ચાવલા નવીન (જ. 30 જુલાઈ 1945, નવી દિલ્હી) : ભારતના 16મા નિવૃત્ત મુખ્ય ચૂંટણી-અધિકારી અને સેવકશાહ.

પ્રારંભિક અને શાલેય શિક્ષણ લૉરેન્સ સ્કૂલ, સનાવર, હિમાચલ પ્રદેશ ખાતે મેળવેલું. તે દરમિયાન તેમને બે વર્ષ માટે ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી હતી. 1962–66નાં વર્ષો દરમિયાન દિલ્હીની સેંટ સ્ટીફન કૉલેજમાંથી ઇતિહાસના સ્નાતક બન્યા. ત્યારબાદ ફરી લંડન યુનિવર્સિટીમાંથી ઇતિહાસના સ્નાતક બન્યા હતા. તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સનો ‘સોશિયલ એડમિનિસ્ટ્રેશન’નો ડિપ્લોમા ધરાવે છે. 1996માં થોડો સમય ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે પણ તેમણે અભ્યાસ કર્યો હતો. તેઓ 1969ની બેચના ભારતીય વહીવટી સેવાના અધિકારી હતા. 2005માં ભારત સરકારના મુખ્ય ચૂંટણી-અધિકારી બી.બી. ટંડન નિવૃત્ત થતા 16 મે, 2005માં તેઓ ભારત સરકારના મુખ્ય ચૂંટણી અધિકારી નિમાયા. 30 જુલાઈ, 2010ના રોજ તેઓ આ હોદ્દા પરથી નિવૃત્ત થયા અને તે સ્થાને એસ. વાય. કુરેશીની નિમણૂક કરવામાં આવી.

કેન્દ્ર સરકારના સનદી સેવક તરીકે નાણાવિભાગ, શ્રમવિભાગ જેવા વિવિધ વિભાગોમાં તેમણે કામ કર્યું છે. દિલ્હી ફાઇનાન્સ કૉર્પોરેશનના અધ્યક્ષ તરીકેની તેમની નિમણૂક વિવાદાસ્પદ બની હતી; પરંતુ ચૂંટણી પંચ દ્વારા તેમણે હાથ ધરેલી કેટલીક કાર્યવહી નોંધપાત્ર રહી છે. જેમ કે વ્યંઢળો મત આપવાથી વંચિત રહેતા તેમને માટે ‘અન્ય’ તરીકેનું રજિસ્ટ્રેશન વિધિપુર:સર રીતે માન્ય કરાવ્યું. એથી વ્યંઢળોને મતાધિકાર સાંપડ્યો. એ જ રીતે કાચા કામના કેદીઓ મતદાન કરી શકે નહીં પણ તેઓ ચૂંટણી લડી શકે, એ પ્રકારની કાનૂની સ્પષ્ટતા તેમના પ્રયાસોને કારણે થઈ. અલબત્ત તેમની એક ભલામણ હતી કે ‘મહાઅભિયોગ’ની જોગવાઈ માત્ર મુખ્ય ચૂંટણી અધિકારીને લાગુ પડે છે તે અન્ય બીજા બે ચૂંટણી-અધિકારીઓને પણ લાગુ પડવી જોઈએ. જે ભલામણ સ્વીકાર્ય બની નહોતી. આમ છતાં તેઓ વિવાદાસ્પદ અધિકારી રહ્યા હતા. 1975–77ની કટોકટી દરમિયાન સત્તાનો અતિશયોક્તિભર્યો ઉપયોગ કરવાનો તેમના પર આરોપ હતો. તેઓ પતિ-પત્ની જયપુરસ્થિત લાલા ચમનલાલ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવે છે. આ ટ્રસ્ટને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે 6 એકર જમીન ફાળવી આપેલી તેમાં ચાવલાએ હોદ્દાનો દુરુપયોગ કર્યાના આક્ષેપો થયા હતા. આવા આક્ષેપો હેઠળ માર્ચ, 2006માં નૅશનલ ડેમૉક્રૅટિક એલાયન્સના 200 સાંસદોએ તેમને હોદ્દા પરથી દૂર કરવા માટેનું એક મેમૉરેન્ડમ તે વેળાના રાષ્ટ્રપ્રમુખ એ. પી. જે. અબ્દુલ કલામને આપ્યું હતું. 31 જાન્યુઆરી, 2009ના રોજ મુખ્ય ચૂંટણી-અધિકારી એન. ગોપાલસ્વામીએ ચૂંટણી-અધિકારી નવીન ચાવલાને હોદ્દા પરથી દૂર કરવાની ભલામણ રાષ્ટ્રપ્રમુખને કરી હતી. તેમની ઉપર કૉંગ્રેસ પક્ષ સાથે ઘનિષ્ઠતા અને નજદીકતા ધરાવતા હોવાના આક્ષેપો પણ થયા છે. કારણ તેમના પત્નીના એક ટ્રસ્ટને કૉંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા માતબર રકમ દાન રૂપે મળી હતી.

તેઓ પર મધર ટેરેસાનો ભારે વૈચારિક પ્રભાવ હતો. આ વૈચારિક પ્રભાવ હેઠળ તેમણે 1997માં સનદી સેવામાંથી રાજીનામું આપવાનો વિચાર કર્યો હતો જે પછીથી અધૂરો છોડ્યો હતો. તેઓ મધર ટેરેસાના ગાઢ સંપર્કમાં હતા. તેમણે ‘મધર ટેરેસા’ (1992) શીર્ષકથી મધરનું જીવનચરિત્ર લખ્યું છે. જે ભારતની અને વિદેશની – એમ મળી કુલ ચૌદ ભાષાઓમાં અનુવાદ પામ્યું છે. તે ઉપરાંત ‘ફેઇથ ઍન્ડ કૉમ્પેશન – ધ લાઇફ ઍન્ડ વર્ક ઑવ્ મધર ટેરેસા’ (1996) શીર્ષક ધરાવતું બીજું પુસ્તક તેમણે જાણીતા ફોટોગ્રાફર રઘુ રાય સાથે મળી લખ્યું છે. આ પુસ્તક ડચ અને સ્પૅનિશ ભાષામાં અનુવાદિત થયું છે. 1984–86 દરમિયાન ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનિઝેશનમાં તેમણે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપી હતી.

રક્ષા મ. વ્યાસ