ચિલી

દક્ષિણ અમેરિકા ભૂમિખંડના દક્ષિણ છેડા પર પશ્ચિમ કાંઠે આવેલો દેશ. લૅટિન અમેરિકાનો આ દેશ પેરુની દક્ષિણમાં તથા આર્જેન્ટિનાની પશ્ચિમમાં પૅસિફિક મહાસાગરકાંઠે આવેલો છે. તે આશરે 17 ° 30´ દ.થી 56° 0´ દ. અક્ષાંશવૃત્ત તથા 67° 0´ પ.થી 75° 40´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનો વિસ્તાર 7,56,626 ચોકિમી. થયો છે. તેનો આકાર ઉત્તર-દક્ષિણ લગભગ 4200 કિમી. લાંબી અને પૂર્વ-પશ્ચિમ સરેરાશ 200 કિમી.થી પણ ઓછી પહોળાઈ ધરાવતી લાંબી પટ્ટી જેવો છે. પૅસિફિક કિનારાને આવરતી તેની સમુદ્રતટરેખા આશરે 6435 કિમી. લાંબી છે, જેના કિનારે કિનારે હજારો ટાપુઓ આવેલા છે, જેથી તે અત્યંત ખાંચાખૂંચીવાળી બનેલી છે. આમ ચિલીનો દક્ષિણનો કિનારો ફિયૉર્ડ પ્રકારનો છે. બોલિવિયા તથા આર્જેન્ટિના સાથેની ચિલીની પૂર્વની સીમા ઍન્ડીઝ ગિરિમાળાના ઊંચા જળવિભાજક પ્રદેશમાં આવેલી છે. આ નાનો દેશ દક્ષિણ અમેરિકા ભૂમિખંડમાં મુખ્યત્વે તેના આકાર, ભૂપૃષ્ઠ અને આબોહવા જેવાં કુદરતી પરિબળોની જટિલતાની બાબતમાં ખાસ જુદો તરી આવે છે.

ચિલી

પ્રાકૃતિક રચના : પ્રાકૃતિક રચના પ્રમાણે આ દેશને ઉત્તર-દક્ષિણ લંબાયેલા ત્રણ મુખ્ય એકમોમાં વહેંચી શકાય : (1) ઍન્ડીઝ ગિરિમાળા, (2) કિનારાની હારમાળા અને (3) મધ્યસ્થ ખીણપ્રદેશ.

(1) ઍન્ડીઝ ગિરિમાળા : દેશના પૂર્વભાગમાં ઉત્તર-દક્ષિણ લંબાયેલી આ ગિરિમાળા સામાન્ય રીતે ઉત્તરથી દક્ષિણ તરફ જતાં નીચી થતી જાય છે. તે ગગનચુંબી હિમાચ્છાદિત શિખરો, સીધા પહાડી ઢોળાવો અને તેમની વચ્ચે વચ્ચે ઊંડી ખીણો તેમજ ઠેર ઠેર સક્રિય, સુષુપ્ત અને મૃત જ્વાળામુખીઓ ધરાવે છે. વેલારિકા જે ચિલીનો સક્રિય જ્વાળામુખી છે જે લગભગ સાડા છ લાખ વર્ષથી શંકુ આકારનો રહ્યો છે. તે ‘સ્ટ્રેટો વોલ્કે’ તરીકે ઓળખાય છે. અવારનવાર પ્રસ્ફુટન થતાં 200થી 300મીટર ઊંચી આગની જ્વાળાઓ ભભૂકી ઉઠે છે. ઉત્તર ઍન્ડીઝમાં સરેરાશ 3600 મી.ની ઊંચાઈવાળો આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ આવેલો છે, પણ તેની આસપાસનાં શિખરો 6000 મી. કે તેથી પણ વધુ ઊંચાં છે. તેમાં આવેલાં આંતરિક થાળાંઓમાં જ્વાળામુખી પ્રસ્ફુટનથી બહાર નીકળેલા પદાર્થોના ઢગ પથરાયેલા છે. આ ઉચ્ચપ્રદેશ એકંદરે શુષ્ક, ઠંડો અને પવનઘર્ષિત છે તેમજ તે ક્ષારવાળાં છીછરાં સરોવરો ધરાવે છે. આ ઉચ્ચપ્રદેશની દક્ષિણમાં આશરે 27° દ.થી 38° દ. અક્ષાંશવૃત્તો વચ્ચેના ક્ષેત્રમાં અનેક ઊંચાં શિખરો આવેલાં છે. આ પૈકીનું આર્જેન્ટિનાની સીમા પાસેનું સર્વોચ્ચ શિખર ઓહોજ ડેલ સલાડો (Ojos del Salado) છે, જે 6908 મી.ની ઊંચાઈ ધરાવે છે. વળી અહીંનાં થોડાંક શિખરો જ્વાળામુખી શંકુઓનાં પણ બનેલાં છે. અહીં 33° દ. અક્ષાંશવૃત્ત પર 4000 અને 4500 મી.ની ઊંચાઈ વચ્ચે હિમરેખા આવેલી છે. 38° દ. અક્ષાંશવૃત્તથી વધુ દક્ષિણે આ હારમાળાની ઊંચાઈ ઘટે છે. અહીં અનેક જ્વાળામુખીઓની હાર નજરે પડે છે. આ સિવાય અહીંનાં ક્ષેત્રો નાનાંમોટાં અસંખ્ય સરોવરોની ખાસિયત ધરાવે છે. છેક દક્ષિણે પૅસિફિક કિનારાના ટાપુઓમાં આ ગિરિમાળા પહાડોના રૂપમાં જોવા મળે છે.

(2) કિનારાની હારમાળા : પૅસિફિક મહાસાગરના કાંઠા પર ઉત્તરથી દક્ષિણ તરફ જતી આ હારમાળા એકંદરે નીચી અને તૂટક તૂટક છે. જોકે ઉત્તર ભાગમાં તે કિનારાથી નજીકમાં આવેલી છે, પણ બાકીના ભાગોમાં તે કિનારાથી દૂર જોવા મળે છે. ઍન્ડીઝ ગિરિમાળામાંથી નીકળીને પૅસિફિક મહાસાગરને મળતી સંખ્યાબંધ ટૂંકી નદીઓએ આ હારમાળાને કોતરીને ખંડિત બનાવી છે. તે કિનારાના ભાગો પરથી વિશાળ પગથીઓ(terraces)ના સ્વરૂપે ધીમે ધીમે ઊંચકાતી જતી જણાય છે. ઉત્તરમાં ઇકીકે (Iquique) બંદર પાસે તે 550-850 મી. અને લોઆ નદીખીણથી દક્ષિણે 1800 મી.ની ઊંચાઈ ધરાવે છે. આન્ટોફાગાસ્ટા બંદર ધરાવતા પૅસિફિક તટથી તે પૂર્વ બાજુએ 960 કિમી. જેટલી દૂર આવેલી છે અને અહીં અતકામા રણમાં આવેલું તેનું સર્વોચ્ચબિંદુ 3000 મી.ની ઊંચાઈએ પહોંચે છે. આ પછી દક્ષિણમાં જતાં તે ક્રમશ: વધુ ને વધુ નીચી થતી જાય છે. વાલ્પરાઇઝો અને સાન્ટિયાગો પ્રાન્તોમાં તેની ઊંચાઈ 2500 મી. જેટલી છે, પણ છેક દક્ષિણે બિયો-બિયો (Bio-Bio) નદી પાસે તેની ઊંચાઈ ઘટીને માત્ર 700 મી. જેટલી થઈ જાય છે. આથી વધુ દક્ષિણે ચિલોએ  ટાપુમાં તે માત્ર નીચી ટેકરીઓ રૂપે જોવા મળે છે અને છેવટે અદૃશ્ય થાય છે.

(3) મધ્યસ્થ ખીણપ્રદેશ : પૂર્વની ઍન્ડીઝની ઊંચી ગિરિમાળા અને પૅસિફિક કિનારાની નીચી હારમાળા વચ્ચે ઉત્તર-દક્ષિણ લંબાયેલો આ ખીણપ્રદેશ નદીઓનાં કાંપનાં વિશાળ મેદાનોનો બનેલો છે. જોકે ઉત્તરના અતકામા રણના શુષ્ક આબોહવા ધરાવતા પ્રદેશમાં ક્ષારવાળાં સરોવરો તેમજ નહિવત્ પાણીપુરવઠો ધરાવતી અરોમા (Aroma),  તારાપાકા (Tarapacá) અને કિસ્મા (Quisma) નદીઓની ઊંડી અને વેરાન કોતરખીણો છે. અહીં 18° દ. અને 27° દ. અક્ષાંશવૃત્તો વચ્ચે આવેલી માત્ર લોઆ નદીમાં જ પાણીપુરવઠો જળવાઈ રહે છે. આશરે 33° દ. અક્ષાંશવૃત્તથી દક્ષિણમાં મુખ્યત્વે કોપ્યાપો, હવાસ્કો, લૉસ કોરોસ, એલ્કી, લિમારી, ચોપા, લિગ્વા, પેટોર્કા અને એકોન્કાગ્વા (Aconcagua) નદીઓએ બનાવેલાં વિશાળ અને ફળદ્રુપ કાંપનાં મેદાનો પથરાયેલાં છે જે ખેતીની દૃષ્ટિએ અત્યંત મહત્વ ધરાવે છે. એકોન્કાગ્વા નદીખીણને ‘ચિલીની મહાન ખીણ’નું બિરુદ મળેલું છે. દક્ષિણે જતાં ઘણી નદીઓનાં સળંગ શ્રેણીબદ્ધ થાળાં જોવા મળે છે. અહીંની બધી નદીઓ સતતવાહિની છે. ઍન્ડીઝમાં થતા વરસાદ ઉપરાંત ઉનાળામાં બરફ પીગળતાં તે પાણીપુરવઠો મેળવે છે, જેથી અહીંનાં કાંપનાં થાળાંમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે.

બિયો-બિયો નદીથી દક્ષિણના ખીણપ્રદેશમાં નદીઓ ઊંડી ખીણોમાં વહે છે. તેના છેક દક્ષિણના ભાગો હિમઅશ્માવલીઓ તથા સરોવરોની ખાસિયતો ધરાવે છે.

આબોહવા : આ દેશની આબોહવા પર તેના અક્ષાંશીય સ્થાન, આકાર તથા ભૂપૃષ્ઠ – એમ ત્રણ મુખ્ય પરિબળોની સંયુક્ત અસરો જોવા મળે છે. આશરે 18° દ.થી 56° દ. અક્ષાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલા અને ઉત્તર-દક્ષિણ લંબાકાર પટ્ટી જેવા આ દેશનો અક્ષાંશીય વ્યાપ ઘણો જ વધારે છે, તેથી પ્રદેશોનાં અક્ષાંશીય સ્થાન મુજબ આબોહવામાં પલટો આવે છે. ઍન્ડીઝ ગિરિમાળામાં અક્ષાંશ કરતાં ઊંચાઈ, તાપમાનને અસર કરતું મહત્વનું પરિબળ છે, તેથી ઍન્ડીઝના ઊંચા ભાગોમાં કાયમી બરફ અને હિમનદીઓ ધરાવતી ‘પહાડી આબોહવા’ પ્રવર્તે છે. ઉત્તરથી દક્ષિણ તરફ જતાં હિમરેખાની ઊંચાઈમાં ઘટાડો થાય છે અને તેની સાથે સાથે તાપમાન પણ ઘટતું જાય છે. વરસાદની બાબતમાં જોઈએ તો ચિલીમાં તેના વિશિષ્ટ અક્ષાંશીય સ્થાનને લીધે દક્ષિણમાં પશ્ચિમિયા પવનો વધુ અસરકારક રહે છે અને ભારે વરસાદ આપે છે. આ ઉપરાંત લાંબા સમુદ્રતટને લીધે તેનાં બધાં જ ક્ષેત્રો સમુદ્રના વ્યાપક પ્રભાવ હેઠળ આવતાં તેની આબોહવાને નરમ બનાવે છે. તેનાથી ઊલટું ઍન્ડીઝ ગિરિમાળાની ઊંચી દીવાલ પૂર્વ તરફથી ખંડીય અસરોને અટકાવવાનું કાર્ય કરે છે. વળી હમ્બોલ્ટના ઠંડા પ્રવાહની અસરો લગભગ 40° દ. અક્ષાંશવૃત્તથી ઉત્તરના ભાગોમાં અનુભવાય છે. ટૂંકમાં, આંતરિક ભાગો કરતાં કિનારાના ભાગોમાં દૈનિક અને વાર્ષિક તાપમાનનો ગાળો ઓછો અને વરસાદનું પ્રમાણ વધુ રહે છે.

ચિલીમાં મુખ્યત્વે ત્રણ આબોહવાકીય વિભાગો જોવા મળે છે.

(1) ગરમ રણ પ્રકારની આબોહવા : ઉત્તર ચિલીમાં પેરૂની સીમાથી 30° દ. અક્ષાંશવૃત્ત સુધી પથરાયેલા અતકામા રણમાં વિશેષ ગરમ અને સૂકી આબોહવા પ્રવર્તે છે.

(2) ભૂમધ્ય સમુદ્ર પ્રકારની આબોહવા : આશરે 30° દ.થી 38° દ. અક્ષાંશવૃત્તો વચ્ચે પ્રવર્તતી આ પ્રકારની આબોહવામાં શિયાળા ભીના (વરસાદવાળા) અને ઉનાળા કોરા રહે છે. વળી અહીં ઉત્તરથી દક્ષિણ તરફ જતાં વરસાદનું પ્રમાણ વધતું જાય છે. ‘ચિલીની મહાન ખીણ’ આ પ્રકારની આબોહવા ધરાવે છે, જે માનવવસવાટ માટે વિશેષ સાનુકૂળ છે. વધુમાં આ પ્રદેશ ફળદ્રુપ કાંપનાં મેદાનો ધરાવતો હોવાથી ગીચ વસ્તીનું કેન્દ્ર બન્યો છે.

(3) પશ્ચિમ યુરોપ પ્રકારની આબોહવા : લગભગ 37° દ. અક્ષાંશવૃત્તથી દક્ષિણમાં આવેલા પ્રદેશોમાં વર્ષભર પશ્ચિમિયા પવનો વાય છે. તેની સાથે સાથે મધ્ય અક્ષાંશવૃત્તના ચક્રવાતો ભળતાં બારે માસ વાદળો અને વરસાદની અસર વરતાય છે. વળી આ ભાગો ‘ગર્જતા ચાલીસા’ (40° દ. અક્ષાંશવૃત્ત) અને ‘ભયંકર પચાસા’ (50° દ. અક્ષાંશવૃત્ત) નામે ઓળખાતા પવનોના માર્ગમાં આવે છે. અહીંના ઉનાળા શીતળ અને શિયાળા તોફાની હોય છે તેમજ બારમાસી પુષ્કળ વરસાદ(2000 મિમી.થી વધારે)ને લીધે આ ભાગો સદાહરિત ગીચ શંકુદ્રુમ જંગલોથી છવાયેલા છે. વધુ દક્ષિણે જઈએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો (વાર્ષિક સરેરાશ 10° સે.થી નીચે) અને વરસાદના પ્રમાણમાં વધારો (2000–5000 મિમી.) થતો જાય છે.

કુદરતી વનસ્પતિ, વન અને મત્સ્યસંપત્તિ : ઍન્ડીઝના ઢોળાવો તથા તળેટી વિસ્તારોમાં તેમજ કેટલીક નદીખીણોમાં જંગલો છવાયેલાં છે. ઉત્તરના રણપ્રદેશના વેરાન અને આછી વનસ્પતિવાળા ભાગોને બાદ કરતાં 37° દ. અક્ષાંશવૃત્તથી દક્ષિણના ભારે વરસાદવાળા ભાગોમાં સદાહરિત ગીચ શંકુદ્રુમ જંગલો ઊગી નીકળેલાં છે. ચિલીના અર્થતંત્રમાં ખાણ અને ખેતી પછી લાકડા-ઉદ્યોગનો ક્રમ આવે છે. આ ભાગોમાં લાકડાં વહેરવાની અનેક મિલો આવેલી છે. આજે વનવાવેતર કરીને લાકડાં તથા લાકડાંની પેદાશોનું ઉત્પાદન કરવામાં આવે છે; જેની નિકાસથી આ દેશ સારું વિદેશી હૂંડિયામણ મેળવે છે. સાન પેદ્રોમાં કાગળનો માવો અને કાગળની મિલ છે, જ્યારે લાહા(Laja)માં સેલ્યુલોઝ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

દેશમાં સૂરોખાર (nitre) ઉદ્યોગની પડતી થયા પછી સરકારે મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટેનું આયોજન કર્યું છે. ખાસ કરીને ઉત્તરના તારાપાકા તથા આન્ટોફાગાસ્ટા પ્રાન્તોના દરિયાકાંઠે ખાદ્ય માછલાંની અનેક જાતો થાય છે અને તેનું વાર્ષિક ઉત્પાદન 38 લાખ ટન જેટલું છે. દુનિયાના મત્સ્ય-ઉત્પાદક દેશોમાં ચિલી પાંચમો ક્રમ અને 5 % ઉત્પાદન-ફાળો ધરાવે છે.

ખેતી અને પશુપાલન : આ દેશનો 54% ભૂમિવિસ્તાર પહાડી અને પડતર તેમજ 27% ભૂમિભાગ જંગલ-આચ્છાદિત છે. બાકીના 13% ભૂમિભાગમાં ઘાસનાં મેદાનો છે, જ્યારે દેશના માત્ર 6% ભૂમિભાગમાં ખેતીપ્રવૃત્તિ થાય છે. ઘઉં, જવ, ઓટ, બટાટા અને ફળો (દ્રાક્ષ, સફરજન, પીચ વગેરે) અહીંના મુખ્ય પાકો છે. આ ઉપરાંત અહીં સૂર્યમુખી, હૅમ્પ, તમાકુ, શેરડી અને શુગરબીટ જેવા ઔદ્યોગિક પાકો તેમજ મકાઈ, ડાંગર, શાકભાજી અને પશુઓ માટેના ઘાસચારાના પાકો પણ ઉગાડવામાં આવે છે.

અહીંની ખેતી અને પશુપાલન માટેની જમીનો ઘણુંખરું એસ્ટેટ-સ્વરૂપે છે. ભૂમધ્ય સમુદ્ર પ્રકારની આબોહવા ધરાવતા ‘મધ્યસ્થ ખીણ વિસ્તાર’માં મુખ્યત્વે ખેતી અને પશુપાલન-પ્રવૃત્તિ કેન્દ્રિત થયેલી છે.

આ પ્રદેશમાં દેશના મોટા ભાગમાં (આશરે 2/3 ભાગ) અનાજ અને સફરજનનું ઉત્પાદન થાય છે. વળી આ પ્રદેશ દેશના 2/3 ભાગનાં ઢોર ધરાવે છે. અહીં ઢોર ઉપરાંત ઘેટાં અને ડુક્કરોનું પણ પાલન થાય છે.

છેક દક્ષિણના આયસેન (Aisen) તથા મેગેલન પ્રાન્તો ટૂંકું ઘાસ ધરાવતી ચરિયાણ ભૂમિ, નાનાં નાનાં ફાર્મ અને એસ્ટેટ ધરાવે છે, જ્યાં ઢોર અને ઘેટાંપાલન કરવામાં આવે છે. મેગેલન પ્રાન્ત દેશનું અર્ધા ભાગનું ઊન પેદા કરે છે.

ખનિજસંપત્તિ, ઊર્જાસ્રોતો અને ઉદ્યોગો : કોલસો, ખનિજતેલ અને કુદરતી વાયુ, જળવિદ્યુત વગેરે જેવા ઊર્જાસ્રોતો તેમજ લોખંડ, તાંબું, સૂરોખાર, ગંધક અને બીજાં અનેક પ્રકારનાં ખનિજોની ઉપલબ્ધિની બાબતમાં આ દેશ ઘણો જ નસીબદાર છે.

ચિલીમાં ખાસ કરીને સબબિટ્યુમિનસ કોલસો મળી આવે છે. દક્ષિણના મેગેલન પ્રાન્તના ટાપુઓ પણ કોલસાની અનામતો ધરાવે છે. આ પ્રાન્તમાં ખનિજ તેલ અને કુદરતી વાયુને વાલ્પરાઇઝો તથા કૉન્સેપ્સ્યોન ખાતેની રિફાઇનરીઓમાં લઈ જવામાં આવે છે.

ઍન્ડીઝનાં પહાડી ક્ષેત્રો તથા દક્ષિણના વનવિભાગના ડુંગરાળ પ્રદેશો, અહીંના મુખ્ય જળવિદ્યુતસ્રોતો છે, જે 21% વિદ્યુતશક્તિની જરૂરિયાતોને સંતોષે છે.

ઉત્તરના રણપ્રદેશમાં સૂરોખાર, લિથિયમ કાર્બોનેટ તથા અન્ય ક્ષારોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે.

ચિલીનું તાંબાની ધાતુનું વાર્ષિક ઉત્પાદન 10 લાખ ટન જેટલું છે. તે પૈકીના આશરે 8 લાખ ટનની તે નિકાસ કરે છે. આમ તે વિશ્વમાં આ ધાતુના ઉત્પાદનમાં ચોથો ક્રમ અને 9% ઉત્પાદનફાળો ધરાવે છે.

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં મુખ્યત્વે ખાદ્ય ચીજોનું પ્રક્રમણ કરવાના તેમજ કાપડ, પગરખાં, ફર્નિચર, દારૂ, માલગાડી અને ઉતારુ રેલગાડીના ડબ્બા, રેલવે એન્જિનો વગેરે બનાવવાના ઉદ્યોગો સ્થપાયેલા હતા જ.

દેશમાં સાન્તિયાગો, વાલ્પરાઇઝો અને કૉન્સેપ્સિયોન આ ત્રણ મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો છે. સાન્તિયાગોમાં મુખ્યત્વે ખાદ્ય ચીજોનું પ્રક્રમણ, કાપડ, તૈયાર કપડાં, ચામડાંની ચીજો તથા રસાયણોને લગતા ઉદ્યોગો; વાલ્પરાઇઝોમાં કાપડ, રસાયણો, ધાતુપેદાશો તથા ખનિજતેલ-શુદ્ધીકરણ અને પેટ્રોરસાયણ ઉદ્યોગો તેમજ કૉન્સેપ્સિયોનમાં લોખંડ-પોલાદ, ખાદ્ય ચીજોનું પ્રક્રમણ, કાપડ, ખનિજતેલ-શુદ્ધીકરણ, પેટ્રોરસાયણ, ઇલેક્ટ્રૉનિક ઉપકરણોને લગતા ઉદ્યોગોનો વિકાસ થયો છે.

ચિલીના આયાતનિકાસ વ્યાપારનો મુખ્ય ભાગીદાર દેશ યુ.એસ. છે. આ સિવાયના અન્ય ભાગીદારોમાં જાપાન, જર્મની, બ્રાઝિલ, આર્જેન્ટિના, યુ.કે., ઇટાલી, વેનેઝૂએલા વગેરેનો સમાવેશ થાય છે. ચિલી મુખ્યત્વે યંત્રસામગ્રી, વાહનવ્યવહારનાં સાધનો, રસાયણો, વિદ્યુતયંત્રો અને ઉપકરણો, ઢોર વગેરેની આયાત કરે છે, જ્યારે ખાણપેદાશો (50%), ઔદ્યોગિક પેદાશો (35%), કૃષિ તથા મત્સ્ય પેદાશો (15%) વગેરેની નિકાસ કરે છે.

પરિવહન : ચિલીના ભૂપૃષ્ઠને કારણે તેના અર્થતંત્રનો આધાર પરિવહન ઉપર અવલંબિત છે. અહીં ધોરી માર્ગોની લંબાઈ 85,984 કિમી. છે. જેમાં 21,289 કિમી. લંબાઈના માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે.  દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ પછી આ દેશ ધોરી માર્ગોનું ગીચ જાળું ધરાવે છે. પાન અમેરિકન ધોરી માર્ગ જે પ્યુરેટો મોન્ટ અને કેલડેરા વચ્ચે આવેલો છે. તેની લંબાઈ 1,950 કિમી. છે. આવા જ બીજા માર્ગનું નિર્માણ પણ કાર્યરત છે. તે અતકામા રણ વિસ્તારમાં આવેલ છે. 2004 અને 2006માં સાન્ટીયાગો, વાલ્પારાઈસો અને મધ્ય કિનારાને સાંકળતા માર્ગ આજે કાર્યરત છે. આ દેશ લંબાત્મક હોવાથી રેલમાર્ગોનો જોઈએ તેટલો વિકાસ થયો નથી. સમગ્ર દેશમાં બસસેવા સરળતાથી ઉપલબ્ધ છે.

આ દેશમાં કુલ 372 હવાઈ પટ્ટીઓ આવેલી છે. જેમાંની મહત્વની ચાકાલ્લુટા (Chalalluta) આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, (અરીકા) ડીએગો આરકેના(Aracena) આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (ઇક્યૂઈક્યુ) (Iquique) આન્ડ્રેસ સાબેલા ગલવેઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એન્ટોફાગસ્ટા, કેરિયલ (Carriel) સૂર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કોન્સેપસીઓન (Concepcion) એલ ટેપુલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (પ્યુરોટોમોન્ટા), પ્રેસિડેન્ટ કાર્લોસ ઈબ્તેઝ ડેલ કેમ્પો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (પુન્ટા અરેનાસ) લા અરાકેનિયા (Araucania) આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (ટેમુકો), માટાવેરી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક (ઇસ્ટર ટાપુઓ). આ હવાઈ મથક વિશ્વમાં સૌથી અંતરિયાળ પ્રદેશમાં આવેલું છે એમ મનાય છે. અરટુરો મેરિનો બેનીટ્ઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક જે સાન્ટીયાગો ખાતે આવેલું છે. આ હવાઈ મથક દક્ષિણ અમેરિકાનું સૌથી મોટું હવાઈ મથક છે. LATAM હવાઈ સેવા ચિલીના મહત્વના હવાઈ મથકોને સાંકળે છે.

પ્રવાસન : છેલ્લા દસકાઓમાં ચિલીમાં પ્રવાસનક્ષેત્રે સારો વિકાસ થયો છે. 2005માં 13.6% વિદેશી પ્રવાસીઓનો વધારો જોવા મળ્યો હતો. દર વર્ષે આશરે 20 લાખ પ્રવાસીઓ મુલાકાત લે છે. જેમાં આર્જેન્ટિનાના પ્રવાસીઓ મુખ્ય છે. આ સિવાય યુ.એસ., યુરોપ, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને ચીનના પ્રવાસીઓ પણ મુલાકાત લેતા રહે છે. પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય નિહાળવામાં વધુ રસ લે છે. તેમજ ઇન્કાનાં સ્થાપત્યો, અલ્ટીપ્લાનો સરોવર, વૅલી ઑફ મૂન, ચુનગારા સરોવરની મુલાકાત લે છે. પરીનોકોટા અને પોમેરેપ જ્વાળામુખીઓ, જેની ઊંચાઈ અનુક્રમે  6348 મીટર અને 6,282 મી. છે. તે પણ પ્રવાસીઓનું આકર્ષણકેન્દ્ર છે. પોર્ટીલો, નેથાડો વૅલી, ટેરામ્સ ડે ચિલિયન જેવા સ્કી રિસોર્ટનો પણ લાભ લે છે. આ સિવાય કોન્ગુઈલીઓ (Conguillio) રાષ્ટ્રીય ઉદ્યાન, નાહુએલબુટા (Nahuelbuta) રાષ્ટ્રીય ઉદ્યાન, લાગુના સાન રફેલ રાષ્ટ્રીય ઉદ્યાન વધુ પ્રખ્યાત છે. હિમનદીઓ પણ આવેલી છે. અહીં આવેલું ‘વાલપારાઈસો’ (Valparaiso) સેન્ટ્રલ પૉર્ટ સિટી કે સ્થાપત્યની દૃષ્ટિએ મહત્વનું હોવાથી તેનો સમાવેશ ‘વર્લ્ડ હેરિટેજ’માં થયો છે. ચિલીના લોકોનું મનગમતું સ્થળ ‘ઇસ્ટર આઇલૅન્ડ’ છે. 1880માં બંધાયેલું ‘ચિલિયન નૅશનલ મ્યુઝિયમ ઑફ ફાઇન આર્ટ્સ’ જેવાં અનેક મ્યુઝિયમ જોવાલાયક છે.

પ્રવાસીઓને આકર્ષવા માટે વિશ્વનો સૌથી મોટો 32 હજાર પિક્સલનો ડિજિટલ કૅમેરો સેરોપાચોના ઉજ્જડ વિસ્તારમાં ઊભો કરવામાં આવી રહ્યો છે. આ કૅમેરા દ્વારા બ્રહ્માંડમાં ઉપસ્થિત 2 કરોડ ગૅલક્સી, 1700 કરોડ તારા (Star) અને 60 લાખ અવકાશી પદાર્થોનું રહસ્ય જાણી શકાશે.

વસ્તી અને વસાહતો : સ્પૅનિશોએ આ પ્રદેશો પર કબજો મેળવ્યા પછીથી ખાસ કરીને ગોરા પુરુષોના અહીંની મૂળવતની સ્ત્રીઓ સાથેના લગ્નસંબંધોને લીધે જાતિમિશ્રણથી મેસ્ટીઝો જાતિના લોકોની સંખ્યામાં બેહદ વધારો થયો. અહીંની વસ્તીમાં 90% મેસ્ટીઝો, 4% ગોરા અને બાકીના 6% લોકો ઇન્ડિયન જાતિના છે.

આજે આ દેશની કુલ વસ્તી 1,98,29,000 (2022) અને સરેરાશ વસ્તીગીચતા 17 (દર ચોકિમી.એ વ્યક્તિ) જેટલી છે. લોકોનું સરેરાશ આયુષ્ય બીજા દેશોની તુલનામાં ઊંચું છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 96% છે.

મુખ્ય વસાહતોમાં પાટનગર સાન્તિયાગો મહાનગર : 68,57,000; શહેર : 46,68,473 (2022) એ દેશનું અગત્યનું રાજકીય, વ્યાપારિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે રેલ અને ધોરી માર્ગે દેશનાં અગત્યનાં શહેરો અને બંદરો સાથે તેમજ આંતરરાષ્ટ્રીય હવાઈમાર્ગે દુનિયાના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત વાલ્પરાઇઝો વિસ્તારની વસ્તી ——- (2022) જ્યારે પાટનગર વાલ્પરાઇઝોની વસ્તી 10,00,000 (2022) જેટલી છે. કૉન્સેપ્સિયોન 9,02,000 (2022), આન્ટોફાગાસ્ટા 4,51,000 (2022), બાલ્ડીવિયા, પ્વેર્ટોમોન્ટ, પુન્તા આરેનાસ વગેરે બીજી અગત્યની વસાહતો છે. 13 પ્રદેશોમાં વહેંચાયેલી આ દેશની મુખ્ય ભાષા સ્પૅનિશ છે. ચિલીનું ચલણ ચિલીયન પેસો છે. ચિલીના સુંદર દરિયાકાંઠા પ્રવાસીઓને આકર્ષે છે. આ સાહિત્યપ્રેમી પ્રજાએ બે સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા કવિઓ આપ્યા છે. જેમાં એક પાબ્લો નેરુદા અને બીજા ગ્રેબ્રિયેલા મીસ્તરાલ છે. અહીં વિશ્વનો સૌથી મોટો 32,000 પિક્સલનો ડિજીટલ કેમેરો ઉભો કરવામાં આવી રહ્યો છે. આ કેમેરા દ્વારા બ્રહ્માંડમાં ઉપસ્થિત બે કરોડ ગેલેક્સી સતરસો કરોડ તારા (star) અને સાઈઠ લાખ અવકાશી પદાર્થોનું રહસ્ય જાણવા મદદરૂપ થશે. જે ચિલીના પાટનગર સેન્ટિયાગોથી 560 કિમી. દુર સેરોપાચોના ઉજ્જડ વિસ્તારમાં સ્થપાશે.

ચિલીનો ઇતિહાસ : 1540માં પેરૂના શાસક પીઝારોએ તેના લેફટેનન્ટ પેડ્રો ક બાલ્ડીવિયાને ચિલી જીતવા મોકલ્યો.

12મી ફેબ્રુઆરી 1541ના રોજ બાલ્ડીવિયાએ મેપાકો નદીના કાંઠે ચિલીની રાજધાની સાન્તિયાગો તથા કોન્સેપ્સિયોન, બાલ્ડીવિયા વગેરે અનેક શહેરો સ્થાપ્યાં. ક્રમશ: સ્થાનિક વસ્તી અને આગંતુક સ્પેનિયાર્ડો વચ્ચે મેળ સધાતાં ચિલીની વસ્તી મિશ્ર જાતિની બની.

સ્થાપનાથી 200 વરસો સુધી ચિલી પેરૂના વાઇસરૉયના મદદનીશ નીચેનો પ્રાંત હતો. ચિલી પેરૂના અર્થતંત્ર ઉપર બોજારૂપ હતું. સોનું વગેરે કીમતી ધાતુઓ પ્રમાણમાં ઓછી મળતાં બીજી યુરોપીય પ્રજાઓને વસવાટ કરવા માટે ખાસ આકર્ષણ ન હતું. અન્ય ઉદ્યોગોને અભાવે આ વસાહતીઓ ખેતી તરફ વળ્યા. ઘઉં, દ્રાક્ષ વગેરે ફળોનું ઉત્પાદન ચિલી ઉપરાંત પેરૂથી નિકાસ કરાતું હતું.

1778માં સ્પેનના રાજાએ એક રાજવંશી અધિકારીને ચિલીના કૅપ્ટન જનરલ તરીકે નીમ્યો. આમ ચિલી 1778થી અલગ રાજ્ય બન્યું. કેટલાન્સ અને બાસ્ક પ્રદેશથી આવેલા સ્પૅનિશ વસાહતીઓ ક્રિયોલ લોકો અને ઇન્ડિયનોની મજૂરીથી માલદાર બન્યા તે ઠાઠમાઠથી રહેતા હતા.

ઈ. સ. 1808માં ફ્રાન્સના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટે સ્પેનના રાજા ફર્ડિનાન્ડ છઠ્ઠાને પદભ્રષ્ટ કર્યો ત્યારે ચિલીના ક્રિયોલોએ આ તક ઝડપી 18 સપ્ટેમ્બર 1810ના રોજ પોતાની સ્વાયત્તતાની જાહેરાત કરી અને ચિલીનો વહીવટ લશ્કરી જૂથના હાથમાં આવ્યો.

ચાર વરસના અરાજકતાભર્યા શાસન દરમિયાન પેરૂના વાઇસરૉયે ચિલી જીતી લીધું હતું. 1817માં ત્રણેક યુદ્ધો બાદ પેરૂના લશ્કરને હરાવી 12 ફેબ્રુઆરી 1818થી ચિલીએ ફરી સ્વતંત્રતા પ્રાપ્ત કરી. ઓ’હિગિન્સ તેનો પ્રથમ ડિરેક્ટર થયો. જમીનદારો અને પૈસાદાર વેપારીઓના હાથમાં રાજતંત્રની ધુરા હતી; પણ મોટો જનસમુદાય અભણ અને પોતાની ફરજો અને હકોથી અજ્ઞાત હતો. તેનું શોષણ થતું હતું.

હિગિન્સે વધુ પુસ્તકાલયો અને શાળાઓ ખોલ્યાં અને શિક્ષકોની ઇંગ્લૅન્ડમાંથી ભરતી કરી, લૂંટફાટ દાબી દઈ લોકોને સલામતી બક્ષી. રસ્તાઓ અને પાણી પુરવઠાની વ્યવસ્થા કરી. પરદેશ સાથેના વેપારને વેગ આપ્યો. હિગિન્સે અમીરપદ અને વંશપરંપરાગત જાગીરોને નાબૂદ કરવાના પ્રયત્નો કરતાં રૂઢિચુસ્તોમાં અસંતોષ ફેલાયો. સુધારાની ધીમી ગતિને કારણે ઉદ્દામવાદીઓ પણ અસંતુષ્ટ હતા. હિગિન્સે પોતાની સત્તા અબાધિત રાખી સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું ન હતું. સત્તા ટકાવી રાખવા તેણે કડક હાથે કામ લીધું હતું. તેથી તે અપ્રિય થયો હતો અને તેને 1823માં રાજીનામું આપવા ફરજ પડી.

હિગિન્સ પછી થોડા થોડા સમય માટે અનેક શાસકો થઈ ગયા અને સાત વરસ દરમિયાન રૂઢિચુસ્તો અને ઉદારમતવાદીઓ વચ્ચે સમવાયતંત્ર કે કેન્દ્રિત શાસનની પસંદગી અંગે ખેંચતાણ ચાલુ રહી હતી. 1830માં રૂઢિચુસ્ત પક્ષની જીત થઈ અને તેમના સો વરસના શાસન દરમિયાન વ્યવસ્થિત સરકારનો દેશને લાભ મળ્યો. આ સમયે એક ધનવાન વેપારી ડીએગો પોર્ટેલ્સ રૂઢિચુસ્ત પક્ષનો અગ્રેસર હતો. મિલકત ધરાવતા લોકો ચર્ચ અને આજ્ઞાંકિત લશ્કરના સહકારથી કડક હાથે કામ લેવાના મતના હતા.

રાજકીય : 1833માં ઘડાયેલા બંધારણમાં તેના ડીએગો પોર્ટેલ્સના આપખુદ વિચારોનું પ્રતિબિંબ જોવા મળે છે. આ બંધારણ 1925 સુધી અમલમાં હતું.

આ બંધારણ પ્રમાણે કેન્દ્રલક્ષી શાસનના સર્વોપરી સત્તાધીશ પ્રમુખ ગણાતા. તે પ્રધાનમંડળની નિમણૂક કરતા હતા અને પ્રધાનમંડળ તેને જવાબદાર હતું. ભણેલા અને અમુક મિલકત ધરાવનારા પુરુષોને જ મત આપવાનો અધિકાર હતો. આ સાંપ્રદાયિક રાજ્યમાં રોમન કૅથલિક પંથ રાજધર્મ હતો. તે સિવાયના અન્ય પંથો ઉપર પ્રતિબંધ લદાયો હતો. પોર્ટેલ્સના ખૂન પછી આપખુદ પ્રજાસત્તાક શાસનપ્રણાલી પ્રમુખ જોઆકિમ પ્રિયેટો (1831 –1841), મેન્યુઅલ બુલનેસ (1841–51) અને મેન્યુઅલ મોન્ટ(1851–61)ના સમય સુધી ચાલુ રહી હતી. આ આપખુદ શાસન દરમિયાન સ્થિર ભૌતિક અને સાંસ્કૃતિક પ્રગતિ સધાઈ હતી. બુલનેસના વહીવટ દરમિયાન દક્ષિણના સરોવરોવાળા પ્રદેશમાં વસાહતીઓને વસવા પ્રોત્સાહન અપાયું હતું. તાંબાની ખાણોને લીધે સમૃદ્ધિમાં વધારો થયો હતો. સ્ટીમરયુગના આગમન સાથે પરદેશ સાથેના વેપારની વૃદ્ધિ થઈ હતી. દક્ષિણ અમેરિકાનાં બીજાં રાજ્યો કરતાં શિક્ષણનો ફેલાવો, અહીં વધુ ઝડપી હતો. 1842માં નૉર્મલ સ્કૂલ અને વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. મોન્ટના વહીવટ દરમિયાન રેલવેની શરૂઆત થઈ હતી અને પ્રથમવાર વસ્તીગણતરી હાથ ધરાઈ હતી. લોકોનો રાજકીય અને સામાજિક સુધારા તરફ જાહેર મત કેળવવામાં લેખકો, કવિઓ, બૌદ્ધિકો અને કેટલાંક સામયિકોએ સારો ફાળો આપ્યો હતો. 1850 પછી ઉદારમતવાદીઓ મક્કમ બન્યા અને 1861માં નરમ રૂઢિચુસ્તોનો સાથ લઈને ઉદારમતવાદી પ્રજાસત્તાક શાસનની શરૂઆત થઈ હતી. નોંધપાત્ર આર્થિક પ્રગતિને કારણે ધનિક ખાણમાલિકો અને વેપારીઓ અર્ધ-સામંતશાહી શાસનપ્રણાલીને તિલાંજલિ આપી સુધારાની માગણી કરવા લાગ્યા હતા. 1850 પછી મોન્ટની વંશપરંપરાગત જાગીરો નાબૂદ કરી અને ધાર્મિક સહિષ્ણુતાને પ્રોત્સાહન અપાયું. એકંદરે તે કૅથલિક વર્ચસ્ ધરાવતો રૂઢિચુસ્ત દેશ છે.

ઉદારમતવાદી પ્રજાસત્તાક : 1861માં ઉદારમતવાદીઓએ નરમ રૂઢિચુસ્તોના સહકારથી ધનિકોના અલ્પજન રાજતંત્રનો અંત આણી ઉદારમતવાદી શાસન સ્થાપ્યું. જોઆકિન પીરેઝ (1861–71); ફ્રેડરિકો એર્રાઝુરીઝ (1871–76); અનીબાબ પિન્ટો (1876–81), ડોમિન્ગો સાન્ટા મારિયા (1881–86) અને જોસે મેન્યુઅલ બાલ્મેસેડા (1886–91) ઉદારમતવાદી પ્રમુખો હતા. જમીનદાર વર્ગ અને ચર્ચના વિશિષ્ટ હકો મર્યાદિત કરતા કાયદાઓ આ ગાળામાં ઘડાયા. શિક્ષણનું વિસ્તરણ થયું, વાહનવ્યવહાર અને જાહેરસેવાઓ સુધરી અને વિસ્તરી, વસાહતપ્રવૃત્તિ વેગીલી બની. બંધારણમાં સુધારો કરી શિક્ષિત મતદારોની આવકને લક્ષમાં લીધા વિના મતદાનનો અધિકાર અપાયો.

1806માં ઉત્તર ચિલીમાંથી સૂરોખારની ખાણો મળી આવી હતી. તેની નિકાસ જકાતની આવક રાજ્યની કુલ આવકના 50% કે તેથી વધુ હતી. ચર્ચની સત્તા ઉપર કાપ મુકાતાં ચર્ચ અને રાજસત્તા વચ્ચે ઘર્ષણ થયું હતું. ચર્ચને અન્ય ધાર્મિક પંથો તરફ સહિષ્ણુતા દાખવવાની ફરજ પડી હતી.

1866માં સ્પેન બોલીવિયા અને પેરૂ સાથે ચિલીનું યુદ્ધ થયું. ચિલી વિજયી બનતાં પેરૂના પાટનગર લીમાનો ત્રણ વરસ કબજો રાખ્યો હતો અને બોલીવિયાને દરિયાકિનારાથી વંચિત કરાયું હતું. યુ.એસ.ની દરમિયાનગીરીથી આ ઝઘડાનો અંત આવ્યો હતો. આ યુદ્ધથી ચિલીના રાજ્યમાં ત્રીજા ભાગના પ્રદેશનો ઉમેરો થયો હતો.

ઉદારમતવાદી પક્ષના શાસન દરમિયાન અરૌકેનિયન ઇન્ડિયનોના પ્રશ્નનો નિકાલ આવ્યો હતો. કેટલાકને બળ વાપરી દબાવી દેવાયા હતા, જ્યારે અન્ય સામાન્ય પ્રજા સાથે લોહીના સંબંધો બાંધ્યા હતા. દક્ષિણ ચિલીનો પ્રદેશ આગંતુકો માટે ખુલ્લો થયો હતો. જમીનદાર અને ધનિક વેપારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં તેમનો સહકાર મદદરૂપ થયો હતો. ઉદારમતવાદી પાર્લમેન્ટરી પદ્ધતિ તરફ ઝોક વધતાં 1891માં પ્રમુખ અને પ્રધાનમંડળ એક તરફ અને કૉંગ્રેસ બીજી તરફ એમ વિરુદ્ધ છાવણીમાં વહેંચાઈ ગયા હતા. અંતે આ પ્રશ્ને આંતરવિગ્રહ શરૂ થયો અને કૉંગ્રેસનો યુદ્ધમાં વિજય થતાં પ્રમુખે આપઘાત કર્યો.

1891થી 1920 દરમિયાન સંસદીય પદ્ધતિ અપનાવાઈ. 1833ના બંધારણમાં ફેરફાર કર્યા વિના પ્રમુખની સત્તા ઉપર કાપ આવ્યો અને પ્રમુખ શોભાના પૂતળા જેવા બની ગયા. સમગ્ર દક્ષિણ અમેરિકામાં માત્ર ચિલીમાં જ સંસદીય પદ્ધતિનું શાસન હતું. આ કાળ દરમિયાન નાગરિક હકો જળવાઈ રહ્યા. અનેક રાજકીય પક્ષો ઉદભવ્યા અને શિક્ષણમાં થોડી પ્રગતિ થઈ. ઔદ્યોગિક ઉત્પાદનને વેગ મળ્યો અને તાંબું તથા સૂરોખારની નિકાસને લીધે સમૃદ્ધિ વધી.

આમ છતાં, કૉંગ્રેસ ઉપર ધનિક સામંતશાહી આપખુદ અલ્પસંખ્ય તત્વોની પકડ ચાલુ રહી હતી. જમીનદારો સુખચેનથી રહેતા હતા પણ ખેતમજૂરોની સ્થિતિ અર્ધગુલામ જેવી હતી અને મજૂરો કંગાળ હાલતમાં ગરીબીમાં સબડતા આજીવિકા માટે ભટકતા હતા. ઉદ્યોગો વધતાં અને નવાં શહેરો અસ્તિત્વમાં આવતાં શહેરી શ્રમજીવીઓનો નવો વર્ગ અસ્તિત્વમાં આવ્યો. તેઓ ઉદ્દામવાદી અને માર્ક્સવાદી વિચારસરણી તરફ મેક્સિકન ક્રાંતિ પછી વળ્યા. મધ્યમવર્ગ પણ જાગ્રત થયો અને અગાઉની નિષ્ક્રિયતા અને નિરાશાને ખંખેરી નાખીને રાજકીય ચળવળની તેમણે આગેવાની લીધી. મજૂરોએ પણ તેમના હિતને લક્ષમાં લઈને મધ્યમ વર્ગને ટેકો આપ્યો અને ચિલીના સમાજમાં નવું પરિવર્તન આવ્યું. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવતાં ચિલીના સમૃદ્ધિના દિવસોનો અંત આવ્યો. તાંબું અને સૂરોખારના ભાવ બેસી ગયા.

1920માં પ્રમુખની ચૂંટણીમાં અલેસ્સાન્ડ્રી પાલ્મા ડાબેરી ઉદારમતવાદીઓ, ઉદ્દામવાદીઓ, પ્રજાસત્તાકવાદીઓ તથા મજૂરોના ટેકાથી ચૂંટાઈ આવ્યા. સામાજિક સુધારા, રાજ્ય અને ચર્ચની અલગતા અને પ્રમુખને વધારે મજબૂત બનાવતી સત્તા આપવાના મુદ્દાઓ અંગે પ્રમુખે અસરકારક રજૂઆત કરી. તેને તેમાં થોડી સફળતા મળી. 1924માં આર્થિક સુધારા પસાર કરાવવામાં તેને નિષ્ફળતા મળતાં તેણે રાજીનામું આપ્યું. 1925માં ફરી તેને પાછો બોલાવવામાં આવ્યો. તેના નવા બંધારણને કૉંગ્રેસની સંમતિ મળી. ચર્ચ અને રાજ્યની અલગ સત્તાનો સિદ્ધાંત સ્વીકારાયો. આથી રાજ્ય બાબતની નીતિમાં દેવળની દખલગીરી બંધ થઈ. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરાયું. માલિકનો હક લોકકલ્યાણ માટે હોવો જોઈએ તે સ્વીકારાયું.

વિશ્વવ્યાપી મંદીની અસર નીચે તાંબું અને સૂરોખારના ભાવો બેસી જતાં ચિલીનું અર્થતંત્ર ભાંગી પડ્યું. વિદ્યાર્થી દ્વારા શરૂ કરાયેલી હડતાળ સાર્વત્રિક બની. 1931ના જુલાઈમાં પ્રમુખ ઇબનેઝે રાજીનામું આપ્યું. સો વરસ સચવાઈ રહેલી શાંતિનો અંત આવ્યો. અર્થતંત્ર ખરાબ રીતે ભાંગી પડ્યું. ટૂંકા ગાળામાં પ્રમુખો બદલાતા રહ્યા અને બળવાખોરો અને ટોળકીઓનું પ્રભુત્વ વધ્યું.

ઉદ્દામવાદી પ્રજાસત્તાક : 1938માં રૂઢિચુસ્ત, ઉદારમતવાદીઓ અને બીજા જમણેરી પક્ષના સંયુક્ત મોરચાને બદલે ઉદ્દામવાદી પક્ષે અને બીજા ડાબેરી પક્ષો અને સામ્યવાદીઓના બનેલા લોકપ્રિય મોરચાએ તેનું સ્થાન લીધું. યુ. એસ. જેવો ‘ન્યૂ ડીલ’ને મળતો કાર્યક્રમ અપનાવાયો. રૂઢિચુસ્તોએ દરેક બાબતમાં પૉપ્યુલર ફ્રન્ટની નીતિનો વિરોધ કર્યો અને 1939માં સોવિયેટ સંઘ અને નાઝી જર્મનીએ મૈત્રી કરાર કરતાં મોરચામાંથી સામ્યવાદીઓ ખસી ગયા અને પૉપ્યુલર ફ્રન્ટમાં ભંગાણ પડ્યું.

માર્ચ 1942માં પૉપ્યુલર ફ્રન્ટના ટેકાથી ઉદ્દામવાદી જુઆન એન્ટોનિયો રિઓસ પ્રમુખ બન્યા. રિઓસ સરકારે સંયમથી કામ લીધું. બીજા વિશ્વયુદ્ધને કારણે ઉદભવેલા પ્રશ્નોનો નિકાલ કરવાનો હતો. બીજા વિશ્વયુદ્ધના પ્રારંભમાં ચિલીએ આર્જેન્ટિનાના સહકારથી પોતાનાં હિતો તથા નાઝીઓ તરફની સહાનુભૂતિને કારણે તટસ્થ રહેવાની નીતિ અપનાવી, યુ.એસ.ની મદદના કારણે તથા લૅટિન અમેરિકાના સઘળા પ્રજાસત્તાક દેશોએ જર્મની અને ઇટલી વિરુદ્ધ યુદ્ધ જાહેર કરતાં તેમના દબાણના કારણે ચિલીએ તેની નીતિમાં ફેરફાર કર્યો. 1943ના જાન્યુઆરી માસમાં ચિલીએ જર્મની-ઇટલી-જાપાન સાથેનો રાજકીય સંબંધ કાપી નાખ્યો અને તેમની પાંચમી કતારિયા પ્રવૃત્તિ દાબી દીધી.

બીજા વિશ્વયુદ્ધનો 1945માં અંત આવ્યો. ફુગાવો વધી ગયો, અર્થતંત્ર અવ્યવસ્થિત થઈ ગયું, અને સામ્યવાદીઓની આક્રમક પ્રવૃત્તિઓને કારણે રમખાણો થયાં અને હડતાળો પડી.

સપ્ટેમ્બર 1946માં ખાસ ચૂંટણી દ્વારા ડાબેરી સંયુક્ત મોરચો સત્તા ઉપર આવ્યો અને ગ્રેબિયલ ગોન્સાલેઝ વીડેલા પ્રમુખ થયા. પ્રમુખ વીડેલાને સામ્યવાદીઓએ ટેકો આપ્યો હતો છતાં તેમણે દેખાવો કર્યા, હડતાળો પડાવી અને અશાંતિ ઊભી કરી. તેથી પ્રમુખે તેમનો સાથ છોડ્યો. સોવિયેટ યુનિયન સાથેના ચિલીના રાજકીય સંબંધ કપાઈ ગયા અને સામ્યવાદી પક્ષ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. આ કારણે લોકોમાં અસંતોષ ફેલાતાં શાસનપ્રણાલીમાં ફેરફાર કરવાની માગ ઊઠી. પરિણામે 1961ની ચૂંટણી અને 1963ની મ્યુનિસિપલ ચૂંટણીમાં નરમ અને ઉગ્ર ડાબેરીઓ તરફ જનમત વળ્યો.

ક્રિશ્ર્ચન ડેમોક્રૅટિક પક્ષના પ્રમુખપદના ઉમેદવાર એડુઆર્ડો ફ્રેઇ ઘણી મોટી બહુમતીથી માર્ચ 1965ની ચૂંટણીમાં જીત્યા; પરંતુ તેમનો પક્ષ વેપારીવર્ગ, નરમ નીતિવાળા અને યુવાન સુધારાવાદીઓ એવા વિભાગોમાં વહેંચાઈ ગયો. પરસ્પર વિરોધી વલણોને કારણે પક્ષ નિર્બળ બન્યો.

1970ના સપ્ટેમ્બરની પ્રમુખની ચૂંટણીમાં પૉપ્યુલર યુનિટી પક્ષ જીત્યો. આ પક્ષમાં સામ્યવાદીઓ, સમાજવાદીઓ અને ઉગ્ર ઉદ્દામવાદીઓ જોડાયા હતા. કોઈ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી ન હોવાથી કૉંગ્રેસને અલેન્ડે અને રૂઢિચુસ્ત પક્ષના અલેસ્સાન્ડ્રી પૈકી કોઈને પસંદ કરવા ફરજ પડી હતી.

એલેન્ડેનું ધ્યેય લોકશાહી અને શાંતિમય સાધનો દ્વારા સમાજવાદી રાજ્ય નિર્માણ કરવાનું હતું. તેણે ખાનગી બૅન્કો, તાંબાની ખાણો અને સંખ્યાબંધ ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કર્યું. ખેતીવિષયક સુધારાઓ પણ ઝડપથી દાખલ કર્યા અને ક્યૂબા, ચીન અને અન્ય સામ્યવાદી દેશો સાથે રાજકીય સંબંધો બાંધ્યા.

યુ.એસ.નું મધ્યસ્થ ગુપ્તચર ખાતું એલેન્ડેના સત્તાગ્રહણને અટકાવી ન શક્યું. તેથી તેણે ખૂબ પૈસા વેરીને તેના શાસનને ઉથલાવવા પ્રયત્ન કર્યા. વિધાનસભામાં વિરોધપક્ષના ક્રિશ્ચન ડેમોક્રૅટિક પક્ષ અને રૂઢિચુસ્ત રાષ્ટ્રીય પક્ષની બહુમતી હતી. એલેન્ડેની ચિલીને સમાજવાદ તરફ વાળવાની યોજનાનો મધ્યમવર્ગે વિરોધ કર્યો. જોકે શ્રમજીવીઓનો તેને ટેકો હતો. એલેન્ડેના પોતાના સમાજવાદી પક્ષના કેટલાક સભ્યો અને ડાબેરી જૂથના સભ્યો સરકારની સુધારાવાદી ધીમી નીતિથી અસંતુષ્ટ હતા. એલેન્ડેની ચૂંટણી વખતે જ તાંબાના ભાવ ખૂબ બેસી ગયા. રાષ્ટ્રીયકરણને કારણે ખાનગી મૂડીનો પ્રવાહ અટકી ગયો અને ફુગાવાનો દર વધી ગયો. ઔદ્યોગિક ઉત્પાદન તથા ખેતીનું ઉત્પાદન ઘટ્યું. યુ.એસ. તથા અન્ય રાજ્યોએ ધિરાણ બંધ કરતાં અર્થતંત્રને સખત ફટકો પડ્યો. 1971 અને 1972માં ચિલીનાં શહેરોમાં મધ્યમવર્ગ દ્વારા એલેન્ડે સરકાર વિરુદ્ધ જંગી દેખાવો થયા.

1973ની માર્ચની ચૂંટણીમાં સમાજવાદી પૉપ્યુલર યુનિટી પક્ષની 1970ની ચૂંટણી કરતાં મતની સરસાઈ વધી પણ દેશ વિરોધી મધ્યમવર્ગ અને સરકારને ટેકો આપનાર શ્રમજીવી વર્ગમાં વહેંચાઈ ગયો. જમણેરી અને ડાબેરી પક્ષો વચ્ચે સશસ્ત્ર અથડામણો વધી ગઈ. અંતે જનરલ ઑગસ્ટો પીનોચેટ ઉર્ગેટની આગેવાની નીચે લશ્કરે બળવો કરી સત્તા ગ્રહણ કરી. એલેન્ડેએ છેલ્લી ઘડી સુધી લશ્કરનો સામનો કર્યો હતો.

લશ્કરી શાસને માર્ક્સવાદનું નામનિશાન ભૂંસી નાખવા ડાબેરી પક્ષો અને મજૂર મંડળો ઉપર પ્રતિબંધ મૂક્યો –અન્ય પક્ષોને નિષ્ક્રિય બનાવાયા. એલેન્ડેના 7000 ટેકેદારોની ધરપકડ કરાઈ, ઘણાને ફાંસી દેવાઈ અને ધારાસભા બંધ કરી લોકશાહીને દફનાવી દેવામાં આવી.

1981માં નવા બંધારણ મુજબ પીનોચેટનું પ્રમુખ તરીકેનું સ્થાન નિશ્ચિત કરાયું. આ શાસનને ‘ઑથૉરિટેરિયન લોકશાહી’નું નામ અપાયું. લશ્કરી શાસનનો 1980માં અને 1983માં આર્જેન્ટિનામાં લોકશાહી સરકારની સ્થાપના બાદ વિરોધ કરાયો હતો પણ દમનકારી પગલાં દ્વારા તે દબાવી દેવાયો.

ઈ.સ. 1987માં લશ્કરી સરમુખત્યાર પિનોચેટે વિરોધી રાજકીય પક્ષોને મર્યાદિત છૂટછાટો આપી. 1988માં તેણે 1980ના બંધારણ મુજબ લોકમત લીધો; કે તેને આવતાં આઠ વર્ષ માટે પ્રમુખ તરીકે માન્ય રાખવો કે નહિ. મતદારોએ તેનો અસ્વીકાર કર્યો. 1989માં નાગરિકોમાંના પ્રમુખ અને ધારાસભાનાં બંને ગૃહો માટે ચૂંટણી થઈ. ચિલીના લોકોએ પેટ્રિસીઓ એલ્વીનને પ્રમુખ ચૂંટ્યો. 1990માં લોકશાહી સરકાર સ્થપાઈ; પરંતુ પિનોચેટ સશસ્ત્ર દળોના કમાન્ડર ઇન ચીફ તરીકે ચાલુ રહ્યો. તેથી પ્રમુખ એલ્વીને અગાઉના સરમુખત્યાર પિનોચેટ અને લશ્કરના પ્રભાવ સામે 1992માં સંઘર્ષ કરવો પડતો હતો. પિનોચેટ ચિલીના બંધારણની જોગવાઈ મુજબ 1998 સુધી લશ્કરનો વડો રહી શકતો હતો. 1995ના વર્ષના અંતે ચિલીના અર્થતંત્રમાં આશરે 7%નો સુધારો થયો હતો. 2001માં બેકારીની સમસ્યા હલ કરવા સરકારે વધુ પ્રયાસો કર્યા. પ્રમુખ રિકાર્ડો લાગોસ એસ્કોબારે 1,50,000 નવી નોકરીઓ માટેનો કાર્યક્રમ શરૂ કર્યો. ડિસેમ્બર 2002માં ચિલીની સરકારે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે મુક્ત-વ્યાપારનો કરાર કર્યો. ચિલીએ યુરોપીય સંઘ સાથે પણ આવો કરાર કર્યો હતો. તેનાથી બેકારીમાં ઘટાડો થવાની શક્યતા હતી. સરકારે જેટ ફાઇટર તથા સબમરીનની ખરીદીમાં કરેલ પુષ્કળ ખર્ચની ચિલીના અગ્રણીઓએ ટીકા કરી. યુનાઇટેડ સ્ટેટ્સ સાથેની સંધિનો અમલ જાન્યુઆરી, 2004માં શરૂ થયો. તેનાથી ચિલીની નિકાસમાં 16 ટકાનો વધારો થવાનો અંદાજ હતો. 11 માર્ચ, 2006ના રોજ વેરોનીકા મિશેલ બેચીલેટ જેરિયા ચિલીની પ્રથમ મહિલા પ્રમુખ બની. તેણે પ્રધાનમંડળમાં મહિલાઓની પુરુષોના જેટલી નિમણૂકો કરી. ગરીબ સ્ત્રીઓ કામ કરવા જઈ શકે તે માટે તેમનાં બાળકોની મફત સંભાળ રાખવાનો કાયદો ઘડ્યો. ઑગસ્ટ 2006માં તાંબાની એસ્કોન્ડિડા ખાણના કામદારોએ 25 દિવસની હડતાળ પાડીને પગારમાં 8 %નો વધારો મેળવ્યો. 1973થી 1990 સુધી ચિલીમાં લશ્કરી સરમુખત્યાર તરીકે રાજ્ય કરનાર પિનોચેટ 10 ડિસેમ્બર, 2006ના રોજ મરણ પામ્યો. પ્રમુખ વેરોનીકા બેચીલેટ જેરિયાની આર્થિક નીતિઓથી અસંતોષ હોવાથી 2007માં મજૂરોએ વિરોધ કર્યો. પાટનગર સાન્ટિઆગોમાં દેખાવકારોની ધરપકડ કરવામાં આવી. આ વર્ષે કામદારોની હડતાળોને કારણે અનેક કંપનીઓને નુકસાન થયું. 2008માં પ્રમુખ બેચીલેટ જેરિયાએ શિક્ષણના બજેટમાં વધારો કર્યો હતો. માર્ચ 2010માં પ્રમુખ બેચીલેટની મુદત પૂરી થતી હતી.

ડિસેમ્બર, 1989માં કૂ’દેતા પછીની પહેલી મુક્ત ચૂંટણી યોજાઈ, જેમાં પેટ્રિશિયો અલ્વીન અઝોકાર વિજેતા બન્યા. ડાબેરી અને મધ્યમમાર્ગી પક્ષોની સંયુક્ત સરકારના તેઓ વડા બન્યા. 1990થી અર્થતંત્ર ઝડપથી મજબૂત થવા લાગ્યું, કારણ વિદેશી રોકાણકારોનો વિશાળ પ્રવાહ ત્યાં ઠલવાયો હતો. 1998 સુધી પીનોચેટ લશ્કરી વડા રહ્યા. પછી તેમણે આજીવન સેનેટર-પદનો દાવો કર્યો, જેથી તેમના પર કાયદેસરની કાર્યવહી કરી શકાય નહીં. જોકે 1998માં તેમના બ્રિટન ખાતેના તબીબી પ્રવાસ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર મુખ્યત્વે માનવ-અધિકારોના ભંગનો આરોપ હતો. વર્ષ 2000ના પ્રારંભે તેઓ ચિલીમાં પાછા ફર્યા. બીમારીને કારણે તેમના પર કાનૂની કાર્યવહી ન થઈ શકે તેમ હોવાથી પરિસ્થિતિ યથાવત્ રહી. ડિસેમ્બર, 2006માં પીનોચેટનું અવસાન થયું.

1981માં અમલી બનેલા નવા બંધારણમાં 8 વર્ષ બાદ લોકશાહીની સ્થાપનાની જોગવાઈ હોવાથી પ્રમુખીય પ્લેબિસાઇટ (લોકમત) લેવાતાં પીનોચેટ પ્રમુખ બની શક્યા નહીં. જાન્યુઆરી, 2000માં રાકાર્ડો લાગોસ એસ્કોબાર હોદ્દા પર આવ્યા, જે ત્યાંના સીપીડી (કોએલિશન ઑવ્ પાર્ટીઝ ફૉર ડેમૉક્રસી) પક્ષના હતા. તે પછી બંધારણમાં ઘણા સુધારા થયા.

1981ના નવા બંધારણ અનુસાર પ્રમુખ ચાર વર્ષ માટે ચૂંટાય છે. તેની સંસદ દ્વિગૃહી છે, નીચલું ગૃહ ચેમ્બર ઑવ્ ડેપ્યુટિઝ 120 સભ્યોનું બનેલું છે. તેનું ઉપલું ગૃહ સેનેટ 38 સભ્યોનું બનેલું છે. માર્ચ, 2006થી આખી સેનેટ ચૂંટાય છે, બિનચૂંટાયેલા સેનેટરો તથા પૂર્વ પ્રમુખોની આજીવન બેઠકો રદ કરવામાં આવી. પ્રત્યેક સેનેટર 8 વર્ષ માટે હોદ્દા પર રહી શકે.

ચિલીનું મુખ્ય વહીવટી કેંદ્ર સાન્ટિયાગો છે; પરંતુ માર્ચ, 1990થી વાલપારાઓ શહેર તેની ધારાકીય રાજધાની છે. જ્યાં માત્ર કાયદાઓ ઘડવાનું કાર્ય થાય છે. સરકારના અન્ય રાજકીય કાર્યો સાન્ટિયાગો ખાતે થાય છે.

જાન્યુઆરી, 2006ની ચૂંટણીમાં સોશિયાલિસ્ટ પક્ષનાં મિશેલ બેચલેટ નામનાં મહિલા ચૂંટાયાં, જેઓ ચિલીનાં સૌપ્રથમ મહિલા-પ્રમુખ છે. તે જ વર્ષે માર્ચ મહિનામાં તેમણે પ્રમુખીય હોદ્દો ધારણ કર્યો. પીનોચેટના શાસનકાળમાં તેમને ઑસ્ટ્રેલિયા અને પછીથી પૂર્વ જર્મનીમાં દેશનિકાલ કરાયાં હતાં; પરંતુ 1979માં તેઓ ચિલી ખાતે પાછાં ફર્યાં અને ત્યાંના સોશિયાલિસ્ટ પક્ષમાં ઉત્તરોત્તર સક્રિય બન્યાં હતાં. તેઓ મુક્ત સરકારનાં હિમાયતી છે. તેઓ રાજ્યમાં મહિલાઓ અને મહેનતકશ વર્ગને પ્રાધાન્ય આપવા ચાહે છે. તેમની કૅબિનેટના અડધા સભ્યો મહિલાઓ છે. અલબત્ત, વિદ્યાર્થીજૂથો શિક્ષણપદ્ધતિમાં સુધારાઓની અને સમાન તકની માંગણી કરે છે. આ માટે તેમણે રાષ્ટ્રીય સલાહકાર સમિતિ નીમીને શૈક્ષણિક સુધારાઓની શક્યતા તપાસવાની દિશામાં કામ શરૂ કર્યું છે.

પાટનગર સાન્ટિયાગો ખાતે ચિલીની હાઈકોર્ટ ઑવ્ જસ્ટિસ નામની સર્વોચ્ચ અદાલત કામ કરે છે. દેશમાં એથી નીચેના સ્તરે 16 કોટર્સ ઑવ્ અપીલ કામ કરે છે. વર્ષ 2001થી સામાન્ય ગુનાઓ માટે ફાંસીની સજા રદ કરાયેલી છે.

તે યુનેસ્કો દ્વારા રક્ષિત પાંચ વિશ્વ-વિરાસત-સ્થળો ધરાવે છે. યુનોનો આ સભ્ય દેશ યુનોની અન્ય સંસ્થાઓમાં પણ સભ્યપદ ધરાવે છે.

બીજલ પરમાર

શિવપ્રસાદ રાજગોર

જયકુમાર ર. શુક્લ

રક્ષા મ. વ્યાસ