 1993માં સરકારે કરવેરા વધારવા પડ્યા અને વ્યાજના દર ઊંચા રાખવા પડ્યા. 1993ની આખરે બેકારી 9 ટકા જેટલી હતી. પૂર્વ જર્મનીના સામ્યવાદી પક્ષના ઉચ્ચ અધિકારીઓએ કરેલા ગંભીર ગુનાઓ માટે તેમની સામે કેસ ચલાવવામાં આવ્યા. 1971થી 1989 દરમિયાન પૂર્વ જર્મનીનો સામ્યવાદી વડો એરિક હોનેકર 80 વર્ષનો હતો અને તેને લીવરનું કૅન્સર થયું હતું. તેને જાન્યુઆરી, 1993માં જેલમાંથી છોડ્યા પછી તે વિમાનમાં ચિલી નાસી ગયો. ઑક્ટોબર, 1994માં ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક યુનિયન પક્ષનો હેલ્મુટ કોલ ચોથી વાર જર્મન ચાન્સેલર ચૂંટાયો. મે, 1994માં યોજાયેલી જર્મનીના પ્રમુખની ચૂંટણીમાં રોમ હર્ઝોગ ચૂંટાયો. 1994માં જર્મનીના અર્થતંત્રમાં સુધારો થવા માંડ્યો. 1995માં ચાન્સેલર હેલ્મુટ કોલ અને તેની ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક પાર્ટીએ, તેમના જોડાણવાળો પક્ષ ફ્રી ડેમૉક્રૅટિક પાર્ટી નબળો પડવા છતાં, સત્તા ટકાવી રાખી. 1995માં આર્થિક વિકાસ ઘણો ધીમો હતો. પૂર્વ જર્મનીમાં બેકારી 14 ટકા હતી. 1996માં જર્મનીનાં ત્રણ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં ચાન્સેલર કોલના પક્ષના તથા તેની સાથે જોડાયેલ ફ્રી ડેમૉક્રૅટિક પાર્ટીની બેઠકો વધી. સારાં પરિણામોથી મજબૂત બનેલા ચાન્સેલર હેલ્મુટ કોલે 1997માં સમવાયી અને રાજ્ય સરકારનો ખર્ચ ઘટાડીને કલ્યાણકારી કાર્યોની જાહેરાત કરી. બીજા વિશ્વયુદ્ધ (1939–1945) પછી 1997માં બેકારીમાં ખૂબ વધારો થયો. જર્મનીમાં કરવેરા વધારે અને કામદારોનાં વેતન ઘણાં વધારે હોવાથી, ઉદ્યોગો દેશની બહાર લઈ જવામાં આવ્યા હતા. બાંધકામનો ધંધો મંદ પડ્યો તથા પૂર્વ જર્મનીમાં નવાં કામ ખોલવાની યોજનાઓ બંધ થવાથી 1997ના પ્રથમાર્ધમાં બેકારી 12 ટકા થઈ હતી. 40 લાખથી વધુ લોકો બેકાર હતા. તેથી સરકારના આવકવેરામાં ઘટાડો થયો અને બેકારીના લાભ આપવા, સરકારે વધુ ખર્ચ કરવો પડ્યો. 1997માં આર્થિક કટોકટી પેદા થવાની શક્યતા વધવાથી નાણા-પ્રધાને દેશના અનામત સોનાનું પુન: મૂલ્યાંકનનું સૂચન કર્યું. તેનાથી દેશની પ્રતિષ્ઠા ઘટી. સરકારે પેટ્રોલ અને અન્ય ઊર્જાપેદાશો પર વેરા વધાર્યા. જુલાઈ, ઑગસ્ટ, 1997માં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂર આવવાથી, લોકોને 270 મિલિયન યુ. એસ. ડૉલર જેટલું નુકસાન થયું.

1998માં લોકોએ 16 વર્ષથી સત્તા ભોગવતી હેલ્મુટ કોલની ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક પાર્ટીને બદલે ગરહાર્ડ શ્રોડરના સોશિયલ ડેમૉક્રૅટિક પક્ષને ચૂંટ્યો. 27 ઑક્ટોબર, 1998ના રોજ શ્રોડરને નવી પાર્લમેન્ટે ચાન્સેલર ચૂંટ્યો. ઓસ્કાર લોફેન્ટીનને નવો નાણામંત્રી નીમવામાં આવ્યો. યુરોપીય સંઘના બજેટમાં જર્મનીનો મોટો હિસ્સો હતો, તે ઘટાડવાની તેણે માગણી કરી. તેની સરકારે કોઈ પણ સંઘર્ષમાં અણુબૉમ્બનો પ્રથમ પ્રયોગ ન કરવા નાટોને જણાવ્યું. ચાન્સેલર શ્રોડરે 2001માં આતંકવાદ વિરુદ્ધની ઝુંબેશમાં ટેકો આપ્યો. 2001ની આખરે જર્મન અર્થતંત્ર મંદી તરફ ઢળ્યું હતું. તે અમેરિકાના અર્થતંત્રની મંદગતિની અસર હતી. 2002ની ચૂંટણીમાં ચાન્સેલર શ્રોડર ફરી વાર ચૂંટાયો. તે વર્ષે કામદારોની બેકારી 9 ટકાથી વધારે થઈ હતી. ઑગસ્ટ, 2002માં મધ્ય યુરોપમાં અતિશય વરસાદને કારણે પૂર્વ જર્મનીમાં એલ્બી નદીમાં પૂર આવવાથી 9 અબજ ડૉલરનું નુકસાન થયું. માર્ચ, 2003માં શ્રોડરે દેશના આર્થિક વિકાસનો કાર્યક્રમ કરીને પાર્લમેન્ટના નીચલા ગૃહ (Bundestag)માં મંજૂર કરાવ્યો. તેમાં આરોગ્યની સંભાળ, લોકકલ્યાણ, કરવેરા ઘટાડવા અને 40 લાખ બેકારોને કામ આપવાનો સમાવેશ કરવામાં આવ્યો. શ્રોડરે અમેરિકાએ ઇરાક સાથે કરેલા યુદ્ધનો વિરોધ કર્યો. તેથી અમેરિકા સાથેના સંબંધો તંગ બન્યા.

સરકારે કરેલા સુધારા ખાસ કરીને પૂર્વ જર્મનીમાં વિવાદાસ્પદ બન્યા, ત્યાં 2004માં બેકારી 18 ટકાથી વધારે હતી. કલ્યાણકારી યોજનાઓમાં કાપ મુકાયો, તેનો લાખો જર્મનોએ વિરોધ કરવા માટે દેખાવો કર્યા. નવેમ્બર 2005માં અગાઉના પૂર્વ જર્મનીમાંથી પ્રથમ વાર એન્જેલા મર્કલ, જર્મનીમાં પ્રથમ મહિલા ચાન્સેલર બન્યાં. તે ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક યુનિયન (CDU) પક્ષનાં હતાં. જાન્યુઆરી, 2006માં જર્મનીમાં 52 લાખ લોકો બેકાર હતા; તે આંકડો 1930ની મહામંદી પછી સૌથી વધારે હતો. અગાઉના પૂર્વ જર્મનીમાં પાંચ રાજ્યો હતાં. તેને સબસિડી પેટે 1990માં એકીકરણ થયા પછી પ્રતિવર્ષ 90 અબજ યુરો (ડૉલર 106 અબજ) પશ્ચિમ જર્મની આપતું હતું. મર્કલની સરકારે રાજ્યના પ્રધાનમંત્રીની સત્તા ઘટાડી, પેન્શન માટેની વય 65થી વધારીને 67 વર્ષ કરી અને દેશના ગરીબ પ્રદેશોની સબસિડી ઘટાડી.

ચાન્સેલર મર્કલે જાન્યુઆરી 2006માં યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લીધી અને અગાઉના બગડેલા સંબંધો સુધારવામાં સફળતા મેળવી. 2007માં એન્જેલા મર્કલે જર્મનીનાં પ્રથમ મહિલા ચાન્સેલર અને પક્ષોના જોડાણવાળી સરકારના વડા તરીકેનું તથા પોતાના ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક યુનિયનનું નેતૃત્વ જાળવી રાખ્યું. તેમના સાથી પક્ષો સાથે ઘણી વાર નીતિની બાબતમાં તંગ પરિસ્થિતિ પેદા થતી હતી. યુરોપીય સંઘનું પ્રમુખપદ 2007માં જર્મની પાસે હતું, ત્યારે સંઘના બંધારણને સુધારવામાં આવ્યું. સપ્ટેમ્બર, 2007માં જર્મન પોલીસે ફ્રેન્કફર્ટના ઍરપૉર્ટમાં મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા બૉમ્બ ફોડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આ વર્ષે જર્મનીનો સંગીન આર્થિક વિકાસ ચાલુ રહ્યો અને બેકારીમાં ઘટાડો થયો હતો. 2008માં વિશ્વમાં વ્યાપેલી નાણાકીય કટોકટી દરમિયાન જર્મનીમાં મંદી પ્રસરવા માંડી. નવેમ્બર, 2008માં સરકારે દેશની કેટલીક મોટી બૅંકોને લોન આપી. 2009ના વર્ષમાં જર્મનીમાં રાષ્ટ્રીય અને રાજ્યોની ચૂંટણીઓ યોજવામાં આવી, તેમાં ક્રિશ્ચિયન ડેમૉક્રૅટિક યુનિયન અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયનને 33.8 % મત મળ્યા, અને એન્જેલા મર્કલ ફરી વાર જર્મનીનાં ચાન્સેલર બન્યાં.

ર. લ. રાવળ

જયકુમાર ર. શુક્લ

અર્થતંત્ર

1871માં જર્મનીનું એકીકરણ થયું, ત્યારથી તેના અર્થતંત્રે વિકાસોન્મુખ હરણફાળ ભરી. તે પૂર્વે જર્મનીના લગભગ બે-તૃતીયાંશ વિસ્તારને આવરી લેતા પ્રશિયાના રાજ્યનું અર્થતંત્ર સામંતશાહી કૃષિ-વ્યવસ્થા પર આધારિત હતું. 1871માં જર્મન સામ્રાજ્યની સ્થાપના થતાં મહત્વાકાંક્ષી વિદેશવ્યાપાર અને વિદેશનીતિના સહિયારા અભિગમમાંથી ત્યાં ‘નિકાસલક્ષી મૂડીવાદ’(export capitalism)નો ઉદય થયો. જર્મનીના નવા શાસકોએ અર્થતંત્રના ઝડપી વિકાસ માટે દેશના ઉદ્યોગીકરણ પર ભાર મૂક્યો, આંતરિક જકાત નાબૂદ કરી અને વિદેશવ્યાપારને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી.

1871–1914 સુધીના ટૂંકા ગાળામાં દેશના અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન દાખલ થયું. 1910 સુધી લોખંડ અને પોલાદના ઉત્પાદનની બાબતમાં જર્મનીએ અમેરિકા અને ઇંગ્લૅન્ડ પર સરસાઈ મેળવી. જર્મનીના ઝડપી ઉદ્યોગીકરણમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગે મહત્વનો ભાગ ભજવ્યો છે. જર્મનીમાં પોટાશના વિપુલ ભંડારો હોવાથી તથા રંગ-ઉદ્યોગ વિકસિત હોવાથી દેશના રસાયણ-ઉદ્યોગના વિકાસને વેગ મળ્યો. જર્મનીના રસાયણ-ઉદ્યોગે વિશ્વબજાર પર વર્ચસ્ જમાવ્યું તથા દેશના કૃષિક્ષેત્રને ખાતર પૂરું પાડી કૃષિ-ઉત્પાદન વધારવામાં મદદ કરી. તેવી જ રીતે 1910 પછી જર્મનીના વીજળી-ઉદ્યોગે પણ ઝડપભેર વિકાસ સાધ્યો; એટલું જ નહિ, પરંતુ વીજળી-ઉપકરણોના ઉત્પાદનમાં વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. વીજળીનાં સાધનોના કુલ ઉત્પાદનમાં જર્મનીનો ફાળો 35 % હતો અને 1913માં તેમાં 1,40,000 કામદારો રોકાયેલા હતા. તે જ અરસામાં જર્મનીના મૂડીલક્ષી માલની નિકાસ ઇંગ્લૅન્ડ કરતાં ચાર ગણી વધારે તથા વપરાશી ચીજવસ્તુઓની નિકાસ 33 % વધારે હતી. ઓગણીસમી સદીના અંતમાં વહાણવટાની બાબતમાં જર્મનીની પ્રગતિ ખાસ નોંધપાત્ર ન હતી; પરંતુ કોલસા, લોખંડ અને પોલાદના ક્ષેત્રે તેણે પ્રાપ્ત કરેલી સિદ્ધિને લીધે વહાણવટાના ક્ષેત્રે પણ ઝડપી પ્રગતિ શક્ય બની.

માત્ર ચાર દાયકા(1871–1913)ની જર્મનીની આ વિસ્મયજનક આર્થિક પ્રગતિ માટે ઘણાં પરિબળો જવાબદાર હતાં : જર્મનીનું એકીકરણ, ભૌતિક સમૃદ્ધિ, લશ્કરી તાકાત, વિશ્વમાં સર્વોપરી સત્તા બનવાની તેની ઝંખના, વિપુલ ખનિજભંડારો, કાર્યક્ષમ બૅંકસેવા, રાજ્યની આરક્ષણલક્ષી (protectionist) આર્થિક નીતિ, કુશળ અને ખંતીલો શ્રમિકવર્ગ, વૈજ્ઞાનિક સંશોધનો, દેશનું ભૌગોલિક સ્થાન વગેરે.

પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં જર્મનીના પરાજયની અસરો નીચે તેનું અર્થતંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું. વિજયી રાષ્ટ્રોએ તેની પાસેથી 132 અબજ સોનાના માર્ક (6.6 અબજ પાઉન્ડ) જેટલી રકમ યુદ્ધ-વળતર પેટે વસૂલ કરવાનું નક્કી કર્યું જેની ચુકવણી કરવા માટે તેને પરદેશોનું દેવું કરવું પડ્યું. પરિણામે તેની ભૌતિક સંપત્તિ વિદેશમાં ઘસડાવા લાગી, કૃષિવ્યવસ્થા અને ઉદ્યોગો ભાંગી પડ્યાં અને બેકારીમાં વધારો થયો. શ્રમિકવર્ગની આર્થિક હાલાકી વધતાં તેમને ભૂખમરાનો સામનો કરવો પડ્યો તેને લીધે દેશના શ્રમિકવર્ગની કાર્યક્ષમતામાં ઘટાડો થયો. રાષ્ટ્રીય ઉત્પાદન અને માથાદીઠ ઉત્પાદન ઘટ્યું. ચીજવસ્તુઓની અછતને કારણે ભાવસપાટીમાં ઉછાળો આવ્યો, ઘોડાપૂર – ફુગાવાને કારણે ચલણના મૂલ્યમાં સતત ઘટાડો થતો ગયો (1918–23). ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થતાં જર્મનીના વર્ચસવાળાં વિદેશી બજારો સ્થગિત થયાં, રાજ્યનું દેવું વધતું ગયું. વર્સાઈની સંધિને કારણે જર્મનીને એલ્સેસ લોખંડ-કોલસાની ખાણના લૉરેનના પ્રદેશો તથા અપર-સાઇલેશિયાના ફળદ્રૂપ પ્રદેશો ગુમાવવા પડ્યા, તેથી દેશની 15 % ઉત્પાદનશક્તિ ઘટી. લોખંડ, પોલાદ, જસત તથા કોલસા જેવા ઔદ્યોગિક કાચા માલની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંની દેશની જાહેર તથા ખાનગી મિલકતો વિજયી રાષ્ટ્રો દ્વારા જપ્ત કરવામાં આવી. મિત્રરાષ્ટ્રોમાં જર્મની દ્વારા યુદ્ધપૂર્વે કરેલું મૂડીરોકાણ પણ જપ્ત કરવામાં આવ્યું; વિદેશવ્યાપારમાં ભારે ખોટ આવી તથા 1920 સુધીમાં રાષ્ટ્રીય ઉત્પાદન તળિયે પહોંચી ગયું.

પ્રથમ વિશ્વયુદ્ધ પછીના કાળમાં જર્મનીમાં સર્જાયેલો ફુગાવો વિશ્વના ઇતિહાસમાં અજોડ ગણાય; દા.ત, 1918માં જથ્થાબંધ ભાવસપાટીનો સૂચક આંક 245 હતો જે 1923માં 12,60,00,00,00,00,000 જેટલી ઊંચાઈએ પહોંચી ગયો. આ માટે ઉત્પાદનના ઘટાડા ઉપરાંત ચલણનો ફુગાવો પણ જવાબદાર હતો. દા.ત, 1913માં દેશના 10 અબજ મૂલ્યનું ચલણ ફરતું થયું હતું જ્યારે 1918માં તે 284 અબજ જેટલું થયું. યુદ્ધમાં 18 લાખ જર્મન-નાગરિકોએ જાન ગુમાવ્યા અને 40 લાખ ઘવાયા હતા. આક્રમણના ગુના માટે જર્મની પર યુદ્ધ-વળતર પેટે જે અસહ્ય દંડ લાદવામાં આવ્યો તેની સમયસર ચુકવણી ન કરવાના ગુના માટે ફ્રાન્સ અને બેલ્જિયમે જર્મનીના ઔદ્યોગિક હાર્દ ગણાતા રુર પ્રાંત પર 1923માં બળજબરીથી કબજો કર્યો, જેને લીધે જર્મનીની આર્થિક કરોડરજ્જુ ભાંગી પડી.

1923 પછીના ગાળામાં અર્થતંત્રમાં ધીમે ધીમે સુધારણા શરૂ થઈ. 1918-23ના ગાળામાં વસ્તુઓની અછતને લીધે ભાવસપાટી વધતી ગઈ. ઉપરાંત વ્યાપક બેકારીને લીધે વેતનદરોમાં ઘટાડો થતો ગયો, પરિણામે નફાના દરમાં વધારો થયો અને ઔદ્યોગિક મૂડીરોકાણ વધવા લાગ્યું. ભાવોમાં આવેલા ઉછાળાનો લાભ કૃષિક્ષેત્રને પણ મળ્યો. વિદેશી હરીફાઈ નહિવત્ જેવી હતી, અને તેને લીધે ઔદ્યોગિક ચીજવસ્તુઓની આંતરિક અને વિદેશી માગમાં વધારો થવા લાગ્યો. ઔદ્યોગિક ક્ષેત્રના સંચાલન માટે દેશમાં ‘કાર્ટેલ’ નામથી ઓળખાતાં અને ઇજારા ધરાવતાં 1500 જેટલાં સંગઠનો ઊભાં કરવામાં આવ્યાં. 1923ના અરસામાં ચલણના મૂલ્યમાં સ્થિરતા દાખલ કરવાના પ્રયાસો થયા. ઔદ્યોગિક કામદારો માટે 8 કલાકનો દિવસ દાખલ કરવામાં આવ્યો, તેને પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થવા લાગ્યો. 1923–28ના ગાળાના આ બનાવોને લીધે દેશની નિકાસમાં વધારો નોંધાયો. 1924–29ના ગાળાના 30 અબજ માર્ક જેટલા મૂલ્યની વિદેશી મૂડી ઊભી થઈ, તેથી અર્થતંત્રની સુધારણા તથા વિસ્તરણ શક્ય બન્યાં. ટૂંકમાં, 1923–29ના ગાળા દરમિયાન જર્મનીના અર્થતંત્રમાં બનેલા બનાવોને લીધે દેશના અર્થતંત્રે યુદ્ધપૂર્વેની સ્થિતિ પ્રાપ્ત કરી લીધી.

પરંતુ, 1929ની વિશ્વમહામંદીએ જર્મનીના અર્થતંત્રમાં ફરી પડતી નોતરી. વિશ્વમહામંદીની અસર બીજા મૂડીવાદી દેશો કરતાં જર્મનીના અર્થતંત્ર પર વધુ તીવ્ર પ્રમાણમાં પડી. મહામંદીને પરિણામે ભાવો ગગડ્યા, નફાના દરો ઘટ્યા, મૂડીરોકાણ પર વિપરીત અસર થઈ, ઉત્પાદનલક્ષી પ્રવૃત્તિઓમાં ભારે ઓટ આવી, કારખાનાં બંધ પડ્યાં, બેકારીમાં વધારો થયો (1933માં 60 લાખ જેટલા કામદારો બેકાર હતા), ઔદ્યોગિક ઉત્પાદન 50 % જેટલું ઘટી ગયું તેથી દેશની નિકાસ પર તથા હૂંડિયામણની આવક પર વિપરીત અસર થઈ, રાષ્ટ્રીય ઉત્પાદન અને માથાદીઠ આવકમાં તીવ્ર ઘટાડો થયો. 1929ની વિશ્વમહામંદીને કારણે જર્મનીના અર્થતંત્રમાં એકંદરે અવ્યવસ્થા, અનિશ્ચિતતા અને સંપત્તિની વિષમ વહેંચણી જેવાં દૂષણો દાખલ થયાં.

1933માં દેશના હિટલરના નેતૃત્વ હેઠળ નાઝી સત્તાનો ઉદય થયો. દેશના અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે નવા શાસકોએ કડક નીતિ અપનાવી. દેશમાં યુદ્ધકાલીન અર્થતંત્ર અમલી બન્યું. વ્યક્તિગત હિત સામે રાષ્ટ્રીય હિત પર ભાર મૂકવામાં આવ્યો; મૂડીવાદનું બાહ્ય માળખું યથાવત્ રાખવામાં આવ્યું; પરંતુ અર્થતંત્રનાં બધાં જ ક્ષેત્રો સરકારના કડક નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યાં; કાર્ટેલની વ્યવસ્થાને સરકાર તરફથી મજબૂત ટેકો સાંપડ્યો અને સમગ્ર અર્થતંત્રનું સંચાલન કૉર્પોરેશનોના નેજા હેઠળ મૂકવામાં આવ્યું; વેતન, ભાવસપાટી તથા ડિવિડન્ડની વહેંચણી તથા નિકાસ પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં, ભારે ઉદ્યોગોમાં નવીનીકરણ તથા આધુનિકીકરણ દાખલ કરવામાં આવ્યું અને 1935માં મોટા પાયે પુન:શસ્ત્રીકરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

નાઝી શાસન હેઠળ જર્મનીમાં બે મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું : (1) સમૃદ્ધ અર્થતંત્રની રચના અને (2) દેશની લશ્કરી તાકાતમાં વધારો. સમૃદ્ધ અર્થતંત્રની રચના માટે આર્થિક સ્વાવલંબનના ધ્યેય પર ભાર મૂકવામાં આવ્યો. ખેતી અર્થતંત્રની કરોડરજ્જુ છે તે સ્વીકારવામાં આવ્યું. ખેતીને ઉદાર શરતોએ સહાય આપવામાં આવી. સરકારી ધિરાણનું વિસ્તરણ કરવામાં આવ્યું. અર્થતંત્રમાં મૂડીરોકાણ વધારવા માટે તથા બેકારી દૂર કરવા માટે એક તરફ જાહેર ખર્ચમાં વધારો કરવાની નીતિ અખત્યાર કરવામાં આવી અને તે દ્વારા ખેતી તેમ જ ઉદ્યોગોમાં શ્રમિકોની મોટા પાયે ભરતી કરવામાં આવી તો બીજી બાજુ આવકવેરા તથા ઉત્પાદનલક્ષી પ્રવૃત્તિઓમાંથી મળતી આવકો પર લેવાતા કરવેરા કાં તો નાબૂદ કરવામાં આવ્યા અથવા તેમાંથી ઉત્પાદનલક્ષી એકમોને મુક્તિ આપવામાં આવી. નવાં ધંધાકીય સાહસો, નવાં બાંધકામો તથા મોટરકાર જેવી કેટલીક ટકાઉ ચીજવસ્તુઓની ખરીદીમાં કરમુક્તિ કે કર-રાહતની નીતિ અપનાવવામાં આવી. સમગ્ર અર્થતંત્રમાં શિસ્તનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. આ બધાંને પરિણામે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, ઉત્પાદન વધ્યું તથા બેકારીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો.

નાઝી શાસકોની અતિમહત્વાકાંક્ષી સામ્રાજ્યવાદી નીતિ 1939 સુધીમાં ટોચ કક્ષાએ પહોંચી ગઈ અને તેને પરિણામે જ તે વર્ષની 3 સપ્ટેમ્બરે વિશ્વ ફરી એક વાર યુદ્ધના ખપ્પરમાં ધકેલાયું. 1939–45 દરમિયાન ખેલાયેલા આ બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીને ફરી એક વાર પરાજ્યનો સામનો કરવો પડ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ કરતાં બીજા વિશ્વયુદ્ધના પરાજયની જર્મનીના અર્થતંત્ર પર વધુ ગંભીર અસર થઈ. બૉંબવર્ષાને કારણે દેશનાં મોટા ભાગનાં શહેરો અને ગામો ઉજ્જડ થયાં; પરિણામે ઔદ્યોગિક એકમો, સંયંત્રો, વ્યાપાર અને વાણિજ્યપ્રતિષ્ઠાનો, વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર વગેરે કાં તો સમગ્ર રીતે નાશ પામ્યાં અથવા બંધ પડ્યાં. વિદેશી મૂડીથી ઊભાં કરાયેલાં પ્રતિષ્ઠાનો કે ઔદ્યોગિક પ્રકલ્પો જ સહીસલામત રહ્યાં. દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છિન્નભિન્ન થાય એ રીતે જ મિત્રરાષ્ટ્રોએ યુદ્ધ દરમિયાન સંહાર માટેના લક્ષ્યાંક પસંદ કર્યા હતા. યુદ્ધની સમાપ્તિ પછી જર્મનીના પ્રદેશ પર ચાર મહાસત્તાઓનું નિયંત્રણ મૂકવામાં આવ્યું અને તેમાં પશ્ચિમ જર્મની અમેરિકા, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના આધિપત્ય હેઠળ અને પૂર્વ જર્મની સોવિયેટ સંઘના સીધા અંકુશ હેઠળ મુકાયું. પરિણામે સમૃદ્ધ કૃષિપ્રદેશ પૂર્વ જર્મનીમાં હોવાથી દેશના અનાજના ભંડારો સોવિયેટ સંઘ હસ્તક જતા રહ્યા. મોટા ભાગના મહત્વના ઔદ્યોગિક એકમોમાંના યંત્રો અને અન્ય ઉપકરણો દેશની બહાર લઈ જવામાં આવ્યાં અથવા તેમની ઉત્પાદનક્ષમતા પર કાપ મૂકવામાં આવ્યો. ‘ક્રપ ઔદ્યોગિક સામ્રાજ્ય’ જેવા પાયાના એકમો જપ્ત કરવામાં આવ્યા. આ બધાંને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીમાં બન્યું હતું તેમ બીજા વિશ્વયુદ્ધ પછી પણ જીવનજરૂરિયાતની વસ્તુઓની તીવ્ર અછત ઊભી થઈ, ભૂખમરો સર્જાયો, બેકારી વધી, જર્મન નાગરિકોની ખરીદશક્તિ ઘટી અને સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદન માટેનાં પ્રોત્સાહનો અને ઉત્તેજન નાબૂદ થયાં. જોકે પશ્ચિમી સત્તાઓએ જૂન, 1948 પછી પોતાના કબજા હેઠળના જર્મન વિસ્તારોમાં આર્થિક સુધારા દાખલ કરવાની શરૂઆત કરી, અને સપ્ટેમ્બર, 1949થી ત્રણે વિભાગોનો એક એકમ બનાવીને તેને ‘ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મની’ નામ આપવામાં આવ્યું.

1952માં અમેરિકા, ઇંગ્લૅન્ડ અને ફ્રાંસે પોતપોતાના કબજા હેઠળના પ્રદેશો પરનું પોતાનું લશ્કરી આધિપત્ય સમેટી લેવાનું નક્કી કર્યું. 5 મે, 1955ને દિવસે તેમના કબજા હેઠળના ત્રણે પ્રદેશોમાંથી બનેલું ‘ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મની’નું સાર્વભૌમ સ્વતંત્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ પ્રદેશ પશ્ચિમ જર્મની તરીકે ઓળખાતો થયો. 1955 પછી ઘણા ટૂંકા સમયમાં પશ્ચિમ અને પૂર્વ જર્મની બંનેએ પોતાના ક્ષેત્રની અર્થવ્યવસ્થા ફરી બેઠી કરી, ઉદ્યોગો ફરી ચાલુ કર્યા, ઔદ્યોગિક ઉત્પાદકતા વધારવા માટે અસરકારક પગલાં લીધાં તથા કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું. પશ્ચિમ જર્મનીએ આર્થિક ક્ષેત્રે જે સિદ્ધિ હાંસલ કરી તેને ‘આર્થિક ચમત્કાર’ ગણવામાં આવે છે અને તે માટે ‘માર્શલ યોજના’ હેઠળ 1948થી પશ્ચિમના દેશોએ અને વિશેષ કરીને યુ.એસ.એ.એ તેને જે સહાય કરી તે મુખ્યત્વે કારણભૂત ગણાય છે. તેની સરખામણીમાં પૂર્વ જર્મની ભલે પાછળ રહી ગયું હોય છતાં વિશ્વના બીજા સામ્યવાદી દેશો કરતાં તેણે પ્રશંસનીય આર્થિક સમૃદ્ધિ હાંસલ કરી હતી.

1950–75ના ગાળામાં પશ્ચિમ જર્મનીમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર 4.7 % હતો. 1950–60ના પ્રથમ દાયકામાં તે 8 % હતો જે વિશ્વના અન્ય ઔદ્યોગિક દેશો કરતાં ઊંચો હતો. 1975 પછીના ગાળામાં દેશના અર્થતંત્રમાં મંદીનાં વલણોના પરિણામે બેકારી સર્જાઈ. 1975માં દેશમાં બેકારીની સંખ્યા 10 લાખ હતી, જે દેશના કુલ શ્રમિકવર્ગના 5 % જેટલી હતી. દેશની એકંદર આંતરિક પેદાશ (GDP) 1975માં 425 અબજ ડૉલરનો આંક વટાવી ગઈ હતી, જે યુરોપના અન્ય દેશો કરતાં વધારે હતી. તે જ વર્ષે દેશની માથાદીઠ આવક 6900 ડૉલર જેટલી હતી, જે ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડની માથાદીઠ આવક કરતાં વધારે હતી.

1960–70ના દાયકામાં પૂર્વ જર્મનીનો સરેરાશ વાર્ષિક (વૃદ્ધિ) દર 4.5 % જેટલો હતો. 1975માં તેનું ચોખ્ખું ભૌતિક ઉત્પાદન (NMP) 73.2 અબજ ડૉલર જેટલું હતું જ્યારે તેની માથાદીઠ આવક 4340 ડૉલર હતી. પૂર્વ જર્મનીનો 43 % વિસ્તાર કૃષિ હેઠળ આવરી લેવાયો હતો. 1960 પછીના ગાળામાં કૃષિક્ષેત્રના મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો અને તે દ્વારા કૃષિયંત્રો તથા ખાતરના ઉપયોગમાં વધારો થયો. 1960–75ના ગાળામાં ટ્રૅક્ટરની સંખ્યા વધીને 69,000 થઈ તેમજ નાઇટ્રોજન ખાતરની હેક્ટરદીઠ વપરાશ વધીને 65 કિગ્રા. થઈ. પરિણામે કૃષિપેદાશોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. વિશ્વના બધા સામ્યવાદી દેશોમાં કૃષિઉત્પાદકતાની બાબતમાં પૂર્વ જર્મની સતત મોખરે રહ્યું. આ એક જ એવો સામ્યવાદી દેશ હતો, જ્યાં સામૂહિક ખેતરોની વ્યવસ્થા અસરકારક નીવડી. ઔદ્યોગિક ઉત્પાદનની બાબતમાં પૂર્વ જર્મની વિશ્વના અગ્રણી દેશોમાં ગણાયું. સોવિયેટ સંઘને સંપૂર્ણ ઔદ્યોગિક સંયંત્રો (complete plants), કમ્પ્યૂટરનિયંત્રિત યંત્રઓજારો, ચોકસાઈલક્ષી માપનનાં ઉપકરણો મુખ્યત્વે પૂર્વ જર્મની દ્વારા પૂરાં પાડવામાં આવતાં.

1945–89ના ગાળા દરમિયાન પૂર્વ જર્મનીમાં કેન્દ્રીય આયોજનની પદ્ધતિ અમલમાં હતી; પરંતુ 1989માં આર્થિક સુધારણા માટેની ઝુંબેશને કારણે ત્યાં બજારપ્રેરિત મુક્ત અર્થતંત્રનો અમલ થયો. ઑક્ટોબર, 1990માં પૂર્વ અને પશ્ચિમ જર્મનીના એકીકરણનો પ્રારંભ થયો, પશ્ચિમ જર્મનીનું ચલણ ડૉઇશમાર્ક સંયુક્ત જર્મનીના મુખ્ય ચલણ તરીકે સ્વીકારવામાં આવ્યું. દેશના એકીકરણ બાદ અગાઉના પૂર્વ જર્મનીના પ્રદેશમાં ચીજવસ્તુઓના પુરવઠામાં વધારો થયો, અછતની અગાઉની પરિસ્થિતિ નાબૂદ થઈ, ઉદ્યોગોને અપાતું રક્ષણ પાછું ખેંચી લેવામાં આવ્યું, જેથી તેમની વચ્ચે મુક્ત હરીફાઈ થઈ શકે. અલબત્ત, એકીકરણ બાદ બેકારીમાં વધારો થયો. પૂર્વ જર્મનીમાંથી પશ્ચિમ જર્મનીમાં હજારોની સંખ્યામાં આવેલા લોકોએ દેશ સમક્ષ વિકટ સમસ્યા ઊભી કરી.

1957માં પશ્ચિમ જર્મની યુરોપીય આર્થિક સમુદાય(EEC)નું સભ્ય બન્યું; પાછળથી તે યુરોપીય સમુદાય (EC) તરીકે ઓળખાયું. એકીકરણ બાદ સંયુક્ત જર્મની તેના સભ્ય તરીકે ચાલુ રહ્યું.

સંયુક્ત જર્મનીની મુખ્ય કૃષિપેદાશોમાં ઘઉં, બટાકા, જવ તથા કંદમૂળ નોંધપાત્ર છે; વળી માંસલ ઢોર(beef cattle)નો ઉછેર પણ કરવામાં આવે છે. દેશની મુખ્ય ઔદ્યોગિક પેદાશોમાં પ્રક્રમણ કરાયેલા ખાદ્ય પદાર્થો, ભિન્ન ભિન્ન પ્રકારના દારૂ, મોટર, રસાયણ, ખાતર, દવા, યંત્રો, વીજળીનાં ઉપકરણો તથા પોલાદનો સમાવેશ થાય છે. આ બધી જ વસ્તુઓ દેશના નિકાસ વ્યાપારમાં દાખલ થાય છે. તેની આયાતોમાં ખનિજ તેલ તથા તેમાંથી બનતી વસ્તુઓ, ઔદ્યોગિક કાચો માલ, વીજળીનાં યંત્રો, કાપડ, ખાદ્યપદાર્થો ઉલ્લેખનીય છે. તેના આયાતમૂલ્ય કરતાં નિકાસમૂલ્ય વધારે હોવાથી તેની વ્યાપાર-તુલા અનુકૂળ વલણો ધરાવે છે. તેના કુલ વિદેશ-વ્યાપારમાં યુરોપીય સમુદાય સાથેનો વ્યાપાર 50 % ઉપરાંત છે.

જર્મનીના ઝડપી આર્થિક વિકાસમાં અદ્યતન રેલ તથા માર્ગ-વાહન-વ્યવહારના સુયોજિત માળખાનો ફાળો ઘણો મોટો છે. ત્યાં 4 લેનના મોટર માર્ગની કુલ લંબાઈ 10,500 કિમી. છે. દર 1000 ચોકિમી. વિસ્તારમાં 1512 કિમી. લંબાઈના માર્ગ છે. જર્મનીમાં મોટરવાહનની કુલ સંખ્યા 350 લાખ જેટલી છે. દેશની મુખ્ય નદીઓને નહેરોથી સાંકળી લેવામાં આવી છે. હૅમ્બર્ગ, વિલ્હેમશેવન તથા બ્રિમન દેશનાં મુખ્ય બંદરો છે. યુરોપની અન્ય કોઈ પણ નદીના વાહનવ્યવહાર કરતાં જર્મનીની રાઇન નદી પરનો વાહનવ્યવહાર વધારે છે. રાજ્ય હસ્તકના વાયુમાર્ગ દ્વારા વિશ્વના બધા જ પ્રદેશો સાથે દેશને સાંકળી લેવામાં આવેલો છે. બર્લિન, ડુસેલડૉર્ફ, ફ્રૅંકફર્ટ, હૅમ્બર્ગ, લિપઝિગ અને મ્યૂનિક તેનાં મુખ્ય વિમાની મથકો છે. વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના સમગ્ર સુયોજિત માળખાએ જર્મનીના વિસ્મયકારક આર્થિક વિકાસને વેગ આપ્યો છે.

વર્ષ 2008ના સંદર્ભમાં વિચારીએ તો કદની ર્દષ્ટિએ જર્મનીના અર્થકારણનો ક્રમ યુરોપમાં સૌથી મોટું, કાચી ગૃહપ્રદેશ (GDP)ની ર્દષ્ટિએ વૈશ્વિક સ્તર પર ચોથા ક્રમનું અર્થતંત્ર છે. ઔદ્યોગિક ક્રાંતિ પછીના ગાળામાં આ દેશે કરેલ આર્થિક પ્રગતિ અનન્ય સાધારણ રહી છે. નિકાસોનો કુલ મૂલ્યની ર્દષ્ટિએ વિચારીએ તો વિશ્વમાં તેનો ક્રમ બીજો આવે છે (1.120 ટ્રિલ્યન ડૉલર). તેના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાંથી એક તૃતીયાંશ જેટલા ભાગ કરતા પણ વધારે તે નિકાસ કરે છે. અલબત્ત, કાચા માલની ઉપલબ્ધતાની ર્દષ્ટિએ જર્મની ઘણો નબળો દેશ છે. લિગ્નાઇટ તથા પોટેશ સૉલ્ટ આ બે જ કાચામાલની વસ્તુઓ નોંધપાત્ર ગણાય તેટલા પ્રમાણમાં દેશમાંથી ઉપલબ્ધ થાય છે. તેલ, પ્રાકૃતિક વાયુ તથા અન્ય કેટલીક તત્સમ વસ્તુઓની આયાત કરવામાં આવે છે. દેશની ઊર્જાની કુલ જરૂરિયાતના બે-તૃતીયાંશ જેટલી ઊર્જા આયાત દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે.

દેશની કાચી ગૃહપેદાશ (GDP)માં સેવાક્ષેત્રનો ફાળો 70 ટકા, ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો 29.1 ટકા તથા કૃષિક્ષેત્રનો ફાળો માત્ર 0.9 ટકા હોય છે. દેશમાં પેદા થતી ચીજવસ્તુઓમાં મુખ્ય ચીજવસ્તુઓ એન્જિનિયરિંગ ક્ષેત્રમાંથી ઉત્પન્ન થતી ચીજવસ્તુઓનો ફાળો સૌથી વધારે હોય છે અને તેમાં પણ સ્વચાલિત વાહનો, યંત્રો, ધાતુઓ તથા રાસાયણિક પદાર્થો અગ્રસ્થાને હોય છે. પવન ઊર્જાથી ચાલતા ટરબાઇન્સનું ઉત્પાદન તથા સૌર ઊર્જાના ઉત્પાદનની તકનીકની બાબતમાં જર્મનીનો ક્રમ વિશ્વભરમાં સર્વપ્રથમ હોય છે. હૅનોવર, ફ્રન્ટફર્ટ તથા બર્લિન – આ ત્રણ શહેરો આંતરરાષ્ટ્રીય વ્યાપારમેળાના આયોજનની બાબતમાં સૌથી વધારે જાણીતાં છે.

આંતરરાષ્ટ્રીય શ્રમસંગઠને (140) નિર્ધારિત કરેલ ધોરણો મુજબ ડિસેમ્બર, 2010માં જર્મનીમાં બેરોજગારીનો દર 6.1 ટકા હતો, જોકે જર્મનીના પોતાના ધોરણો મુજબ તે 7.2 ટકા ગણાયો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

રાજકીય

બીજા વિશ્વયુદ્ધ (1939–45)ના અંત ભાગમાં જર્મનીએ શરણાગતિ સ્વીકારતાં હિટલરે સ્થાપેલા ‘ત્રીજા જર્મન સામ્રાજ્ય’નો અંત આવ્યો. એથી જર્મની સોવિયેટ સંઘ, બ્રિટન, યુ.એસ. અને ફ્રાંસના અંકુશ હેઠળ આવ્યું. આ ચારેય સત્તાઓએ ચાર ભાગમાં જર્મનીને વહેંચ્યું. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસના વિસ્તારોને જોડીને ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મની એટલે કે વેસ્ટ જર્મનીની રચના થઈ, જ્યારે સોવિયેટ સંઘના અંકુશ હેઠળના વિસ્તારમાં જર્મન ડેમૉક્રૅટિક પબ્લિક (જી.ડી.આર.) એટલે કે ઈસ્ટ જર્મનીની રચના થઈ. આ પ્રક્રિયામાં બર્લિન શહેરનું વિભાજન કરાતાં ઈસ્ટ બર્લિન ઈસ્ટ જર્મનીની રાજધાની બન્યું. સોવિયેત પ્રભુત્વ હેઠળના ઈસ્ટ જર્મનીમાં સામ્યવાદી સરકાર કામ કરતી હતી. સામ્યવાદી ઢબે ચાલતા વહીવટથી ચીજવસ્તુઓની કારમી તંગી ઊભી થઈ અને વ્યાપક અસંતોષ ફેલાયો. 1948–49માં ‘બર્લિન કટોકટી’ સર્જાઈ. 1949–61 દરમિયાન ત્યાં શાસનની કથળતી સ્થિતિથી તંગ આવી જઈ 40 લાખ લોકો બર્લિનની સીમારેખા ઓળંગી, હિજરત કરી પશ્ચિમ જર્મની પહોંચ્યા. પશ્ચિમ જર્મની સમૃદ્ધ અને સલામત હતું, આથી સીમા ઓળંગવાનો આ પ્રવાહ રોકવા બર્લિનની દીવાલ ચણવાનો નિર્ણય લેવાયો અને 12 ઑગસ્ટ, 1961માં તે દીવાલ ચણવામાં આવી. આ બેતાળીસ કિમી. લાંબી દીવાલ એક જ દિવસમાં ઊભી કરાઈ હતી. એથી નાગરિક જીવનનો અજંપો વ્યાપક બન્યો. જર્મનીના આ કૃત્રિમ વિભાજનને મિટાવવા જુદી જુદી ઢબે વારંવાર પ્રયાસ થતા રહ્યા. નવેમ્બર, 1989માં પાંચ લાખ લોકોની રેલી દ્વારા જર્મન એકીકરણની માંગ થઈ. ચારેય વિદેશી સત્તાઓ એકીકરણ માટે તૈયાર થતાં બર્લિનની દીવાલ 1989માં ખુલ્લી મુકાઈ. 9 નવેમ્બર, 1989ની રાત્રે દીવાલ ખુલ્લી મૂકવાની ઘોષણા થઈ ત્યારે મધરાત પહેલાં જ લોકો જે સાધનો હાથમાં આવ્યાં તે લઈ દીવાલ પર પ્રહારો કરવા પહોંચી ગયા અને એક જ રાતમાં તે તોડી પાડી. અઠ્ઠાવીસ વર્ષ સુધી અડીખમ ઊભેલી આ દીવાલનો ધ્વંસ કરીને જર્મન પ્રજાએ તેના રાષ્ટ્રીય ઐક્યનો પરિચય કરાવ્યો. એ સાથે ઈસ્ટ જર્મનીની શાસનવ્યવસ્થા પડી ભાંગી. અંતે 3 ઑક્ટોબર, 1990માં ઈસ્ટ અને વેસ્ટ જર્મની ઔપચારિક રીતે જોડાઈ ગયાં. યુદ્ધોત્તર જર્મનીના ઇતિહાસમાં સૌથી અગત્યની એક માત્ર ઘટના આ હતી. સામાજિક અને રાજકીય ઊથલપાથલ વગર આ શક્ય બન્યું હતું.

સત્તાવાર રીતે એક સંગઠિત જર્મન રાષ્ટ્ર ફરી અસ્તિત્વમાં આવ્યું. નવા રચાયેલા ફેડરલ જર્મનીમાં ડિસેમ્બર, 1990માં પ્રથમ વાર મુક્ત ચૂંટણીઓ યોજાઈ અને કોલ્હ જર્મનીના ચાન્સેલર (સરકારના વડા) ચૂંટાયા. 1933 પછી સમગ્ર જર્મનીને આવરી લેતી આ પહેલી ચૂંટણી હતી. કોલ્હે સમૂહતંત્ર (કૉન્ફેડરેશન) માટેનું આયોજન ગોઠવ્યું. પછી 1990માં ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મનીની રચના થઈ. બર્લિન રાજધાનીનું શહેર બન્યું. કોઈ પણ મોટી ઊથલપાથલ વિના જર્મનીના પુન:એકીકરણની ઘટના આકાર લેતી હતી તે આ પ્રજાની અનન્ય સિદ્ધિ હતી. ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મની સંસદીય આધાર પર રચાયેલ બંધારણીય લોકશાહી છે. ધારાસભા : તેનું સમવાયતંત્ર 16 ઘટક રાજ્યોનું બનેલું છે. તેમાં રાજ્યના કાયદાઓ કરતાં સમવાય કાયદાઓને અગ્રિમ સ્થાને ગણવામાં આવે છે. તેની ચૂંટણીપદ્ધતિમાં સાપેક્ષ-બહુમતી અને પ્રમાણસર પ્રતિનિધિત્વનું મિશ્ર સ્વરૂપ (દ્વિરૂપ ચૂંટણી-પદ્ધતિ) માન્ય રાખવામાં આવ્યું છે. ધારાકીય સત્તાઓ ફેડરલ ઍસેમ્બલી (નીચલું ગૃહ) અને ફેડરલ કાઉન્સિલ(ઉપલું ગૃહ)ને સોંપવામાં આવી છે. છેલ્લી 2005ની ફેડરલ ઍસેમ્બલી 614 સભ્યોની બનેલી છે. સાર્વત્રિક, મુક્ત, સમાન અને ગુપ્ત ચૂંટણી દ્વારા આ સભ્યો 4 વર્ષની મુદત માટે ચૂંટાતા હોય છે; પરંતુ દ્વિરૂપ ચૂંટણીને કારણે ફેડરલ ઍસેમ્બ્લીની સભ્યસંખ્યામાં સાધારણ ફેરફાર રહેતો હોય છે. ફેડરલ કાઉન્સિલ નામથી ઓળખાતું તેનું ઉપલું ગૃહ 69 સભ્યોનું બનેલું હોય છે. સમવાયતંત્રના ઘટક રાજ્યોની સરકારો દ્વારા તે નિમાય છે. ઘટક રાજ્યે મોકલવાના પ્રતિનિધિની સંખ્યા તે રાજ્યના રહેવાસીઓની સંખ્યાને આધારે નક્કી થાય છે. પ્રત્યેક ઘટક રાજ્યને ઓછામાં ઓછા ત્રણ મત (3 પ્રતિનિધિઓ) પ્રાપ્ત થયેલા હોય છે. સમવાયી કાયદા ફેડરલ ઍસેમ્બ્લી દ્વારા મંજૂર થાય પછી ફેડરલ કાઉન્સિલ સમક્ષ મુકાય છે. ખરડા મંજૂર કરવાની બાબતમાં કાઉન્સિલ સીમિત નિષેધાધિકાર (વીટો) ધરાવે છે. બંધારણીય સુધારા માટે ફેડરલ ઍસેમ્બ્લીના બે-તૃતીયાંશ સભ્યોની મંજૂરી જરૂરી હોય છે અને ફેડરલ કાઉન્સિલના બે-તૃતીયાંશ (હાજર રહીને, મતદાન કરતા સભ્યોના) મતો જરૂરી હોય છે.

કારોબારી : રાજ્યના વડા તરીકે ફેડરલ પ્રેસિડેન્ટ હોય છે જેઓ ફેડરલ કન્વેન્શન દ્વારા પાંચ વર્ષ માટે ચૂંટાય છે. ફેડરલ કન્વેન્શન એ એવું અંગ છે, જે માત્ર પ્રેસિડેન્ટની ચૂંટણી માટે બોલાવવામાં આવે છે. કોઈ પણ પ્રેસિડેન્ટ બે કરતાં વધુ મુદત માટે હોદ્દા પર રહી શકતા નથી. વહીવટી સત્તાઓ સમવાય સરકારને સુપરત થયેલી છે. તેનો વડો એટલે કે સરકારનો વડો ફેડરલ ચાન્સેલર હોય છે. ફેડરલ પ્રેસિડેન્ટ દરખાસ્ત કરે પછી ફેડરલ ઍસેમ્બ્લી તેમને ચૂંટે છે. તેમનું મંત્રીમંડળ પણ તેઓ પસંદ કરે છે પણ મંત્રીઓની નિમણૂક અને રુખસદ (dismissa) ફેડરલ પ્રેસિડેન્ટ દ્વારા થતી હોય છે. એન્જેલા મર્કેલ નામનાં મહિલા 22 નવેમ્બર, 2005માં જર્મનીનાં સૌપ્રથમ મહિલા-ચાન્સેલર ચૂંટાયાં હતાં. ત્યારબાદ સપ્ટેમ્બર, 2009માં ફરીથી તેઓ આ હોદ્દા પર ચૂંટાયાં છે. બે મુદત માટે ચાન્સેલર ચૂંટાઈને  સૌપ્રથમ મહિલા-ચાન્સેલર એન્જેલા મર્કેલે અનન્ય સિદ્ધિ હાંસલ કરી છે. એ રીતે તેમણે અતિશક્તિશાળી રાજકીય મહિલા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ન્યાયતંત્ર : ન્યાયના ક્ષેત્રે ફેડરલ અદાલતો અને ઘટક રાજ્યોની અદાલતો પોતાની કાર્યવહી કરે છે. સમવાયતંત્રને લગતા બંધારણીય વિવાદોનો ઉકેલ ફેડરલ કૉન્સ્ટિ્યુશનલ કોર્ટ દ્વારા લાવવામાં આવે છે. આ અદાલતના ન્યાયાધીશો ફેડરલ ઍસેમ્બ્લી અને ફેડરલ કાઉન્સિલ દ્વારા ચૂંટાય છે. જર્મન સમવાયતંત્રનાં ઘટક રાજ્યો પણ બંધારણીય અદાલતો ધરાવે છે.

રક્ષા મ. વ્યાસ