ચિશ્તીની કબર શેખ સલીમ : 1571 દરમિયાન ફતેહપુર સિક્રીની જામી મસ્જિદના બાંધકામ દરમિયાન સંત શેખ સલીમ ચિશ્તીની યાદગીરીમાં સમ્રાટ અકબરે બંધાવેલ કબર. 7.3 મી.ના સમચોરસ આકારની ઇમારતમાં અંદર 4.9 મી.ના વ્યાસવાળા ઓરડામાં આ કબર બનાવેલી છે. મૂળ બાંધકામ ઉત્કૃષ્ટ પથ્થરમાંથી થયેલ; પાછળથી જહાંગીરના વખતમાં તે સંપૂર્ણ આરસમાં બંધાવેલી. બાંધકામની કળામાં ગુજરાતનાં જૈનમંદિરોના સ્થાપત્યની અસર મહત્વની જણાય છે. ખાસ કરીને સ્તંભો પરની તોરણની રચના પરથી આ ઇમારતનું મંદિરોની કળા સાથે સચોટ સામ્ય જણાય છે. ઇસ્લામ સ્થાપત્યમાં સ્તંભોની આવી રચનાનાં ઉદાહરણો પ્રાપ્ય નથી અને ગુજરાતની કળાની અસરની ઝાંખી અકબરે બંધાવેલા ફતેહપુર સિક્રી અને આગ્રાનાં મકાનોમાં આગવી રીતે તરી આવે છે. અત્યંત નાની ઇમારત હોવા છતાં તે સ્થાપત્યકળાનું અને મોગલ સમ્રાટોની ઉદાર કલાભાવનાનું એક મહત્વનું ર્દષ્ટાંત છે.
રવીન્દ્ર વસાવડા