ચાહમાન રાજવંશ : મધ્યયુગમાં સાતમી સદીથી શરૂ કરીને મુખ્યત્વે આજનાં ગુજરાત તથા રાજસ્થાનની આસપાસના પ્રદેશોમાં જુદે જુદે સમયે સત્તાસ્થાને રહેલો રાજવંશ. રાજસ્થાનમાં શાકંભરી, જાલોર, નડૂલ, સાચોર તથા રણથંભોરમાં તેમણે રાજ્ય કરેલું. ગુજરાતમાં લાટ, ભરૂચ, નાંદીપુરી, ચાંપાનેર, વાવ, માંડવા વગેરે સ્થળોએ ચૌહાણ તરીકે સત્તા કબજે કરી હતી.
અગ્નિપુરાણ પ્રમાણે ચાહમાનો અગ્નિકુળના રજપૂતો ગણાયા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ તેઓ હૂણ, ગુર્જર કે મોરીય જાતિમાંથી ઊતરી આવ્યા છે.
ચાહમાનો(ચૌહાણો)નું રાજ્ય ગુજરાતમાં ઈ.સ. 600 આસપાસ લાટમાં હતું. ચાંપાનેર, છોટાઉદેપુર, દેવગઢબારિયા, વાવ તથા માંડવાનાં રાજ્યો ઈ.સ. ચૌદમી સદી પછી અસ્તિત્વમાં આવ્યાં હતાં (1400–1600). ચાંપાનેર સિવાયનાં રાજ્યો ભારતમાં આઝાદી આવી ત્યાં સુધી બ્રિટિશ હકૂમત નીચે હતાં, જ્યારે ચાંપાનેરનું પાવાગઢ આસપાસનું રાજ્ય રણથંભોરના રાજા હમ્મીરદેવના પુત્ર રામદેવથી ઈ.સ. 1301 પછીથી શરૂ થયું હતું અને 1485માં રાજા જયસિંહને મુહમ્મદ બેગડાએ હરાવીને તેનો શિરચ્છેદ કર્યા પછી તે રાજ્યનો અંત આવ્યો હતો.
ગુજરાતમાં ચૌહાણોનાં રાજ્યો પૈકી સૌથી પ્રાચીન રાજ્ય નાંદીપુરીના ચૌહાણોનું છે. આ વંશના છેલ્લા રાજા ભર્તૃવડઢ બીજાનો ઈ.સ. 756નો શિલાલેખ છે. તેની પૂર્વેના 5 રાજાઓએ ભરૂચ જિલ્લામાં રાજ્ય કર્યું જણાતું નથી કારણ કે અહીં 736 સુધી ગુર્જર પ્રતિહાર વંશના રાજાઓની ભરૂચ અને નાંદીપુરીમાં સત્તા હતી. એટલે માત્ર છેલ્લા રાજા ભર્તૃવડ્ઢ બીજાની જ ભરૂચમાં સત્તા હતી અને તેણે અક્રૂરેશ્વર (અંકલેશ્વર) વિષયનું એક ગામ એક બ્રાહ્મણને વિ.સં. 813માં (ઈ.સ. 756–57માં) દાનમાં આપ્યું હતું.
આ ચાહમાન રાજ્યની દક્ષિણ સરહદે રાષ્ટ્રકૂટ રાજા કર્ક્કરાજની સત્તા હતી. મૈત્રક રાજ્યનો આઠમી સદી આસપાસ અંત આવતાં તેમણે તેમની સત્તા ઉત્તર ગુજરાત સુધી ફેલાવી હશે. 760 પછી ચાહમાનોની વધુ વિગત મળતી નથી.
ભીમદેવ બીજાના સમયમાં (ઈ.સ. 1178–1242) ભરૂચમાં સિંહ અને શંખ ચૌહાણનું શાસન હતું. આ શંખે રાણા વીરધવલના સમયમાં ખંભાત ઉપર હુમલો કર્યો હતો. તેને સાદિક નામના માથાભારે આરબની સહાય હતી. વસ્તુપાલે શંખ તથા સાદિકનો પરાજય કર્યો હતો.
ખંભાત આ કાળે સમગ્ર ઉત્તર ભારતનું મહત્વનું બંદર હતું. તેને અનુલક્ષીને ‘શંખપરાજય વ્યાયોગ’ નાટક સંસ્કૃતમાં લખાયું છે. શંખની હાર પછી તે રાજ્યનો અંત આવ્યો.
ચાંપાનેરનું ચૌહાણ રાજ્ય : ચાંપાનેરનું પાવાગઢ આસપાસનું ચૌહાણ કે ચાહમાન રાજ્ય રણથંભોરના ચૌહાણ રાજા હમ્મીરદેવના પુત્ર રામદેવથી ઈ.સ. 1301 પછીથી શરૂ થાય છે. રામદેવે પાવાગઢના પહાડી પ્રદેશ નજીક ચાંપાનેરને રાજધાની બનાવી હતી. આ રાજ્યના માત્ર છેલ્લા 3 રાજાઓનો ઇતિહાસ મળે છે. ત્ર્યંબકભૂપ, ગંગરાજેશ્વર અને એનો પુત્ર જયસિંહ (1411–42). ઈ.સ. 1418માં અહમદશાહે ચાંપાનેરને ઘેરો ઘાલ્યો. અંતે ત્ર્યંબકદાસે શરણ સ્વીકારી ખંડણી અને યુદ્ધનો ખર્ચ આપીને સંધિ કરી. ત્ર્યંબકદાસ પછી તેનો પુત્ર ગંગદાસ ગાદીએ આવ્યો. તે મુહમ્મદશાહ બીજાનો (ઈ.સ. 1442થી 1451) સમકાલીન હતો. ‘ગંગદાસપ્રતાપ-વિલાસ’ નાટકમાં તેની વિગત મળે છે તે મુજબ મુહમ્મદશાહનાં આક્રમણોનો તેણે સામનો કર્યો હતો. 1449માં સુલતાન મુહમ્મદશાહ બીજાએ ચાંપાનેર ઉપર ચડાઈ કરી હતી. પણ માળવાની મદદ મળતાં મુહમ્મદશાહ બીજો ઘેરો ઉઠાવીને હઠી ગયો હતો.
ગુજરાતના પ્રબળ સુલતાન મહમૂદ બેગડાએ ચાંપાનેર જીતીને પાવાગઢનો કિલ્લો કબજે કર્યો હતો. રાજા જયસિંહ કેદ પકડાયો હતો અને તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ના પાડતાં તેનો શિરચ્છેદ કરતાં આ વંશનો ઈ.સ. 1485માં અંત આવ્યો હતો.
જયસિંહના મરણ પછી તેના બીજા પુત્ર પૃથ્વીરાજે નર્મદાકિનારા નજીકના મોહન ગામને પસંદ કરીને નાનકડું રાજ્ય સ્થાપ્યું હતું. આ રાજ્ય તે છોટાઉદેપુરનું રાજ્ય છે. જયસિંહના નાના પુત્ર ડુંગરશીએ દેવગઢબારિયામાં આશ્રય લઈને નાનું રાજ્ય સ્થાપ્યું હતું.
પૃથ્વીરાજ ત્રીજાના 1193માં મૃત્યુ પછી તેના વંશજો પૈકી ડેઘારાવ સહિત કેટલાક લોકો નડૂલમાં વસ્યા હતા. અહીં રાજખટપટને કારણે તેમને દેશનિકાલ કરાતાં તેઓ તેમના મામા થરાદના પરમારના આશ્રયે આવીને વસ્યા. તેમના પુત્ર વજાજી પુખ્તવયના થતાં થરાદ ગામની પશ્ચિમે 1244માં વાવ ગામની સ્થાપના કરી. તેણે 1820માં બ્રિટિશ હકૂમત સ્વીકારી સંધિ કરી. તે પ્રમાણે રાધનપુર રાજ્ય સાથે પણ કરાર થયા.
વડોદરા જિલ્લાના ડભોઈથી ઉત્તરે માંડવા છે. માંડવા સિવાય ગઢબોરિયા, શિનોર, અગર, સિંધિયાપરા, વનમાળ અને અલવામાં ચૌહાણોની અન્ય જાગીરો આવેલી હતી. આઝાદી બાદ વડોદરા રાજ્યનું વિલીનીકરણ થતાં આ જાગીરો નાબૂદ થઈ છે.
ભારતી શેલત
મુગટલાલ પોપટલાલ બાવીસી