જપજી : ગુરુ નાનકદેવની એક ખાસ બાની. માનાર્થે જી શબ્દ જપ શબ્દની સાથે જોડવામાં આવે છે. તેને જપજી કે જપજીસાહેબ પણ કહેવામાં આવે છે.

આ ગુરુબાની શીખ સમુદાયના નિત્યનિયમનું મૂળ અંગ છે અને ગુરુ ગ્રંથસાહેબની શરૂઆતમાં આવે છે. જપજીનાં 38 પદો છે અને દરેક પદને પૌડી (પગથિયું) કહેવામાં આવે છે. આ 38 પદો ઉપરાંત એક શ્ર્લોક પણ તેમાં આવે છે.

જપજી એક ઉચ્ચ કોટિની કાવ્યરચના છે જે ગુરુ નાનકદેવના આધ્યાત્મિક ચિંતન તથા અનુભવોની અભિવ્યક્તિનું માધ્યમ બન્યું છે. એમાં ગુરુજી પોતાના પ્રિયતમ — પરમાત્માના ગુણધર્મોનું રટણ કરે છે. જપજીના આરંભમાં ગુરુજી ઈશ્વરને સત્ય સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે અને કહે છે કે તેઓ સૃષ્ટિની પૂર્વાવસ્થામાં પણ સત્ય હતા, સૃષ્ટિ-રચના વખતે પણ સત્ય હતા અને સૃષ્ટિ-પ્રલય પછી પણ સત્ય રહેશે. આગળ આ ‘સત્ય’ની પ્રાપ્તિ પરમાત્માના હુકમ પ્રમાણે ચાલવાથી થાય છે એવો આદેશ છે.

આ બાનીમાં ગુરુ નાનક પોતાના સંકલ્પો એક આદર્શ વ્યક્તિ જે સત્યાશ્રયી જીવન જીવતી હોય (જેને તે સચિયાર નામ આપે છે) તેની દ્વારા રજૂ કરે છે. ઉપરાંત સચિયાર કેવી રીતે બનવું તેના માટે સંકેત પણ આપે છે. આ સંકેત આપતા દરેક સંદર્ભમાં બહુ જ અનુકૂળ ર્દષ્ટાંતો આપીને સમજાવે છે. ‘કરમ’ (good deeds) ઉપર ભાર મૂકે છે અને પુનર્જન્મથી બચવા યથાર્થ જીવન જીવવા માટે તાકીદ કરે છે.

દર્શનસિંઘ બસન