જપ્તી : દેણદાર પાસેથી હુકમનામા મુજબની રકમની વસૂલાત કરાવવાના હેતુથી તેની મિલકત પર ન્યાયાલય દ્વારા બજાવવામાં આવતો ટાંચ હુકમ. જપ્તી વિશે કોઈ અધિકૃત ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી; પરંતુ રોમન લૉમાંથી તે ઇંગ્લૅન્ડના કાયદામાં સમાવિષ્ટ થયાનું મનાય છે. શરૂઆતમાં કોઈ વ્યક્તિ અદાલતમાં હાજર થાય તે હેતુથી સરકારી અમલદારો તેની વસ્તુઓ જપ્ત કરતા જે પાછી મેળવવા માટે તેને અદાલત સમક્ષ હાજર થવું પડતું. પાછળથી જપ્તી કે ટાંચના હુકમો માત્ર દેવાદાર સામે બજાવવાની પ્રથા શરૂ થઈ. દીવાની કાર્યવાહીના 1908ના કાયદા દ્વારા જપ્તીના જુદા જુદા પ્રકાર છે : (1) દેણદાર હુકમનામા મુજબની રકમ ભરપાઈ ન કરે તો હુકમનામાની બજવણીમાં તેની સ્થાવર કે જંગમ મિલકતની જપ્તીની જોગવાઈ કરવામાં આવી છે અને સાથોસાથ કઈ મિલકત ટાંચ માટે પાત્ર નથી તેની ચોખવટ પણ કરવામાં આવી છે. (2) અદાલત સમક્ષ જ્યારે સોગંદનામા દ્વારા અથવા અન્ય કાયદામાન્ય રીતે એમ સાબિત કરવામાં આવે કે પ્રતિવાદી સંભવત: તેની સામે થનાર સંભવિત હુકમનામાની બજવણીમાં અવરોધો ઊભા કરવાના ઇરાદાથી કે તે હુકમ ઢીલમાં નાખવાના હેતુથી તેની અંશત: અથવા સમગ્ર મિલકત વગે કરવાની શક્યતા છે ત્યારે પ્રતિવાદી સામે અદાલત દ્વારા અવલ જપ્તીનો હુકમ કરવામાં આવે છે. આવા હુકમને અદાલતના આખરી નિર્ણય પહેલાંની જપ્તી તરીકે ઓળખવામાં આવે છે. આવા હુકમ દ્વારા અદાલત પ્રતિવાદીને જામીન પૂરા પાડવાનો અથવા તેની મિલકત કે મિલકતની કિંમત અદાલતમાં રજૂ કરવાનો આદેશ આપે છે. (3) જ્યારે ખેત-પેદાશની વસ્તુ પર ટાંચ હુકમ બજાવવાનો હોય ત્યારે સ્થળ પર જપ્તીનું વૉરન્ટ ચોડીને ઊભો પાક જપ્ત કરવામાં આવે છે; પરંતુ જો પાકની કાપણી થઈ ચૂકી હોય તો જે કોઠારમાં તેનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તે કોઠાર પર અથવા જ્યાં તે માલનું વેચાણ થતું હોય તે સ્થળ પર જપ્તીનું વૉરન્ટ ચોડીને ખેતપેદાશ જપ્ત કરવામાં આવતી હોય છે. (4) હુકમનામાની જપ્તી કરવા માટે એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો તે હુકમ હુકમનામાની બજવણી કરનાર અદાલતે આપેલો હોય તો તે અદાલતના હુકમથી આવું હુકમનામું જપ્ત કરી શકાય છે. (5) સ્થાવર મિલકતની જપ્તી અંગે કાયદામાં એવી વ્યવસ્થાનો ઉલ્લેખ છે કે જે દ્વારા દેણદાર પોતાની મિલકતનું હસ્તાંતર ન કરે અથવા તે મિલકત પર કોઈ બોજો ઉત્પન્ન ન કરે તેવું હુકમનામું તેની સામે બજાવવામાં આવે છે. આવી મિલકતના હસ્તાંતર દ્વારા કોઈ વ્યક્તિ તેમાંથી લાભ ઉઠાવી ન શકે તે માટે પણ અદાલત પ્રતિબંધાત્મક આદેશ આપી શકે છે. (6) વિનિમયપાત્ર દસ્તાવેજ જપ્ત કરવા માટે અદાલત દસ્તાવેજ પોતાના હસ્તક લઈ લે છે. (7) કેટલીક વાર બૅંક ખાતામાંની રોકડ રકમ તેમજ બૅંક લૉકર્સમાં મૂકેલી મિલકત વગે ન થાય તે હેતુથી તેના વ્યવહારો પર વચગાળાના સમય દરમિયાન અદાલત દ્વારા ટાંચ હુકમ આપવામાં આવે છે.

ઘનશ્યામ પંડિત