ચેંગચુન (જ. 1148, ચી-સીઆ; અ. 1227, બેજિંગ) : મધ્યકાલીન ચીનનો તાઓપંથી પ્રસિદ્ધ સંત અને દાર્શનિક. તેની વિદ્વત્તાની કીર્તિ તે સમયના મૉંગોલ વિજેતા ચંગીઝખાન સુધી પહોંચી હતી. તેણે ખેડેલા પ્રવાસની કથા તેના શિષ્ય અને સાથી લી ચીહ ચાંગે લખી છે. આ પ્રવાસકથામાં ચીનની મહાન દીવાલ અને કાબુલ (અફઘાનિસ્તાન) વચ્ચેના અને પીળા સમુદ્ર અને અરબી સમુદ્ર વચ્ચેના પ્રદેશો તથા ત્યાં વસતા લોકોના જીવન વિશે વિશ્વાસપાત્ર વિસ્તૃત વિગત છે.

તે અત્યંત કઠિન તપસ્યામાં અને સિંગમિંગના સિદ્ધાંતોમાં માનતો હતો. તે તાઓ પંથનો અનુયાયી હતો. તેના મંતવ્ય પ્રમાણે માનવે તેની સાહજિક સ્થિતિ ગુમાવી દીધી છે; પણ કેટલાક માન્ય આચારો દ્વારા તે તેની મૂળ સ્થિતિમાં આવી શકે તેમ છે.

1188માં જુચેન વંશના ચીનના શહેનશાહ શીહસુંગને ધાર્મિક બોધ કે જ્ઞાન આપવા તેને આમંત્રણ અપાયું હતું.

1215માં મૉંગોલોએ બેજિંગ (પેકિંગ) કબજે કર્યું હતું. 1219માં ચંગીઝખાને તેમને પોતાને મળવા માટે આમંત્રણ મોકલ્યું હતું. ચંગીઝખાનનો આ આમંત્રણ-પત્ર હજી જળવાઈ રહ્યો છે. તેમાં અત્યંત ક્રૂર અને ‘દેવતાઓના શાપ’ સમાન ગણાયેલા ચંગીઝખાન એક જુદા જ સ્વરૂપે જોવા મળે છે. તેના 1219માં અપાયેલા આમંત્રણને માન આપીને ચેંગચુન 1220માં પોતાના વતન શાન્ટુંગ(દ. ચીન)માંથી પહેલાં બેજિંગ આવ્યો પરંતુ અહીં ખબર મળ્યા કે ચંગીઝખાન પશ્ચિમ તરફ નવા વિજયો કરવા ગયો છે. તેથી ઈશાન મૉંગોલિયામાં રહેતા ખાનના નાના ભાઈ ટેમુજેના આમંત્રણથી તે ગોબીનું રણ ઓળંગી બુઇતોર નજીક તેની છાવણીમાં પહોંચ્યો. આ મુલાકાત હાલના ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 1221–22માં શિયાળાના મધ્ય ભાગમાં થઈ હતી. મૉંગોલિયામાંથી ચીની આલ્તાઈ, તાશ્કંદ અને સમરકંદ થઈ કારાકોરમ તથા ઉત્તર અફઘાનિસ્તાન થઈ હિંદુકુશ થઈ હિમાલય પાર કરીને તેની છાવણીમાં વસંત ઋતુમાં મળ્યો હતો. આ જ રસ્તે તે 1224માં બેજિંગ પાછો ફર્યો હતો.

તેની મુસાફરીની કથા ‘સી-યુ-ચી’ (‘જર્ની ટુ ધ વેસ્ટ’) અંગ્રેજી ભાષામાં સંક્ષિપ્ત સ્વરૂપે ‘ટ્રાવેલ્સ ઑવ્ ઍન ઍલકમિસ્ટ’ તરીકે 1931માં પ્રસિદ્ધ થઈ છે. આ કથામાં બારમી-તેરમી સદીના ચીન અને મધ્ય એશિયાની વિવિધ વિગતો આલેખાઈ છે.

દેવેન્દ્ર ભટ્ટ

શિવપ્રસાદ રાજગોર