ચેંગદુ : મધ્ય નૈર્ઋત્ય ચીનના સિચુઆન (Sichuan) પ્રાંતનું પાટનગર. આ ઔદ્યોગિક નગર આશરે 30° 37’ ઉ. અ. તથા 104° 06’ પૂ. રે. પર આવેલું છે. વિસ્તાર : 4,87,000 ચોકિમી.. તે ચીનનું એક સૌથી પ્રાચીન ગણાતું શહેર છે. તેની સ્થાપના ઈ. પૂ. 200માં થઈ હતી. તે વખતે તે ઝોઉ રાજવંશનું પાટનગર હતું. આ પછી તે અનેક રાજવંશોનું પાટનગર રહ્યું હતું. દસમી સદીમાં તે ઘણું સમૃદ્ધ હતું. શુંગ રાજવંશ(ઈ. સ. 960–1279)માં ત્યાંના વ્યાપારીઓ કાગળનું ચલણ વાપરતા હતા. ઈ. સ. 1368માં તે ઝેચવાન પ્રાંતનું પાટનગર બન્યું. મધ્યકાલીન યુગમાં તે તેનાં સુંદર જરીભરતવાળાં રેશમી અને સાટીન કાપડ તથા તેની સંસ્કારી રીતભાત, મોજશોખ વગેરે માટે પ્રખ્યાત હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ શહેરનો વધુ વિકાસ થયો. પૂર્વ ચીનમાંથી ભાગી આવેલા શરણાર્થીઓએ અહીં આવીને વસવાટ કર્યો અને નવા હુન્નરઉદ્યોગોનો વિકાસ કર્યો. યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શિક્ષણની બીજી સંસ્થાઓની સ્થાપના થઈ તેમજ વ્યાપાર-વાણિજ્યનો પણ વિકાસ સધાયો.

સફળ સિંચાઈ યોજના ધરાવતાં ચેંગદુનાં મેદાનો હરિયાળાં અને ફળદ્રુપ છે. આ શહેરની વાયવ્યે 40 કિમી. દૂર મિન ચિયાંગ નદી પર ડુજીયાંગ યાન બંધ બાંધવામાં આવ્યો છે. આ અતિપ્રાચીન સિંચાઈ યોજના ઈ. પૂ. 221–206માં બનાવવામાં આવેલી છે. તેમાં પર્વતને કાપીને બાંધેલી મુખ્ય નહેરમાંથી સંખ્યાબંધ શાખા નહેરોની જાળગૂંથણી દ્વારા આશરે 13,000 ચોકિમી. જમીનવિસ્તારમાં સિંચાઈ કરવામાં આવતી હતી. આ સિંચાઈકાર્યને ઈ. સ. 1949માં વિસ્તૃત કરવામાં આવ્યું છે અને આજે તેના દ્વારા 1,65,000 ચોકિમી. જમીનવિસ્તારમાં સિંચાઈ કરવામાં આવે છે.

આજે આ શહેર રેલ અને ધોરી માર્ગે ચીનનાં અગત્યનાં શહેરો સાથે સંકળાયેલું છે. વળી અહીંથી દેશના નૈર્ઋત્યના બધા જ ભાગોને જોડતી હવાઈ સેવા ઉપલબ્ધ છે. આજે આ શહેરમાં અનેક પ્રકારના ઉદ્યોગો વિકાસ પામેલા છે. સુતરાઉ અને ગરમ કાપડની પ્રણાલિકાગત મિલોનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ઈ. સ. 1950માં અહીં મોટું તાપવિદ્યુત મથક બાંધવામાં આવ્યું છે. ઈ. સ. 1958માં સોવિયેટ નિષ્ણાતો દ્વારા રેડિયો અને ઇલેક્ટ્રૉનિક સંકુલ સ્થાપવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં ઇજનેરી કાર્યશાળા છે, જેમાં રેલવેનાં સાધનો તથા વિદ્યુતશક્તિનાં યંત્રો બને છે. વળી અહીં ઍલ્યુમિનિયમનાં તેમજ ચોકસાઈપૂર્વકનું માપન કરવાનાં વિવિધ ઉપકરણો બનાવવાનાં કારખાનાં છે. આ સિવાય અહીં રાસાયણિક ખાતરો, ઔદ્યોગિક રસાયણો તથા ફાર્માસ્યૂટિકલ પેદાશોનું પણ ઉત્પાદન થાય છે.

આજે ચેંગદુ દેશનું અગત્યનું સાંસ્કૃતિક કેન્દ્ર છે. ત્યાં શેચ્વાન યુનિવર્સિટી ઉપરાંત બીજી બે યુનિવર્સિટીઓ છે. અહીં તબીબી વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરેને લગતી ઉચ્ચશિક્ષણની તેમજ તકનીકી શિક્ષણને લગતી અનેક સંસ્થાઓ છે. તેમાંની કેટલીક રેડિયો તથા ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગો સાથે સંલગ્ન છે. આ શહેરમાં ચિયાન્ગ પાન્ગ ગોન્ગ નામના પ્રાચીન અને વિશાળ મંદિરમાં દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ માસ દરમિયાન પુષ્પોનો ઉત્સવ થાય છે, જેમાં પુષ્પોને લક્ષમાં રાખીને સંગીત, નૃત્ય, નાટક વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ શહેરની વસ્તી 94,79,000 લાખ (2022) જેટલી છે.

બીજલ પરમાર