ચિલગોજા

January, 2012

ચિલગોજા : અનાવૃતબીજધારી (gymnosperm) વિભાગમાં આવેલા પાઇનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pinus gerardiana wall [હિં. ચિલગોજા, નીઓઝા (બીજ); અં. ચિલગોજા, પાઇન] છે. અફઘાનિસ્તાનમાં તે ગલગોજા તરીકે ઓળખાય છે. તે નાનું કે મધ્યમ કદનું 24 મી. જેટલી ઊંચાઈ અને 3.5 મી.નો ઘેરાવો ધરાવતું વૃક્ષ છે અને ઉત્તર-પશ્ચિમ હિમાલયની અંદરની શુષ્ક ખીણોમાં ગરેવાલથી પશ્ચિમ તરફ 1800–3000 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેની છાલ ભૂખરી હોય છે અને અનિયમિત પતરીઓ સ્વરૂપે તેનું અપશલ્કન (exfoliation) થાય છે. પર્ણો સોયાકાર, ત્રણના ગુચ્છમાં, 5–10 સેમી. લાંબાં, કડક અને ઘેરાં લીલાં હોય છે. તેઓ લગભગ 3–4 વર્ષ સુધી જીવંત રહે છે. પુશંકુઓ 7.5 – 13.0 મિમી. લાંબા અને માદા શંકુઓ લંબચોરસ-અંડાકાર (oblong-ovoid) તથા જ્યારે પાકે ત્યારે 15–23 સેમી. x 10–13 સેમી. કદ ધરાવે છે. શલ્ક (scale) જાડાં, કાષ્ઠમય, લગભગ 3.8 સેમી. x 2.5 સેમી. અને બહિર્વલિત (reflexed) હોય છે. બીજ નળાકાર, ટોચેથી અણીદાર, 2.0–2.5 સેમી. લાંબાં, ઘેરાં બદામી અને અવિકસિત પક્ષ (wing) ધરાવે છે. ભ્રૂણપોષ (endosperm) તૈલી હોય છે.

ચિલગોજાનું વિતરણ (distribution) વિશિષ્ટ હોય છે. તે અફઘાનિસ્તાન, બલૂચિસ્તાન અને ચિનાબ, રાવી તથા સતલજની ઉપરી ખીણોમાં થાય છે. આ બે વિસ્તારોની વચ્ચે ચિલગોજા જોવા મળતું નથી. ભારતમાં આ વૃક્ષ વધતે ઓછે અશે ખુલ્લાં જંગલોમાં જૂથમાં થાય છે. કેટલીક વાર તે દેવદાર (Cedrus deodara), હનુઝ (Fraxinus xanthoxyloides) અને પવિત્ર ઓક (Quercus ilex) સાથે થાય છે.

ચિલગોઝા સહિષ્ણુ (hardy) વૃક્ષ છે અને અત્યંત ઠંડી કે શુષ્ક પરિસ્થિતિમાં પણ ટકી શકે છે. તે પ્રકાશાપેક્ષી (light demander) અને વાતર્દઢ (wind-firm) હોય છે. તે શુષ્ક, ખુલ્લી, ખડકાળ ટેકરીઓ ઉપર છીછરી મૃદામાં થાય છે અને મૃદાના સંરક્ષણમાં મદદ કરે છે. કુદરતી આવાસમાં તે શુષ્ક પ્રદેશોમાં થાય છે. તેને ચોમાસાની અસર નથી. ઓછા વરસાદ[કુલ વૃષ્ટિપાત (precipitation) 37–75 સેમી.]માં પરંતુ ભારે હિમવર્ષાવાળા વિસ્તારમાં તે થાય છે. ખુલ્લી સ્થિતિમાં વૃક્ષ વામન અને ગાંઠોવાળું હોય છે. જોકે વામનવૃક્ષોનો પર્ણમુકુટ (crown) ફેલાતો હોય છે, જ્યારે ઊંચાં વૃક્ષો સાંકડો પર્ણમુકુટ ધરાવે છે.

ખાદ્ય બીજ મેળવવા શંકુઓનું અવિચારી અને અમર્યાદ એકત્રીકરણ અને અતિશય ચરાણને કારણે ચિલગોઝાનું નૈસર્ગિક પુનર્જનન (regeneration) ખૂબ ઓછું થાય છે. જમીન પર પડતાં થોડાંક પાકાં બીજનું ચરાણથી રક્ષણ મળે તો તેઓ ઊગી નીકળે છે. પર્ણમુકુટ વિસ્તારી બીજનું વધારે ઉત્પાદન મેળવવા છાંટણી (thining) કરવામાં આવે છે; બીજ એકત્રીકરણ માટે અને ચરાણ માટે આવર્તી વર્જન (rotational closure) – પદ્ધતિ અપનાવવામાં આવે છે. સફળ પુનર્જનન માટેનો આ ઉત્તમ ઉપાય છે. વૃક્ષની વૃદ્ધિ મધ્યમસરની થાય છે અને પ્રતિવર્ષ ઘેરાવામાં વૃદ્ધિ લગભગ 1.2 સેમી. જેટલી થાય છે.

Fomes pini દ્વારા ચિલગોજાને ‘રાતા અંત:કાષ્ઠ’નો રોગ થાય છે. મૃત કે જમીન પર પડેલા કાષ્ઠ પર કેટલાંક કોરી ખાનારાં કીટકો થાય છે. Dioryctria abietella અને Euzophera cedrella શંકુઓને કોરી ખાતાં કીટકો છે.

વૃક્ષ પર મે-જૂનમાં શંકુઓ બેસે છે અને તે પછીના વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં પરિપક્વ બને છે. વૃક્ષની ઉંમર અને કદને આધારે પ્રતિવૃક્ષે 28–129 શંકુઓ ઉત્પન્ન થાય છે. પ્રત્યેક શંકુ સરેરાશ 33 બીજ ધરાવે છે. 2.5 મી.નો ઘેરાવો ધરાવતા વૃક્ષ ઉપર 400 જેટલા શંકુઓનું નિર્માણ થયું હોવાની નોંધ પણ છે. 100 બીજનું સરેરાશ વજન 30–35 ગ્રા. જેટલું હોય છે.

ખાદ્ય મીંજ (kernal) સહિતનાં બીજ પાકા શંકુઓમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. ખૂલે તે પહેલાં લીલા શંકુઓ ચૂંટી લઈ તેમને ગરમ કરતાં શલ્કો ખૂલી જાય છે અને બીજ હલાવી કાઢી લેવાય છે. આ વૃક્ષ ધરાવતા ટેકરીઓવાળા અને દૂરના વિસ્તારોમાં મીંજનું ખોરાક તરીકેનું ઘણું મહત્વ છે. બીજનો શિયાળા માટે સંગ્રહ કરવામાં આવે છે. સારાં વર્ષોમાં વધારાનાં બીજ બજારમાં વેચાય છે.

ચિલગોજાનાં બીજ ઉત્તર ભારતમાં વાનગી ગણાય છે. તે વાતહર (carminative); ઉત્તેજક અને કફોત્સારક (expectorant) ગુણધર્મો ધરાવે છે. મીંજ કાચું કે શેકીને ખવાય છે. અફઘાનિસ્તાનમાંથી દર વર્ષે તેનાં બીજની નોંધપાત્ર જથ્થામાં ભારતમાં આયાત થાય છે અને બજારોમાં વેચાય છે. બીજનું પ્રમાણમાં કઠણ કવચ સહેલાઈથી છૂટું પાડી શકાય છે. મીંજ બીજનો 65–70 % જેટલો ભાગ બનાવે છે. મીંજ તૈલી હોય છે અને ટર્બિન્થિન (terebinthine) સુગંધ ધરાવે છે. મીંજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 7.5 %, પ્રોટીન 15.9 %, લિપિડ 49.9 %, કાર્બોદિતો 21.6 %, રેસા 2.2 % અને ખનિજદ્રવ્ય 2.9 %, મીંજમાં ખનિજદ્રવ્ય કૅલ્શિયમ 90.8 મિગ્રા., ફૉસ્ફરસ 92.4 મિગ્રા. અને લોહ 2.4 મિગ્રા./100 ગ્રા. હોય છે. પૅક્ટિન 1.73 % (કૅલ્શિયમ પૅક્ટેટ સ્વરૂપે) હોય છે.

મીંજમાં મેદીય તેલ વિપુલ પ્રમાણમાં હોય છે. નિપીડન (pressing) દ્વારા 32 % જેટલું પારદર્શક, સ્વચ્છ અને આછા પીળા રંગનું તેલ પ્રાપ્ત થાય છે. તેલ વ્રણ અને ચાંદાંઓ ઉપર લગાડવામાં આવે છે.

ચિલગોજાના થડ ઉપર કાપ મૂકી સારી ગુણવત્તાવાળી તૈલી રાળ (oleoresin) મેળવવામાં આવે છે. તૈલી રાળ દ્વારા 35 લી./100 કિગ્રા. ટર્પેન્ટાઇન તેલ પ્રાપ્ત થાય છે. તેમાં α પિનિન દ્રવ્ય 70–80 % જેટલું હોય છે. શંકુ દ્વારા સફેદ રાળનો વિપુલ પ્રમાણમાં સ્રાવ થાય છે; જેનો ચિરાયેલાં કાષ્ઠનાં સાધનો સાંધવામાં ઉપયોગ થાય છે.

ચિલગોઝાનું કાષ્ઠ (વજન 705–753 કિગ્રા./ઘમી.) પીળાશ પડતું બદામી, કઠોર અને ટકાઉ હોય છે. તેમાં રાળ વધારે પડતી હોય છે. તેનો ઇમારતી કાષ્ઠ તરીકે ઉપયોગ થતો નથી. તે બળતણ તરીકે વપરાય છે. છાલમાંથી ટોપલા, ડોલ વગેરે બનાવવામાં આવે છે.

સુરેન્દ્ર દવે

બળદેવભાઈ પટેલ