ચિંતા

January, 2012

ચિંતા : અણગમતી, અસ્પષ્ટ (vague), વ્યાપક (diffuse) અજંપા(apprehension)ની લાગણી. તેમાં વિવિધ શારીરિક લક્ષણો પ્રગટ થાય છે. વ્યક્તિની સામાન્ય લાગણી, સ્વભાવગત લક્ષણ, મનની પ્રસંગોચિત સ્થિતિ, માનસિક રોગનું લક્ષણ અથવા માનસિક રોગ – એમ ચિંતાનાં વિવિધ સ્વરૂપો જોવા મળે છે. ચિંતાના મુખ્ય બે પ્રકારો ગણી શકાય : (1) સામાન્ય અથવા સાહજિક (normal) અને (2) રોગલક્ષી (pathological). (1) સામાન્ય ચિંતા બાહ્ય કે આંતરિક જોખમ સામેનું સાવચેતીનું એક ચિહન છે. જેમ કે, કોઈ વાહનચાલક અચાનક કોઈ વ્યક્તિને સામેથી આવતી જુએ તો તેના હૃદયના ધબકારા વધે, તેનો શ્વાસોચ્છવાસ ઝડપી બને, તેને પરસેવો વળે અને ક્ષણિક ભય ઉત્પન્ન થાય. આ સામાન્ય ચિંતાનો પ્રકાર છે. (2) રોગલક્ષી ચિંતા કોઈ માનસિક વિકાર, અનુકૂલન (adjustment), વિકાર અથવા મનોવિકારી ચિંતાના રોગનું લક્ષણ હોય છે. ચિંતાગ્રસ્ત વ્યક્તિ હૃદયના ધબકારાનો અનુભવ કરે (palpitation), તેને પરસેવો વળે, પેટમાં ગરબડ થાય (butterflies in stomach), છાતીમાં દબાણ લાગે, ઢીંચણ ધ્રૂજવા માંડે, અંધારાં આવી જાય, ધ્રુજારી થાય, હૃદયના ધબકારા વધે, હાથપગમાં ઝણઝણાટી થાય, મૂર્છા આવી જાય, માથું ખાલી ખાલી લાગે, ઝાડા કે પેશાબની વારેઘડીએ હાજત લાગે, પેશાબ અટકતો લાગે અથવા તેમાં ઉતાવળ થઈ જાય વગેરે શારીરિક લક્ષણ થાય છે. વળી વ્યક્તિ પોતે માનસિક નબળાઈ (nervousness) અથવા ભય અનુભવે અને તેને કારણે તે એકાગ્રતા ન રાખી શકે અથવા વસ્તુ કે વાત ભૂલી જાય. આ તેનાં માનસિક લક્ષણો છે. ચિંતાનાં વિવિધ લક્ષણો સારણી 1માં દર્શાવ્યાં છે. માનસિક રોગના સ્વરૂપે દેખાતી ચિંતાના મુખ્ય બે પ્રકાર છે : (1) ઉગ્ર ચિંતાના હુમલા અને (2) સર્વકાલીન ચિંતાનો વિકાર.

(1) ઉગ્ર ચિંતાના હુમલા (panic disorders) : ઉગ્ર ચિંતાના આ હુમલાઓ ક્યારેક ક્ષણિક હોય છે અથવા એક કલાક અથવા તેનાથી પણ વધારે વખત માટે રહે છે. ચિંતાનો હુમલો એકાએક આવે છે. પછી ખૂબ વધી જાય છે અને છેવટે શાંતિ થઈ જાય છે. આ પ્રકારના હુમલા વિપરીત સંજોગો કે ધમકીભર્યા વાતાવરણની ગેરહાજરીમાં આવે છે. તેમાં હૃદયના ધબકારા વધી જવા, હાથપગમાં ધ્રુજારી આવવી, હોઠોનું ફફડવું, શ્વાસ રૂંધાવો, ખૂબ પરસેવો થવો, આંખે અંધારાં આવવાં વગેરે શારીરિક લક્ષણો જોવા મળે છે. આ સમયે દરદી અસહાયતા અનુભવે છે અને તેને એવું લાગે છે કે તે મોટી આફતમાં ફસાઈ જશે અથવા મરી જશે. દરદી સતત ઉશ્કેરાટ અને ભય અનુભવે છે. હુમલાની તીવ્રતા વધતાં દરદીનું માથું ભમે છે, મોઢું સુકાય છે, છાતીમાં દુખાવો અનુભવાય છે, શ્વાસોચ્છવાસ ખૂબ જ ઝડપી બને છે, હાથપગમાં ઝણઝણાટી અનુભવાય છે, પેટમાં બળતરા કે દુખાવો થાય છે, દરદી સ્થિર ઊભો રહી શકતો નથી, તેને સતત ચક્કર આવે છે અને સમતુલા ગુમાવી બેસવાનો ભય લાગે છે. તે તાત્કાલિક ડૉક્ટરને બોલાવવાની વિનંતી કરે છે અને ડૉક્ટરની મદદથી કે મદદ વિના આવો હુમલો એકાએક શમી જાય છે. આવા હુમલા દિવસમાં એક અથવા વધારે વખતથી માંડીને મહિનામાં એકબે વખત આવે છે. ચિંતાનું આક્રમણ જો રાત્રે થાય તો દરદી ગાઢ નિદ્રામાંથી જાગી જાય છે અને ભય તથા અસલામતીની લાગણી અનુભવે છે. સામાન્ય રીતે બે હુમલાની વચ્ચેના ગાળામાં દરદીનું વર્તન સામાન્ય લાગે છે પરંતુ બારીકાઈથી જોવામાં આવે તો તેનામાં હળવી તંગદિલી, બેચેની અને વ્યગ્રતા દેખાય છે.

(2) સર્વકાલીન ચિંતાનો વિકાર (generalised anxiety disorder) : તે એક દીર્ઘકાલી વિકાર છે. તેથી તેનો દરદી સતત તંગદિલી અને હળવી ચિંતાની અવસ્થામાં રહે છે. આવી વ્યક્તિ સામાન્ય પરિસ્થિતિમાં પણ હંમેશ ચિંતાતુર રહે છે. વધારે પડતી સંવેદનશીલતાને કારણે તે વ્યર્થ અને કાલ્પનિક ભય ઊભા કરી સતત ક્ષુબ્ધ, બેચેન અને નિરુત્સાહી રહે છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં આ વિકાર વધુ જોવા મળે છે. આ કારણે દરદીની બૌદ્ધિક કાર્યક્ષમતામાં અંતરાય ઊભો થાય છે.

દરદી ભૂતકાળની બાબતોનો વિચાર કરી તેને માટે પશ્ચાત્તાપ કરતો હોય છે અને ભવિષ્યમાં આવનારી તમામ મુશ્કેલીઓનું પૂર્વાનુમાન કરીને અસલામતી અનુભવે છે. મનોવિકારી ચિંતાના દરદીને ચિંતાનાં સ્વપ્નાં આવે છે. કોઈએ તેનું ગળું દબાવ્યું છે, તે ઊંચી જગા પરથી પડી ગયો છે, કોઈ તેને મારી નાખવા માટે પાછળ પડ્યું છે વગેરે ભયાનક સ્વપ્નાં તેને આવે છે. મનોવિકારી ચિંતાના દરદીમાં સામાન્ય રીતે નીચે જણાવેલ શારીરિક અને માનસિક તકલીફો જોવા મળે છે.

સારણી 1 મનોવિકારી ચિંતાનાં લક્ષણો

 (અ) માથાને લગતી તકલીફો : ચક્કર આવવાં, આંખે અંધારાં આવવાં, માથું ભારે લાગવું, ગરદનના સ્નાયુઓ ખેંચાવા, આંખોમાં બળતરા થવી.
(આ) છાતીને લગતી તકલીફો : હૃદયના ધબકારા વધી જવા, શ્વાસ રૂંધાવો, શ્વાસોચ્છવાસની ક્રિયા ઝડપી બનવી (hyperventilation).
 (ઇ) પેટને લગતી તકલીફો : પેટમાં બળતરા થવી,, મોઢું સુકાઈ જવું, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો થવો, ઊલટી-ઊબકા જેવું લાગવું, ઓડકાર, વારંવાર ઝાડા થવા (irritable bowel syndrome), પાચનશક્તિ ક્ષીણ થઈ જવી, કબજિયાત રહેવી.
(ઈ) અન્ય શારીરિક તકલીફો : શારીરિક નબળાઈ લાગવી, શરીરમાં દુખાવો થવો, હાથપગમાં ઝણઝણાટી અનુભવવી, હાથપગમાં ધ્રુજારી થવી, પરસેવો થવો, હાથપગ ઠંડા પડી જવા, વજન ઘટતું જવું, અનિદ્રા, ભયાનક સ્વપ્નાં આવવાં.
(ઉ) માનસિક લક્ષણો : આત્મવિશ્વાસનો અભાવ, અસલામતી અને અસહાયતાની લાગણી અનુભવવી, અકારણ ગુસ્સો આવવો, નજીવી બાબતોની ચિંતા કરવી, રોજિંદા કાર્યમાં ખલેલ પહોંચવી, વારંવાર પેશાબ કરવા જવું, બેચેની અને અજંપો અનુભવવો, વધારે પડતા ઢીલા (nervous) થઈ જવું, રૂમમાં એકલા બેસી રહેવું, એકલા બહાર જતાં ડર લાગવો, લિંગના કદ વિશે સતત વિચારો કરવા, પોતાની જાતનું નિમ્ન મૂલ્યાંકન કરવું, સામાન્ય સંજોગોમાં ગભરાઈ જવું, હાથ કે પગ હલાવવા, નખ કરડવા, જીવનની સામાન્ય ઘટનાઓને અસ્તિત્વ સામેની ધમકીના રૂપમાં જોવી.

સામાન્ય ચિંતાગ્રસ્ત મન:સ્થિતિમાં સારણી 1માંનાં એક કરતાં વધારે લક્ષણો જોવા મળે છે. મનોવિકારી ચિંતા અને ખિન્નતા (depression) મોટા ભાગના દરદીઓમાં એકસાથે જોવા મળે છે. એવી જ રીતે અકારણ ભયલક્ષી વિકાર(phobic neurosis)માં પણ મનોવિકારી ચિંતાનાં લક્ષણો જોવા મળે છે.

મનોવિકારી ચિંતાનું નિદાન કરતાં પહેલાં હૃદયની નસોનો રોગ (coronary artery disease), લોહીનું ઊંચું દબાણ (hyper-tension), ધૂલિરંજક કોષાર્બુદ(pheochromocytoma)ની ગાંઠ અને મેનિઅરનો  રોગ જેવા શારીરિક રોગો નથી એવો નિદાનભેદ (differential diagnosis) કરવો જરૂરી ગણાય છે.

કારણો : વિવિધ કારણોને લીધે મનોવિકારી ચિંતા થાય છે. (1) ભયાનક કે દબાયેલી ઇચ્છાઓની આકસ્મિક અભિવ્યક્તિનો ભય, (2) વ્યક્તિગત દરજ્જાનું કે ધ્યેયસિદ્ધિનું ભયમાં આવી પડવું, (3) અપરાધ અને સજાનો ભય, (4) બાલ્યાવસ્થાના માનસિક આઘાતોનું પુનર્જીવન, (5) અતિશય કાળજી રાખતાં માતાપિતા તથા (6) એકલા પડી જવાનો ભય (separation anxiety).

સારવાર : તેની સારવારમાં દવાઓ ઉપરાંત માનસોપચારની વિવિધ પદ્ધતિઓ અમલમાં છે. (1) ચિંતાશામક (antianxiety) અને ખિન્નતાદાબક (antidepressant) દવાઓનો ઉપયોગ કરાય છે. (2) આત્મનિરીક્ષણલક્ષી માનસોપચાર પદ્ધતિ (insight psychotherapy), (3) સહાનુભૂતિ અને આધારદાયી (reassurance and supportive) મનશ્ચિકિત્સા (psychotherapy), (4) શિથિલીકરણ ચિકિત્સા (relaxation therapy), (5) સંવેદનશીલતાને ક્રમશ: ઘટાડવા(gradual desensitization)ની વર્તનચિકિત્સા, (6) સંમોહન અને (7) ધ્યાન તથા યોગાસન.

મૃગેશ વૈષ્ણવ