જપ : વિધિવિધાનપૂર્વક કોઈ મંત્રને અનેકવાર ઉચ્ચારવો તે. મન સમક્ષ વારંવાર જપાતા મંત્રના અર્થની આકૃતિ ખડી થાય તે રીતે મંત્ર જપાય. શાસ્ત્રમાં જપના 3 પ્રકારો માનવામાં આવ્યા છે : (1) માનસ જપ, (2) ઉપાંશુ જપ અને (3) વાચિક જપ. મનથી જપ કરવામાં આવે એટલે મંત્રનો અર્થ મન સમક્ષ ખડો થાય એ રીતે મંત્ર ભણાય તે માનસ જપ. હોઠ ફફડાવીને માંડ સંભળાય એવી રીતે ધીમેથી મંત્ર ઉચ્ચારાય અને મનમાં દેવતાનું ધ્યાન કરવામાં આવે તે ઉપાંશુ જપ. મુખ વડે મોટેથી બોલીને વાણીથી જપ કરવામાં આવે તે વાચિક જપ. વાચિક જપ કરતાં ઉપાંશુ જપ અને ઉપાંશુ જપ કરતાં માનસ જપ ઘણો ચડિયાતો છે. વળી, યજ્ઞના પ્રકારોમાં હોમાત્મક યજ્ઞ કરતાં જપાત્મક યજ્ઞ ચડિયાતો જ નહિ, શ્રેષ્ઠ પ્રકારનો યજ્ઞ ગણાય છે. જપયજ્ઞ ઉત્તમ ફળ આપે છે. જપયજ્ઞના સોળમા ભાગનું ફળ પણ હોમાત્મક યજ્ઞથી મળતું નથી. વળી વાચિક જપયજ્ઞ કરતાં ઉપાંશુ જપયજ્ઞ વધારે અને માનસ જપયજ્ઞ તેનાથીયે ઘણું વધારે ફળ આપે છે. ધર્મશાસ્ત્રો અનુસાર જપ ગમે તેમ ન થઈ શકે. જપ કરવાના ચોક્કસ નિયમો છે. તે મુજબ એકાંતમાં બેસી, એકાગ્ર મનથી, મધ્યમ ગતિથી, મધ્યમ સ્વરે બોલીને, વિષયોમાંથી મનને ખેંચી લઈને, મંત્રનો અર્થ મનમાં ખડો કરીને માળાવાળો જમણો હાથ કપડાથી ઢાંકી હૃદય પાસે રાખીને, હાથની આંગળીઓ સહેજ વળેલી રાખીને, બીજા હાથમાં દર્ભ અને જળ રાખી, પૂર્વ તરફ મુખ રાખીને જપ કરાય.

સંખ્યા ગણ્યા વિના જપ ન થાય એવો શાસ્ત્રનો નિયમ છે, તેથી જપ માટે માળા અનિવાર્ય છે. સોનું, મોતી, માણેક વગેરેની માળા વડે જપ ગણવાથી ઘણું ફળ મળે. ઇન્દ્રાક્ષ વડે તેનાથી વધારે, કમળના બીજથી તેનાથી વધારે, રુદ્રાક્ષ અને ભદ્રાક્ષથી ખૂબ વધારે અને પુત્રજીવકથી અસંખ્યગણું જપનું ફળ મળે છે. ચોખા વગેરે ધાન્ય, ચંદન, ફૂલ અને માટી વગેરેથી જપ ન ગણાય. સ્ફટિકની અક્ષમાળા અને જુદી જુદી ધાતુઓની બનેલી માળા વડે જપ કરવાનાં શાસ્ત્રમાં જુદાં જુદાં ફળો બતાવ્યાં છે. કોઈ વસ્તુની બનાવેલી આ પહેલા પ્રકારની માળામાં 108 મણકા અને મેરુનો 1 મળી 109 મણકા હોય છે. તર્જની સિવાયની 3 આંગળીઓ જોડેલી રાખી મધ્યમાના મધ્ય પર્વ અને અંગૂઠાના અગ્ર વડે તે મણકો પકડી જપ કરી તે પછી મણકાને નીચેની બાજુએ સરકાવી જપ ગણવામાં આવે છે.

જપ ગણવા માટે બીજા પ્રકારની માળા કરમાળા છે. તેમાં આંગળી વડે જ જપ ગણાય છે; માળાની જરૂર હોતી નથી. તેમાં અનામિકાનાં મધ્ય અને મૂલ, કનિષ્ઠિકાનાં મૂલ, મધ્ય અને અગ્ર, અનામિકાના અગ્ર, મધ્યમાના અગ્ર અને તર્જનીનાં અગ્ર, મધ્ય અને મૂલ એ ક્રમે 10ની સંખ્યા 10 વાર ગણી અગિયારમી વાર અનામિકાના મધ્ય અને તર્જનીના મૂલ એ બે કાઢી નાખી 8 ગણતાં 108ની ગણતરી કરાય છે. આવા બીજા પ્રકારો પણ છે.

શક્તિની ઉપાસનામાં કરમાળા સહેજ જુદી છે. તેમાં અનામિકાનાં મધ્ય અને મૂલ, કનિષ્ઠિકાનાં મૂલ, મધ્ય અને અગ્ર, અનામિકાના અગ્ર, મધ્યમાનાં અગ્ર, મધ્ય અને મૂલ, તર્જનીના મૂલ એ ક્રમે 10 ની સંખ્યા 10 વાર ગણી, અગિયારમી વાર અનામિકાના મધ્ય અને તર્જનીના મૂલ એ 2 કાઢી નાખી 8 ગણતાં 108ની ગણતરી કરવામાં આવે છે.

શ્રીવિદ્યા મુજબ કરમાળા કંઈક ભિન્ન છે. તેમાં અનામિકાના મૂલ, કનિષ્ઠિકાનાં મૂલ, મધ્ય અને અગ્ર, અનામિકાના અગ્ર, મધ્યમાના અગ્ર, તર્જનીનાં અગ્ર, મધ્ય અને મૂલ અને મધ્યમાના મૂલ એ ક્રમે 10ની સંખ્યા 10 વાર ગણી, અગિયારમી વાર અનામિકા અને મધ્યમાનાં મૂલ એ 2 કાઢી નાખી 8 ગણતાં 108ની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે, કરમાળા વડે જપ કરતાં આંગળીઓ સહેજ વળેલી અને ભેગી રાખવી, નહિ તો ગણેલા જપ નિષ્ફળ બને છે. આંગળીની ટોચ, સાંધા અને મેરુ પર ગણેલા જપ પણ નિષ્ફળ જાય છે.

ત્રીજા પ્રકારની જપ ગણવાની માળા વર્ણમાલા છે. તેમાં अથી क्ष સુધી આવતા 15 સ્વરો અને 35 વ્યંજનો મળી કુલ 50 વર્ણો વડે ગણતરી થાય છે. દરેક વર્ણને અનુસ્વાર સાથે ઉચ્ચારી જપનો મંત્ર બોલી જપ ગણાય છે. अથી क्ष સુધી 50 સીધા ક્રમે અને એ પછી क्षને મેરુ ગણી क्षથી अ સુધી અવળા ક્રમે જપ ગણવામાં આવે છે. વર્ણમાલાથી મંત્રના જપ ગણનારને બધી સમૃદ્ધિ મળે છે. વિધિનો ભંગ કરીને થતા જપનું ફળ મળતું નથી. મલિન શરીર કે વસ્ત્ર, શારીર મેલ, મનનો ગુસ્સો, ભય વગેરે સાથે અને આળસ, ઊંઘ, બગાસું વગેરે સાથે જપ કરવામાં આવે તો તે અપવિત્ર બને છે; તેવા જપનો નિષેધ કર્યો છે.

પ્ર. ઉ. શાસ્ત્રી