ચિશ્તી જમ્મનશાહ (પહેલા)

January, 2012

ચિશ્તી જમ્મનશાહ (પહેલા) (જ. અમદાવાદ; અ. 27 સપ્ટેમ્બર 1535) : ફારસી સંતકવિ. મૂળ નામ જમાલુદ્દીન. પણ જમ્મનશાહ તરીકે પ્રખ્યાત છે. તેમની ગણના ગુજરાતના નામાંકિત ચિશ્તી ઓલિયામાં થાય છે. બીજા ખલીફા ઉમર ફારૂકના વંશજ હોવાથી તેઓ ફારૂકી શેખ પણ કહેવાય છે. પિતા શેખ મહમૂદ રાજન ચિશ્તી પાસેથી ધાર્મિક શિક્ષણ અને સૂફી મતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ તેમના મુરીદ (અધ્યાત્મ-શિષ્ય) અને ખલીફા (સૂફી ગાદીવારસ) પણ હતા. શેખ અહમદ ખટ્ટુ સરખેજીના ખલીફા શેખ નસિરુદ્દીન બીજા જે તેમના પિતા મહમૂદ રાજન પટનીના પિત્રાઈ ભાઈ થતા હતા તેમની પાસેથી પણ જમ્મનશાહે દિવ્ય જ્ઞાન મેળવ્યું હતું. આમ તો તેઓ ખ્વાજા નસિરુદ્દીન મહમૂદ ચિશ્તી ચિરાગ દેહલવીના વિદ્વાન ભાણેજ તેમજ ચિશ્તી સૂફી સંપ્રદાયના મુખ્ય સૂફી સંત ખ્વાજા કમાલુદ્દીન અલ્લામા ફારૂકીના વંશજ હતા; તદુપરાંત ચિશ્તી સૂફી પરંપરાની મુખ્ય ગાદી પાટણ(ઉત્તર ગુજરાત)થી અમદાવાદમાં લાવી સ્થાપના કરનાર પણ જમાલુદ્દીન જમ્મનશાહ (પહેલા) ચિશ્તી જ હતા. તેમણે અમદાવાદના શાહપુરમાં આવેલી ચંપા મસ્જિદ 1515માં બંધાવી હતી; પરંતુ તેમનો મજાર (મકબરો) આશ્રમરોડ ઉપર સાબરમતી નદીને કિનારે આવેલો છે.

ચિશ્તી જમ્મનશાહ (બીજા) (જ. અમદાવાદ, 1677; અ. 1712) : તેઓ વિદ્વાન સંત હતા. તેમણે નવ વર્ષની ઉંમરે કુરાન કંઠસ્થ કરી લીધું હતું. તેમણે અરબી, ફારસી ભાષા, કુરાનનું ભાષ્ય, ઇસ્લામી ધર્મશાસ્ત્ર, હદીસ (પયગંબર સાહેબનાં કથનો), તર્કશાસ્ત્ર, વ્યાકરણ અને અધ્યાત્મ વિશેનું જ્ઞાન પોતાના પિતા પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તે અત્યંત મધુર અવાજે કુરાનનું પઠન કરતા, સદા દિવ્ય પ્રાર્થનામાં પ્રવૃત્ત રહેતા, મોટે ભાગે ઉપવાસ રાખતા અને પોતાની ખાનકાહ(સૂફીમઠ)માં આવેલ મદરેસામાં વિદ્યાર્થીઓને ભણાવતા અને પોતાના મુરીદોને સૂફીવાદનું શિક્ષણ આપતા હતા. જીવનપર્યંત લોકોને સત્યમાર્ગે વાળવાનું કાર્ય તેમણે અપનાવ્યું હતું. સમગ્ર ગુજરાતના હજારો લોકોએ તેમનો લાભ મેળવ્યો હતો. અત્યારે તેમના મકબરામાં શ્રદ્ધાળુઓની ભીડ જામેલી રહે છે.

જમ્મનશાહ એક વિદ્વાન સંત અને કવિ પણ હતા. તેમણે ફારસીમાં ઘણી કવિતાઓ, ગઝલો લખી છે, જેમાં બ્રહ્મજ્ઞાન, અધ્યાત્મવાદની વાતો છે. તેમનું તખલ્લુસ ‘જમ્મન’ હતું. તેમના કાવ્યસંગ્રહની હસ્તપ્રત, ચિશ્તિયાહ ખાનકાહ (કેન્દ્ર), શાહીબાગના ખાનગી પુસ્તકાલયમાં મવજદ છે. (આ બંને સંત–લેખકોનો અહેવાલ ઉર્દૂ ભાષા અને ગુજરાતી લિપિમાં લખાયેલ, તારીખે ચિશ્ત ખાનવાદ એમાં મળે છે. પ્રકાશનનું વર્ષ : (1986).

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ