ચાંગચુન (શહેર) (Changchun) : જિલિન (Jilin) પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 45° 53’ ઉ. અ. અને 125° 19’ પૂ. રે.. આ શહેર ઈશાન ચીનમાં સુંગરી અને લિઆવ નદીના નીચાણવાળા ફળદ્રુપ મેદાનના મધ્યભાગમાં આવેલું છે. આ શહેરની આબોહવા સમધાત છે. આસપાસના પ્રદેશમાં ખેતીના પાકોની અનુકૂળતા મુજબ ખેતીકામ થાય છે. આ શહેર આર્થિક પ્રવૃત્તિઓ અને વાહનવ્યવહારનું કેન્દ્ર છે. આ શહેરની વસ્તી 33.4 લાખ (2010) જેટલી છે.

અહીં અગાઉ હળવા ઉદ્યોગો સ્થપાયા હતા. ઇમારતી લાકડું અને ખોરાકી ચીજો ઉપર પ્રક્રિયા કરતાં અને તૈયાર કપડાં બનાવતાં નાનાં કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં.

અહીં ટ્રક, બસ વગેરે તથા વાહનવ્યવહારનાં સાધનોના તથા રેલવેના ડબા, મશીન ટૂલ, પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ, દવા, રસાયણ વગેરેનાં ઘણાં કારખાનાં નંખાયાં.

ચાંગચુન સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર છે. 1938માં જાપાની શાસન નીચે યુનિવર્સિટી સ્થપાઈ હતી. તેનું નવું સંસ્કરણ થયું છે. ‘ચાઇનીઝ એકૅડેમી ઑવ્ સાયન્સ’ની શાખા, નૉર્મલ યુનિવર્સિટી, ઔદ્યોગિક અને ખેતીવાડીની કૉલેજો અને અન્ય ટૅક્નિકલ સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો વગેરે સ્થપાયાં હતાં.

અઢારમી સદીના અંત સુધી તે નાનકડું ગામ હતું. અહીં શાન્તુંગ અને હોપેરે પ્રાંતમાંથી ચીની ખેડૂતોને વસાવવાથી તે આબાદ થયું. 1882માં તેને વહીવટી વિભાગનો સંપૂર્ણ દરજ્જો મળ્યો તે પહેલાં તે કીરીન શહેર હેઠળનો વહીવટી વિભાગ અને નાનું વેપારી કેન્દ્ર હતું. પૂર્વ ચીનમાં રેલવે શરૂ થતાં તેની આબાદી વધી.
1894–95માં જાપાને ચીનનો કેટલોક ભાગ જીતી લીધો અને જૂના શહેરની ઉત્તરે નવું શહેર વસ્યું. મંચુરિયાની રાજધાની મુકડેન હતી. તેને બદલે ચાંગચુન જાપાની કબજા હેઠળના મંચુરિયાની રાજધાની બન્યું. અને તેને નવું સિંગચીન નામ આપ્યું. તે ખુલ્લી જગ્યાવાળું અને વિશાળ રાજમાર્ગો ધરાવતું શહેર બન્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ શહેરને ખૂબ સહન કરવું પડ્યું હતું. માર્ચ 1946માં આ શહેર સામ્યવાદી શાસન નીચે મુકાયું અને 1948માં તે જિલિન પ્રાંતનું રાજધાનીનું શહેર બન્યું. 1948–1957 દરમિયાન ચાંગચુનનું ઔદ્યોગિક ઉત્પાદન ચોવીસગણું થઈ ગયું હતું.

શિવપ્રસાદ રાજગોર